મહેસાણા: ઍસિડ ઍટેક પીડિતાની કહાણી જે સમાજને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે
"હું સરકારી નોકરી મળે તે માટેની તૈયારી કરી રહી છું. મારી ઇચ્છા કે સારી નોકરી મેળવીને પરિવારની આર્થિક મદદ કરું. મારા પિતા રિક્ષા ચાલાવીને પરિવાર ચલાવે છે. હું તેમની મદદ કરવા માગું છું."
ઍસિડ ઍટેકનો ભોગ બનનાર કાજલ પ્રજાપતિએ જીવનમાં એ વેઠ્યું જેની કલપ્ના કરવી પણ મુશકેલ છે. તેમણે એક આંખ કાયમ માટે ગુમાવી દીધી છે પરંતુ તેમની અંદરનો જુસ્સો આજે પણ અકબંધ છે.
અનેક કઠિનાઈઓની વચ્ચે કાજલ પોતાનો સ્વપ્ન પૂર્ણ કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે.
લોકોના અને સમાજના સવાલોનો જવાબ કદાચ તેમની પાસે નથી પરંતુ તેઓ જીવનમાં આગળ વધીને સ્વાભિમાનથી પોતાનું જીવન બનાવવાની ઇચ્છા ધરાવે છે.
એ દિવસે શું થયું હતું?
મહેસાણાના રામોસણા ગામમાં રહેતાં કાજલ પ્રજાપતિ શહેરની નાગલપુર કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની સાથે ઍસિડ ઍટેકની ઘટના બની હતી.
બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "મેં સાલ 2016માં બી.કૉમ.માં પ્રવેશ લીધો હતો. હું બી.કૉમના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. એક દિવસ સવારે 9-9:30 વાગ્યે કૉલેજથી બહાર આવી રહી હતી ત્યારે અચાનક એક યુવક મારી ઉપર ઍસિડ ફેંકીને ભાગી ગયો હતો."
"મારા પિતા ઑટોરિક્ષા ચલાવે છે અને જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ એ તરફ જ હતા. ઘટના વિશે માહિતી મળતા તેઓ તરત ત્યાં પહોંચી ગયા હતા અને મને હૉસ્પિટલ લઈ ગયા હતા."
શરૂઆતમાં મહેસાણાની લાયન્સ હૉસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી અને ત્યાંથી તેમને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
કાજલ પ્રજાપતિ કહે છે, "અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ચાર મહિના સુધી મારી સારવાર ચાલી હતી. સિવિલ હૉસ્પિટલમાં મારા પર ઑપરેશન કરવામાં આવ્યું અને આંખે દેખાતું થાય તે માટેની ટ્રીટમેન્ટ પણ શરૂ કરવામાં આવી હતી. ચાર મહિના સુધી સારવાર કરાવ્યા બાદ હું મહેસાણા આવી ગઈ હતી."
ત્રણ વર્ષ ઘરમાં બંધ રહ્યાં

ઍસિડ ઍટેકના કારણે કાજલની આંખોને બહુ નુકસાન થયું હતું. ઍસિડ ઍટેકના કારણે કાજલની એક આંખ તો સંપૂર્ણ ખરાબ થઈ ગઈ છે જ્યારે બીજી આંખમાં ખાસ્સી અસર થઈ હતી.
કાજલ કહે છે, "સિવિલ હૉસ્પિટલમાં મારી આંખોની સર્જરી કરવામાં આવી હતી અને આખો ચહેરો પાટાથી ઢંકાયલો હતો. હું જોઈ શકતી નહોતી. આંખે કંઈ દેખાતું ન હોવાના કારણે હું ઘર આવ્યાં બાદ એક રૂમમાં જ પૂરાઈને રહી ગઈ હતી. ક્યાંય પણ બહાર જવું શક્ય નહોતું."
"લગભગ ત્રણ વર્ષ સુધી હું ઘર બહાર નિકળી જ નથી. બંને આંખો બંધ હોવાના કારણે આટલો સમય મેં અંધારમાં કાઢ્યાં છે."
આટલી કપરી પરિસ્થિતિમાં હોવાં છતાં કાજલ હિંમત હાર્યાં નહોતા અને તેમને બધું પાછળ મૂકીને આગળ વધવાનો નિર્ધાર કર્યો હતો.
કાજલ કહે છે, "પપ્પાએ મને હિંમત આપી કે, બેટા હવે આપણે જિંદગીમાં આગળ જ વધવાનું છે."
ચહેરાની 20 સર્જરીઓ કરાવી
છેલ્લાં આઠ વર્ષથી કાજલની સારવાર ચાલી રહી છે. હાલમાં અમદાવાદની એક હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
કાજલ કહે છે, "જે હૉસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે ત્યાંના ડૉક્ટરે મને ખાતરી આપી કે 70થી 80 ટકા સર્જરી કરાવીને ચહેરો સારો કરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. મારી સારવાર શરૂ થઈ અને સર્જરી બાદ મને એક આંખમાં થોડું દેખાવવા લાગ્યું હતું."
અત્યાર સુધી કાજલના ચહેરની 20 વખત સર્જરી કરવામાં આવી છે. ઍસિડ ઍટેક બાદ કાજલનાં ચહેરાની જે સ્થિતિ હતી તેમાં હવે મોટો ફેર આવી ગયો છે. હજુ પણ સર્જરી કરવામાં આવશે.
કાજલ એ કપરાં દિવસોની ભૂલીને આગળ વધવા માગે છે. તેઓ સારી નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદ કરવા માગે છે. તેઓ લોકોને સંદેશ આપી રહ્યા છે કે જીવનમાં કોઈપણ પરિસ્થિતિ આવી જાય તો પણ હાર ન માનવી જોઇએ.
2024માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યાં બાદ કાજલ હાલમાં જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને દિવસ-રાત મહેનત કરીને અધિકારી બનવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



