રાજકોટમાં મોતિયાના ઑપરેશન માટે આવેલા '200 દર્દીને ભાજપના સભ્ય' બનાવી દીધા?

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, સદસ્યતા અભિયાન, ભાજપ, ભાજપનું સદસ્યતા અભિયાન, ભૂપેન્દ્ર પટેલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, bipin tankariya

ઇમેજ કૅપ્શન, જૂનાગઢના ખલીલપુરમાં રહેતા કમલેશ ઠુમ્મરનો દાવો છે કે તેમને ભાજપે અયોગ્ય રીતે સભ્ય બનાવી દીધા છે
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'હું નિવૃત્ત છું, મારે મોતિયાનું ઑપરેશન કરાવવાનું હતું. મોતિયાનું ઑપરેશન પત્યા પછી રાત્રે અમે બધા દર્દીઓ આંખમાં દવા નંખાવીને સૂતા હતા, ત્યાં કોઈ ભાઈ આવ્યો અને અમને ઉઠાડીને અમારા ફોન લઈને એમાંથી આવેલા ઓટીપી નંબરો સૅન્ડ કર્યા, પછી અમને ખબર પડી કે અમારા ફોન લઈને એણે દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દીધા છે.'

આ શબ્દો છે જૂનાગઢના ખલીલપુરમાં રહેતા કમલેશ ઠુમ્મરના.

આ જ પ્રકારનો અનુભવ ઊનાથી મોતિયાનું ઑપરેશન કરાવવા રાજકોટ ખાતે આવેલી રણછોડદાસબાપુ ટ્રસ્ટની હૉસ્પિટલમાં આવેલા મનુભાઈ પટેલને પણ થયો હતો.

મનુભાઈ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, “અમારી પાસે એક ભાઈ આવ્યો હતો. એણે મોબાઇલ માગીને કંઇક કર્યું. તે સમયે મને દવા નાખેલી હતી તેથી કંઇ દેખાયું નહીં. કમલેશભાઈ ઠુમ્મર મારી બાજુમાં ખાટલા પર હતા. મેં તેમને બતાવ્યું તો તેમણે મને કહ્યું કે હું ભાજપનો સભ્ય બની ગયો.”

કમલેશ ઠુમ્મરનો દાવો છે કે તેમના સહિત અનેક લોકોને ભાજપના કાર્યકરે ભાજપના સભ્ય બનાવી દીધા છે.

અગાઉ પણ ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનના વિવાદો સામે આવ્યા હતા.

કૉંગ્રેસનો આરોપ છે કે હવે ભાજપને કોઈ પસંદ કરતું નથી. આથી લોકોને ગુમરાહ કરીને ખોટી રીતે સભ્ય બનાવી દે છે.

જોકે ભાજપનું કહેવું છે કે પાર્ટી આ રીતે કોઈને દબાણપૂર્વક સભ્ય બનાવતી નથી. આ પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ છે.

ઑપરેશન માટે આવેલા દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દીધા?

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, સદસ્યતા અભિયાન, ભાજપ, ભાજપનું સદસ્યતા અભિયાન, ભૂપેન્દ્ર પટેલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Social media

ઇમેજ કૅપ્શન, એક દર્દીએ હૉસ્પિટલનો વીડિયો બનાવીને પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજકોટમાં આવેલી રણછોડદાસબાપુ ટ્રસ્ટની હૉસ્પિટલમાં મોતિયાનાં ઑપરેશનો થાય છે. દર્દીઓનું કહેવું છું કે આ જ હૉસ્પિટલમાં તેમને ભાજપના સભ્ય બનાવી દેવાયા છે.

એક દર્દીએ હૉસ્પિટલનો વીડિયો બનાવીને પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. જેમાં એક વ્યક્તિ દર્દી સાથે વાત કરી રહી છે. દાવો કરાઈ રહ્યો છે કે એ માણસ ભાજપનો કાર્યકર છે.

જૂનાગઢના ખલીલપુર વિસ્તારમાં રહેતા કમલેશભાઈ ઠુમ્મરે બીબીસી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, "મારે આંખમાં મોતિયો પાકી ગયો હતો અને મોતિયાનું ઑપરેશન કરાવવાનું હતું. એ સમયે જૂનાગઢની ત્રિમૂર્તિ હૉસ્પિટલમાં નેત્ર મેડિકલ કૅમ્પ યોજાયો હતો."

"આ કૅમ્પમાં ઘણા લોકોએ કહ્યું કે રાજકોટની રણછોડદાસ ટ્રસ્ટની હૉસ્પિટલમાં મોતિયાનું સારું ઑપરેશન થાય છે, દર્દીઓની સારી કાળજી લેવાય છે. એટલે હું હૉસ્પિટલની બસમાં જ રાજકોટ આવ્યો હતો. અહીં મારું ઑપરેશન સારું થયું."

કમલેશભાઈનું કહેવું છે કે તેમને તારીખ યાદ નથી પણ ઑપરેશન પછી અમે આંખમાં દવા નાખી સૂઈ ગયા હતા. લગભગ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ એક જુવાનિયો આવ્યો. એણે દરેકને ઉઠાડીને ફોન માંગ્યા હતા, ફોનમાં એણે કંઈક કર્યું અને એક ઓટીપી આવ્યો. એ દાખલ કરી દીધો અને હું ભાજપનો સભ્ય બની ગયો."

ઠુમ્મર કહે છે કે "હું પોતે ભાજપનો સદસ્ય છું, પણ આ રીતે કોઈની જાણ બહાર કોઈને સભ્ય બનાવવા યોગ્ય નથી. મેં એને પૂછ્યું કે આવું કેમ કરો છો? તો એણે કહ્યું કે 'ઉપરવાળા'એ કહ્યું છે. એટલે મેં એનો વીડિયો બનાવ્યો."

કમલેશભાઈ કહે છે, "મને ચોક્કસ યાદ નથી કે કેટલા લોકોને એણે સભ્ય બનાવ્યા હશે. પણ લગભગ 200 દર્દીઓ પાસે ફોન હતા, એટલે એટલા તો સભ્ય બનાવ્યા હશે."

આ જ પ્રકારે ભાજપના સભ્ય બની ગયેલા મનુભાઈ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું, “મને રાજકારણમાં રસ નથી તેથી મેં તેને ફોનમાંથી મૅસેજ ડિલિટ કરાવ્યો. મને અંદાજો છે કે ધારીથી આવેલા કેટલાક લોકોને પણ ભાજપના સભ્યો બનાવ્યા હશે. તેમની પાસે પણ ફોન હતા.”

દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દીધાના આરોપ અંગે હૉસ્પિટલનું શું કહેવું છે?

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, સદસ્યતા અભિયાન, ભાજપ, ભાજપનું સદસ્યતા અભિયાન, ભૂપેન્દ્ર પટેલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, bipin kankaria

ઇમેજ કૅપ્શન, રાજકોટની રણછોડદાસ ટ્રસ્ટની હૉસ્પિટલમાં મોતિયાનાં ઑપરેશનો થાય છે

જે હૉસ્પિટલમાં મોતિયાનાં ઑપરેશન થયાં હતાં એ રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હૉસ્પિટલના ટ્રસ્ટી શાંતિભાઈ વાડોલિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "વર્ષોથી આ ટ્રસ્ટ લોકોની સેવા કરે છે. અહીં આંખનાં મફત ઑપરેશન ઉપરાંત ગુજરાતનાં અલગઅલગ ગામમાં મેડિકલ કેમ્પ યોજી દર્દીઓને ટ્રસ્ટના ખર્ચે રાજકોટ લાવી નેત્રમણિ, દવા, ખોરાક સહિતની તમામ સુવિધાઓ મફત અપાય છે. ટ્રસ્ટ ક્યારેય વિવાદમાં નથી આવ્યું."

તાજેતરના વિવાદ અંગે તેઓ કહે છે, "સદસ્યતા અભિયાનનો આ વીડિયો વાઇરલ થયા પછી અમને એની ખબર પડી છે. અમે આ અંગે હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટનો જવાબ માગ્યો છે. પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે વાઇરલ વીડિયોમાં દેખાતા ભાઈ કોઈ દર્દીના સગા તરીકે હૉસ્પિટલમાં આવ્યા હતા."

"અમે હૉસ્પિટલના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા છીએ. જો અમારી હૉસ્પિટલ કે ટ્રસ્ટની કોઈ વ્યક્તિ એમાં જોડાયેલી હશે તો એની સામે અચૂક કડક પગલાં લેવામાં આવશે. જેથી ટ્રસ્ટના લોકો કોઈ વિવાદમાં ન આવે."

ભાજપનું શું કહેવું છે?

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, સદસ્યતા અભિયાન, ભાજપ, ભાજપનું સદસ્યતા અભિયાન, ભૂપેન્દ્ર પટેલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @BJP4Gujarat

ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતમાં સક્રિય સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો

શું ભાજપે દર્દીઓને પૂછ્યા વિના ભાજપના સભ્ય બનાવી દીધા છે, એ સવાલના જવાબમાં ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "કોઈ અતિ ઉત્સાહી કાર્યકર્તાએ આવું કામ કર્યું હોય તો અમે એની તપાસ કરીને એની સામે પક્ષની આંતરિક કાર્યવાહી પણ કરીશું. અમે કડક સૂચના આપી છે કે આ પ્રકારે કોઈને સદસ્ય બનાવવા નહીં."

"ભૂતકાળમાં ભાવનગરમાં પૈસા આપી સદસ્ય બનાવવાના આરોપ થયા હતા, પણ એની તપાસ કરી તો એ વાત ખોટી નીકળી હતી એટલે આ મામલે પણ તપાસ કરીશું."

તેમનું કહેવું છે કે અમારા સદસ્યતા અભિયાન પહેલાં અમે જિલ્લા અધ્યક્ષ અને અન્ય હોદ્દેદારોને તાલીમ આપીએ છીએ. ત્યારબાદ એ લોકો સ્થાનિક કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરીને સદસ્યતા અભિયાન ચલાવે છે.

રાજકોટથી બીબીસીના સહયોગી બિપિન ટંકારિયાની મદદથી અમે રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ મુકેશ દોશી સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું કે "રાજકોટના ભાજપે સદસ્ય બનાવવાનો ટાર્ગેટ પૂરો કર્યો છે. જો કોઈ કાર્યકર્તા ઉત્સાહમાં આવીને દર્દીઓને હૉસ્પિટલમાં સદસ્ય બનાવતા હોય તે ખોટું છે, એની તપાસ કરી રહ્યા છીએ."

"અમારું માનવું છે કે ભાજપના કાર્યકર્તાઓએ શિષ્ટથી સદસ્યતા અભિયાન ચલાવ્યું છે. આ ભાજપને બદનામ કરવાનો પ્રયાસ હોય એમ લાગે છે."

ભાજપના સદસ્યતા અભિયાન અંગે કૉંગ્રેસનું શું કહેવું છે?

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, સદસ્યતા અભિયાન, ભાજપ, ભાજપનું સદસ્યતા અભિયાન, ભૂપેન્દ્ર પટેલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, bipin kankaria

ઇમેજ કૅપ્શન, રાજકોટમાં આવેલી રણછોડદાસબાપુ ટ્રસ્ટ હૉસ્પિટલમાં દર્દીઓ

રાજકોટ કૉંગ્રેસના નેતા ડૉ. હેમાંગ વસાવડાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ગુજરાતમાં ભાજપને હવે લોકો નકારી રહ્યા છે. એમાંય સૌરાષ્ટ્રના લોકો હવે ભાજપને પસંદ કરતા નથી એટલે લોકોને અંધારામાં રાખીને ભાજપના સભ્ય બનાવે છે."

"લોકોના ફોન લઈને બળજબરીથી એમનો લક્ષ્યાંક પૂરો કરાવવા મંદિરમાં જતા સિનિયર સિટીઝન, સ્કૂલમાં બાળકો પાસેથી વાલીઓના નંબર લઈ એમને સદસ્ય બનાવે છે. તો સરકારી અને ટ્રસ્ટની હૉસ્પિટલમાં દર્દીઓને ખોટી રીતે સદસ્ય બનાવે છે."

તેમનું કહેવું છે કે "અમે આ દર્દીઓનો સંપર્ક કરીને જો એ લોકો ફરિયાદ કરવા તૈયાર થશે તો એમને સંપૂર્ણ મદદ કરીને આ સદસ્યતા અભિયાનની પોલ ખોલીશુ. અમદાવાદમાં અમારા કાર્યકર્તાને અંધારામાં રાખી સદસ્ય બનાવ્યા છે, એની સામે કાનૂની કાર્યવાહી કરી રહ્યા છીએ. એ જ રીતે આ કેસમાં કાનૂની કાર્યવાહી કરીશું. આ રીતે બળજબરીથી સદસ્ય બનેલા લોકોને બહાર લાવી ભાજપની માનસિકતાને ઉજાગર કરીશું."

ભાજપના સદસ્યતા અભિયાનના થયેલા વિવાદો

ઉલ્લેખનીય છે કે ભાજપમાં 1980ના દાયકાથી સદસ્યતા અભિયાન ચાલે છે.

પાર્ટીના મુખ્ય પ્રવક્તાના કહેવા અનુસાર, ભાજપમાં દર ત્રણ વર્ષે સભ્યો માટે સદસ્યતા અભિયાન થાય છે. દર છ વર્ષે સદસ્યતા અભિયાનમાં સભ્યોએ પણ ફરીથી પ્રાથમિક સભ્યપદ લેવાનું હોય છે. પહેલા આ કામ પહોંચ આપીને થતું હતું. હવે ટેક્નૉલૉજી આવ્યા પછી ફોનના માધ્યમથી થાય છે. સદસ્યતા અભિયાન 2021માં થવાનું હતું, પણ કોરોનાને કારણે મોકૂફ રાખ્યું હતું.

સપ્ટેમ્બર મહિનાથી ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદોમાં ઘેરાયું છે.

અગાઉ સુરેન્દ્રનગરના વઢવાણની એક શાળામાં બાળકોને ફરજિયાત મોબાઇલ ફોન લાવવાની સૂચના આપી શિક્ષકો દ્વારા ભાજપ સભ્ય બનાવી દીધા હોવાનો આરોપ લાગ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ અંગે તપાસ ચાલી રહી છે.

તો મહેસાણાની વીસનગરની સરકારી હૉસ્પિટલમાં પત્નીને હડકવાનું ઇન્જેક્શન અપાવવા ગયેલા વીરમભા દરબારને વૉર્ડબૉય દ્વારા ભાજપનો સદસ્ય બનાવી દીધા હોવાની વાત સામે આવી હતી. આ કેસમાં ફરિયાદ બાદ ખાતાકીય કાર્યવાહી ચાલી રહી છે.

અમદાવાદમાં એક કૉંગ્રેસી કાર્યકર્તાને ભાજપના સદસ્ય બનાવી દીધા હોવાની વાત સામે આવી હતી.

એ સિવાય ભાવનગરમાં પણ ભાજપના કાર્યકર્તા દ્વારા 100 સભ્ય બનાવવા પર 500 રૂપિયાનું ઈનામ આપવાની લાલચ આપતો કથિત વીડિયો પણ વાઇરલ થયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.