પ્રિન્સ ફિલિપ : બ્રિટનમાં અત્યંત સન્માનનીય વ્યક્તિત્વ રહ્યા

ઇમેજ સ્રોત, PA
નૅવલ કમાન્ડ સાથે સંકળાયેલા અને સંખ્યાબંધ વિષયોમાં પોતાનો મજબૂત દૃષ્ટિકોણ ધરાવતા પુરુષની વાત જવા દો, એ કોઈ પણ માટે અત્યંત મુશ્કેલ ભૂમિકા હતી.
તેમ છતાં તેઓ તેમના મજબૂત ચારિત્ર્યને કારણે તમામ જવાબદારી અસરકારક રીતે પાર પાડી શક્યા હતા.
એક સર્વોપરિ મહિલાના પતિ તરીકે પ્રિન્સ ફિલિપ પાસે કોઈ બંધારણીય હોદ્દો ન હતો પણ તેમનાથી વધુ કોઈ રાજવીની નજીક નહોતું કે રાજવી માટે તેમનાથી વધુ મહત્ત્વનું કોઈ નહોતું.
પ્રિન્સ ફિલિપનો જન્મ ગ્રીસના કૉર્ફુ ટાપુમાં 1921ની 10 જૂને થયો હતો. ગ્રીસે ત્યારે ગ્રૅગોરિયન કેલેન્ડર ન અપનાવ્યું હોવાથી તેમની જન્મતારીખ 28 મે, 1921 દર્શાવવામાં આવે છે.
તેમના પિતા ગ્રીસના પ્રિન્સ ઍન્ડ્ર્યુ હેલ્લેનેસના કિંગ જ્યોર્જ પ્રથમના નાના પુત્ર હતા. તેમનાં માતા બટ્ટેનબર્ગનાં પ્રિન્સેસ ઍલિસ બટ્ટેનબર્ગના પ્રિન્સ લુઈસનાં સૌથી મોટાં સંતાન અને બર્માના અર્લ માઉન્ટબેટનનાં બહેન હતાં.
1922ના બળવા પછી તેમના પિતાનો ક્રાંતિકારી અદાલતે ગ્રીસમાંથી દેશનિકાલ કર્યો હતો.
તેમના પિતરાઈ કિંગ જ્યૉર્જ પંચમે પરિવારને ફ્રાન્સ લાવવા માટે એક બ્રિટિશ યુદ્ધજહાજ મોકલ્યું હતું. બાળક ફિલિપે એ સફરનો મોટા ભાગનો હિસ્સો ઑરેન્જ બૉક્સમાંથી બનાવવામાં આવેલા ઘોડિયામાં પસાર કર્યો હતો.
બહેનોવાળા પરિવારમાં તેઓ સૌથી નાના અને એકમાત્ર દીકરા હતા. તેમના બાળપણના પ્રારંભિક દિવસો પ્રકૃતિને પ્રેમ કરવામાં પસાર થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રિન્સનું શિક્ષણ ફ્રાન્સમાં શરૂ થયું હતું, પણ સાત વર્ષની વયે તેઓ તેમના માઉન્ટબેટન પરિવારજનો સાથે રહેવા માટે ઇંગ્લૅન્ડ આવી ગયા હતા. ત્યાં સરેમાં તેમનું પ્રાથમિક શિક્ષણ થયું હતું.
દરમિયાન તેમનાં માતા માનસિક બીમારીથી પીડાતાં હોવાનું નિદાન થયું હતું અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બાળક પ્રિન્સનો તેમની સાથે બહુ ઓછો સંપર્ક રહ્યો હતો.
1933માં તેમને દક્ષિણ જર્મનીની શુલે શ્લોસ સેલમમાં મોકલવામાં આવ્યા હતા. તેનું સંચાલન શિક્ષણશાસ્ત્રી કર્ટ હાન કરતા હતા, પણ જ્યુ હોવાને કારણે કર્ટ હાને નાઝીઓની સતામણીને કારણે ત્યાંથી નાસી જવું પડ્યું હતું.

સત્તાવાર સંદેશાઓમાં ઉલ્લેખ

ઇમેજ સ્રોત, Getty Images
કર્ટ હાન સ્કૉટલૅન્ડ આવ્યા હતા અને ત્યાં તેમણે ગૉર્ડોનસ્ટાઉન સ્કૂલની સ્થાપના કરી હતી. જર્મનીમાં માત્ર બે ટર્મ અભ્યાસ કર્યા બાદ પ્રિન્સની ગૉર્ડોનસ્ટાઉન સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
આત્મનિર્ભરતાના આગ્રહ સાથે ગૉર્ડોનસ્ટાઉન સ્કૂલમાં આકરી શિસ્તનું પાલન કરાવવામાં આવતું હતું, જે પોતાનાં માતા-પિતાથી અલગ પડેલા તરુણ વયના પ્રિન્સ માટે આદર્શ વાતાવરણ હતું અને તેમને એ પોતીકું લાગતું હતું.
યુદ્ધ તોળાઈ રહ્યું હતું ત્યારે પ્રિન્સ ફિલિપે સૈન્યમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો. તેઓ રૉયલ ઍરફૉર્સમાં જોડાવા ઈચ્છતા હતા, પણ તેમના માતાના પરિવારમાં વહાણવટાની પરંપરા હતી. તેથી તેઓ ડાર્ટમાઉથની બ્રિટાનિયા રૉયલ નૅવલ કૉલેજના કૅડેટ બન્યા હતા.
કિંગ જ્યૉર્જ પંચમ અને ક્વીન ઍલિઝાબેથ કૉલેજની મુલાકાતે આવ્યા ત્યારે પ્રિન્સ ફિલિપને બે યુવા રાજકુમારી ઍલિઝાબેથ તથા માર્ગારેટના ઍસ્કોર્ટ બનવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
એ ઘટનાના સાક્ષીઓના જણાવ્યા મુજબ, પ્રિન્સ ફિલિપે તેમાં જબરો ઉત્સાહ દાખવ્યો હતો. એ મુલાકાતનો 13 વર્ષનાં રાજકુમારી ઍલિઝાબેથના મનમાં ગાઢ પ્રભાવ પડ્યો હતો.
જાન્યુઆરી, 1940માં તેમના ક્લાસમાં સર્વોચ્ચ ગુણ સાથે સફળતા મેળવીને તથા હિંદ મહાસાગરમાં સૌપ્રથમ વાર લશ્કરી કાર્યવાહીમાં સામેલ થઈને પ્રિન્સે ખુદને અત્યંત લાયક સાબિત કર્યા હતા.
તેમની ટ્રાન્સફર ભૂમધ્ય સમુદ્રમાંના યુદ્ધજહાજ એચએમએસ વૅલિયન્ટ પર કરવામાં આવી હતી, જ્યાં 1941ની કૅપ મૅટાપાનની લડાઈમાં તેમણે ભજવેલી ભૂમિકાનો ઉલ્લેખ સત્તાવાર સંદેશાઓમાં કરવામાં આવ્યો હતો.
જહાજની સર્ચલાઈટ્સના અધિકારી તરીકે રાતની નિર્ણાયક કાર્યવાહીમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
"એક અન્ય શિપ મને જોવા મળ્યું હતું. તેની વચ્ચેના ભાગ પર પ્રકાશ ફેંક્યો અને પૉઈન્ટ બ્લૅન્ક રેન્જથી કરવામાં આવેલા બૉમ્બમારાને લીધે તે પળવારમાં અદૃશ્ય થયું ગયું હતું."
ઑક્ટોબર, 1942 સુધીમાં તેઓ રૉયલ નૅવીના નવયુવાન ફર્સ્ટ લેફટેનેન્ટ્સ પૈકીના એક બની ગયા હતા અને ડિસ્ટ્રોયર એચએમએસ વૉલેસ પર ફરજ બજાવવા લાગ્યા હતા.

લગ્ન પહેલાં અને પછી

ઇમેજ સ્રોત, Getty Images
એ સમગ્ર સમયગાળામાં તેમના અને પ્રિન્સેસ એલિઝાબેથ વચ્ચે પત્રાચાર ચાલુ રહ્યો હતો અને રાજવી પરિવાર સાથે રહેવા માટે તેમને અનેક વખત આમંત્રણ આપવામાં આવ્યું હતું.
એવી અનેક મુલાકાતો પછી 1943ની ક્રિસમસ બાદ ઍલિઝાબેથે નૌકાદળના યુનિફોર્મમાં સજ્જ ફિલિપનો ફોટોગ્રાફ પોતાના ડ્રેસિંગ ટેબલ પર રાખ્યો હતો.
શાંતિના સમયમાં તેમની વચ્ચેનો સંબંધ વિકસ્યો હતો. જોકે, કેટલાક દરબારીઓએ તેનો વિરોધ કર્યો હતો અને એક દરબારીએ પ્રિન્સ ફિલિપને 'તોછડા અને અવિવેકી' ગણાવ્યા હતા.
જોકે, યુવા રાજકુમારી ગળાડૂબ પ્રેમમાં હતાં અને 1946ના ઉનાળામાં તેમણે કિંગ પાસે તેમની પુત્રીનો હાથ લગ્ન માટે માગ્યો હતો.
જોકે, લગ્નની જાહેરાત થાય એ પહેલાં પ્રિન્સને નવી રાષ્ટ્રીયતા અને એક પારિવારિક નામની જરૂર હતી.
તેમણે તેમની ગ્રીક પદવી છોડી દીધી હતી. બ્રિટિશ નાગરિક બની ગયા હતા અને તેમનાં માતાનું નામ માઉન્ટબેટન અપનાવ્યું હતું.
લગ્નવિધિના એક દિવસ પહેલાં કિંગ જ્યોર્જ છઠ્ઠાએ ફિલિપને હિઝ રૉયલ હાઈનેસની પદવી આપી હતી અને લગ્નની સવારે તેમને ઍડિનબર્ગના ડ્યુક, અર્લ ઑફ મૅરિઓનેથ તથા બૅરન ગ્રીનવિચ બનાવવામાં આવ્યા હતા.
1947ની 20 નવેમ્બરે વેસ્ટમિન્સ્ટર એબીમાં લગ્ન થયાં હતાં. યુદ્ધ બાદના બ્રિટનમાં વિન્સ્ટન ચર્ચિલે રંગની ઝાંય ભરી હતી.

કારકિર્દી ટૂંકાઈ

ઇમેજ સ્રોત, Britannia Museum Dartmouth
ડ્યુક નૌકાદળમાં પાછા ફર્યા હતા અને તેમનું પોસ્ટિંગ માલ્ટામાં કરવામાં આવ્યું હતું. કમસે કમ એ દિવસો દરમ્યાન નવદંપતી સામાન્ય સૈનિક પરિવાર જેવું જીવન પસાર કરી શક્યું હતું.
તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સનો જન્મ બકિંઘમ પૅલેસમાં 1948માં અને પુત્રી પ્રિન્સેસ એનનો જન્મ 1950માં થયો હતો.
નૌકાદળના દરેક અધિકારીની માફક 1950ની બીજી સપ્ટેમ્બરે તેમની મહત્ત્વાકાંક્ષા સંતોષાઈ હતી અને તેમની નિમણૂક તેમના પોતાના કમાન્ડ સ્લૂપ એચએમએસ મેગપાઈમાં કરવામાં આવી હતી.
જોકે, નૌકાદળમાં તેમની કારકિર્દી ટૂંકાવાની હતી. કિંગ જ્યૉર્જ છઠ્ઠાનું સ્વાસ્થ્ય કથળતું જતું હતું. તેનો અર્થ એ હતો કે તેમનાં પુત્રીએ રાજવી તરીકે વધારે ફરજ બજાવવી પડશે અને તેમાં તેમના પતિનો સાથ જરૂરી બનશે.
ફિલિપે જુલાઈ, 1951માં રૉયલ નૅવીમાંથી રજા લીધી હતી. એ પછી તેઓ સક્રિય ભૂમિકામાં ક્યારેય પાછા ફર્યા ન હતા. ડ્યુક મનમાં રંજ રાખનારી વ્યક્તિ નહોતી, પણ લાંબા સમય બાદ એક વખત તેમણે એમ જરૂર જણાવ્યું હતું કે નૌકાદળમાં કારકિર્દી ચાલુ ન રાખી શકવા બદલ તેઓ દિલગીર છે.
તેમના સમકાલીનોએ જણાવ્યું હતું કે ફિલિપ તેમની પોતાની પાત્રતાના આધારે સર્વોચ્ચ પદ સુધી પહોંચી શક્યા હોત.
1952માં રાજવી દંપતી કૉમનવેલ્થ દેશોના પ્રવાસે ઉપડ્યું હતું, જે પ્રવાસ વાસ્તવમાં કિંગ અને ક્વીન કરવાનાં હતાં.

આધુનિક વિચારસરણી

ઇમેજ સ્રોત, Getty Images
ફેબ્રુઆરીમાં તેઓ કેન્યાની એક ગેમ લૉજમાં હતા ત્યારે કિંગના અવસાનના સમાચાર આવ્યા હતા. તેઓ કૉરોનરી થ્રૉમ્બોસિસનો ભોગ બન્યા હતા.
તેમનાં પત્ની હવે ક્વીન છે એ જણાવવાની જવાબદારી પ્રિન્સ પર આવી પડી હતી.
એ પરિસ્થિતિનું વર્ણન કરતાં એક દોસ્તે બાદમાં જણાવ્યું હતું કે પ્રિન્સ ફિલિપની હાલત "અડધી દુનિયા" તેમના પર તૂટી પડી હોય તેવી હતી.
નૌકાદળમાં તેમની કારકિર્દી ટૂંકાઈ ગઈ હતી. તેમણે પોતાના માટે નવી ભૂમિકા સર્જવાની હતી અને ઍલિઝાબેથની તાજપોશીના સંદર્ભમાં અનેક સવાલો સર્જાયા હતા.
તાજપોશીનો સમય નજીક આવ્યો ત્યારે એક રૉયલ વૉરંટ મારફત જાહેરાત કરવામાં આવી હતી કે પ્રિન્સ ફિલિપ તમામ પ્રસંગે ક્વીનથી આગળ રહેશે. છતાં તેમની પાસે કોઈ બંધારણીય પદ નહીં હોય.
રાજાશાહીને આધુનિક તથા સુવ્યવસ્થિત કઈ રીતે બનાવવી તેના સંખ્યાબંધ આઈડિયા ડ્યુક પાસે હતા, પણ રાજવી પરિવારના જૂના લોકોના સતત વિરોધને કારણે તેઓ એ દિશામાં આગળ વધી શક્યા નહોતા.

આકરો ફટકો

ઇમેજ સ્રોત, PA
તેમણે તેમની કેટલીક ઊર્જાનો ઉપયોગ સક્રિય સામાજિક જીવનમાં કર્યો હતો. તેઓ તેમના પુરુષ દોસ્તો સાથે સૅન્ટ્રલ લંડનના સોહોના એક રેસ્ટોરાંની ઉપરના રૂમમાં દર સપ્તાહે મળતા હતા.
લાંબી ઉજાણીઓ થતી હતી, નાઇટ ક્લબોમાં જવાનું થતું હતું અને સુંદર સાથીઓ જોડેના તેમના ફોટોગ્રાફ્સ વારંવાર જોવા મળતા હતા.
ડ્યુકને તેમના પારિવારિક મામલાઓમાં નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા હતી. જોકે, તેમનાં બાળકોનાં નામના સંદર્ભમાં તેમણે પારોઠનાં પગલાં ભરવાં પડ્યાં હતાં.
પારિવારક નામ માઉન્ટબેટનને બદલે પરિવારના સભ્યોની સાથે વિન્ડસરનું નામ લાગશે એવો ક્વીનનો નિર્ણય આકરો ફટકો સાબિત થયો હતો.
તેમણે તેમના દોસ્તોને ફરિયાદ કરી હતી, "પોતાનાં બાળકોને પોતાનું નામ આપી શકવાની છૂટ જેને ન હોય તેવો એકમાત્ર પુરુષ હું આ દેશમાં છું. હું એક અમીબા (એકકોશી જીવ)થી વધુ કંઈ નથી."
એક પિતા તરીકે પ્રિન્સ ફિલિપ તોછડા અને લાગણીશૂન્ય લાગતા હતા.
પ્રિન્સ ચાર્લ્સની જીવનકથાના લેખક જૉનાથન ડિમ્બ્લેબેના જણાવ્યા મુજબ, તેમના પિતા તેમને જાહેરમાં એવો ઠપકો આપતા કે તેઓ રડી પડતા હતા. પિતા અને તેમના મોટા પુત્ર વચ્ચેનો સંબંધ સૌહાર્દભર્યો ક્યારેય ન હતો.

ચારિત્ર્યની શક્તિ

ઇમેજ સ્રોત, PA
ફિલિપ ઈચ્છતા હતા કે પ્રિન્સ ચાર્લ્સ તેમની જૂની સ્કૂલ ગૉર્ડોનસ્ટાઉનમાં અભ્યાસ કરે. તેમનો હેતુ એ હતો કે આકરી શિસ્તનું પાલન કરાવતી સ્કૂલમાં અભ્યાસ કરવાથી તેમના પુત્રને ખરાબ આદતો છોડવામાં મદદ મળશે.
યુવા પ્રિન્સ ચાર્લ્સ સ્કૂલને ધિક્કારતા હતા. સ્કૂલમાં તેમને ઘરની યાદ બહુ આવતી હતી અને તેઓ વારંવાર અન્ય માથાભારે સહપાઠીઓને દમદાટીનું નિશાન બનતા હતા.
ડ્યુકના વર્તનમાં તેમના ભૂતકાળનું, એકલવાયા બાળપણનું પ્રતિબિંબ જોવા મળતું હતું.
તેમને નાની વયે આત્મનિર્ભર બનવાની ફરજ પાડવામાં આવી હતી અને તેમના જેવું કરવાની ફરજ બધાને કેમ નહીં પાડવામાં આવતી હોય એ તેઓ સમજી શકતા ન હતા.
પ્રિન્સ ફિલિપ યુવા લોકોના કલ્યાણની દરકાર બહુ કરતા હતા અને 1956માં દરકારને નક્કર સ્વરૂપ મળ્યું હતું, જેમાં તેણે અત્યંત સફળ ડ્યુક ઑફ ઍડિનબર્ગ ઍવૉર્ડની શરૂઆત કરી હતી.
એ પુરસ્કાર વડે સહકાર, સાધનસંપન્નતા અને પ્રકૃતિને આદર આપવાના હેતુસરની સંખ્યાબંધ આઉટડોર પ્રવૃત્તિ સાથે 15થી 25 વર્ષની વયના લગભગ 60 લાખ સક્ષમ તથા અક્ષમ યુવાઓને શારીરિક, માનસિક તથા ભાવનાત્મક રીતે સાંકળી શકાયા છે.
તેમણે બીબીસીને કહ્યું હતું, "તમે યુવાઓને પ્રવૃત્તિના કોઈ પણ ક્ષેત્રમાં સફળ બનાવી શકો તો તે સફળતાનો પ્રસાર અનેક અન્ય ક્ષેત્રોમાં થાય છે."
ડ્યુક તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન વિવિધ યોજનાઓ માટે સમય ફાળવતા રહ્યા હતા, વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા રહ્યા હતા અને પ્રવૃત્તિઓના સંચાલનમાં સક્રિય રીતે સંકળાયેલા રહ્યા.

'નૈતિક વિવેકબુદ્ધિ'

ઇમેજ સ્રોત, PA
તેઓ વન્યજીવન અને પર્યાવરણના હિમાયતી પણ હતા. અલબત્ત, 1961માં ભારતની મુલાકાત વખતે એક વાઘને ઠાર કરવાના તેમના નિર્ણય બાબતે હોબાળો થયો હતો.
ઠાર મારેલા વાઘ સાથેના તેમના ફોટોગ્રાફના પ્રકાશનને કારણે પરિસ્થિતિ વણસી હતી.
જોકે, તેમણે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ માટે તેમની વગ અને ઊર્જાનો નોંધપાત્ર ઉપયોગ કર્યો હતો. વર્લ્ડ વાઈલ્ડલાઇફ ફંડ બાદમાં વર્લ્ડ વાઈડ ફંડ ફૉર નૅચર બન્યું હતું અને તેઓ દેખીતી રીતે તેના સૌપ્રથમ પ્રમુખ બન્યા હતા.
તેમણે બીબીસીના એક ઈન્ટરવ્યૂઅરને કહ્યું હતું, "આપણી પૃથ્વી પર આટલું બધું જીવવૈવિધ્ય છે એ ખરેખર અદભુત બાબત છે. બધું એકમેક પર આધારિત છે."
"મને લાગે છે કે આપણી, મનુષ્યોની પાસે જીવન કે મૃત્યુ કે વિનાશ કે સર્જનની શક્તિ હોય તો તેનો ઉપયોગ આપણે એક પ્રકારની નૈતિક વિવેકબુદ્ધિ સાથે કરવો જોઈએ. કંઈ કારણ વિના કશું નષ્ટ શા માટે કરવું જોઈએ?"
ગ્રૂસ નામના પક્ષીના શિકારનો બચાવ કરીને તેમણે કેટલાક સંરક્ષણવાદીઓને નારાજ કર્યા હતા.

સ્પષ્ટવક્તા

ઇમેજ સ્રોત, Andrew Matthews / PA
વિશ્વનાં વનોના સંરક્ષણની પ્રતિબદ્ધતા માટે અને સમુદ્રમાંથી વધારે પડતી માછીમારી સામે ઝુંબેશ ચલાવવા બદલ તેમની વ્યાપક પ્રશંસા કરવામાં આવી હતી.
પ્રિન્સ ફિલિપે ઉદ્યોગોમાં પણ ઊંડો રસ લીધો હતો. તેમણે ફેકટરીઓની મુલાકાતો લીધી હતી અને વર્ક ફાઉન્ડેશન તરીકે જાણીતી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના પુરસ્કર્તા પણ બન્યા હતા.
1961માં તેમણે ઉદ્યોગપતિઓના એક જૂથને તેમની લાક્ષણિક આખાબોલી શૈલીમાં કહ્યું હતું, "જૅન્ટલમૅન, હવે આપણે હસ્તક્ષેપ બંધ કરવો જોઈએ."
તેમના આખાબોલાપણાને કેટલાક લોકો અસંસ્કારી વર્તન ગણતા હતા અને એ કારણે તેઓ મુશ્કેલીમાં સપડાતા હતા. ખાસ કરીને પરદેશમાં હોય ત્યારે પરિસ્થિતિનું ખોટું આકલન કરવાની આદત તેમના માટે મુશ્કેલરૂપ બનતી હતી.
1986માં ક્વીન સાથે ચીનની મુલાકાત વખતે તેમણે કરેલી કૉમેન્ટો ચારેકોર ચર્ચાઈ હતી. તેમણે ચીની લોકોની આંખ વિશે કૉમેન્ટ કરી હતી અને તેને તેમણે અંગત વાત ગણી હતી.
ટેબ્લોઈડ અખબારોને મજા પડી ગઈ હતી, પણ ચીનમાં એ બાબતે ભાગ્યે જ કોઈ ચર્ચા થઈ હતી.
2002માં ઑસ્ટ્રેલિયાની મુલાકાત વખતે તેમણે સ્થાનિક વેપારીઓને સવાલ કર્યો હતો, "તમે હજુ પણ એકમેકની ઉપર ભાલા ફેંકો છો?"

સમસ્યાને સમજવામાં મોખરે

ઇમેજ સ્રોત, PA
આ પ્રકારની ટિપ્પણીઓ માટે કેટલાક લોકો તેમની ઝાટકણી કાઢતા હતા, જ્યારે અન્ય લોકો તેને આખાબોલાપણું ગણતા હતા.
ઘણા લોકોને તેમનો આ કહેવાતો "લવારો" વાતાવરણ હળવું કરવાનો અને લોકો રાહત આપવાના પ્રયાસથી વિશેષ કશું લાગતો ન હતો.
પ્રિન્સ ફિલિપે તેમના સમગ્ર જીવન દરમિયાન રમતગમતના ક્ષેત્રે ભારે ઉત્સાહ દાખવ્યો હતો. તેમણે નૌકાવિહાર કર્યો હતો. તેઓ ક્રિકેટ તથા પોલો રમ્યા હતા. કૅરેજ ડ્રાઈવિંગમાં કુશળતા પુરવાર કરી હતી અને તેઓ વર્ષો સુધી ઇન્ટરનેશનલ ઈક્વેસ્ટેરિયન ફેડરેશનના પ્રમુખ રહ્યા હતા.
જૉનાથન ડિમ્બ્લેબાયે લખેલી પ્રિન્સ ચાર્લ્સની જીવનકથાનું પ્રકાશન થયું ત્યારે પ્રિન્સ ફિલિપ અને તેમના મોટા પુત્ર વચ્ચેના તંગ સંબંધની વાતો ફરી બહાર આવી હતી.
ઍડિનબર્ગના ડ્યુકે પ્રિન્સ ચાર્લ્સને લૅડી ડાયેના સ્પેન્સર સાથે લગ્ન કરવા માટે ફરજ પાડી હોવાનું કહેવાય છે.
તેમ છતાં તેમનાં સંતાનોના લગ્નજીવનમાં મુશ્કેલીનાં વર્ષોમાં ઍડિનબર્ગના ડ્યુક વધારે ફિકરમંદ રહ્યા હતા.
રાજવી પરિવારમાં પરણવાની પોતાની સ્મૃતિમાંથી કદાચ પાઠ ભણ્યા હોય તેમ સમસ્યાને સમજવાના પ્રયાસમાં તેઓ હંમેશાં મોખરે રહેતા હતા.

તીર્થયાત્રા
પોતાનાં ચાર પૈકીનાં ત્રણ બાળકો પ્રિન્સેસ ઍન, પ્રિન્સ ઍન્ડ્ર્યુ અને પ્રિન્સ ચાર્લ્સના નિષ્ફળ લગ્નજીવનથી પ્રિન્સ ફિલિપ બહુ ગમગીન હતા.
તેમ છતાં તેમણે અંગત જીવન બાબતે વાત કરવાનો હંમેશાં ઇનકાર કર્યો હતો. 1994માં તેમણે એક અખબારને જણાવ્યું હતું કે તેમણે પહેલાં એવું કર્યું નથી અને ટૂંક સમયમાં એવું કરવાના નથી.
વધતી વયની સાથે તેમની જીવનની ગતિ ભાગ્યે જ ધીમી પડી હતી. તેમણે મોટા પાયે પ્રવાસ કરવાનું ચાલુ રાખ્યું હતું. વર્લ્ડ વાઈડ ફંડ ફૉર નેચર માટે અને ક્વીન સાથે તેમણે સંખ્યાબંધ સત્તાવાર વિદેશપ્રવાસ કર્યા હતા.
પોતાનાં માતાની કબરની મુલાકાત લેવા માટે 1994માં તેમણે જેરુસલેમની વ્યક્તિગત તીર્થયાત્રા કરી હતી. જેરુસલેમમાં દફનાવવાની તેમનાં માતાની ઇચ્છા સંતોષાઈ હતી.
1995માં વીજે ડેના પચાસમા વાર્ષિકોત્સવ વખતે વધુ એક નોંધપાત્ર ઘટના બની હતી.
જાપાનીઓ શરણે આવ્યા ત્યારે પ્રિન્સ ફિલિપ ટૉક્યો બંદરમાં ઊભેલા બ્રિટનના એક લશ્કરી જહાજમાં હતા અને વાર્ષિકોત્સવ વખતે તેઓ જૂના સૈનિકો સાથે માર્ચ પાસ્ટમાં જોડાયા હતા.

પુત્રવધુનો આધાર
ભૂતકાળને ભૂલવા અસમર્થ જાપાનના ભૂતપૂર્વ કેદીઓ પ્રત્યે તેમણે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
પ્રિન્સેસ ઑફ વૅલ્સ ડાયેનાના મૃત્યુ પછી રાજવી પરિવાર પ્રત્યેના લોકોના બદલાયેલા અભિગમને કારણે તેમની તોછડાઈમાં પાછલાં વર્ષોમાં થોડો ઘટાડો થયો હતો.
ડ્યુક અને પ્રિન્સેસ વચ્ચેનો પત્રવ્યવહાર 2007માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ડ્યુકનું તેમનાં પુત્રવધુ પ્રત્યેનું વર્તન આકરું હોવાના દાવાને નકારવાના પ્રયાસમાં એ પત્રો પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
'ડીયર પા લેટર્સ' ગણાવવામાં આવેલા એ પત્રો દર્શાવતા હતા કે તેઓ ડાયેના માટે મોટો આધાર હતા, જે ડાયેનાએ લખેલા ઉષ્માભર્યા લખાણથી પ્રતીત થતું હતું.
ડાયનાને છેલ્લા સાથી ડોડીના પિતા મોહમદ અલ ફાયેદે એવો આક્ષેપ કર્યો હતો કે પ્રિન્સ ફિલિપના આદેશ અનુસાર ડાયેનાની હત્યા કરવામાં આવી હતી. તેની તપાસ થવી જોઈએ.
જોકે, મૃતદેહનું પરીક્ષણ કરનાર અધિકારીએ તે આક્ષેપને ફગાવી દીધો હતો.
ઍડિનબર્ગના ડ્યુક પ્રિન્સ ફિલિપ મજબૂત ઇચ્છાશક્તિ અને સ્વતંત્ર વિચાર ધરાવતી વ્યક્તિ હતી. તેઓ બ્રિટિશ સમાજના કેન્દ્રમાં હતા.

બુદ્ધિગમ્ય અભિગમ
તેઓ સ્વાભાવિક નેતા હતા, પણ તેમણે હંમેશાં બીજા સ્થાને રહેવું પડ્યું હતું. તેમનો આક્રમક મિજાજ તેમના પદને હંમેશાં અનુકૂળ આવતો ન હતો.
તેમણે એક વખત બીબીસીને કહ્યું હતું, "મેં મારાથી બનતું શ્રેષ્ઠ કામ કર્યું છે. હું મારી કામ કરવાની પદ્ધતિમાં અચાનક ફેરફાર ન કરી શકું. હું ઘટનાઓ પ્રત્યેના પ્રતિભાવની મારી શૈલી ન બદલી શકું. એ મારી સ્ટાઈલ છે."
યુકેના પૂર્વ વડા પ્રધાન ડૅવિડ કૅમરોને જૂન 2011માં ડ્યુકના નેવુંમા જન્મદિવસની પૂર્વસંધ્યાએ તેમને બિરદાવતાં આ વાત સ્વીકારી હતી.
"તેમણે બધાં કામ તેમની આગવી શૈલીમાં વિનમ્રતા, અર્થસભર અભિગમ સાથે કર્યાં છે, જે બ્રિટિશ લોકોને ગમે છે એવું હું માનું છું."

જાહેર જીવનમાંથી નિવૃત્તિ

ઇમેજ સ્રોત, Tim Graham / PA
ક્વીનને દાયકાઓ સુધી ટેકો અને પોતાની સખાવતી સંસ્થાઓ તથા સંગઠનોના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ ડ્યુક ઑગસ્ટ 2017માં જાહેર જીવનમાંથી નિવૃત્ત થયા હતા.
બકિંઘમ પૅલેસની ગણતરી મુજબ, તેમણે 1952થી ઑગસ્ટ 2017 સુધીમાં 22,219 કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
વડાં પ્રધાન થેરેસા મેએ "લોકસેવામાં ઉત્કૃષ્ટ પ્રદાન" બદલ તેમનો આભાર માન્યો હતો.
ફિલિપે તેમના પદ મારફત બ્રિટિશ જીવનમાં મોટું પ્રદાન કરવામાં સફળ રહ્યા હતા અને રાજાશાહીને બદલતા સમયને અનુરૂપ બનાવવામાં ભૂમિકા ભજવી હતી.
જોકે, ક્વીનને તેમના લાંબા શાસનકાળમાં સતત ટેકો તથા શક્તિ પૂરા પાડવાની તેમની સિદ્ધિ નિશંકપણે સૌથી મોટી હતી.
ફિલિપે તેમની જીવનકથાના લેખકને કહ્યું હતું તેમ, તેમનું કામ "ક્વીન શાસન કરતાં રહે તે સુનિશ્ચિત કરવાનું છે."
રાજવી દંપતીનાં લગ્નની સુવર્ણજયંતીની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ક્વીને તેમના પતિને વખાણ્યા હતા.
ક્વીને કહ્યું હતું, "તેઓ તેમની સ્તુતિને આસાનીથી સ્વીકારતા નથી, પણ આટલાં વર્ષો સુધી મારી શક્તિ બની રહ્યા છે અને સાથે રહ્યા છે. હું અને મારો સમગ્ર પરિવાર તથા આ અને અન્ય અનેક દેશો તેમના પારાવાર ઋણી છીએ."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












