'લગ્નનાં દસ વર્ષ બાદ મેં મારા પતિને કેમ સેક્સલાઇફમાં છૂટ લેવા કહ્યું'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ગુજરાત, સેક્સ,

ઇમેજ સ્રોત, Ilana Eleá - Personal Archive

ઇમેજ કૅપ્શન, સેક્સોલૉજિસ્ટ ઇલાના ઈલિયાએ પોતાના પતિને સેક્સલાઇફમાં છૂટછાટ લેવા કહ્યું
    • લેેખક, મરીના રૉસી
    • પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝીલ, સાઓ પાઉલો
  • વાંચવાનો સમય: 5 મિનિટ

લેખિકા, શિક્ષિકા અને સેક્સોલૉજિસ્ટ ડૉક્ટર ઇલાના ઇલિયાએ પોતાના લગ્નની દસમી વર્ષગાંઠે પોતાના પતિ સામે એક એવો પ્રસ્તાવ મૂક્યો, જે તેમનાં લગ્નને હંમેશાં માટે બદલી દેવાનો હતો. મૉનોગમી (એક પાર્ટનર સાથે રહેવું) ત્યાગી પોતાના સંબંધોમાં છૂટ લેવાનો પ્રસ્તાવ.

કંટેમ્પરરી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લિનિકલ સેક્સોલૉજીથી સેક્સ થૅરપીમાં સ્નાતક એવાં બ્રાઝીલનાં ઇલિયા, 2011થી સ્વીડનમાં રહી રહ્યાં છે.

પોતાનું પ્રથમ કામુક કથા સિરીઝનું પુસ્તક એમ્મા ઈ ઓ સેક્સો' (એમ્મા અને સેક્સ) લખતી વખતે તેઓ કેટલાક સમયથી સંબંધોમાં છૂટછાટ સામેલ કરવાની વાતનો અભ્યાસ કરી રહ્યાં હતાં.

મુખ્ય પાત્ર એમ્મા મારફતે ઇલિયાએ એ વિચારોને ફંફોસ્યા, જેના પર તેઓ લાંબા સમયથી સંશોધન કરી રહ્યાં હતાં.

તેમના પતિએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને બંનેએ શૅમ્પેનના (એક પ્રકારનું માદક પીણું) જામ ઉઠાવીને તેની ઉજવણી કરી.

તેનાં પાંચ વર્ષ બાદ, દંપતી પોતાના સંબંધોને (આ વ્યવસ્થાની પ્રતિક્રિયા) 'મિશ્ર' ગણાવે છે અને આ નવી વ્યવસ્થાને ઘણી ખરી હદ સુધી સફળ માને છે.

પરંતુ ઇલિયા તેને રોમૅન્ટિક બાબત તરીકે રજૂ નથી કરતાં.

તેઓ કહે છે કે, "જે સંબંધોમાં બાદમાં છૂટછાટ મળે છે, એ પૈકી બેતૃતીયાંશ તૂટી જાય છે. પરંતુ પરંપરાગત સંબંધોમાં પણ સરેરાશ આટલી જ છે. એટલે કે, ખરેખર તો આવું કરવાથી કોઈ ફરક નથી પડતો. તેથી યોગ્ય એ જ છે કે તમે એવા માળખાની પસંદગી કરો, જેનાથી આપ સૌથી વધુ જોડાણ અનુભવો છો."

સંમતિથી એક કરતાં વધુ પાર્ટનર સાથે જીવન માણવું

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇલિયા 'કંસેંસુઅલ નૉન-મૉનોગમી' (સંમતિથી એક કરતાં વધુ પાર્ટનરનો સાથ માણવો)ની અવધારણા અપનાવે છે - એ એક બૃહદ શબ્દ છે, જે એવા લોકો માટે વપરાય છે જેમના એક કરતા વધુ ભાવનાત્મક કે યૌન પાર્ટનર હોય છે.

આ અવધારણાની ખાસ ઓળખ છે, તેમાં સામેલ તમામ લોકો વચ્ચે 'ખુલ્લી અને સ્પષ્ટ સંમતિ'.

આના કારણે નિષ્ણાતો આને ક્યારેક ક્યારેક બેવફાઈને સ્થાને 'નૈતિક' કે 'જવાબદાર બિનએકપતિ/પત્નીત્વ' પણ કહે છે.

ઇલિયા જણાવે છે કે, "આ અવધારણા એવા કોઈ પણ સંબંધને સામેલ કરે છે, જેમાં સામેલ લોકોની એકમેક સાથેની સંમતિ હોય અને જે ભાવનાત્મક, કામુક, રોમૅન્ટિક કે યૌન એમ કોઈ પણ સ્તરે સમપર્ણની પરંપરાગત ધારણાને અમુક રીતે અને અમુક હદ સુધી લવચીક બનાવે છે."

જોકે, તેઓ આવી સંબંધોમાં આવી છૂટછાટ અને પૉલીએમરી (એક કરતાં વધુ લોકો સાથે યૌન-ભાવનાત્મક સંબંધ) વચ્ચે ફરક પણ સ્પષ્ટ કરે છે.

"છૂટછાટવાળા સંબંધોમાં સામાન્યપણે રોમાન્સ વિનાનું યૌન સ્વાતંત્ર્ય હોય છે - હળવા સંબંધો, પ્રેમમાં પડ્યા વિના. પૉલીએમરીમાં પ્રેમ અને ઝનૂન બંને સામેલ હોય છે. જેમાં 'ન્યૂ રિલૅશનશિપ ઍનર્જી' હોય છે, જેમ કે, ફરી પ્રેમમાં પડવાનો ઉત્સાહ."

ખુદ ઇલિયા જે સંબંધ નિભાવે છે, તેને તેઓ 'મિશ્રિત, સંવેદનશીલ, પ્રેમાળ અને સહાનુભૂતિપૂર્ણ સમાધાન' કહે છે.

તેઓ કહે છે કે, "હું પૉલીએમરીમાં એક પગ મૂકું છું - એ પણ સંપૂર્ણપણે નહી, પરંતુ એ વિચાર સાથે કે એક કરતાં વધુ લોકો સાથે પ્રેમ અને રોમૅન્ટિક સંબંધો શક્ય છે. મારા પતિ હળવા, કૅઝુઅલ સંબંધોને પસંદ કરે છે. અમે એ અંગે વાત કરતાં રહીએ છીએ."

પોતાના સેક્સ સંબંધો અંગે વિચારો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ગુજરાત, સેક્સ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતોનું માનવું છે કે પોતાના સંબંધોમાં છૂટછાટ સામેલ કરતા પહેલાં વાતચીત કરવી જોઈએ

ઇલિયાના અનુભવમાં, જે યુગલો પોતાના સંબંધોમાં છૂટછાટ સામેલ કરવાનો નિર્ણય કરે છે, તેમના માટે સૌથી સામાન્ય એવી પ્રારંભિક રીત 'ન પૂછો, ન જણાવો'ની હોય છે.

ઇલિયા સમજાવતાં કહે છે કે, "કંઈક એવું - 'મને લાગે છે કે અમારી વચ્ચે સંપૂર્ણ સમર્પણ કદાચ ન તો શક્ય છે, ન સંભવ અને ન જરૂરી. પરંતુ હું એ વિશે જાણવા નથી માગતો/માગતી. તું મને નહીં જણાવે અને હું તને નહીં પૂછું'."

તેઓ ચેતવણી આપે છે કે આ મૉડલ ઘણી વાર એટલા માટે અસફલ થાય છે, કારણ કે તેમાં પ્રામાણિકતા અને સંવાદની કમી હોય છે, "જે બાબત લોકોને નિકટ લાવવા માટે જરૂરી હોય છે, ઊલટાનું એ જ તેમની વચ્ચે અંતર પેદા કરી દે છે."

તમારા પાર્ટનરથી સંબંધમાં છૂટછાટ સામેલ કરવાની વાત કરતા પહેલાં, ઇલિયા એક 'ઇમોશનલ ઇન્વેટરી' લેવાની સલાહ આપે છે.

તેઓ કહે છે કે, "તમારા સંબંધો વિશે વિચારો. તેમાં શું કમી છે? તમારી ઇચ્છા અને સીમા શું છે? પોતાની કલ્પના પ્રામાણિકપણે લખો. હાલ, તેને કોઈ નહીં જુએ - એ ફક્ત તમારા માટે છે."

સંબંધોમાં છૂટછાટ લાવવા માટે સંવાદ અને સહાનુભૂતિ પણ જરૂરી છે.

ડૉક્ટર ઇલિયા કહે છે કે, "આ એક મુશ્કેલ ઘડી હોય છે... ખાસ કરીને તેમના માટે, જેઓ એકપતિ/પત્નીત્વને પ્રેમની સૌથી સારી રીત માનીને મોટા થયા છે અને પ્રેમ કરનારા લોકો વચ્ચે સન્માન અને પ્રામાણિકતાનું પ્રતીક છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ગુજરાત, સેક્સ,

ઇમેજ સ્રોત, Erik Thor/Personal archive

ઇમેજ કૅપ્શન, જ્યારે ઇલિયાએ પ્રથમ વખત પોતાનાં લગ્નમાં આવેલા બદલાવ વિશે જાહેરમાં વાત કરી તો તેમને હજારો નફરતભરી કૉમેન્ટ્સ મળી

તેઓ આગળ કહે છે કે, "સમાધાન વાતચીતથી થાય છે : તમે કઈ હદ સુધી જશો? કોની સાથે? અને એ જરૂરી છે કે મર્યાદાની મજાક ન ઉડાડાય, બલકે તેમને સમજવામાં આવે."

તેઓ કહે છે કે એક સપૉર્ટ નેટવર્ક પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

ડૉક્ટર ઇલિયા કહે છે કે, "આ વિષય પર વાંચો, પૉડકાસ્ટ સાંભળો. પોતાના રસ પ્રમાણેનાં સમૂહો શોધો."

તેઓ સલાહ આપે છે કે, "સામાજિક કલંક એક સત્ય છે. એવા પ્રૉફેશનલ્સ પાસેથી માર્ગદર્શન મેળવો જેઓ સમજે છે કે પ્રેમનો અનુભવ કરવાની આ પણ એક યોગ્ય રીત છે."

ઇલિયા એવું પણ કહે છે કે તૂટેલી વસ્તુઓને ઠીક કરવા માટે સંબંધોમાં છૂટછાટ સામેલ કરવી એ કદાચ જ ક્યારેક કામ લાગે છે.

તેઓ કહે છે કે, "આ અંગે વિચારવાની જરૂર નથી. એ ન તો થૅરપી છે અને ના અંતિમ ઉપાય. સામાન્ય રીતે સંબંધોમાં છૂટછાટ લાવવાનો નિર્ણય ત્યારે થાય છે જ્યારે સંબંધ પહેલાંથી જ સારો હોય, અને બંને તેને સાથે મળીને બહેતર બનાવવા માગતા હોય."

નફરત અને આશા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ગુજરાત, સેક્સ,

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે ઇલિયાએ પહેલી વાર પોતાનાં લગ્નમાં આવેલા ફેરફારો અંગે જાહેરમાં વાત કરી, તો તેમને હજારો નફરતભરી કૉમેન્ટ્સનો સામનો કરવો પડ્યો.

તેઓ યાદ કરતાં કહે છે કે, "એ પૈકી કેટલીક કૉમેન્ટ્સ તો સાવ અતાર્કિક હતી - જેમ કે, 'તું આવું એટલા માટે કરી રહી છે, કારણ કે તું તારા પતિને ગુમાવવા નથી માગતી'."

જોકે, સામેની બાજુએ તેમને સમર્થન પણ મળ્યું, તેમાં એવાં યુગલોના પત્ર પણ સામેલ હતા, જેમણે કહ્યું કે આનાથી તેમને આ પ્રકારની વાતચીત કરવાની હિંમત મળી છે.

ઇલિયા તર્ક આપતાં કહે છે કે, "કોઈ પણ વ્યક્તિ જન્મજાત એક જ પાર્ટનર સાથે બંધાઈને રહેનાર નથી હોતી. કોઈ તમને એવું નથી પૂછતું કે તમે આવી વ્યક્તિ બનવા માગો છો કે નહીં. કાયદો, વિશ્વાસ, પરીકથા, પારિવારિક અપેક્ષા - આ બધું એ જ સંકેત આપે છે કે પ્રેમ માત્ર બે લોકો વચ્ચે સમર્પિત ભાવ હોવો જોઈએ. ઐતિહાસિકપણે પુરુષોને સ્વતંત્રતા મળી, જ્યારે મહિલાઓને સજા અપાઈ."

તેમના પ્રમાણે આ વ્યવસ્થા વારસો, ધર્મ અને વંશ સાથે સંકળાયેલી છે.

તેઓ કહે છે કે, "અનિવાર્યપણે એક જ પાર્ટનર સાથે રહેવાની વાત એવું માનીને ચાલે છે કે એ સારી, પવિત્ર અને નૈતિક બાબત છે, અને જે વ્યક્તિ તેનાથી અલગ માર્ગ પસંદ કરે છે, એ તેને કલંકિત કરે છે."

તો શું ઇલિયા હવે વધુ ખુશ છે?

તેઓ કહે છે, "બિલકુલ, તેમાં શંકાને કોઈ સ્થાન નથી."

"પરંતુ આનો સંબંધ એ વાત સાથે છે કે આજે હું કોણ છું. 15 વર્ષ પહેલાં, આઘાત અને વિશ્વાસઘાત બાદ, હું આના માટે ક્યારેય તૈયાર ન હોત. એ સમયે સમર્પણ મને સુરક્ષિત મહેસૂસ કરાવતું. સમય સાથે ઇચ્છા ઘટતી ગઈ. આ સામાન્ય બાબત છે, લાંબા સમય બાદ 40 ટકા સંબંધ સેક્સ વિનાનાં લગ્નમાં તબદીલ થઈ જાય છે."

તેમના માટે સંબંધોમાં છૂટછાટ સામેલ કરવી પ્રમાણિકતા અને સ્વતંત્રતા સાથે જોડાયેલું હતું.

તેઓ પૂછે છે કે, "શું પ્રેમ માત્ર એટલા માટે ખતમ થઈ જવો જોઈએ, કારણ કે લોકો માને છે કે પ્રેમ કરવાની એક જ રીત છે?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન