ગાયનું દૂધ ફાયદાકારક છે કે હાનિકારક અને કેમ ઘટી રહી છે તેની માગ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગાયનું દૂધ એક એવો આહાર છે કે જેના પર વૈજ્ઞાનિકો અલગઅલગ મત ધરાવે છે. આ જ કારણે તેના પર વર્ષોથી વિવાદ ચાલ્યો આવે છે.
શું ગાયનું દૂધ માણસના ખોરાકનો હિસ્સો હોવું જોઈએ? તે માણસ માટે કેટલું સ્વાસ્થ્યવર્ધક છે?
હજારો વર્ષો પહેલાં ગાયને પાળવાની શરૂઆત થઈ ત્યારથી તેનું દૂધ અને તેમાંથી બનેલી ચીજો આપણા આહારનો હિસ્સો છે.
કેટલાક નિષ્ણાતો માને છે કે 10 હજાર વર્ષોથી આ દૂધ અને તેમાંથી બનતી વસ્તુઓને આપણે આહારમાં સામેલ કરી લીધી છે.
જોકે, કેટલાક લોકો ગાયના દૂધને માણસોના સ્વાસ્થ્ય માટે સારું નથી માનતા. આવા લોકો હવે દૂનિયાનું ધ્યાન ખેંચવા લાગ્યા છે.
આ જ કારણ છે કે તેની માગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને એ પણ ઝડપથી.

કેમ ગાયના દૂધની માગ ઘટી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના કૃષિવિભાગ અનુસાર વર્ષ 1970 બાદ દેશમાં ગાયના દૂધની માગમાં 40 ટકાનો ઘટાડો આવ્યો છે.
કેટલાક લોકો એવું પણ માને છે કે આ ઘટાડો દૂધના વિકલ્પોને કારણે થયો છે. જેમ કે, સોયા મિલ્ક અને બદામ મિલ્ક વગેરે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીગન (શાકાહારી) બનવાના ચલણને કારણે તેની માગ પ્રભાવિત થઈ છે. વીગન એ લોકો હોય છે જે માંસ અને પશુઓ સાથે સંકળાયેલા કોઈ પણ ખાદ્ય પદાર્થોનું સેવન કરતા નથી. એમાં દૂધ અને ઇંડા સામેલ છે.
આ સિવાય દુનિયાની લગભગ 65 ટકા વસતિમાં લેક્ટોઝ (દૂધમાં મળનારી સુગર)ને પચાવવાની સીમિત ક્ષમતા હોવાને કારણે પણ માગમાં ભારે ઘટાડો થયો છે.
હવે સવાલ એ ઊઠે છે કે દૂધ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે કે નહીં. શું તેનાથી શરીર પર પડનારા પ્રભાવથી બચવા માટે તેનો ઉપયોગ રોકવો જોઈએ?

સ્વાસ્થ્ય માટે કેટલું લાભકારક છે દૂધ?
પહેલાં એના પર વાત કરીએ કે દૂધ માણસોના સ્વાસ્થ્ય માટે કેટલું લાભકારક છે.
બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા(એનએચએસ) અનુસાર ગાયનું દૂધ અને તેનાથી બનતી ચીજો, જેવી કે પનીર, દહીં, માખણ વધારે માત્રામાં કૅલ્શિયમ અને પ્રોટીન આપે છે. જે સંતુલિત આહાર માટે જરૂરી છે.
અમેરિકાના ન્યુટ્રિશનિસ્ટ ડોનાલ્ડ હેંસરડ કહે છે કે કૅલ્શિયમ અને પ્રોટીન સિવાય દૂધમાં અનેક પ્રકારનાં વિટામિન હોય છે. દૂધ વિટામિન A અને D માટે ખૂબ સારો સ્રોત છે.
તેઓ સમજાવે છે, "તમારે એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ગાયનું દૂધ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ તે એટલું આવશ્યક નથી જેટલું તેને વર્ષોથી દર્શાવવામાં આવે છે."
બ્રિટિશ ન્યુટ્રિશન ફાઉન્ડેશન પ્રમાણે, "બાળકો અને મોટા લોકોને જેટલી માત્રામાં આયર્ન, કૅલ્શિયમ, વિટામિન, ઝિંક અને આયોડીનની જરૂરિયાત હોય છે, તે તેમના અન્ય આહારમાંથી પૂરતાં પ્રમાણમાંથી નથી મળી રહેતાં, જે દૂધમાં જોવા મળે છે."
ન્યુટ્રિશનિસ્ટ શાર્લોટ સ્ટર્લિંગ-રીડે બીબીસીને જણાવ્યું, "પ્રાકૃતિક દૂધના અન્ય વિકલ્પોની સાથે સમસ્યા એ છે કે તેમાં પોષક તત્ત્વો પ્રાકૃતિક રૂપે નથી હોતાં. આ પોષક તત્ત્વોને કૃત્રિમ રૂપે નાખવામાં આવે છે."
"જેનાથી તે કદાચ તમારી અપેક્ષા પ્રમાણે તમને ફાયદો ના પણ પહોંચાડે."

ગર્ભવતીઓ માટે દૂધ કેવું?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રાકૃતિક રૂપથી ઉપલબ્ધ થનારું દૂધ કસરત કરનારા લોકો માટે ફાયદાકારક હોય છે.
ન્યુટ્રિશનિસ્ટ રેની મેકગ્રેગરે બીબીસીને કહ્યું, "આ એક સંપૂર્ણ ભોજન છે. જેમાં કાર્બોહાઇડ્રેડ અને પ્રોટીનનું પ્રમાણ સરખું હોય છે, જે માંસપેશીઓ માટે ઉપયોગી બને છે. "
આ બાળકો માટે પણ કૅલ્શિયમનો એક સારો સ્રોત છે. ગર્ભવતી મહિલાઓને દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે ભ્રૂણનાં હાંડકાંના નિર્માણ અને તેમના વિકાસમાં મદદ કરે છે.
300 મિલીલિટરનો એક દૂધના ગ્લાસમાં લગભગ 350 મિલીગ્રામ કૅલ્શિયમ હોય છે, જે એકથી ત્રણ વર્ષ સુધીનાં બાળકોની જરૂરિયાતનું અડધું છે.
જોકે, એનએચએસ એક વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને ગાયનું દૂધ ના પીવડાવવાની સલાહ આપે છે.

વધારાની ચરબી એક મોટી સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ગાયના દૂધની એક મોટી સમસ્યા એ છે કે તેમાં વધારાની ચરબી હોય છે. એનએચએસ કિશોર અને વયસ્કોને મલાઈ હટાવીને દૂધ પીવાની સલાહ આપે છે.
હેંસરડ સમજાવે છે, "વયસ્કો માટે દૂધ વિટામિન અને આયર્નનો એક સારો સ્રોત છે પરંતુ તે સ્કિમ્ડ હોવું જરૂરી છે એટલે કે તે ચરબીમુક્ત હોવું જોઈએ."
"જોકે, તમારે પનીર, માખણ અને દહીં અંગે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ."
ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે પનીરમાં 20થી 40 ટકા સુધીની ફેટ હોય છે. જ્યારે માખણમાં માત્ર ફેટ જ હોય છે. તેમાં સેચુરેટેડ ફેટ અને સૉલ્ટની માત્રા પણ વધારે હોય છે.
હેંસરડ કહે છે, "આ ખાદ્ય પદાર્થો શરીરમાં ભારે માત્રમાં કૅલરી પ્રદાન કરે છે, જેની બાળપણ અથવા કિશારવસ્થામાં જે જરૂરિયાત હોય છે એટલી મોટી ઉંમરે જરૂર હોતી નથી. એટલા માટે આ કેટલાક લોકો માટે મેદસ્વીપણાનું કારણ બને છે."
લેક્ટોઝ પણ એક સમસ્યા છે. દૂધમાંથી મળનારી આ સુગર સરળતાથી પચતી નથી.

દૂધથી ઍલર્જી થાય?

ઇમેજ સ્રોત, Getty Images
ગાયના દૂધ સાથે એક બીજી સમસ્યા પણ સંકળાયેલી છે, જે કોઈ લોકો માટે ઍલર્જીનું કારણ બને છે. ક્યારેક આ સમસ્યા ગંભીર રૂપ ધારણ કરી લે છે.
એનએચએસ અનુસાર બ્રિટનમાં 50માંથી 1 બાળક તેનાથી થનારી ઍલર્જીનો શિકાર બને છે.
વર્લ્ડ ઍલર્જી ઑર્ગેનાઇઝેશન આને એક કષ્ટદાયક સાર્વજનિક સ્વાસ્થ્ય સમસ્યા બતાવે છે.
સંસ્થા પ્રમાણે દૂધથી ઍલર્જીની સમસ્યા સતત વધી રહી છે.
બીજી તરફ એ પણ એક સત્ય છે કે માણસો સિવાય અન્ય પ્રજાતિ વયસ્ક થયા બાદ દૂધ પીતી નથી.
એનું કારણ એ છે કે લેક્ટોઝને પચાવવા માટે જે એન્જાઇમની જરૂરિયાત હોય છે તે બાળપણમાં વધારે બને છે.
દુનિયાની વસતિનો એક મોટો હિસ્સો લેક્ટોઝને પચાવવા માટે સમક્ષ નથી. વિશેષ રૂપમાં એશિયાના લોકો.
દૂધ માણસની પાચન શક્તિને કમજોર કરે છે અને અન્ય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે.
એ જ કારણ છે કે અનેક ફાયદા હોવાછતાં તેનાથી થનારા નુકસાન પર દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે અને આ જ વિવાદનું કારણ પણ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













