આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ પછી નર્મદા જિલ્લામાં કેવો માહોલ છે?
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ગઈકાલે ધરપકડ કરાઈ છે અને હાલમાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. જોકે, કોર્ટે ચૈતર વસાવાને જામીન પણ આપ્યા નથી.
ચૈતર વસાવાના વકીલ સુરેશ જોશીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે તેઓ હવે ચૈતર વસાવાના જામીન લેવા માટે સેશન્સ કોર્ટમાં જશે. તેમનો આરોપ હતો કે પોલીસે કિન્નાખોરી રાખીને ચૈતર વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.
ડેડિયાપાડાથી ધરપકડ કરી ચૈતર વસાવાને રાજપીપળા લઈ જવાયા હતા. ગઈકાલે રાત્રે તેમના સમર્થકોએ પોલીસ સ્ટેશન પહોંચીને ઘેરાવ કર્યો હતો.
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગત અનુસાર, ગઈકાલે બપોરે બાર વાગ્યાના અરસામાં ડેડિયાપાડા પ્રાંત કચેરીએ એટીવીટી (આપણો તાલુકો, વાઇબ્રન્ટ તાલુકો)ની સંકલન સમિતિની બેઠક હતી. જેમાં ચૈતર વસાવા, ડેડિયાપાડાના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વગેરે લોકો હાજર હતા.
ચૈતર વસાવાએ પ્રાંત અધિકારી તેમજ સંજય વસાવાને જણાવ્યું હતું કે 'મારા માણસોની એટીવીટીની સંકલન સમિતિમાં સભ્યપદે નિમણૂક કેમ કરવામાં આવી નથી અને મારી પાસે નામો કેમ મંગાવવામાં આવ્યા નથી?'
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગતો અનુસાર આ મામલે તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ફરિયાદી સંજય વસાવાએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યા અનુસાર, ચૈતર વસાવાએ ટેબલ પર રહેલો કાચનો ગ્લાસ તેમની તરફ ફેંક્યો હતો. એ વખતે પોલીસે આડો હાથ રાખતા સંજય વસાવાને માથાના ભાગે ઈજા થઈ હતી.
ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે તે પ્રમાણે ચૈતર વસાવાએ 'આજે તો તને મારી નાખીશ' તેમ કહીને ચૈતર વસાવાએ તૂટેલા ગ્લાસનો કાચ લઈને સંજય વસાવાને મારવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ સંજયને 'જીવતો નહીં રહેવા દઉં' એવી ધમકી પણ આપી હતી.
ચૈતર વસાવાએ પણ સંજય વસાવાની વિરુદ્ધમાં એક લેખિત ફરિયાદ ડેડિયાપાડા પોલીસ સ્ટશનમાં કરી હતી.
જેમાં સંજય વસાવા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે જે કમિટી હતી તેમાં અક્ષય જૈન સહિતના અન્ય છ સભ્યોનો સમાવેશ ધારાસભ્ય ચૈતર વસાવાને વિશ્વાસમાં લીધા વગર કર્યો હતો.
ચૈતર વસાવાએ આ કમિટીને રદ કરવાની માગ પણ કરી. સાથે તેમણે અનુરોધ કર્યો કે આ કમિટીના સભ્યો સર્વાનુમતે નક્કી કરવામાં આવે.
ચૈતર વસાવાએ ફરિયાદમાં અક્ષય જૈન સામે આરોપ લગાવ્યો કે તેઓ કોઈ ચૂંટાયેલી સંસ્થાઓમાં નથી તેથી તેમને આ કમિટીમાં લેવા ન જોઈએ.
ચૈતર વસાવાએ ફરિયાદમાં સંજય વસાવા પર આક્ષેપ કરતાં કહ્યું કે "સંજય વસાવાએ ઉગ્રતાથી કહ્યું હતું કે આ અમારા સભ્યો છે. અમે નક્કી કરેલા છે તેથી તેમને કમિટીમાં લેવા જ પડશે. અમારી સરકાર છે અને મિટિંગ તો થશે જ. તમારે જે કરવું હોય તે કરી લો. એમ કહીને મારી ફેંટ પકડી લીધી હતી અને કુર્તાનાં બટન તોડી નાખ્યાં હતાં. સંજય વસાવાએ અમારી સરકાર છે એવું કહીને જોઈ લેવાની ધમકી આપી હતી."

ઇમેજ સ્રોત, @Chaitar_Vasava
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



