1962ના યુદ્ધમાં ફસાઈ ગયેલા ચીનના પૂર્વ સૈનિક ન ભારતમાં રહી શકે, ન ચીન પાછા જઈ શકે

- લેેખક, વિષ્ણુકાંત તિવારી
- પદ, બીબીસી સંવાદદાતા
આઠ વર્ષ અગાઉ બીબીસીએ ચીનના સૈનિક વાંગ ચીની કહાણી દુનિયા સમક્ષ રજૂ કરી હતી. 1962ના ભારત-ચીન યુદ્ધ પછી વાંગ ચી ભારતમાં ફસાઈ ગયા હતા.
આ રિપોર્ટ પછી તેઓ પોતાના દીકરા સાથે ચીન ગયા હતા અને 55 વર્ષ પછી પોતાના પરિવારને મળ્યા હતા.
તેમના જીવનમાં સારો વળાંક આવ્યો છે એવું લાગતું હતું તેવામાં નવી સમસ્યા પેદા થઈ છે. ભારતમાં લગભગ છ દાયકા સુધી રહ્યા પછી 85 વર્ષના વાંગ ચીને સરકારે વિઝા વિવાદમાં ભારત છોડવાની નોટિસ આપી છે.
બીબીસીની ટીમે વિઝા મામલામાં ફસાયેલા અને ભારતમાંથી દેશનિકાલ થવાના ભય હેઠળ જીવતા વાંગ ચી અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
તેઓ પૂછે છે, "શું મને હવે ભારતમાંથી પણ કાઢી મૂકવામાં આવશે?"

85 વર્ષના વાંગ ચી છેલ્લા પાંચ દાયકા કરતાં વધુ સમયથી મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાના તિરોડી ગામમાં રહે છે.
તિરોડી ગામે પોતાના ઘરઆંગણામાં કેરીના ઝાડ નીચે બેઠેલા વાંગ ચીનો અવાજ ધ્રૂજે છે અને આંખો થાકેલી છે. તેઓ કહે છે, "હું 60 વર્ષથી ભારતમાં છું. શું હવે મને અહીંથી પણ કાઢી મૂકવામાં આવશે? હું ચીનમાં નથી. મારા જીવનનાં 60 વર્ષ મેં ભારતમાં વિતાવ્યાં છે. અહીં મારા બાળકો અને પરિવાર છે. શું મને ભારતમાં રહેવાનો અધિકાર નથી?"
તેમની આંખોમાં તેમની ચિંતા સ્પષ્ટ જોઈ શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમના દીકરા વિષ્ણુ વાંગે કહ્યું, "છઠ્ઠી મેએ અમને નોટિસ મળી કે પપ્પાના વિઝા એક્સપાયર થઈ ગયા છે. હવે કાં તો વિઝા રિન્યૂ કરવા પડે અથવા ભારત છોડવું પડે."
પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ છે. વિષ્ણુ પ્રાઇવેટ નોકરી કરે છે. તેઓ કહે છે. "10-15 હજાર રૂપિયાના પગારમાં પપ્પાની દવાઓ, બાળકોનું ભણતર અને કાનૂની ખર્ચની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે."
બાલાઘાટના એસપી નાગેન્દ્રસિંહે કહ્યું કે, "વિઝા રિન્યૂ નહીં થાય તો ફૉરેન ઍક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે."
વિઝા ઉપરાંત વાંગ ચીના પરિવારને બીજી વહીવટી મુશ્કેલીઓ પણ નડી રહી છે. તેમના પુત્ર વિષ્ણુ વાંગ કહે છે કે તેમનાં બાળકો માટે જાતિનું પ્રમાણપત્ર બનાવવું એક મોટો પડકાર છે.
વિષ્ણુ કહે છે, "અમારા જાતિના દાખલા માટે પૂછવામાં આવે છે કે તમારા પિતા ક્યાંના છે અને તેમની જાતિ કઈ છે? અમે કહ્યું કે અમારા પિતા ચીનના નાગરિક છે, તો કહેવામાં આવ્યું કે ચીનથી તમારા પિતાની જાતિનો દાખલો લઈ આવો. હવે ચીનથી કેવી રીતે લખાવીને લાવવું?"
આ મામલે જિલ્લા અધિકારીઓ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે "કાનૂની અડચણોના કારણે જાતિનો દાખલો તો નહીં બનાવી શકાય, પરંતુ પરિવારને બીજી જરૂરી મદદ કરવામાં આવશે."
છેલ્લા છ દાયકામાં વાંગ ચીએ ભારતમાં પોતાનાં મૂળ જમાવવાની કોશિશ કરી, પરંતુ તેઓ ક્યારેય સંપૂર્ણ રીતે સ્થિર થઈ ન શક્યા.
ચીનના સૈનિકમાંથી તિરોડી ગામના રાજબહાદુર બનવા સુધીની તેમની સફર સંઘર્ષભરી રહી છે.
ચીનના સૈનિક વાંગ ચી આખરે ભારત કેવી રીતે પહોંચ્યા?

વાંગ ચી મુજબ 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન તેઓ રસ્તો ભૂલીને ભારતની સરહદમાં આવી ગયા હતા.
વાંગ ચીએ જણાવ્યું કે તેમણે રેડ ક્રૉસની ગાડી પાસે મદદ માગી, પરંતુ તેમને ભારતીય સેનાને સોંપી દેવામાં આવ્યા. તેમના કહેવા મુજબ છ વર્ષ સુધી તેમને ભારતની અલગ-અલગ જેલોમાં રખાયા હતા.
1969માં ચંદીગઢ હાઇકોર્ટે તેમને જેલમાંથી મુક્ત કર્યા, પરંતુ ચીન પાછા જવાની મંજૂરી ન આપી. ત્યાર બાદ તેમને મધ્ય પ્રદેશના તિરોડી ગામે મોકલી દેવાયા.
પોતાના ઘરની બહાર નજર નાખતા વાંગ ચી કહે છે, "ક્યારેક વિચાર આવે છે કે એક ભૂલના કારણે મારી આખી જિંદગી બદલાઈ ગઈ."
તેઓ યાદ કરતા કહે છે, "પહેલાં હું દિલ્હીની જેલમાં હતો, ત્યાં એક-બે મહિના રાખ્યા પછી મને રાજસ્થાન મોકલી દેવાયો. ત્યાંથી ટ્રાન્સફર કરીને પંજાબની જેલમાં રાખવામાં આવ્યો."
વાંગ ચીના કહેવા મુજબ 1969માં તેમને ચંદીગઢ કોર્ટે જેલમાંથી મુક્તિ આપી, પરંતુ ચીન જવાની મનાઈ હોવાના કારણે તેમને ચંદીગઢથી 1000 કિલોમીટર દૂર ભોપાલ અને ત્યાંથી લગભગ 500 કિલોમીટર દૂર બાલાઘાટ જિલ્લાના તિરોડી ગામે મોકલી દેવામાં આવ્યા.
ત્યાંથી વાંગ ચીમાંથી 'રાજબહાદુર' બનવાની સફર શરૂ થઈ.
તિરોડીમાં નવી શરૂઆત, પરંતુ ચીનમાં રહી ગયેલો પરિવાર યાદ આવતો હતો

1969 સુધીમાં વાંગના જીવનમાં ઘણું બદલાઈ ગયું હતું. એક તરફ તેઓ નવા દેશ, એટલે કે ભારતમાં નવું જીવન સ્થાપવાના પ્રયાસ કરતા હતા. બીજી તરફ ચીનમાં છૂટી ગયેલા પોતાના પરિવાર અને પોતાની માતાને એક વખત મળવાની કોશિશ પણ કરતા હતા.
ધીમે ધીમે તિરોડીના લોકોએ વાંગ ચીને સ્વીકારી લીધા. શરૂઆતમાં તેમને એક લોટની મિલમાં નોકરી મળી. ત્યાર પછી તેમણે પોતાની કરિયાણાની દુકાન શરૂ કરી.
જે લોટની મિલમાં તેઓ કામ કરતા હતા, તે દુકાનના માલિકે તેમને 'રાજબહાદુર' નામ આપ્યું હતું.
વાંગ કહે છે, "ભારતમાં સેટલ થઈ રહ્યો હતો ત્યારે તિરોડીમાં મિત્રોએ લગ્ન કરવાનું દબાણ શરૂ કર્યું. તેઓ ઇચ્છતા હતા કે મારો કોઈ જીવનસાથી હોય."
મિત્રોના દબાણ અને ભારતમાં પોતાની સ્થિતિ સુધારવા વાંગે 1974માં તિરોડીના સ્થાનિક રહેવાસી સુશીલા સાથે લગ્ન કર્યાં.
પડોશીએ તેમને 'જીજાજી' કહીને બોલાવવા લાગ્યા. વાંગ પણ ધીમે ધીમે પોતાની જિંદગીને પાટે ચઢાવવા કોશિશ કરવા લાગ્યા.
તેમના પડોશી કહે છે. "ચીનથી કોઈ વ્યક્તિ તિરોડી આવે તે અજાયબી જેવી વાત હતી. અમે લોકો જોવા આવતા કે ચીનથી આવેલો માણસ કેવો દેખાય છે."
બીજી તરફ ચીન પાછા જવા અને માતાને મળવા માટે વાંગના પ્રયાસો ચાલુ હતા.
2013માં તેમને પહેલી વખત સફળતા મળી જ્યારે ચીને વાંગ ચીને પોતાના નાગરિક માનીને તેમને પાસપૉર્ટ આપ્યો.
2017માં ચીનનો પ્રવાસઃ માતાની કબર પર જઈને રડ્યા

ચાઇનીઝ પાસપૉર્ટ મળ્યા પછી પણ વાંગ પોતાની માતાને મળવા જઈ શકતા ન હતા.
ચાર વર્ષ પછી 2017માં બીબીસીએ તેમની કહાણી દુનિયા સમક્ષ રજૂ કરી ત્યારે વાંગને ચીન જવાની તક મળી.
તેમણે ત્યાં પોતાના પરિવારની મુલાકાત લીધી, પરંતુ ત્યાં સુધીમાં તેમના માતાનું નિધન થઈ ગયું હતું.
માતાને યાદ કરતી વખતે વાંગ ભાવુક થઈ જાય છે. તેઓ કહે છે, "હું છેલ્લી ઘડીમાં માતાને મળી ન શક્યો. હું ચીન પહોંચ્યો ત્યારે ગામના લોકોએ કહ્યું કે મારી માતા આખી જિંદગી મારી રાહ જોતી રહી. અંતિમ સમયે મને યાદ કરીને રડતી રહી અને ગુજરી ગઈ."
વિષ્ણુ જણાવે છે કે, "માતાને ન મળી શકવાનું દુખ પપ્પાને હજુ પણ છે. તેઓ આને યાદ કરીને રડી પડે છે."
બીબીસીમાં 2017માં સમાચાર છપાયા પછી વાંગ ચી વિશે ભારત અને ચીને ઝડપી પ્રતિભાવ આપ્યો.
વાંક 50 વર્ષ પછી પહેલી વખત ચીન જઈ શક્યા, પોતાના પરિવારને મળી શક્યા, પરંતુ તેમની ખુશી લાંબો સમય ન ટકી.
વાંગ ચી પરિવારને મળીને પાછા આવ્યા તો થોડા જ મહિનામાં તેમનાં પત્નીનું નિધન થયું.
ન ચીન જઈ શકાય, ન ભારતમાં રોકાઈ શકાય

ચીન પરત જવાનું સપનું પૂરું થયું, પરંતુ આઠ વર્ષ પછી ભારતમાં તેમનો પરિવાર ફરી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે.
હવે વાંગ ભારતમાં પણ કાયમી રહી શકે તેમ નથી અને ચીન પણ પાછા જઈ શકતા નથી.
વાંગ માટે કાયમ માટે ચીન પરત જવાનું પણ શક્ય નથી. તેમણે કહ્યું કે સેનામાં નોકરીને લઈને ચીનમાં એક આંતરિક તપાસ ચાલુ છે.
બીજી તરફ ભારતમાં પોતાના સંતાનો અને પૌત્રો-દોહિત્રોને છોડીને જવું પણ તેમના માટે શક્ય નથી.
તેમની 85 વર્ષની ઉંમર અને પરિવારની નબળી આર્થિક હાલતે તેમની સ્થિતિ વધારે મુશ્કેલ કરી દીધી છે.
વાંગ ચી ફરી સવાલ કરે છે, "હું ચીનમાં નથી. ભારતમાંથી પણ કાઢી મૂકવામાં આવી શકે છે, તો પછી હું કયા દેશનો નાગરિક છું? હવે મારે ક્યાં જવું?"
તેમના પુત્ર વિષ્ણુ વાંગ કહે છે કે, "પપ્પાને તેમનો ચીનનો પરિવાર મળી ગયો અને ભારતમાં તો અમે છીએ જ. પરંતુ તેઓ ઘણી વખત કહે છે કે મારું ઘર ભારતમાં છે કે ચીનમાં? બે આટલા મોટા દેશોના તંત્ર અને સરકાર તેમને ઘર અપાવી શક્યા નથી."
વાંગ ચી બે દેશોની વચ્ચે પોતાના અસ્તિત્વ અને પોતાના ઘરની શોધમાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












