ગુજરાત : 'શાળાએ ક્યારેય ગયા નથી, દસ્તાવેજો ક્યાંથી લાવવા?', મતદારયાદીમાં નામની રાહ જોતો સમુદાય

ઇમેજ સ્રોત, Pavan Jaishwal
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
શિયાળાની સવાર છે. અમદાવાદની સલાટ વસાહતમાં લોકો પૉલિથિનની ચાદરોથી બનેલા નાનકડા ઝૂંપડા બહાર તાપણાની આસપાસ બેઠા છે, તેઓ સૂર્યોદય પહેલાં જ ઊઠી જાય છે.
પુરુષો અને મહિલાઓ દાતણ કરતાં નજરે પડે છે. ગુજરાત સહિત દેશનાં 12 રાજ્યોમાં ચલાવાતી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)થી અજાણ આ વિચરતી જનજાતિની વસાહતમાં સૂર્યનાં પહેલાં કિરણો તેમના સુધી પહોંચે તેની સાથે જ તેઓ વધુ એક દિવસ જીવનનો સંઘર્ષ કરવા માટે તૈયાર થાય છે.
દરરોજની જેમ, પુરુષો ખભા પર ધાબળા લઈને આસપાસની વસાહતોમાં તેને વેચવા માટે ફરશે. દિવસના અંતે રૂ. 150થી 200 જેટલી કમાણી કરીને પરત ફરશે. એક વિસ્તારમાં વેચાણ પૂરું થાય પછી તેઓ ગુજરાન માટે બીજી વસાહતમાં ખસી જાય છે.
આમાંથી ઘણા લોકોએ 2010 પછી મતદાન શરૂ કર્યું છે, જ્યારે કેટલાક લોકોએ આજ સુધી મતદાનમથક પણ જોયું નથી, કારણ કે તેમણે ક્યારેય મતદાન કર્યું જ નથી. તેનું મુખ્ય કારણ દસ્તાવેજોની અછત છે.
સલાટ સમુદાયના વિચરતા સ્વભાવને કારણે આજે પણ તેમની પાસે મતદાર કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો નથી. જેમને મળ્યા છે, તેમને પણ 2010માં મળ્યા, એટલે કે 2002માં શરૂ થયેલી છેલ્લી એસઆઇઆર પ્રક્રિયા બાદ લગભગ આઠ વર્ષ પછી.
વિચરતી-વિમુક્ત જનજાતિનો દસ્તાવેજો માટેનો સંઘર્ષ
છેલ્લી એસઆઇઆર પ્રક્રિયા 2002થી શરૂ થઈને 2004 સુધી ત્રણ વર્ષ ચાલી હતી, પરંતુ આ સમયગાળા દરમિયાન સલાટ જેવા વિચરતા સમુદાયોને મતદાર કાર્ડ કે મતદારયાદીમાં નામ જેવી કોઈ સરકારી સુવિધા મળી નહોતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે એસઆઇઆર પ્રક્રિયા 1952, 1957, 1961, 1965-66, 1983-84, 1987-89, 1992, 1993, 1995 અને 2002-2004 દરમિયાન યોજાઈ હતી.
પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે વિચરતી અને વિમુક્ત જનજાતિઓ દાયકાઓ સુધી સરકારના રેકૉર્ડમાં અસ્તિત્વ જ ધરાવતી નહોતી. ભારતના આ સમુદાયોની સામાજિક-આર્થિક સ્થિતિનો અભ્યાસ કરવા માટે 2005માં બાલકૃષ્ણ રેણકેની અધ્યક્ષતામાં પ્રથમ કમિશનની રચના કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2008માં રજૂ થયેલા અહેવાલમાં કમિશને જણાવ્યું હતું કે આ જનજાતિઓને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની તુલનામાં બંધારણીય સુરક્ષા મળતી નથી.
સમુદાયના નેતાઓ કહે છે કે કમિશનની નોંધ બાદ અને 2010માં શરૂ થયેલી આધાર કાર્ડ આપવાની કેન્દ્રીય સરકારની રાષ્ટ્રીય અભિયાન પછી જ આ વર્ગના મોટા પ્રમાણમાં લોકોને સરકારી ઓળખપત્રો મળવાં લાગ્યાં અને ત્યાર બાદ મતદાર કાર્ડ પણ મળ્યાં.
ભારતના ચૂંટણીપંચ મુજબ, નવેમ્બર 2025માં શરૂ થયેલી એસઆઇઆર પ્રક્રિયા ફેબ્રુઆરી 2026માં અંતિમ મતદારયાદી બહાર પાડવામાં આવે ત્યાં સુધી ચાલશે.
પરંતુ ગુજરાતમાં પ્રથમ ડ્રાફ્ટ જાહેર થયા બાદ આશંકા મુજબ વિમુક્ત જનજાતિના ઘણા લોકોનાં નામ યાદીમાં નથી.
'અમારા મતાધિકારનું હવે શું થશે, એ અમને ખબર નથી'

ઇમેજ સ્રોત, Kushal Batunge
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજેશ રાજભોઈ વિમુક્ત રાજભોઈ જનજાતિના છે, તેઓ કાન સાફ કરવાનું કામ કરે છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "અમારી આખી વસાહતમાં એક પણ વ્યક્તિનું નામ પ્રથમ ડ્રાફ્ટમાં નથી. અમે 2002માં મતદાર જ નહોતા. અમે ક્યારેય શાળાએ ગયા નથી. અમારી પાસે પાસપૉર્ટ કે અન્ય કોઈ દસ્તાવેજ નથી. અમારા મતાધિકારનું હવે શું થશે, એ અમને ખબર નથી."
સલાટ સમુદાયની સ્થિતિ પણ એવી જ છે. સમુદાયના નેતા હમીર સલાટે બીબીસી ગુજરાતીને કહ્યું,
"અમારા પરિવારમાં 15 સભ્ય છે. હું કે મારાં બાળકો કોઈ શાળાએ ગયાં નથી. અમારા પરિવારના આઠ સભ્યો પાસે જન્મદાખલો, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ કે જાતિ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો નથી, માટે કોઈનું નામ આ યાદીમાં નથી."
આ જ રીતે, 35 વર્ષીય સંજય સલાટે કહ્યું, "હું, મારા પિતા કે અમારા પરિવારમાં કોઈએ ક્યારેય મતદાનમથક જોયું નથી. આજેય અમારી પાસે કોઈ દસ્તાવેજ નથી. અમે સતત ફરતા રહેતા હતા એટલે દસ્તાવેજ બનાવવાનું વિચાર્યું જ નહીં. હવે ઘણા લોકો કહે છે કે મતદાર કાર્ડ નહીં હોય તો અમને નાગરિક માનવામાં નહીં આવે. આવું કોઈ અમારી સાથે કેવી રીતે કરી શકે?"
સંજય પોતાનાં માતાપિતા અને પત્ની સાથે રહે છે અને ધાબળા વેચે છે. તેમના સમુદાયની મહિલાઓ ઘર પર રહે છે, જ્યારે તેમના જેવા પુરુષો ગામેગામ ફરીને વેપાર કરે છે.
ચૂંટણીપંચની માર્ગદર્શિકા અને સમુદાય

ઇમેજ સ્રોત, AFP via Getty Images
ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ, જેમનું નામ 2025ની મતદારયાદીમાં છે, તેમણે 2002ની મતદારયાદીમાં પોતાના નામનો ક્રમાંક આપવો પડશે. જેમનું નામ નથી, તેઓ પોતાનાં માતાપિતા અથવા દાદા-દાદીના ક્રમાંક આપી શકે છે અથવા સરકાર દ્વારા માન્ય 11 દસ્તાવેજોમાંથી કોઈ એક રજૂ કરી શકે છે.
એ 11 દસ્તાવેજોની યાદી અહીં છે.આમાં જાતિ પ્રમાણપત્ર, જન્મનો દાખલો, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, કોઈ પણ સરકારી અથવા પીએસયુ દ્વારા આપવામાં આવેલું ઓળખપત્ર, પાસપૉર્ટ અથવા સરકારી યોજનાના લાભાર્થી હોવાનો પુરાવો સામેલ છે.
મિત્તલ પટેલ 'વિચરતા સમાજ સમર્થન મંચ' (વીએસએસએમ) નામની સંસ્થાનાં સ્થાપક છે અને છેલ્લા બે દાયકાથી આવા સમુદાયોના સમાવેશ માટે કામ કરી રહ્યાં છે.
2004–05માં આ સમુદાયોને પ્રથમ વખત મતદાર કાર્ડ અપાવવાની તેમની ઝુંબેશ થકી ઘણા લોકોને મતદાર કાર્ડ મળ્યાં હતાં.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કાર્યકર મિત્તલ પટેલે કહ્યું, "મોટા ભાગના લોકો ક્યારેય શાળાએ ગયા જ નથી, તો આવા દસ્તાવેજો ક્યાંથી લાવે? અન્ય દસ્તાવેજોની તો વાત જ શું કરવી. તેમનાં બાળકો પાસે પણ આવા દસ્તાવેજો નથી."
તેમણે કહ્યું, "અમે આ સમુદાયોના પરિવારમાં પહેલી વખત મતદાર કાર્ડ અપાવવાનું કામ શરૂ કર્યું હતું. મારી જાણ મુજબ 2002ની મતદાર યાદીમાં તેમનું નામ હોવું ખૂબ જ મુશ્કેલ છે."
ભટકતું જીવન અને દસ્તાવેજો શોધવામાં મુશ્કેલી

ઇમેજ સ્રોત, Pavan Jaishwal
બીબીસીએ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં વિમુક્ત અને વિચરતી જનજાતિના ઓછામાં ઓછા સાત વિસ્તારોની મુલાકાત લીધી. તેમાં છારા, ડાફર, સાંસી, રાજભોઈ, દેવીપૂજક અને પારધી જેવી વિમુક્ત જનજાતિઓ તેમજ સલાટ, કાલબેલિયા વાદી, મદારી અને સરાણિયા જેવી વિચરતી જનજાતિઓ સામેલ હતી.
બીબીસીને જાણવા મળ્યું કે મોટા ભાગના લોકો 2002ની મતદારયાદીમાં પોતાનું નામ શોધવામાં નિષ્ફળ રહ્યા છે. સાથે સાથે લગભગ તમામ સમુદાયોને 11 દસ્તાવેજોમાંથી કોઈ એક રજૂ કરવામાં મુશ્કેલી પડી. જોકે અમદાવાદના છારાનગરમાં સ્થિતિ એટલી ગંભીર નહોતી.
બીબીસી સાથે વાત કરતાં અમદાવાદના છારાનગરમાં વિમુક્તા ટ્રસ્ટના ટ્રસ્ટી અને કાર્યકર અતીશ ઇન્દ્રેકરે કહ્યું, "બ્રિટિશરોએ 1920ના દાયકામાં છારા વિમુક્ત જનજાતિને અહીં વસાવી હતી. અમારા પૂર્વજોએ દાયકાઓ પહેલાં મતદાન શરૂ કર્યું હતું, એટલે અમને અન્ય વિસ્તારો જેટલી મુશ્કેલી નથી."
પરંતુ તેમણે ઉમેર્યું, "ઘણી વિમુક્ત અને વિચરતી જનજાતિઓ દાયકાઓ સુધી મુખ્ય પ્રવાહથી દૂર રહી અને માત્ર ગુજરાન માટે શહેરોમાં આવી. પરિણામે તેમની પાસે કોઈ ઓળખ નહોતી. આધાર કાર્ડ અભિયાન શરૂ થયા પછી જ તેમને ઓળખ મળી, જેના આધારે પછી રૅશન કાર્ડ અને મતદાર કાર્ડ મળી શક્યા."
બીબીસીએ આ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર તથા અન્ય અધિકારીઓને ઇમેઈલ મોકલ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. જવાબ મળશે તો અહીં ઉમેરવામાં આવશે.

ઇમેજ સ્રોત, Pavan Jaishwal
દેશમાં પ્રથમ આધાર કાર્ડ 2010માં જારી થયું હતું, જે છેલ્લી એસઆઇઆર પ્રક્રિયા શરૂ થયાના લગભગ આઠ વર્ષ પછી હતું. તેથી અતીશ ઇન્દ્રેકર માને છે કે વિમુક્ત જનજાતિના મોટા ભાગના લોકો 2002ની મતદારયાદીમાંથી બહાર રહી ગયા.
મધ્ય પ્રદેશના ભોપાલની બંજારી બસ્તીમાં રહેતી બારખા પારધીએ બીબીસીને કહ્યું, "2010 સુધી અમારી પાસે રહેવા માટે સ્થિર જગ્યા નહોતી. હવે અમારું ઘર છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી અમે મતદાન કરીએ છીએ, પરંતુ 2002માં અમે ક્યાં રહેતા હતા તે જ અમને ખબર નથી, એટલે અમારાં નામ તે યાદીમાં નથી."
આ જ રીતે, અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી એક વિમુક્ત અને વિચરતી જનજાતિ વસાહતમાં માત્ર 10 ટકા લોકો સુધી જ ઇન્યુમરેશન ફૉર્મ પહોંચ્યા, કારણ કે આટલા લોકોનાં નામ જ યાદીમાં હતાં, જ્યારે બાકીના લોકોએ ક્યારેય મતદાન કર્યું જ નથી. અહીં દેવીપૂજક, મદારી અને નટ સમુદાયના લોકો રહે છે.
આ વિસ્તારના આગેવાન નટુભાઈ મદારી કહે છે, "ઘણા લોકોએ ક્યારેય મતદાન કર્યું નથી. અમે છેલ્લાં 40 વર્ષથી અહીં વસેલા છીએ, પરંતુ ગુજરાન માટે ફરતા રહેતા હોવાથી અમારાં નામ કોઈ મતદારયાદીમાં નહોતા — 2002ની તો વાત જ શું."
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા રાજભોઈ, બૈરાગી અને સાંસી વિમુક્ત જનજાતિના એક જૂથને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વૈકલ્પિક રહેઠાણ મળ્યું હતું. સાંસી સમુદાયના સભ્ય શ્યામ સાંસીએ બીબીસીને કહ્યું, "2002ની મતદારયાદીમાં અમારાં નામ નથી, પરંતુ અમને સરકાર તરફથી મળેલા મકાનના ઍલોટમેન્ટ લેટર છે. તેથી અમને કહેવામાં આવ્યું છે કે નવી મતદારયાદીમાં અમારાં નામ સામેલ થશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












