ભાજપને નવા પ્રમુખ પસંદ કરવામાં વાર કેમ લાગી રહી છે?

અમિત શાહ, નરેન્દ્ર મોદી(વચ્ચે) અને જે.પી.નડ્ડા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અમિત શાહ, નરેન્દ્ર મોદી (વચ્ચે) અને જે.પી.નડ્ડા
    • લેેખક, અભિનવ ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય પ્રમુખ કોણ હશે? પાર્ટીના પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાનો કાર્યકાળ સંપન્ન થઈ ગયો છે. રાજકીય ગલીઓમાં ચોતરફ આ સવાલની ચર્ચા થઈ રહી છે.

મીડિયા અહેવાલો મુજબ રવિવારે દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથસિંહના ઘરે આ વિશે ગહન મંથન પણ થયું હતું.

અહેવાલોનું માનીએ તો આ બેઠકમાં રાજનાથસિંહ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ મહાસચિવ બી.એલ. સંતોષ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ) તરફથી મહાસચિવ દત્તાત્રેય હોસબોલે તેમજ સંયુક્ત મહાસચિવ અરુણકુમાર હાજર હતા.

આ પદ માટે મહિનાઓથી ઘણા નેતાનાં નામ રેસમાં છે, છતાં કલાકો ચાલેલી આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં પણ કોઈના નામ પર કળશ ઢોળાયાના સમાચાર આવ્યા નથી.

એવામાં મોટો સવાલ એ ઊભો થાય છે કે ભાજપને પોતાના નવા રાષ્ટ્રીય પ્રમુખ પસંદ કરવામાં આટલી વાર કેમ લાગી રહી છે?

શું ફરી એક વખત જે.પી. નડ્ડાનો કાર્યકાળ વધારવામાં આવશે? શું ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ) વર્ગમાંથી કોઈ નવો ચહેરો આ પદ પર જોવા મળશે?

ચાર રાજ્યોની ચૂંટણી કારણભૂત છે?

નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભાજપ, જેપી નડ્ડા, ભાજપ પ્રમુખ

ઇમેજ સ્રોત, Getty Images

દેશમાં ચાર રાજ્યો મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ–કાશ્મીરમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. તેમાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની જાહેરાત થઈ ગઈ છે.

વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રીનું માનવું છે કે, ચૂંટણીઓને જોતા ભાજપ પોતાની હાલની સ્થિતિ કાયમ રાખવા માગે છે, કારણ કે જે.પી. નડ્ડા સાથે સરકારનું એક સામંજસ્ય એટલે કે કમ્ફર્ટ લેવલ સારું છે.

તેઓ કહે છે કે, “ચૂંટણીને આડે બે મહિના છે. એવામાં પ્રમુખપદે કોઈ નવી વ્યક્તિને બેસાડવાથી મુશ્કેલી વધશે, કારણ કે ચીજોને સમજતા તેને ઘણી વાર લાગી શકે છે. એવું નથી કે પાર્ટી પાસે નામ નથી, તેઓ સ્થિતિ યથાવત્ રાખવા માગે છે અને રાજ્યોની ચૂંટણી પૂરી થઈ જાય એવું ઇચ્છે છે.”

બીજી તરફ વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદીનો મત અલગ છે. તેમનું કહેવું છે કે, ચાર રાજ્યોની ચૂંટણી અને પ્રમુખપદ સાથે ખાસ કશું લાગતું વળગતું નથી.

વિજય ત્રિવેદી કહે છે કે, “ભાજપના બંધારણ મુજબ જે વ્યક્તિ ઓછામાં ઓછી 15 વર્ષથી પાર્ટીની સભ્ય હોય તે જ પ્રમુખ બની શકે છે. એવામાં જે પણ વ્યક્તિ આવશે તે સંગઠનને તો પહેલેથી જાણતી જ હશે. ફક્ત જવાબદારી બદલાશે, તેથી નવી વ્યક્તિને સંગઠનને સમજવામાં બહુ વાર નહીં લાગે.”

તેઓ કહે છે કે, “ભાજપ એ પ્રાદેશિક પાર્ટીઓ જેવો નથી. માયાવતી, અખિલેશ યાદવ, સ્ટાલિન જેવા નેતાઓની પાર્ટીઓમાં પ્રમુખ એક બૉસની જેમ કામ કરે છે. એવું ભાજપમાં નથી. અહીં એક માળખું છે જેના પ્રમુખ સમયાંતરે બદલાય છે.”

સંઘની દરમ્યાનગીરી કારણ બની?

નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભાજપ, જેપી નડ્ડા, ભાજપ પ્રમુખ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સંઘપ્રમુખ મોહન ભાગવત

2014માં નરેન્દ્ર મોદીએ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી ત્યારે અમિત શાહને ત્રણ વર્ષ માટે પાર્ટી પ્રમુખ બનાવાયા હતા. 2017માં ફરી ત્રણ વર્ષ માટે અમિત શાહને તે પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા. તે પછી 2020માં જે.પી. નડ્ડા પાર્ટીના પ્રમુખ બન્યા હતા.

વિજય ત્રિવેદી કહે છે કે, “છેલ્લાં દસ વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોટે ભાગે પોતાની મરજીથી પાર્ટીના પ્રમુખ નક્કી કર્યા છે, પણ હવે સ્થિતિ બદલાઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે.”

તેઓ કહે છે કે, “બેઠકમાં સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે અને સહસરકાર્યવાહ અરુણકુમારની હાજરીમાં પ્રમુખપદ માટે મંથન થઈ રહ્યું હોય તો સંઘ પોતાની ઢબે નવા પ્રમુખને જોવા ઇચ્છે છે.”

ત્રિવેદી કહે છે કે, “જોકે, આરએસએસ ક્યારેય પોતાની રીતે સીધું કોઈનું નામ નથી આપતો, પણ જે નામ મળે છે તેના પર પોતાનો મત જરૂર દે છે અને અહીં મત એ કોઈ આદેશથી કમ નથી હોતો.”

જે.પી. નડ્ડાની રાજકીય સફર

નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભાજપ, જેપી નડ્ડા, ભાજપ પ્રમુખ

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વરિષ્ઠ પત્રકાર નવીન જોષી માને છે કે કોઈ એક નામ પર ભાજપ અને સંઘ વચ્ચે સહમતિ નથી બની રહી.

તેઓ કહે છે કે, “ભાજપ એ દૌરમાં પહોંચી ગયો છે જ્યાં ક્યારેક ઇંદિરા ગાંધીના વખતમાં કૉંગ્રેસ હતી. ભાજપમાં નિર્વિવાદપણે નરેન્દ્ર મોદી અને અમિત શાહનું વર્ચસ્વ છે, જે 2024નાં ચૂંટણી પરિણામો પછી થોડું ઓછું થયું છે. એવું હોઈ શકે કે તેમને જે લોકો પસંદ ન હોય તેઓ સંઘની મદદથી દાવેદારી કરી રહ્યા હોય અને તેથી જ વાર લાગી રહી હોય.”

નરેન્દ્ર મોદીની આગેવાનીમાં 2014માં 282 બેઠકો અને 2019ની લોકસભા ચૂંટણીમાં 303 બેઠકો જીતવાવાળી પાર્ટી આ વખતે 240 પર સમેટાઈ ગઈ છે.

હેમંત અત્રી માને છે કે, ઘટેલા જનાધારને કારણે આ વખતે ભાજપ પર પાર્ટી પ્રમુખપદ માટે દબાણ ઊભું થઈ રહ્યું છે. અગાઉ આવું દબાણ નહોતું.

તેઓ કહે છે કે, “ચાર રાજ્યનાં ચૂંટણી પરિણામો ભાજપ પ્રમુખપદની ચૂંટણીમાં આર.એસ.એસ.ની ભૂમિકા પણ નક્કી કરશે.”

અત્રીનું માનવું છે કે, “જો પરિણામો અમિત શાહ અને નરેન્દ્ર મોદીની અનુકૂળતા મુજબનાં આવ્યાં તો ભાજપના પ્રમુખ અલગ હશે અને જો તેમની અનુકૂળતા મુજબનાં ન આવે તો અલગ હશે, જેમાં સંઘની દખલ હશે.”

ભાજપ અને સંઘમાં મતભેદ?

રાજનાથસિંહ, નરેન્દ્ર મોદી અને જે.પી.નડ્ડા

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 2024નાં ચૂંટણી પરિણામ પછી રાજનાથસિંહ, નરેન્દ્ર મોદી અને જે.પી.નડ્ડા

રાજકીય જાણકારોનું કહેવું છે કે 2019 પછી ભાજપ અને સંઘ વચ્ચે ટકરાવ વધ્યો છે, જેના લીધે સ્થિતિ જટિલ બની છે.

નવીન જોષી કહે છે કે, “ભાજપ મૂળે સંઘનો રાજકીય એકમ છે. સંઘની સર્વોચ્ચ સંસ્થા છે પણ 2019 પછી તેની સર્વોચ્ચતા પર સવાલ ઊભા થયા છે અને સંઘ તેને ફરી સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યો છે.”

તેઓ કહે છે કે, “2014માં નરેન્દ્ર મોદીને ધારણા બહારની બહુમતી મળી હતી. ભાજપ અને સંઘને પણ એવી આશા નહોતી. 2019માં એથીય વધારે બહુમતી મળી, જેણે સંઘને પડદા પાછળ મૂકી દીધો હતો.”

“કલમ 370, સમાન નાગરિક ધારો અને રામમંદિર મૂળે સંઘના ઍજન્ડા છે, પણ નરેન્દ્ર મોદી કર્તાહર્તા બની ગયા, કેમ કે ચારે તરફ તેઓ જ દેખાઈ રહ્યા છે. તેમની અધિકારવાદી અને અધિનાયકવાદી પ્રવૃત્તિ સંઘને ખૂબ ખૂંચી અને 2019 પછી તે વધારે પીડવા લાગી.”

લાલકૃષ્ણ અડવાણી સૌથી લાંબો સમય ભાજપના પ્રમુખ રહ્યા હતા.

  • 1986 – 1990
  • 1993 – 1998
  • 2004 - 2005

જોષી કહે છે કે, "2014માં સંઘે રાજ્ય અને કેન્દ્રમાં પોતાના પ્રતિનિધિ રખાવ્યા હતા. તેઓ સરકારમાં રહીને સંઘનો ઍજન્ડા ચલાવતા હતા. મેં ઉત્તર પ્રદેશમાં જોયું કે સંઘના જૂના પ્રચારકોને વિશેષ કાર્યાધિકારી બનાવીને મંત્રીઓ સાથે જોતરવામાં આવ્યા હતા. 2019 પછી તેમને હઠાવવામાં તો ન આવ્યા પણ તેમનો પ્રભાવ ખતમ કરી દેવામાં આવ્યો હતો. તે બાબત પણ સંઘને પસંદ નહોતી આવી."

આવી જ વાત વિજય ત્રિવેદી પણ કહે છે. તેઓ કહે છે કે, “રાજ્યથી લઈને કેન્દ્ર સુધી સંઘ તરફથી લોકો આવે છે. આજની તારીખે બી.એલ. સંતોષ સંગઠન મહાસચિવ છે જે સરકાર અને સંગઠન બંનેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેથી મને લાગે છે કે સરકારમાં સંઘની સીધી ભૂમિકા છે.”

વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા કહે છે કે, આંતરિક ખટરાગને ખતમ કરવા માટે સમયાંતરે સંઘ અને ભાજપ વચ્ચે સમન્વય બેઠક યોજાય છે.

તેઓ કહે છે કે, “નડ્ડાજીએ ચૂંટણી દરમ્યાન કહ્યું હતું કે હવે અમે મોટા થઈ ગયા છીએ. બાળપણમાં અમને સંઘની જરૂર પડતી હતી. હવે ભાજપ પોતે જ એટલો મોટો પક્ષ થઈ ગયો છે કે તેને સંઘની મંજૂરી કે સહયોગની જરૂર નથી હોતી. પણ આ બધી કહેવા ખાતરની વાતો છે. જો એવું જ હોય તો બી.એલ. સંતોષ સંગઠન મહાસચિવ ન હોત.”

પ્રમુખપદની રેસમાં કોણ કોણ છે?

નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભાજપ, જેપી નડ્ડા, ભાજપ પ્રમુખ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, વિનોદ તાવડે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં ચાર દાયકાથી સક્રિય છે.

ભાજપના બંધારણ અનુસાર ઓછામાં ઓછા પચાસ ટકા રાજ્યોમાં સંગઠનની ચૂંટણી થયા પછી જ રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી થઈ શકે છે.

શરદ ગુપ્તા કહે છે કે, “ભાજપનું કહેવું છે કે પાર્ટીના રાજ્યના એકમો લોકસભા ચૂંટણીમાં વ્યસ્ત હતા. તેથી ત્યાં ચૂંટણી થવામાં મોડું થયું, જેની અસર પ્રમુખપદની ચૂંટણી પર થઈ છે.”

તેઓ કહે છે, “કોઈ એક નામ પર ભલે સંઘ અને ભાજપ વચ્ચે સહમતિ ન બની રહી હોય પણ આશા છે કે ઑગસ્ટના અંત સુધીમાં કાર્યવાહક પ્રમુખ બનાવી દેવાશે.”

ગુપ્તા કહે છે કે, “સંઘ, શિવરાજસિંહ ચૌહાણને પાર્ટી પ્રમુખ બનાવવા માગતો હતો, પણ નરેન્દ્ર મોદીએ તેમને મંત્રીમંડળમાં લઈ લીધા. આ ઉપરાંત, વિનોદ તાવડે, દેવેન્દ્ર ફડણવીસ અને સુનીલ બંસલમાંથી કોઈને પણ આ મોટી જવાબદારી આપી શકે છે.”

પ્રમુખ કોણ હશે? એ સવાલના જવાબમાં હેમંત અત્રી કહે છે કે, “નરેન્દ્ર મોદી અને અમિત શાહના દૌરમાં નામ પર વાત કરવું યોગ્ય નથી અને એનાથી બચવું જોઈએ.”

તેઓ કહે છે કે, “એક મહિના અગાઉ વિનોદ તાવડેનું નામ ચલાવાયું હતું કે મહારાષ્ટ્રમાં ફાયદો થશે, પણ આંતરિક સર્વેમાં એવું કશું બહાર ન આવ્યું. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીનાં પરિણામો પણ સારાં આવ્યાં નથી. વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું નામ પણ ચાલ્યું હતું અને પછી ફડણવીસનો પણ ઉલ્લેખ પણ થયો.”

નવીન જોષી કહે છે કે, ત્રીજી વખત સરકાર રચાઈ ત્યારે એવી વાત ચલતી હતી કે અમિત શાહને ફરી પ્રમુખ બનાવાશે, પણ તેમને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું.

રાજકીય જાણકાર લોકો આ રેસમાં હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર, ધર્મેન્દ્ર પ્રધાન, કેશવપ્રસાદ મૌર્ય જેવા નેતાનાં નામ પણ બોલે છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ

જગત પ્રકાશ નડ્ડા

2020 - 2023

અમિત શાહ

2014 - 2020

રાજનાથસિંહ

2005 – 09, 2013-14

નીતિન ગડકરી

2010 - 2013

જૂન 2019માં જે.પી. નડ્ડાને કાર્યકારી પ્રમુખ અને જાન્યુઆરી 202૦માં પૂર્ણ સમયના પ્રમુખ બનાવાયા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવાયો હતો. ત્રીજી વખત વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ તેમને આરોગ્યમંત્રી બનાવ્યા. ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દોનો નિયમ પણ છે. તેથી તેમણે પ્રમુખપદ છોડવું પડશે.

તેમના કાર્યકાળમાં અંદાજે એક ડઝન કરતાં વધારે રાજ્યોમાં ચૂંટણી થઈ હતી. જેમાં કેટલાંક રાજયોમાં ભાજપ જીત્યો અને ક્યાંક હાર્યો.

હેમંત અત્રી કહે છે કે, “નડ્ડાના કાર્યકાળમાં ભાજપ પાસે સફળતા ઓછી અને અસફળતા વધારે છે. તેમના આવ્યા પછી પાર્ટી તમામ મોટાં રાજ્યોમાં હારી છે, જેમાં તેમનું ગૃહરાજ્ય હિમાચલ પ્રદેશ પણ સામેલ છે. ઉપરાંત ભાજપને કર્ણાટકમાં પણ હાર ખમવી પડી હતી.”

તેઓ કહે છે કે, “જે.પી. નડ્ડાના કાર્યકાળમાં જ ભાજપ કેન્દ્રમાં 240 બેઠકો પર આવી ગયો અને તેમણે નીતીશકુમાર અને ચંદ્રબાબુ નાયડુનો સહારો લેવો પડ્યો છે.”

બીજી તરફ વિજય ત્રિવેદી માને છે કે કેટલીક ચૂંટણી હારવા છતાં જે.પી. નડ્ડાનો કાર્યકાળ ખૂબ સારો રહ્યો છે.

તેઓ કહે છે કે, “જ્યારે સરકાર અને સંગઠન સાથે ચાલતાં હોય ત્યારે સંગઠનમાં કેટલાક લોકો નારાજ પણ થાય છે, કેમ કે દરેકને સંગઠનમાંથી સરકારમાં જવું હોય છે. એવામાં સંતુલન બનાવી રાખવું પડતું હોય છે. જે કામ જે.પી. નડ્ડાએ સારી રીતે કર્યું છે. તેમના સમયમાં સંગઠનમાં કોઈ મોટો વિવાદ સામે નથી આવ્યો. જ્યારે પણ ભાજપનો ઇતિહાસ લખાશે ત્યારે તેમનો ઉલ્લેખ સફળ પ્રમુખ તરીકે થશે.”

નવીન જોષીનો મત અલગ છે. તેઓ માને છે કે પાર્ટી પ્રમુખ તરીકે નડ્ડાજીનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી રહ્યું. નરેન્દ્ર મોદી અને અમિત શાહના ઓછાયામાં જ નડ્ડાજી ચાલતા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.