'હું જ મહાન છું, હું જ સૌથી શ્રેષ્ઠ છું' – આત્મમુગ્ધતા એ કોઈ રોગ છે?

ઇમેજ સ્રોત, Getty Images
36 વર્ષીય આકાંક્ષા (બદલાવેલું નામ) તેમનાં આઠ ભાઈ-બહેનોમાં સૌથી મોટાં છે.
એમના પરિવારની ફરિયાદ હતી કે તેઓ પરિવાર સાથે હળીમળીને રહી શકતાં નથી. તેઓ જે કંપનીમાં કામ કરે છે ત્યાંથી પણ પરિવારને ફરિયાદો મળતી હતી કે તેઓ કોઈનું સાંભળતાં નથી, અને પોતાની વાત જ સહુની પાસે મનાવવાનો પ્રયત્ન કરે છે.
જો તેમની જરા પણ ટીકા કરવામાં આવે તો તેમને ખોટું લાગી જાય છે અને તેઓ રડવાં લાગે છે.
જ્યારે આકાંક્ષાને પૂછવામાં આવે તો તેઓ કાયમ એવી ફરિયાદ કરતાં રહેતાં કે તેમને ઊંઘ નથી આવતી અને અનિદ્રા છે. તેમનું કહેવું હતું કે ઑફિસ અને પરિવારના લોકોના તણાવને લઈને તેઓ ઘણાં વર્ષોથી ઊંઘી શકતાં નથી.
પરંતુ હકીકતમાં આકાંક્ષાને અનિંદ્રાની સમસ્યા નહોતી. તેઓ કાયમ પોતાને જ મહત્ત્વ મળે, તેવું વર્તન કરતાં હતાં. તેઓ અનિદ્રાને એક કારણ બનાવીને પોતાની વાતને છુપાવી રહ્યાં હતાં.
કાઉન્સેલિંગ સેશન દરમિયાન તેમની સાથે વિસ્તારપૂર્વક વાત કરવામાં આવી ત્યારે તેમને નારસિસ્ટિક પર્સનાલિટી ડિસઑર્ડર હોવાનું નિદાન થયું, પરંતુ આકાંક્ષા પોતે તેમને આ ડિસઑર્ડર છે એવું તેઓ સ્વીકારતાં નહોતાં.
ભોપાલની ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં ક્લિનિકલ સાઇકૉલૉજિસ્ટ ડૉ. રાહુલ શર્મા બીબીસી સાથે વાત કરતાં કહે છે, “આ ડિસઑર્ડરને સામાન્ય ભાષામાં આત્મમુગ્ધતા કહેવાય છે. એ કોઈ રોગ નથી, પરંતુ તે વ્યક્તિત્વ વિકાર (પર્સનાલિટી ડિસઑર્ડર)ની કૅટેગરીમાં આવે છે. સાઇકિયાટ્રી વિશ્વમાં આવા 10થી 12 પ્રમાણિત વિકાર છે. તેને નારસિસ્ટિક પર્સનાલિટી ડિસઑર્ડર કહેવામાં આવે છે.”
આકાંક્ષાને સાઇકો ઍજ્યુકેશન આપ્યા બાદ તેમણે આ સમસ્યાને સ્વીકારી અને સાઇકોઍનાલિટીક કાઉન્સેલિંગનાં લગભગ 8થી 10 સેશન પછી તેમણે પોતે વધુ સારી સ્થિતિમાં હોવાનું અનુભવ્યું. એટલું જ નહીં, પરિવાર અને ઑફિસમાં પણ તેમની કામગીરી અને વર્તણૂકમાં સુધારો થયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આપણી આસપાસના ઘણા લોકોના સ્વભાવમાં આ પ્રમાણે ચીડિયાપણું, નકારાત્મકતા, હુંપણું, વગેરે જેવાં લક્ષણો જોવાં મળે છે. તેને આપણે સામાન્ય રીતે ‘સ્વભાવ’ કહીને અવગણી દેતાં હોઈએ છીએ. પરંતુ એ ખરેખર એક વિકાર છે. ચાલો તેના વિશે વધુ જાણીએ.
આત્મમુગ્ધતા એટલે શું?

ઇમેજ સ્રોત, Getty Images
મનોવિજ્ઞાનીઓના મતે આપણે સહુ કોઈને કોઈ સમયે આત્મમુગ્ધતાનાં લક્ષણો પ્રદર્શિત કરતા હોઈએ છીએ.
આત્મમુગ્ધતાની વ્યાખ્યાઓ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ તેનાં કેટલાંક પ્રાથમિક લક્ષણો છે. જેમ કે ઘણા લોકોની પોતાના વિશે એવી અડગ માન્યતા હોય છે કે તેઓ અન્યો કરતાં વધારે સારા છે. તેમની આવી માન્યતાને બીજા લોકો ઘમંડ કે સ્વાર્થી તરીકે પણ જુએ છે.
ડૉ. શર્મા કહે છે, “આત્મમુગ્ધતા એ ખૂબ જૂનો કૉન્સેપ્ટ છે. ગ્રીક અને યુનાની કહાણીઓમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. ભારત સહિત આખી દુનિયામાં આ વિષય પર અનેક પૌરાણિક કહાણીઓ લખાયેલી છે. આત્મમુગ્ધ માણસ સામાજિક સંબંધોને બિલકુલ પ્રાધાન્ય આપી શકતો નથી, અને જો તે પ્રાધાન્ય આપે છે તો પણ પોતાની રીતે. તે દરેક જગ્યાએ પોતાને અગત્યતા આપે છે, પોતાને કેન્દ્રમાં રાખીને જ બધાં કામ કરે છે, તે ખુદને જ પ્રેમ કરે છે.”
આત્મમુગ્ધ વ્યક્તિમાં કેવાં લક્ષણો જોવાં મળે?
કોઈ વ્યક્તિને જોઈને તે આત્મમુગ્ધ હશે કે નહીં તેનો નિર્ણય કરવો મુશ્કેલ હોય છે.
આત્મમુગ્ધ વ્યક્તિઓમાં જોવાં મળતાં લક્ષણો વિશે અમદાવાદસ્થિત સાઇકિયાટ્રિસ્ટ ડૉ. કલરવ મિસ્ત્રીએ બીબીસી સાથે વાત કરી.
તેમણે કહ્યું, “આત્મમુગ્ધતામાં વ્યક્તિનાં વાણીવર્તનમાં ધરમૂળથી તત્કાળ પરિવર્તન થતાં નથી. આ વિકારથી પીડાતાં દર્દીઓ એટલા સ્માર્ટ હોય છે કે તમે એમની સાથે વાતચીત કરો તો એમ જ લાગે કે તેઓ ખૂબ મૅચ્યોર છે, સમજણવાળા છે. તેમનો અભિગમ અંદરથી સ્વાર્થી હોય છે, પરંતુ બહારથી તેઓ ખૂબ વિનમ્ર, ધ્યાન આકર્ષિત કરે તેવું દયાળુ વર્તન કરે છે.”
- પોતાને મહાન માનવું, પોતાના દેખાવ પર ગર્વ કરવો
- સ્વને ખૂબ મહત્ત્વ આપવું
- પોતાની કલ્પનાઓમાં જ મગ્ન રહેવું ઉ.દા. તરીકે હું રાતોરાત પૈસાદાર થઈ જઈશ
- સતત પોતાની વર્તણૂકથી લોકોનું ધ્યાન આકર્ષિત કરવું
- મેલોડ્રામા, ઓવરડ્રામેટાઇઝેશન કરવું
- હંમેશાં પોતાનાં વખાણ થાય અને ટીકા ન થાય તેવું ઇચ્છવું
- બીજાની સફળતાથી ઇર્ષ્યા થવી

બીબીસીનાં ડિજિટલ હૅલ્થ ઍડિટર મિશેલ રૉબર્ટ્સના અહેવાલ પ્રમાણે સંશોધકોએ વ્યક્તિત્વનાં લક્ષણોને આધારે આત્મમુગ્ધ લોકોને ત્રણ કૅટેગરીમાં મૂક્યા છે.
- ઍજન્ટિક – પોતાને બીજા કરતાં ઉચ્ચ કે ભવ્ય માનતાં તથા પોતાનાં વખાણ થાય એવું કાયમ ઇચ્છતાં લોકો
- ઍન્ટાગોનિસ્ટિક (વિરોધી) – બીજા લોકોને પ્રતિસ્પર્ધી તરીકે જોનારા, શોષણવૃત્તિ ધરાવનાર, સહાનુભૂતિ બિલકુલ અભાવ હોવો
- ન્યૂરોટિક – અસુરક્ષાની ભાવના ધરાવતા, પોતાની ટીકા પ્રત્યે વધુ પડતાં સંવેદનશીલ લોકો
આત્મમુગ્ધતાનો વિકાર કેવી રીતે આવે છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેનાં કારણો વિશે સમજાવતાં ડૉ. રાહુલ શર્મા કહે છે, “અમેરિકા, યુરોપમાં થયેલા વિશ્વાસપાત્ર અભ્યાસોમાં એ વાત સામે આવી છે કે સમગ્ર વિશ્વમાં 0.8થી 1 ટકા જેટલા લોકો આત્મમુગ્ધતાના આ વિકારથી પીડાય છે. મહિલાઓની સરખામણીએ પુરુષોમાં તે વધુ જોવા મળે છે.”
તેઓ કહે છે, “હકીકતમાં આ વ્યક્તિત્વ વિકાસની સમસ્યા છે. આપણા વ્યક્તિત્વમાં આપણા પરિવાર, મિત્રો, પાડોશીઓથી લઈને સૌના કેટલાંક લક્ષણોનું પ્રતિબિંબ જોવા મળે છે. તેમનો પણ આપણા પર પ્રભાવ હોય છે. ક્યારેક પરિવારમાં પણ એવો માહોલ હોય છે કે કોઈ બાળકને એવું લાગે કે મને મહત્ત્વ મળતું નથી, એ આગળ જતાં ફિક્સ થતું જાય છે અને પછી ઉંમર વધે તેમ ડિસઑર્ડરમાં બદલાઈ જાય છે.”
ડૉ. કલરવ મિસ્ત્રી પણ કહે છે, “બાળક માતાના ગર્ભમાં હોય ત્યારના પહેલા મહિનાથી માતાની મનોસ્થિતિ, પરિવારનું વાતાવરણ, માતાપિતાનું વલણ, મિત્રો એ બધું બાળકનાં વ્યક્તિત્વને ઘડવામાં ભાગ ભજવતું હોય છે. અઢાર વર્ષ સુધી આ પારિવારિક પરિસ્થિતિ, આર્થિક સંકડામણ, તણાવ વગેરેને કારણે તેનું વ્યક્તિત્વ ઘડાય છે. આથી, વ્યક્તિ જ્યારે પચ્ચીસેક વર્ષની થાય ત્યારે ભૂતકાળમાં થયેલા ખરાબ અનુભવોને આધારે બદલાની ભાવના તેનામાં પ્રભાવી હોય છે, ધીરેધીરે તે વ્યક્તિ આત્મમુગ્ધતા તરફ જતી રહે છે.”
બાળકો, સોશિયલ મીડિયાની અસર અને આત્મમુગ્ધતા વચ્ચેનો તંતુ

14 વર્ષીય આસ્મા (બદલાવેલું નામ) કાયમ હતાશ-નિરાશ રહેતાં હતાં. લોકોને ખબર પડી જાય એ હદે ખોટું બોલતાં હતાં. કાચનાં વાસણો કે મોબાઇલને પણ ફેંકીને તોડફોડ કરતાં હતાં.
ડૉક્ટરોએ જ્યારે તેમની દિનચર્યાનો અભ્યાસ કર્યો ત્યારે એ ધ્યાનમાં આવ્યું કે તેઓ દિવસના સાતથી આઠ કલાક તો સોશિયલ મીડિયા પર પસાર કરે છે. તેના મિત્રો સાથે ઝઘડાની ફરિયાદો આવતી હતી.
ડૉ. રાહુલ શર્મા કહે છે, “એવા લોકોની સંખ્યા બહુ મોટી છે કે જેઓ આત્મમુગ્ધતાથી પીડાય છે અને સોશિયલ મીડિયામાં વધુ પડતાં ઍક્ટિવ પણ છે. તેમનો ફોટો અપલોડ કરીને તેઓ ફોન કરીને લોકોને લાઇક કરવાનું પણ કહે છે. આજે લોકોની સોશિયલ મીડિયા પોસ્ટ્સ જોઈને પણ એ નક્કી થઈ શકે છે કે વ્યક્તિ આત્મમુગ્ધતાથી પીડાય છે કે નહીં.”
ડૉ. કલરવ મિસ્ત્રી પણ આત્મમુગ્ધતા પાછળ સોશિયલ મીડિયાને વધુ પ્રભાવી ગણે છે. તેઓ કહે છે, “આજે ડિજિટલ કનેક્શન્સ વધતાં જાય છે. સામાજિક જોડાણો ઘટી જવાને કારણે પણ લોકો એકલતા અનુભવે છે. આત્મમુગ્ધ લોકો સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવે છે, બદલો લે છે.”
આત્મમુગ્ધ દર્દીઓની સારવાર કઈ રીતે થાય છે?

અમેરિકન સાઇકિયાટ્રિક ઍસોસિયેશન પ્રમાણે અમેરિકાના એકથી બે ટકા લોકોમાં આત્મમુગ્ધતાનો વિકાર જોવા મળે છે. અલગ-અલગ દેશોમાં આ દર્દીઓનું પ્રમાણ એકથી લઈને પાંચ ટકા સુધીનું હોય છે.
વૈશ્વિક સ્તરે સાઇકિયાટ્રિક ક્લાસિફિકેશન સિસ્ટમમાં આત્મમુગ્ધતાનાં બે પ્રકારનાં વર્ગીકરણ જોવાં મળે છે: ICD-10 અને DSM-5. જેમાં DSM-5 ક્લાસિફિકેશન એ અમેરિકન સાઇકિયાટ્રિક ઍસોસિયેશન દ્વારા પ્રમાણિત છે, જેમાં નારસિસ્ટિક પર્સનાલિટી ડિસઑર્ડરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ડૉ. રાહુલ શર્મા કહે છે, “બંને પ્રકારના ક્લાસિફિકેશનમાં અમુક પ્રકારનાં લક્ષણોના માપદંડ બનાવવામાં આવ્યા છે. તેને આધારે દર્દીની ચકાસણી થાય છે. દર્દીનો ઇન્ટરવ્યૂ કરવામાં આવે છે, તેમના પરિવાર સાથે વાતચીત કરવામાં આવે છે.”
ઉપચાર અંગે જણાવતાં તેઓ કહે છે, “વાતચીત, પરિવાર સાથેની ચર્ચાઓને આધારે દર્દીનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ત્યાર બાદ દર્દીની સાઇકોથૅરપી કરવામાં આવે છે, અને જો વધુ પડતી સમસ્યા હોય તો પછી સાઇકિયાટ્રિસ્ટને રીફર કરવામાં આવે છે, જે દવાઓ પણ આપે છે.”
તજજ્ઞો અનુસાર આત્મમુગ્ધતા હંમેશાં વ્યક્તિત્વ વિકાર છે એવું માની લેવું પણ જરૂરી નથી. ક્યારેક ટૂંકા ગાળા માટે તે ફાયદાકારક નીવડે છે.
ઉ.દા., તરીકે તેનાથી તમારી લોકપ્રિયતા વધી શકે છે. તમને સારી નોકરી મેળવવામાં તે મદદરૂપ થઈ શકે છે. પરંતુ લાંબા ગાળે તે મોટે ભાગે નકારાત્મક નીવડે છે, કારણ કે તેના લીધે ઘણા નાનામોટા સંઘર્ષો ઉદ્ભવે છે.
તાજેતરનાં સંશોધનમાં શું સામે આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સાઇકોલૉજિકલ બુલેટિન નામની એક જર્નલમાં તાજેતરમાં એક સંશોધન પ્રકાશિત થયું છે.
આ સંશોધનમાં ભૂતકાળમાં થયેલા કુલ 51 અભ્યાસોનો આધાર લેવામાં આવ્યો છે. જેમાં કુલ 37,247 લોકો પર સંશોધન કરવામાં આવ્યું છે. સંશોધનમાં ભાગ લેનારા લોકોની ઉંમર આઠ વર્ષથી શરૂ કરી 77 વર્ષ સુધીની હતી.
સંશોધનના મહત્ત્વપૂર્ણ તારણમાં એ સામે આવ્યું છે કે જેમ ઉંમર વધતી જાય તેમ આત્મમુગ્ધ લોકો વધુ સહાનુભૂતિવાળા, થોડા વધુ ઉદાર બનતા જાય છે. તેમનામાં રહેલો અસંમતિનો સૂર ધીમો પડતો જાય છે.
સંશોધન પ્રમાણે ઉંમર સાથે આત્મમુગ્ધતા ઘટે છે, પરંતુ વ્યક્તિત્વમાં થતો બદલાવ ધીમો હોય છે અને તે વ્યક્તિત્વને થોડે ઘણે અંશે જ બદલે છે.
ડૉ. મિસ્ત્રી કહે છે, “આત્મમુગ્ધતા 18થી 35 વર્ષના ગાળામાં વધુ પ્રભાવી હોય છે, કારણ કે સામાન્ય રીતે આ જ સમયગાળામાં કારકિર્દીનો તણાવ, સંબંધોમાં તણાવ, સ્ટ્રેસ વગેરે આવતું હોય છે. જેમ જેમ વ્યક્તિ 45થી 50 વર્ષની થાય ત્યાં તે મોટી જવાબદારીઓથી મુક્ત થતી જાય છે, તેનાં બાળકો મોટાં થઈ ગયાં હોય છે. આથી, તેનામાં એક પ્રકારની શરમની ભાવના આવતી જાય છે. પછી તેનો સ્વભાવ દયાળુ થતો જાય છે, તથા તેણે પોતાનો મોટા ભાગનો ગુસ્સો પહેલાં બહાર કાઢી નાખ્યો હોય છે. આથી, ઉંમર સાથે આત્મમુગ્ધતા ઘટતી જાય છે.”
તેઓ કહે છે, “જો કોઈ વ્યક્તિના સ્વભાવને કારણે તેના ઘર સિવાય ઑફિસમાં પણ સમસ્યાઓ થતી હોય, તેમની ફરિયાદો આવતી હોય, તણાવ વર્તાતો હોય તો તરત જ કાઉન્સેલિંગ કરાવવું જોઈએ.”
આ અહેવાલ માટે આધારભૂત મૂળ સ્ટોરી તમે અહીં ક્લિક કરી વાંચી શકો છો.
(ઇનપુટ: આર્જવ પારેખ)












