બેરીલ વાવાઝોડું : ભારતીય ટીમ જ્યાં વર્લ્ડકપ જીતી તે બાર્બાડોસમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, 250 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમ આઇસીસી ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ હજુ પણ ભારત પાછી ફરી શકી નથી, કેમ કે બાર્બાડોસના ખરાબ હવામાનને લીધે ટીમ અહીં રોકાઈ ગઈ છે.
અહીં હવામાન વિભાગે બાર્બાડોસમાં વાવાઝોડું બેરીલ ત્રાટકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. વાવાઝોડાને લઈને હાઈએલર્ટ પણ જાહેર કર્યું છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, વાવાઝોડાને લીધે ભારતીય ટીમ બાર્બાડોસમાં ફસાઈ ગઈ છે. હાલમાં ભારતીય ટીમ હોટલ મિલ્ટનમાં રોકાઈ છે અને વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને જોતા હાલ ઍરપૉર્ટ પણ બંધ કરી દેવાયું છે.
ઉલ્લેખનીય છે કે બાર્બાડોસમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 વર્લ્ડકપની ફાઇનલ મૅચ રમાઈ હતી અને ભારત આ વર્લ્ડકપ જીતી ગયું છે.
બેરીલ વાવાઝોડું અહીંની સિઝનનું પ્રથમ વાવાઝોડું છે. વાવાઝોડાને લઈને અહીં ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી છે.
વાવાઝોડું ‘અત્યંત ખતરનાક’ બની શકે

ઇમેજ સ્રોત, NOAA
બેરીલ વાવાઝોડાને કારણે શહેરમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
આગાહીકારોએ ચેતવણી આપી છે કે રવિવારે રાત સુધીમાં અથવા સોમવારની શરૂઆતમાં વાવાઝોડું બાર્બાડોસ અને વિન્ડવર્ડ ટાપુઓ સુધી પહોંચતાં પહેલાં ખતરનાક બની શકે છે.
યુનિવર્સિટી ઑફ મિયામીના ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્રના સંશોધક બ્રાયન મેકનોલ્ડીએ ઍસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે સાગરનું ગરમ પાણી બેરીલને વાવાઝોડાને પ્રબલન આપી રહ્યું છે. હાલમાં ઍટલાન્ટિક મહાસાગરમાં સમુદ્રની ગરમીનું પ્રમાણ વર્ષના આ સમય માટે રેકૉર્ડ પર સૌથી વધુ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૂર્વાનુમાન કરનારા લોકોનું કહેવું છે કે આ વાવાઝોડું અત્યંત ખતરનાક બની શકે છે અને લાગે છે કે એ કૅટેગરી ચારમાં પરિવર્તિત થઈ જશે. એનો અર્થ એ કે આ વાવાઝોડામાં 250 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને 6થી 10 ફૂટ ઊંચે દરિયાનાં મોજાં ઊછળી શકે છે.
આ વાવાઝોડું કેટલાક કેરેબિયન ટાપુઓ પર પ્રચંડ રીતે ત્રાટકી શકે છે અને ભારે વરસાદ વરસી શકે છે.
ઍટલાન્ટિક બેસિનમાં ચાર જુલાઈ અગાઉ પચાસ વર્ષમાં આ પહેલી વાર વાવાઝોડું બન્યું છે.
બીબીસીના સ્ટેવ ડેનોસે આગાહી કરી છે કે આ વાવાઝોડું જેમ જેમ આગળ વધશે તેમ વધુ પ્રચંડ થાય તેવી શક્યતા છે.
આ વાવાઝોડું "અત્યંત ખતરનાક" બની શકે છે.
વાવાઝોડાને પગલે કેરેબિયન રાષ્ટ્રે રહેવાસીઓને ચેતવણી આપી છે કે તેઓ શક્તિશાળી અને સંભવિત વાવાઝોડા માટે તૈયાર રહે.

વાવાઝોડું બેરીલ ક્યાં જઈ રહ્યું છે?
બેરીલ વાવાઝોડું બાર્બાડોસથી પૂર્વ-દક્ષિણપૂર્વમાં અંદાજે 500 કિલોમીટર દૂર છે અને તે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.
આ વાવાઝોડું કેરેબિયન ટાપુઓ બાર્બાડોસ, ડોમિનિકા, ગ્રેનાડા અને માર્ટિનિકની નજીક આવે તેવી શક્યતા છે.
તેમજ સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ ઍન્ડ ટોબેગોમાં વાવાઝોડાની ચેતવણીઓ પહેલેથી જ અમલમાં છે.
સીબીએસ ન્યૂઝના હવામાન નિર્માતા ડેવિડ પાર્કિન્સને જણાવ્યું હતું કે બેરીલ જૂન મહિનામાં પૂર્વમાં રચાયેલું પ્રથમ વાવાઝોડું છે. જૂન મહિનામાં પૂર્વમાં અગાઉ માત્ર એક વાવાઝોડું 1933માં સર્જાયું હતું.
બાર્બાડોસમાં કેવી પરિસ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Reuters
ખતરનાક વાવાઝોડાના પગલે કેરેબિયન રાષ્ટ્રોમાં રહેવાસીઓને આપાત પરિસ્થિતિ માટે તૈયારીઓ કરવાનું કહેવાં આવ્યું છે.
શનિવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં બાર્બાડોસનાં વડાં પ્રધાન મિયા મૉટલેએ લોકોને મિત્રો, પરિવારજનો અને પાડોશીઓની કાળજી લેવાની સલાહ આપી.
બાર્બાડોસના હવામાન વિભાગે વાવાઝોડાના કારણે વીજળી ડુલ થવા, અચાનક પૂર આવવાની ચેતવણી આપી છે. બાર્બાડોસમાં વાવાઝોડાના કારણે છ ઇન્ચ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બાર્બાડોસની રાજધાની બ્રિજ ટાઉનમાં લોકો પાટિયા લગાવીને પોતાના ઘરોને સુરક્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને મોટી સંખ્યામાં લોકો સુપર માર્કેટ તથા પેટ્રોલ પમ્પ પર જોવા મળ્યા છે જેથી તેઓ જરૂરી ચીજવસ્તુઓ ખરીદી શકે.












