ટી-20 વર્લ્ડકપમાં હાર્યા છતાં ભારતને કેટલા કરોડ રૂપિયા મળશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુરુવારે ઑસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે રમાયેલ ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલ ઇંગ્લૅન્ડ સામે ભારતીય ક્રિકેટની ટીમનો પરાજય થતાં વર્લ્ડકપમાં તેમની સફરનો અંત આવ્યો હતો.
સમગ્ર ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનાર ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ બૅટિંગ કરીને 168 રન બનાવી શકી હતી.
જેના જવાબમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ઇંગ્લૅન્ડની ટીમે માત્ર 16 ઓવરમાં 170 રન બનાવી સરળતાથી મૅચ જીતી લીધી હતી.
ઘણા વિશ્લેષકોએ ભારતના પ્રદર્શનને ‘શરમજનક’ અને ‘નિરાશાજનક’ ગણાવ્યું હતું.
તેમજ કેટલાક ભારતીય ક્રિકેટ પ્રશંસકોએ તો ખેલાડીઓ સહિત ટીમ મૅનેજમૅન્ટની આકરી ટીકા કરી હતી. જોકે, કેટલાક ભારતીય ક્રિકેટરોના સમર્થનમાં પણ આવ્યા હતા.
મૅચ અને વર્લ્ડ ટી-20 વિજેતા તરીકે 15 વર્ષ બાદ નામ નોંધાવાની તક ગુમાવ્યા બાદ ભારતીય ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર પોતાનું દુ:ખ પણ ઠાલવ્યું હતું, જે ચર્ચાનો વિષય બન્યો હતો.
પરંતુ હવે જ્યારે ભારતીય ટીમ ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ ગઈ છે ત્યારે તેમને મળેલ ઇનામની રાશિ અંગે ચર્ચા શરૂ થઈ છે.

કોને મળશે કેટલી ઇનામની રકમ?

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ટુર્નામેન્ટની શરૂઆતમાં જાહેર કરેલ ઇનામની રકમની વાત ધ્યાને લઈએ તો ટુર્નામેન્ટના બંને સેમિફાઇનલિસ્ટને ચાર લાખ અમેરિકન ડૉલર આપવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નોંધનીય છે કે ભારત અને ન્યૂઝીલૅન્ડની ટીમો અનુક્રમે ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન સામે સેમિફાઇનલ મૅચમાં હારીને વર્લ્ડકપમાંથી બહાર થઈ છે.
હવે આ બંને ટીમોને ચાર લાખ અમેરિકન ડૉલર એટલે કે લગભગ ત્રણ કરોડ 20 લાખ રૂપિયા ઇનામ રાશિ તરીકે અપાશે.
આ સિવાય આઈસીસીની જાહેરાત અનુસાર ફાઇનલમાં જીતનાર ટીમ અને ફાઇનલ રનર અપ ટીમ માટે પણ ઇનામની રકમ નક્કી કરાઈ છે.
જાહેરાત અનુસાર રનર અપને 0.8 મિલિયન અમેરિકન ડૉલર એટલે કે લગભગ છ કરોડ 40 લાખ રૂપિયા અપાશે.
તેમજ ટી-20 વર્લ્ડકપ ટાઇટલની વિજેતા ટીમને 1.6 મિલિયન અમેરિકન ડૉલર એટલે કે લગભગ 12 કરોડ 60 લાખ રૂપિયાની રકમ ઇનામ તરીકે અપાશે.
નોંધનીય છે કે પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે રવિવાર મૅલબર્ન ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ફાઇનલ મુકાબલો યોજાવાનો છે.
આટલું જ નહીં સુપર 12 સ્ટેજ સુધી પહોંચેલ અન્ય આઠ ટીમોને પણ 70 હજાર અમેરિકન ડૉલર એટલે કે લગભગ 56 લાખ રૂપિયા ઇનામ તરીકે અપાશે.
નોંધનીય છે કે વર્ષ 2022ના ટી-20 વર્લ્ડકપની આ ટુર્નામેન્ટમાં મોટા ઊલટફેર જોવા મળ્યા હતા. કેટલીક દિગ્ગજ ટીમો સુપર 12 સુધી પણ પહોંચી શકી નહોતી, તો ભૂતકાળની કેટલીક ચૅમ્પિયન ટીમો કહેવાતી ‘નબળી ટીમો’ સામે હારીને બહાર થઈ ગઈ હતી.
ટુર્નામેન્ટની ફાઇનલિસ્ટ ટીમ પાકિસ્તાન પણ ઝિમ્બાબ્વે સામે ગ્રૂપ મૅચ હારી ગઈ હતી. તેમજ સાઉથ આફ્રિકા નેધરલૅન્ડ્સની ટીમ સામે હારી ગઈ જેથી પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચ્યું હતું.

ઇંગ્લૅન્ડ અને ભારતની મૅચમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉસ બટલરે ઍડિલેડમાં રમાયેલી બીજી સેમિફાઇનલમાં ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ટીમે પ્રથમ બૅટિંગ કરી હતી.
ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને કે. એલ. રાહુલ ફરી ફ્લૉપ રહ્યા હતા.
જે પીચ પર અંગ્રેજ બૅટરોએ ધૂંઆધાર બેટિંગ કરી એ જ પીચ પર ભારતીય બૅટરો રન બનાવવા માટે તરસતા જોવા મળ્યા હતા.
રાહુલ ઉપરાંત સૂર્યકુમાર યાદવ (14 રન) અને કૅપ્ટન રોહિત શર્મા (27 રન) પણ આજની મૅચમાં નિષ્ફળ રહ્યા હતા. વિરાટ કોહલીએ પોતાના મનપસંદ મેદાન પર લડાયક મિજાજ બતાવ્યો જોકે, એમના બૅટમાંથી પણ સરળતાથી રન નહોતા આવી રહ્યા.
આ મૅચમાં વિશ્લેષકોના મતે ભારતના બૅટરોના ‘સરેરાશ’ અને બૉલરોના ‘નિરાશાજનક’ પ્રદર્શનને કારણે અંતે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારત અને ઇંગ્લૅન્ડના પ્રદર્શનની વાત કરીએ તો ભારત તરફથી વિરાટ કોહલી 40 બૉલમાં 50 રન કરી શક્યા હતા, તેમજ હાર્દિક પંડ્યાએ લડાયક બૅટિંગ કરતાં માત્ર 33 બૉલમાં 63 રન ફટકારી દીધા હતા. હાર્દિક પંડ્યાએ તેમની ઇનિંગમાં પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.
અંતે ભારતે 20 ઓવરના અંતે 168 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન જોસ બટલર અને ઓપનર એલેક્સ હેલ્સે તાબડતોડ બૅટિંગ કરી હતી.
જોસ બટલરે 49 બૉલમાં 80 અને એલેક્સ હેલ્સે માત્ર 47 બૉલમાં 86 રનની ધુંઆધાર ઇનિંગ રમી હતી.














