આઇન્સ્ટાઇને કરેલી એ ત્રણ 'ભૂલો' જેણે દુનિયા બદલી નાખી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઍલેન ત્સંગ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
આલ્બર્ટ આઇન્સ્ટાઇન વિજ્ઞાનના ઇતિહાસમાં સૌથી મહાન વ્યક્તિઓમાં એક હતા.
તેમના સાપેક્ષતાના સિદ્ધાંતોએ માત્ર ભૌતિકશાસ્ત્રને જ નહીં પરંતુ સમગ્ર વિજ્ઞાનની દુનિયાને એક નવો દૃષ્ટિકોણ આપ્યો હતો. પરંતુ પ્રતિભાશાળી લોકો પણ અંતે તો માનવી જ હોય છે.
આટલા બુદ્ધિશાળી હોવા છતાં, આઇન્સ્ટાઇન ક્યારેક ભૂલો કરતા હતા. તેમની ભૂલોએ વિજ્ઞાન માટે નવી દિશામાં માર્ગ મોકળો કર્યો હતો. તે ભૂલોમાંથી જ વધુ શોધોને પ્રોત્સાહન મળ્યું હતું.
તેઓ સાપેક્ષતાના પિતા અને ભૌતિક વિજ્ઞાની ખરા જેમણે ગુરુત્વાકર્ષણ તથા પ્રકાશની શોધ કરી એવા મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પણ ક્યારેક પોતાના સિદ્ધાંતોમાં વિશ્વાસ નહતો થતો.
આ આત્મસંદેહે તેમને કેટલીક મોટી ભૂલો કરવા તરફ દોરી ગઈ.
'સૌથી મોટી ભૂલ'

ઇમેજ સ્રોત, Nasa/Esa/J Merten/D Coe
સામાન્ય સાપેક્ષતાના તેમના સિદ્ધાંત પર કામ કરતી વખતે આઇન્સ્ટાઇનની ગણતરીઓ સૂચવે છે કે ગુરુત્વાકર્ષણ બ્રહ્માંડને સંકોચશે અથવા તો તેનું વિસ્તરણ કરશે. જે તે સમયે સ્વીકૃત દૃષ્ટિકોણથી વિપરીત હતું કે બ્રહ્માંડ સ્થિર છે.
તેથી, 1917 માં સામાન્ય સાપેક્ષતાના તેમના પેપરમાં આઇન્સ્ટાઇને ગુરુત્વાકર્ષણના પ્રભાવનો અસરકારક રીતે સામનો કરવા માટે તેમનાં સમીકરણોમાં "બ્રહ્માંડ સંબંધી સ્થિરાંક" દાખલ કર્યો. જેનાથી બ્રહ્માંડ સ્થિર છે તેવી રૂઢિચુસ્તતાનો સ્વીકાર કરવામાં આવ્યો.
એક દાયકા કે તેથી વધુ સમય પછી વૈજ્ઞાનિકોએ નવા પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું કે બ્રહ્માંડ બિલકુલ સ્થિર નથી. હકીકતમાં તો તે વિસ્તરી રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભૌતિકશાસ્ત્રી જ્યૉર્જ ગેમોએ પાછળથી તેમના પુસ્તક માય વર્લ્ડ લાઇન: એન ઇન્ફૉર્મલ ઑટોબાયોગ્રાફીમાં લખ્યું છે કે આઇન્સ્ટાઇને પાછળથી જોયું કે "બ્રહ્માંડ સંબંધી શબ્દની વ્યાખ્યા એ તેમના જીવનમાં કરેલી સૌથી મોટી ભૂલ હતી".
પરંતુ એક બીજો વળાંક છે

ઇમેજ સ્રોત, Nasa/Esa
વૈજ્ઞાનિકો પાસે હવે પુરાવા છે કે બ્રહ્માંડનું વિસ્તરણ એક રહસ્યમય "ડાર્ક ઍનર્જી" ને કારણે ઝડપથી થઈ રહ્યું છે. કેટલાક માને છે કે આઇન્સ્ટાઇનનો બ્રહ્માંડ સંબંધી સ્થિરાંક શરૂઆતમાં તેમનાં સમીકરણોમાં ગુરુત્વાકર્ષણનો સામનો કરવા માટે રજૂ કરવામાં આવ્યો હતો.
વાસ્તવમાં તે ખરેખર આ ઊર્જા માટે જવાબદાર હોઈ શકે છે અને તેથી આ તેમની એટલી મોટી ભૂલ ના ગણાય.
દૂરના તારાવિશ્વોનો ખુલાસો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આઇન્સ્ટાઇનના સામાન્ય સાપેક્ષતાના સિદ્ધાંતે બીજી એક ઘટનાની પણ આગાહી કરી હતી. કે જે પ્રમાણે તારા જેવા વિશાળ પદાર્થનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર તેની પાછળ દૂરના પદાર્થમાંથી આવતા પ્રકાશને વાળી દેશે, જે અસરકારક રીતે એક વિશાળ બૃહદદર્શક લૅન્સ તરીકે કાર્ય કરશે.
આઇન્સ્ટાઇને વિચાર્યું કે ગુરુત્વાકર્ષણ લૅન્સિંગ તરીકે ઓળખાતી આ અસર એટલી સૂક્ષ્મ હશે કે તેને જોવું અશક્ય હશે. તેમનો ઇરાદો તેમની ગણતરીઓને પ્રકાશિત કરવાનો પણ નહોતો, જ્યાં સુધી આરડબ્લ્યુ મેન્ડલ નામના એન્જિનિયરે તેમને આમ કરવા માટે સમજાવ્યા નહીં.
1936માં સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા પોતાના પેપરનો ઉલ્લેખ કરતા, આઇન્સ્ટાઇને સંપાદકને લખ્યું: "મારા દ્વારા બહાર પાડેલા નાના પ્રકાશનમાં તમારા સહકાર બદલ હું મિસ્ટર મેન્ડલનો આભાર માનું છું. મારો લેખ બહુ મૂલ્યવાન નથી, પરંતુ તે બિચારાને ખુશ કરે છે."
ભલે આઇન્સ્ટાઇનને બહુ મૂલ્યવાન ન લાગ્યું હોય પરંતુ આ નાના પ્રકાશનમાં જે સમાયેલું હતું તેનું મૂલ્ય ખગોળશાસ્ત્ર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બન્યું છે.
મહત્ત્વનું છે કે આ તકનીકની મદદથી યુએસ સ્પેસ એજન્સી નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીઓ હબલ ટેલિસ્કોપ મારફતે પૃથ્વીની નજીકના તારાવિશ્વોના વિશાળ ક્લસ્ટરો વડે વિસ્તૃત થતા દૂરના તારાવિશ્વોની વિગતો મેળવી શકે છે.
'ભગવાન પાસાં નથી રમતા '

ઇમેજ સ્રોત, Getty Images
આઇન્સ્ટાઇનના કામમાં પ્રકાશને તરંગો અને કણો બંને તરીકે વર્ણવતા તેમના 1905ના પેપરનો સમાવેશ થાય છે. જેણે ભૌતિકશાસ્ત્રની ઊભરતી શાખા માટે પાયો નાખવામાં મદદ કરી હતી.
ક્વૉન્ટમ મિકેનિક્સ નાના સબ-ઍટોમિક કણોની વિચિત્ર, પ્રતિ-સાહજિક દુનિયાનું વર્ણન કરે છે.
ઉદાહરણ તરીકે, ક્વૉન્ટમ ઑબ્જેક્ટ "સુપરપોઝિશન" માં હાજર હોય છે, જે બહુવિધ સ્થિતિમાં હોય છે જ્યાં સુધી તેનું અવલોકન અને માપન ન થાય, કોઈ એક બિંદુ પર તેના મૂલ્યનો નિર્દેશ કરવામાં આવે છે.
ભૌતિકશાસ્ત્રી એર્વિન શ્રોડિંગરે તેમના વિરોધાભાસમાં આ વાતનું ચિત્રણ કર્યું હતું, જેમાં બૉક્સની અંદરની બિલાડીને જીવતી કે મૃત ના ગણી શકાય જ્યાં સુધી કોઈ એની તપાસ માટે બૉક્સ ના ખોલે.
આઇન્સ્ટાઇને આ અનિશ્ચિતતા સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. 1926માં તેમણે ભૌતિકશાસ્ત્રી મેક્સ બોર્નને લખ્યું હતું કે "[ઈશ્વર] પાસાં રમતા નથી."
વૈજ્ઞાનિકો બોરિસ પોડોલ્સ્કી અને નાથન રોઝન સાથેના તેમના 1935ના પેપરમાં તર્ક આપવામાં આવ્યો હતો કે જો સુપરપોઝિશનમાં બે વસ્તુઓ કોઈ રીતે જોડીને પછી અલગ કરવામાં આવે, તો પ્રથમ વસ્તુનું અવલોકન કરનાર અને તેના મૂલ્યનો નિર્દેશ કરનાર વ્યક્તિ તરત જ બીજા પદાર્થ માટે પણ તેનું અવલોકન કર્યા વગર મૂલ્ય નક્કી કરી નાંખશે.
જોકે આ વિચારરૂપ પ્રયોગનો ઉદ્દેશ્ય ક્વૉન્ટમ સુપરપોઝિશનનું ખંડન કરવાનો હતો. જો કે તેણે વાસ્તવમાં દાયકાઓ પછી ક્વૉન્ટમ મિકેનિક્સમાં એક મુખ્ય વિચારના વિકાસ માટે માર્ગ મોકળો કર્યો જેને આપણે હવે ઍન્ટેંગલમૅન્ટ કહીએ છીએ. જે દાવો કરે છે કે બે વસ્તુઓને એક તરીકે જોડી શકાય છે, ભલે તેઓ ખૂબ દૂર હોય.
તેથી એવું લાગે છે કે આઇન્સ્ટાઇન અને તેમના સિદ્ધાંતો ખૂબ પ્રભાવશાળી હતા. અને તેમણે એવી બાબતોમાં પણ પ્રતિભાને ઉત્તેજન આપ્યું કે જેમાં તેઓ ક્યારેક ખોટા પડ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












