અબુ ધાબીનું સ્વામિનારાયણ મંદિર : ભારતથી કોતરણી કરેલા પથ્થર, ગંગા-યમુનાનું પાણી લઈ જવાયું, કેવી રીતે બન્યું મંદિર?
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 14મી ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
મંદિરના ઉદ્ઘાટન પહેલાં મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
અબુ ધાબીમાં બનાવવામાં આવેલા આ મંદિરના નિર્માણમાં ભારતના અલગઅલગ ખૂણેથી યોગદાન આપવામાં આવ્યું છે અને આર્કિટેક્ચરની દૃષ્ટિએ વિશેષ માનવામાં આવી રહ્યું છે.
યુએઈમાં અન્ય ત્રણ હિન્દુ મંદિરો છે જે દુબઈમાં સ્થિત છે. પથ્થરના સ્થાપત્ય સાથે વિશાળ વિસ્તારમાં પથરાયેલું બીએપીએસ મંદિર ખાડીના દેશોમાં સૌથી મોટું હશે.
આ ભવ્ય મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2019માં શરૂ થયું હતું. આ મંદિર BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રાહબા નજીક અબુ મુરેખાહમાં 27 એકરની જગ્યા પર બનાવવામાં આવ્યું છે.
સાત શિખરો અને પાંચ સુશોભિત ગુંબજ સાથે આ મંદિર આર્કિટેક્ચરની દૃષ્ટિએ કેમ અજાયબી ગણવામાં આવી રહ્યું છે?
ભારતથી પથ્થર મોકલવામાં આવ્યો, ગંગા યમુનાનું પાણી મોકલાયું
આ મંદિરની બન્ને બાજુએ ગંગા અને યમુનાનું પાણી વહેશે, જે મોટા કન્ટેનરમાં ભરીને ભારતમાંથી અહીં લાવવામાં આવ્યું છે.
સમાચાર સંસ્થા પીટીઆઈને મંદિર સત્તાવાળાઓએ જણાવ્યું કે જે બાજુએ ગંગા નદીનું પાણી વહેશે ત્યાં નદીના ઘાટના આકારનું ઍમ્ફીથિયેટર બનાવવામાં આવ્યું છે.
પ્રતિષ્ઠિત મંદિરના મુખ્ય સ્વયંસેવક, વિશાલ પટેલે પીટીઆઈને જણાવ્યું હતું કે, "વિચાર એવો હતો કે તે વારાણસીના ઘાટ જેવો આકાર આપવો જ્યાં મુલાકાતીઓ બેસી શકે, ધ્યાન કરી શકે અને માનસિક રીતે એવો અનુભવ કરી શકે કે ભારતના ઘાટ પર જ બેઠા છે.
જ્યારે મુલાકાતીઓ અંદર જશે ત્યારે તેઓ પાણીના બે પ્રવાહો જોશે જે ભારતની ગંગા અને યમુના નદીઓને પ્રતીકાત્મક રીતે રજૂ કરે છે.
મંદિરમાંથી પ્રકાશના કિરણોથી નાખવામાં આવશે જેનાથી એવી અનુભૂતિ થશે કે, સરસ્વતી નદી વહી રહી છે અને આ ત્રણેય નદીઓનું ત્રિવેણી સંગમ થાય છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ભારતના પથ્થર, રાજસ્થાનમાં કોતરણી અને અબુ ધાબીમાં ફિટિંગ

ઇમેજ સ્રોત, Getty Images
મંદિર માટે નોંધપાત્ર સંખ્યામાં ગુલાબી સૅન્ટસ્ટોન ઉત્તર રાજસ્થાનથી અબુધાબી લઈ જવામાં આવ્યા હતા.
રાજસ્થાન અને ગુજરાતના જાણકાર કારીગરો દ્વારા પથ્થરના 25,000 થી વધુ ટુકડાઓ લાવવામાં આવ્યા હતા અને તેમાંથી સુંદર આરસની કોતરણી મંદિરના બાહ્ય ભાગમાં બનાવવામાં આવી હતી.
વિશાલ બ્રહ્મભટ્ટ, જેઓ મંદિરના નિર્માણસ્થળ પર પ્રાપ્તિ અને લૉજિસ્ટિક્સની દેખરેખ રાખે છે, તેમણે પીટીઆઈને જણાવ્યું કે મંદિરના નિર્માણ માટે 700થી વધુ કન્ટેનરમાં બે લાખ ઘનફૂટથી વધુ "પવિત્ર" પથ્થર લાવવામાં આવ્યો છે.
વિશાલ બ્રહ્મભટ્ટ કહે છે કે, "ગુલાબી સૅન્ડસ્ટોન (ગુલાબી રેતીનો પથ્થર) ભારતમાંથી લાવવામાં આવ્યો હતો. ત્યાં શિલ્પકારો દ્વારા કોતરણી કરવામાં આવી હતી અને પછી અબુધાબીમાં પથ્થરોને ફિટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કારીગરોએ અહીંની ડિઝાઇનને આખરી સ્વરૂપ આપ્યું."
એ લાકડાનાં બૉક્સ અને કન્ટેનર જેમાં આ પવિત્ર પથ્થર લવાયા હતા તેનો ફરી ઉપયોગ કરીને તેનથી મંદિરનું ફર્નિચર બનાવવામાં આવ્યું છે.
મંદિર સંકુલ એવી ઇમારતોથી ઘેરાયેલું છે જેમાં પ્રાર્થના હૉલ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા માટેનું એક સામુદાયિક કેન્દ્ર, એક પુસ્તકાલય, એક બાળકોનો પાર્ક અને એક એમ્ફીથિયેટર છે. આજ એમ્ફીથિયેટરથી નદીઓનું પવિત્ર પાણી નીકળે છે.
2019થી આ મંદિરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. મંદિર માટે જમીન યુએઈ સરકાર દ્વારા દાનમાં આપવામાં આવી હતી.
વડાપ્રધાનની યુએઈની યાત્રામાં બીજું શું છે?

ઇમેજ સ્રોત, NARENDRAMODI/X
2015 પછી વડા પ્રધાન મોદીની યુએઈની સાતમી મુલાકાત છે અને છેલ્લા આઠ મહિનામાં તેમની ત્રીજી મુલાકાત છે.
મુલાકાત દરમિયાન મોદી યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.
બંને નેતાઓ દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ, વિસ્તૃત અને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા થઈ હતી.



