ગુજરાતમાં જ્યારે અનામતવિરોધી આંદોલનો હિંસક બન્યાં અને કેટલાયનો જીવ લેવાયો

ઇમેજ સ્રોત, Chandu Maheriya
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી ગુજરાતી
- વાંચવાનો સમય: 5 મિનિટ
તાજેતરમાં યુજીસીએ જાહેર કરેલા નવા નોટિફિકેશનનો વિરોધ અને તેના સમર્થનને લઈને પ્રદર્શનો તથા સોશિયલ મીડિયા પર તેની ઘણી ચર્ચા થઈ હતી. 13મી જાન્યુઆરીના રોજ યુજીસીએ 'યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન રેગ્યુલેશન્સ 2026' પ્રસિદ્ધ કર્યાં હતાં.
કમિશન અનુસાર, આ પાછળનો ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમતાને પ્રોત્સાહન પૂરું પાડવાનો તથા ભેદભાવ અટકાવવાનો હતો. જોકે, આ નિયમનો જનરલ કૅટેગરીના વિદ્યાર્થીઓ અને સંગઠનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને અંતે સુપ્રીમ કોર્ટની દખલગીરીને પગલે એને લાગું થતાં અટકાવી દેવાયો હતો. યુજીસીના આ નવા નિયમો 19 માર્ચે સુનાવણી હાથ ધરાશે.
આ નિયમને પગલે જોવા મળેલા વિરોધના વંટોળે ગુજરાતમાં 80ના દાયકામાં જોયેલા વિરોધની યાદ અપાવી દીધી. જોકે, એ વખતનો વિરોધ હિંસામાં ફેરવાઈ ગયો હતો. આ રમખાણોમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા; ખાસ કરીને આંદોલનનું કેન્દ્રસ્થાન રહેલું અમદાવાદ વ્યાપક હિંસાનો ભોગ બન્યું હતું. 1985માં જે થયેલી હિંસાનું મૂળ કારણ ઓબીસી (અન્ય પછાત વર્ગો)ને અનામત ક્વૉટામાં કરાયેલા સમાવેશમાં હતું
ગુજરાતમાં 80ના દાયકામાં મૂળે તો બે વાર અનામતવિરોધી આંદોલનો થયાં. એક 1985માં અને એ પહેલાં 1981માં.
1985નું અનામતવિરોધી એ આંદોલન જેમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા

ઇમેજ સ્રોત, valjibhai patel
10 જાન્યુઆરી 1985ના રોજ ગુજરાતના એ વખતના મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBC) માટે અનામતમાં 18%નો વધારો કરવાની જાહેરાત કરી હતી. જેનો બિન-અનામત વર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ વધારાનો વિરોધ કર્યો અને ફેબ્રુઆરી આવતાંઆવતાં આ વિરોધે હિંસક રૂપ લઈ લીધું.
એશિયા અને વારસા પરના કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત જર્નલ 'મૉર્ડન એશિયન સ્ટડીઝ'ના વૉલ્યુમ 23માં ઇતિહાસકાર અને પ્રોફેસર હાવર્ડ સ્પોડેક નોંધે છે:
1985નાં રમખાણોએ અમદાવાદ શહેરને હચમચાવી દીધું હતું. ફેબ્રુઆરીથી જુલાઈ સુધી—લગભગ અડધું વર્ષ—આ રમખાણો ચાલ્યાં હતાં. આ દરમિયાન અંદાજે 275 લોકોનાં મૃત્યુ થયાં, હજારો લોકો ઘાયલ થયા અને હજારો લોકો બેઘર બન્યા હતા. સંપત્તિ તથા વેપારમાં અંદાજે ₹2,200 કરોડ જેટલું જંગી નુકસાન થયું હતું.
રમખાણની પૂર્વભૂમિકા સમજાવતા સ્પોડેક જણાવે છે: 1977થી માધવસિંહ સોલંકીએ 'ખામ' (KHAM) નામની એક નવી ચૂંટણી રણનીતિ અપનાવી હતી, જેમાં K એટલે ક્ષત્રિય, H એટલે હરિજન, A એટલે આદિવાસી અને M એટલે મુસ્લિમ સમુદાયનો સમાવેશ થતો હતો. આ ચાર જૂથોના મજબૂત ગઠબંધનને કારણે તેમને ચૂંટણી જીતવામાં મોટી સફળતા મળતી હતી. એ વર્ષે 5 માર્ચની રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં, સોલંકીએ અનામત વધારવાનો પ્રસ્તાવ મૂક્યો. આ પ્રસ્તાવ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય 'ખામ' ગઠબંધન, ખાસ કરીને ક્ષત્રિય સમુદાયના મતો મેળવવાનો હતો. રાજ્યની વસ્તીમાં ક્ષત્રિય સમુદાયનો હિસ્સો લગભગ 25% હતો અને સોલંકી પોતે પણ આ જ સમુદાયમાંથી આવતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શરૂઆતમાં કેટલાંક અઠવાડિયાં કોઈ વિરોધ ન થયો, પરંતુ ફેબ્રુઆરીની શરૂઆતથી જ સરકારી મિલકતો પર હુમલા શરૂ થઈ ગયા. બસોને આગ ચાંપવામાં આવી અને ઇમારતો પર પથ્થરમારો થયો. હિંસાની કેટલીક ઘટનાઓ અન્ય શહેરોમાં પણ બની, પરંતુ તેનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ રહ્યું.
ઉચ્ચ જ્ઞાતિ અને ઉચ્ચ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓએ તેમના વાલીઓના ટેકા સાથે અનામત વધારાના વિરોધમાં પરીક્ષાઓનો બહિષ્કાર કર્યો. ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ ન થઈ ત્યાં સુધી શહેરની લગભગ તમામ શાળાઓ બંધ રાખવાની ફરજ પડી હતી. આ સ્થિતિએ 1981ના આંદોલનની યાદ તાજી કરી દીધી, જેમાં અનામતવિરોધી હિંસા દરમિયાન 40 લોકોનાં મોત થયાં હતાં અને અંતે સરકારને અનામતની મર્યાદા ઘટાડવી પડી હતી.
અનામતવિરોધી આંદોલનની આગેવાની કોણે લીધી હતી?

ઇમેજ સ્રોત, PANTHER MAGEZINE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફ્રેન્ચ પૉલિટિકલ સાયન્ટીસ્ટ ક્રિસ્ટોફ જેફરલૉ તેમના પુસ્તક 'ગુજરાત અંડર મોદી'માં લખે છે કે ફેબ્રુઆરી 1985માં અનામતવિરોધી આંદોલનોનો પ્રારંભ થયો હતો, પરંતુ ચૂંટણી પછી આ આંદોલને વધુ વ્યાપક સ્વરૂપ ધારણ કર્યું.
તેનું મુખ્ય કારણ એ હતું કે, તે સમયના નવા મંત્રીમંડળમાં માત્ર એક જ પાટીદાર નેતાને ઉચ્ચ પદ આપવામાં આવ્યું હતું. (5 માર્ચે યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ (I) ને પ્રચંડ બહુમતી મળી અને 182માંથી 149 બેઠકો પર વિજય મેળવ્યો. આ જીતને 'ખામ' રણનીતિની ભવ્ય સફળતા માનવામાં આવી. નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં 90% નેતાઓ નવા હતા અને સોલંકીની પસંદગીના હતા. 11 માર્ચે નવી કૅબિનેટની રચના થઈ, જેમાં 20માંથી 14 મંત્રીઓ 'ખામ' સમુદાયના હતા.)
આ વિરોધપ્રદર્શનોમાં બિન-અનામત વર્ગના વિદ્યાર્થીઓ અગ્રેસર હતા, પરંતુ આંદોલનનું મુખ્ય સંચાલન 'વાલી મંડળ' દ્વારા કરવામાં આવતું હતું. આ સંગઠનમાં વિદ્યાર્થીઓનાં માતા-પિતા ઉપરાંત અન્ય રાજકીય કાર્યકરો પણ સામેલ હતા. આ મંડળના નેતા સમાજશાસ્ત્રના પ્રોફેસર શંકરભાઈ પટેલ હતા, જેઓ જનતા પાર્ટીના સભ્ય હતા.
જોતજોતામાં વિદ્યાર્થીઓ રસ્તાઓ પર ઊતરી આવ્યા અને બસો, પોસ્ટ ઓફિસો તથા શાળાઓ જેવી સરકારી મિલકતો પર હુમલા કરવા લાગ્યા. આ આંદોલન દરમિયાન પહેલીવાર મધ્યમ વર્ગના પુરુષો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઊતરી આવ્યાં હતાં.
અમદાવાદના નારણપુરા અને વિજયનગર જેવા પોશ વિસ્તારોમાં આશરે 20,000 લોકો વિરોધપ્રદર્શનમાં જોડાયા હતા અને 'જેલ ભરો'નો નારો આપ્યો હતો. જ્યારે પોલીસે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે કડક કાર્યવાહી શરૂ કરી, ત્યારે મધ્યમ વર્ગ માટે આ એક નવો અને આઘાતજનક અનુભવ હતો, કારણ કે અગાઉ તેઓએ ક્યારેય પોલીસના આવા કડક વલણનો સામનો કર્યો ન હતો.
1985નાં મૂળ 1981માં?

ઇમેજ સ્રોત, RAJU SOLANKI
જાણકારો 1985નાં અનામતવિરોધી આંદોલન છેડા 1981નાં અનામતવિરોધી આંદોલન સાથે જોડે છે.
સ્પોડેક અનુસાર 1981ના આંદોલનના નેતાઓ ફરી સક્રિય થયા અને વકીલો તથા ડૉક્ટરોનાં મંડળોએ પણ આ બંધને સમર્થન આપ્યું હતું. આજ અવલોકનમાં સૂર પુરાવતાં દલિત કર્મશીલ રાજુ સોલંકી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે 1985માં અનામતવિરોધી આંદોલનનો નવો તબક્કો શરૂ થયો હતો, એનાં મૂળ 1981નાં અનામતવિરોધી આંદોલનમાં રોપાયાં હતાં.
તેઓ જણાવે છે કે સચિવાલયમાં રોસ્ટર હટાવવા માટે 70 દિવસની હડતાળ પાડવામાં આવી હતી. સમય જતાં આ આંદોલનો હિંસક રમખાણોમાં પરિવર્તિત થયાં. તો કર્મશીલ ચંદુ મહેરિયા કહે છે કે સરસપુરમાં દલિતોની ચાલીઓ પર હુમલાના પરિણામે લોકોએ હિજરત કરવી પડી હતી. કર્મશીલ વાલજીભાઈ પટેલ જણાવે છે, 1985માં અમદાવાદના પાલડીમાં દલિત કંડક્ટરને જીવતો સળગાવી દેવાની ઘટના પણ ઘટી હતી.

ઇમેજ સ્રોત, RAHUL PARMAR
જોન આર. વુડ દ્વારા લિખિત અને 'પેસિફિક અફેર્સ' જર્નલમાં પ્રકાશિત લેખ 'રિઝર્વેશન્સ ડાઉટ બેકલૅશ-1987'માં નોંધવામાં આવ્યું છે કે:
"આ રમખાણોની શરૂઆત જાન્યુઆરી-માર્ચ 1981 દરમિયાન અમદાવાદની બી.જે. મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓના આંદોલનથી થઈ હતી. પેથોલોજી વિષયમાં સ્પેશિયલાઈઝેશન માટે બિન-અનામત વર્ગના એક વિદ્યાર્થીને પ્રવેશ ન મળતાં આ આંદોલન શરૂ થયું હતું."
રાજુ સોલંકી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, 1981માં અમદાવાદની બી.જે. મેડિકલ કૉલેજમાં એક ડૉક્ટરને અનામતના કારણે પીડિયાટ્રિક્સ વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ મળ્યો ન હતો. આ બાબતે વિવાદ સર્જાયો અને પરિણામે રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર ઊતર્યા, જેનાથી અનામતવિરોધી પ્રદર્શનોનો પાયો નંખાયો.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર અને સામાજિક વિશ્લેષક ઘનશ્યામ શાહ જણાવે છે કે, 1981માં પહેલીવાર કૉંગ્રેસના આગેવાનોએ 'ખામ' (KHAM) થીયરી મુજબ ટિકિટોની વહેંચણી કરી હતી. આ રણનીતિને કારણે તે સમયે જનતા પાર્ટીની હાર થઈ અને કૉંગ્રેસને બહુમતી મળી. ઘનશ્યામ શાહના મતે, આ નવા રાજકીય ગઠબંધનથી સમાજનો ઉચ્ચ વર્ગ રોષમાં હતો; તેમને ડર હતો કે આ થીયરીથી તેમનું રાજકીય અસ્તિત્વ જોખમાશે. અનામતવિરોધી તોફાનો પાછળ આ પૃષ્ઠભૂમિ પણ એક મહત્ત્વનું કારણ હતી.
ચંદુ મહેરિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવે છે કે, 'ખામ' થીયરીની સાથે સાથે 1981ના આંદોલનની પૃષ્ઠભૂમિમાં જેતલપુરનો હત્યાકાંડ પણ જવાબદાર હતો. ત્યાં શકરાભાઈ નામના દલિત યુવકને ગામની પંચાયત કચેરીમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર ગુજરાતના દલિત સમાજમાં ભારે રોષ વ્યાપ્યો હતો.
વરિષ્ઠ કર્મશીલ, કવિ અને ફિલ્મકાર મનીષી જાની જણાવે છે કે એ વખતે દલિતો પર હુમલા થયાં હતા અને અનેક વિસ્તારોમાં આગ ચંપીના બનાવો પણ બન્યા હતા. જોકે, ઘણા વિસ્તારોમાં દલિતોએ મજબૂતાઈથી પ્રતિકાર પણ કર્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












