ગુજરાતના પાટીદાર અનામત આંદોલન જેવું મહારાષ્ટ્રનું મરાઠા આંદોલન શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
પાછલા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં ફરી એક વાર ‘મરાઠા અનામત આંદોલન’ અને તેને લગતી માગણીઓએ વેગ પકડ્યો છે.
‘મરાઠા અનામત’ની માગણી સાથે આંદોલનકારી મનોજ જરાંગે પાટીલ ફરી એક વાર ‘અનિશ્ચિતકાળ’ની ‘ભૂખ હડતાળ’ પર બેઠા છે.
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની રાજનીતિ પર ખાસી અસર પડી હતી. હવે એવી જ રીતે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલને જોર પકડ્યું છે. મહારાષ્ટ્રમાં મરાઠા લોકો ઘણા સમયથી અનામતની માગ કરી રહ્યા છે.
કોણ છે મરાઠા?

ઇમેજ સ્રોત, Getty Images
મરાઠા સમુદાય હિંદુ વર્ષ વ્યવસ્થામાં ન તો બ્રાહ્મણ છે, ન ક્ષત્રિય અને ન વૈશ્ય. એટલે મરાઠા ચોથા વર્ણમાં આવે છે એટલે સામાજિક રૂપથી આ સમુદાય પછાત છે. એટલું જ નહીં ત્રણ વર્ણોના લોકો મરાઠાઓને નીચે માનતા આવ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર મરાઠા એ ઐતિહાસિક રીતે એક ‘લડવૈયા’ની જાતિ હોવાનું મનાય છે.
મહારાષ્ટ્રમાં લગભગ ત્રીજા ભાગની વસતિ ‘મરાઠા’ની હોવાનું મનાય છે. મોટા ભાગે આ જાતિમાં ખેડૂતો અને જમીનદારો સમાવિષ્ટ છે.
મોટા ભાગના ‘મરાઠા’ મરાઠી બોલે છે, જોકે, તમામ મરાઠી બોલનારા લોકો એ ‘મરાઠા’ નથી.
મહારાષ્ટ્રમાં આ જાતિ રાજકીય વગ ધરાવે છે. વર્ષ 1960માં રાજ્યના નિર્માણથી શરૂ કરીને અત્યાર સુધી રહેલા 20 મુખ્ય મંત્રી પૈકી 12 ‘મરાઠા’ રહ્યા છે, જેમાં હાલના મુખ્ય મંત્રી શિંદે પણ સામેલ છે.
જમીનમાલિકીના વિભાજન અને ખેતીક્ષેત્રની મુશ્કેલીઓને કારણે પાછલાં ઘણાં વર્ષોથી મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના આ જાતિના લોકોની સમૃદ્ધિમાં ‘નોંધપાત્ર ઘટાડો’ નોંધાયો છે.
‘મરાઠા અનામત આંદોલન’ની શરૂઆત કેવી રીતે થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
મરાઠા અનામત અંગે સંશોધન કરનારા વરિષ્ઠ પત્રકાર સંજય મિસકિને બીબીસી મરાઠીને કહ્યું કે, "મરાઠા અનામત માટે 1981માં સંઘર્ષ શરૂ થયો હતો જે માથાડી લેબર યુનિયનના નેતા અન્નાસાહેબ પાટિલ. અગાઉ મરાઠા સમુદાય ક્યારે અનામત માટે સંઘર્ષમાં નહોતો પડ્યો."
22 માર્ચ 1982ના દિવસે અન્નાસાહેબ પાટિલે મરાઠા અનામતને લઈને પ્રથમ રેલી યોજી હતી, આમાં અન્ય 11 માગો પણ સામેલ કરવામાં આવી હતી. બાબાસાહેબ ભોસલે તે સમયે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી હતા.
મિસકિન કહે છે કે, "મરાઠાની આ રેલી જોઈને સરકારને તેમની સમસ્યાઓનો અંદાજ આવ્યો અને મરાઠા અનામતનો વાયદો આપવામાં આવ્યો."
"જોકે દુર્ભાગ્યવશ સરકાર ખોટી પડી અને અનામતનો નિર્ણય એળે ગયો. બીજા જ દિવસે અન્નાસાહેબ પાટિલે પોતાને ગોળી મારીને આપઘાત કર્યો હતો. તે સમયથી મરાઠા સમુદાય સંગઠિત થવા લાગ્યો."
વર્ષ 1981માં માથાડી લેબર યુનિયન લીડર અન્નાસાહેબ પાટીલે યોજેલી જનરેલીને આ મુદ્દાને રાજકારણના કેન્દ્રમાં લાવવા માટે જવાબદાર મનાય છે.
1997માં મરાઠા મહાસંઘ અને મરાઠા સેવા સંઘ દ્વારા કરાયેલાં આયોજનોમાં સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠા અનામત માટે પ્રથમ વખત મોટા પાયે પ્રદર્શન યોજાયાં. પ્રદર્શનકારીઓ પ્રમાણે મરાઠાએ ઉચ્ચ વર્ણમાં સમાવિષ્ટ જાતિ નહીં પરંતુ ખરેખર કુનબી હતા.
આ શબ્દનો ઉપયોગ પશ્ચિમ ભારતમાં ખેડૂત તરીકે ઓળખ આપવા કરાય છે.
વર્ષ 2008-09માં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શરદ પવાર, વિલાસરાવ દેશમુખ આ માગને અનુમોદન આપી ચૂક્યા છે.
વર્ષ 2009થી 14 સુધી ઘણાં રાજકીય પક્ષો અને સંસ્થાઓ આ માગને પોતાનું સમર્થન વ્યક્ત કરી ચૂક્યાં છે.
મરાઠા આંદોલનમાં અત્યાર સુધી શું શું થયું- વાંચવા માટે અહીં ક્લિક કરો



