ડૉ. સ્વાતિ મોહન : ભારતીય મૂળનાં એ મહિલા જેમણે નાસાના મંગળ મિશનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી

ઇમેજ સ્રોત, @DRSWATIMOHAN
નાસાનું અત્યાર સુધીનું સૌથી મહાત્વાકાંક્ષી મંગળ મિશન મંગળ ગ્રહ પર શરૂ થઈ ચૂક્યું છે. નાસાના આ અભિયાનમાં ભારતીય મૂળનાં ડૉ. સ્વાતિ મોહન પણ સામેલ છે.
નાસાના પર્સાવિયરેન્સ પ્રોજેક્ટની માર્સ 2020 ગાઇડન્સ, નેવિગેશન ઍન્ડ કંટ્રોલ ઑપરેશન્સનાં મોવડી ડૉ. સ્વાતિ મોહન સાથે વૉશિંગ્ટનમાં હાજર બીબીસી સંવાદદાતા વિનીત ખરેએ વાતચીત કરી.
ડૉ. સ્વાતિ હાલ લૉસ એંજલિસમાં છે. વાંચો એમની સાથેની વાતચીતના અંશો.
વર્ષોની કામગીરી બાદ સફળતાના છેલ્લા કેટલાક કલાકો કેવી રીતે વિત્યા?
આ બધું થોડું સપનાં જેવું છે. ગુરુવારે જે થયું એ સફળતાનું પ્રદર્શન હતું અને ગુરુવારે બધું યોગ્ય રીતે પાર પડવાનું જ હતું.
જે હજારો લોકોએ આ પ્રોજેક્ટ પર કામ કર્યું છે એમણે એમનું દિલ, પોતાની આત્મા આમાં રેડી દીધી અને તમામે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું હતું.

શું આપને યાદ છે કે એ છેલ્લી મિનિટોમાં આપના દિમાગમં શું ચાલી રહ્યું હતું?

ઇમેજ સ્રોત, @DRSWATIMOHAN/TWITTER
મિશન કમેન્ટેટર તરીકે હું ખૂબ ફોકસ હતી કે શું થઈ રહ્યું છે અને તેના આધાર પર મારે શું કહેવાનું છે. એ પળોમાં બધું પરફેક્ટ થવાનું હતું.
જેવી એક બાબત બને કે હું એ જોઈ રહી હતી કે હવે આગળ શું બનવાનું છે. પછી ફરી આગળનો વિચાર. જે કંઈ થઈ રહ્યું હતું તેને સમજવા માટે ન તો મારી પાસે ઊર્જા હતી ન તો એનો સમય હતો.
જ્યારે મે ટચડાઉનની જાહેરાત કરી અને લોકો ખુશી મનાવવા લાગ્યા ત્યારે એ અહેસાસ થયો કે અમે એ કરી દેખાડ્યું છે. અમે મંગળની સપાટી પર પહોંચી ગયા હતા અને જે જેવું વિચાર્યું હતું એ મુજબ જ એ બન્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમે આઠ વર્ષથી આ પ્રોજેક્ટ સાથે જોડાયેલાં છો, આ ખૂબ લાંબો સમય છે, આ દરમિયાન કેવો અનુભવ થયો?

ઇમેજ સ્રોત, NASA
મને ખૂબ ગર્વ છે અને મારા માટે આ મીઠો અહેસાસ છે. અમે એક ટીમમાં આઠ વર્ષથી કામ કરી રહ્યા હતા અને અમે એક પરિવાર બની ગયા હતા. મને થોડું દુખ છે કે આવતા અઠવાડિયે કદાચ અમારા રસ્તાઓ અલગ થઈ જશે. પણ આનો ભાગ હોવું એ મારું સૌભાગ્ય છે.
આ કામ માટે સૌથી પહેલી કુરબાની મેં જેની આપી એ છે મારી ઊંઘ. જે પળથી હાર્ડવેરને જોડવાનું કામ શરૂ થયું હું ફોન પર રહી કારણ કે અમે સતત પરીક્ષણ કરી રહ્યા હતા. ક્યારેક ફ્લાઇટ હાર્ડવેર જોડવાનું કામ, ક્યારેક એનું ટેસ્ટિંગ તો ક્યારેક બીજું કંઈ. મારો ફોન કાયમ મારી સાથે રહેતો હતો.
મારા ફોનની બેટરી હંમેશાં ચાર્જ રાખતી જેથી કંઈ જરૂર પડે તો હું દરેક વાતનો જવાબ આપી શકું. સતત એ સ્તરની ઊર્જા જાળવી રાખવી થોડું ડરાવનારું રહ્યું. મારા પરિવારે પણ અનેક કુરબાનીઓ આપવી પડી. મારે ક્યારેય પણ ઑફિસ જવુ પડતું. ક્યારેક કોઈ સમસ્યા આવે તો લૅબ જવું પડતું. મારા પરિવારે મારો પૂરેપૂરો સાથ આપ્યો.

નાસામાં આપની સફર કેવી રહી અને આ સફરમાં સૌથી સારા દિવસો કેવા હતા?

ઇમેજ સ્રોત, @ICANCALLUBETTY/TWITTER
હું જ્યારે હાઈસ્કૂલમાં હતી ત્યારે મેં અંતરિક્ષના ક્ષેત્રમાં કેરિયર બનાવવાનો નિર્ણય કર્યો હતો. અમેરિકામાં અંતરિક્ષનો અર્થ થાય છે નાસા એટલે મેં નાસા વિશે તમામ અભ્યાસ કર્યો.
જ્યારે હું હાઈસ્કૂલમાં હતી તો મારી પહેલી ઇન્ટર્નશિપ નાસા ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરમાં હતી. એ પછી ભણીને કૉર્નેલ ગઈ અને એ વર્ષે ગરમીઓમાં જેટ પ્રોપલ્શન લૅબોરેટરીમાં કામ શીખી. પછી મેં કેનેડી સ્પેસ સેન્ટરમાં ઇન્ટર્નશિપ કરી. ગ્રેજ્યુએટ સ્કૂલમાં મને નાસા જૉનસન સ્પેસ સેન્ટર, નાસા માર્શળ સ્પેસ સેન્ટર સાથે જોડાવાનો મોકો મળ્યો.
આ રીતે મને સ્પેસ ઇન્ડસ્ટ્રીને અલગ અલગ દૃષ્ટિકોણથી જોવાનો મોકો મળ્યો. આનાથી મને મારું સ્થાન બનાવવામાં મદદ મળી.
આપને ખૂબ નાની વયે સ્ટાર ટ્રેકમાંથી કેવી રીતે પ્રેરણા મળી હતી?
હા, હું જ્યારે નવ કે દસ વર્ષની હતી ત્યારે મેં જાણીતા ધારાવાહિક સ્ટાર ટ્રેકનો એક એપિસોડ જોયો. એ એપિસોડમાં એન્ટરપ્રાઇસને આકાશગંગાના એક ખૂણામાં ફેંકી દેવામાં આવે છે અને પછી અંતરિક્ષની સુંદર તસવીરો દેખાય છે.
મને યાદ છે કે મેં એ વખતે વિચારેલું કે જો હું એન્ટરપ્રાઇસ હોત તો કેવી મજા આવત. હું અંતરિક્ષની નવી નવી વાતો જાણી શકત અને એની શોધ કરી શકત. પછી હું તસવીરોને આધારે હબલ ટેલિસ્કોપ સુધી પહોંચી અને પછી આ સિલસિલો ચાલું જ રહ્યો.
તમે એક વર્ષનાં હતા અને અમેરિકા આવી ગયા તો શું ભારત સાથેનો નાતો જાળવી શક્યાં?
મારા ખૂબ દૂરના સગાંઓ હજી પણ ભારતમાં છે. ખાસ કરીને બેંગલુરુમાં. મારા દાદા-દાદી લાંબો સમય ત્યાંજ રહ્યાં છે.
જ્યારે હું મોટી થઈ રહી હતી ત્યારે ઉનાળાની રજાઓમાં પરિવારને મળવા અને ફરવા માટે ભારત જતી હતી.
તો શું ત્યાં કોઈ સાથે આપની વાત થઈ શકી?
દરેક જગ્યાએથી એટલો પ્રેમ અને વધામણીઓ મળી રહી છે કે હું ગદગદ થઈ ગઈ છું. લોકો એટલું સન્માન આપ્યું છે એનું હજી પણ આશ્ચર્ય થાય છે.

મિશન દરમિયાન કયા મોટાં પડકારો હતાં અને તમે એનો સામનો કેવી રીતે કર્યો?

ઇમેજ સ્રોત, NASA
અમે જ્યારે પેરાશૂટ બનાવી રહ્યાં હતા ત્યારે અમને અહેસાસ થયો કે એવી બાબતો પણ છે જે અમને સમજાતી નથી. એને સમજવા અને અએ સ્થિતિમાં બદલાવ લાવવા માટે અમારે ટેસ્ટ ઝુંબેશ શરૂ કરવી પડી.
સૅમ્પલ કૈશિંગ સિસ્ટમ (મંગળની સપાટી પરથી ધૂળ, કાંકરા વગેરે ટ્યૂબમાં ભરીને પાછી ધરતી પર મોકલવાની સિસ્ટમ) સાવ નવી છે. આમાં શરૂઆતથી જ ડિઝાઇન કરીને સફાઈનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આમાં ફક્ત સૅમ્પલની સફાઈ જ નહીં, એને ટ્યૂબમાં નાંખવા અને કેવી રીતે સીલ કરવી વગેરે પડકારો હતા. સાથે એ પણ ધ્યાન રાખવાનું હતું કે રોવરની સાથે કોઈ કીટાણું મંગળ ગ્રહ ન પહોંચી જાય અને અમને પાછળથી એની ખબર પડે.
ભારત પણ મંગળ પર રોવર મોકલવા માગે છે. તમે આ કામને સફળતાથી કરનારી ટીમનો ભાગ છો તમારી સલાહ શું રહેશે?
કોઈ પણ ગ્રહ પર જવું ખૂબ મુશ્કેલ હોય છે. એવી અનેક બાબતો હોય છે જેનાં પર તમારે કામ કરવાનું હોય છે. ગ્રહનો દરેક હિસ્સો, દરેક દિવસ અને ત્યાં જવાને લઈને અલગ અલગ પડકારો આવે છે અને તે બદલાતા રહે છે.
મારી સલાહ છે કે સતત કોશિશ કરતાં રહેવું, અન્યોના અનુભવમાંથી શીખવું, ઘણી વાર સફળતા કરતાં વધારે નિષ્ફળતા આપણને શીખવે છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













