લિબિયા : વાવાઝોડા બાદ આવેલા પૂરમાં અનેક ગામ તણાયાં, હજારો લોકોનાં મૃત્યુની આશંકા

ઇમેજ સ્રોત, Getty Images
લિબિયામાં ડેરના શહેરમાં આવેલા ભયંકર પૂરમાં એક હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. અધિકારીઓ અને સરકારનું કહેવું છે કે આ આંકડો વધી શકે છે.
લિબિયની સરકારના એક મંત્રીએ કહ્યું કે, "ચારેબાજુ મૃતદેહો પડ્યા છે."
ડેરના શહેરમાં બે ડૅમ અને ચાર બ્રિજ તૂટી પડ્યા છે. ડેરના શહેરનો મોટાભાગનો હિસ્સો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ શહેરની વસતી લગભગ એક લાખ જેટલી છે.
રેડ ક્રૉસ સંસ્થાનું કહેવું છે કે ડેનિયલ વાવાઝોડાને 10 હજાર જેટલા લોકો લાપતા છે.
લિબિયામાં બેનગાઝી, સોઉસા અને અલ મર્ઝ નામનાં શહેર પણ વાવાઝોડાથી પ્રભાવિત થયાં છે.
આપાત રિસપૉન્સ કમિટીમાં સામેલ લિબિયાના ઉડ્ડયન મંત્રી હિચેમ ચિકૂટે સમાચાર સંસ્થા રૉયટર્સને કહ્યું કે, ડેરના શહેરમાંથી એક હજારથી વધુ મતૃદેહો મળી આવ્યા છે. "
તેમણે કહ્યું, "શહેરનો ચોથો ભાગ હજુ પાણીમાં ગરકાવ છે. અનેક ઇમારતો તબાહ થઈ ગઈ છે."
ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ રેડ ક્રૉસ ઍન્ડ રેડ ક્રેસેન્ટ સોસાયટીઝના અધ્યક્ષ તામેર રમાદાન તામેર રમાદાને પત્રકારોને જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે.
ટ્યુનિશિયાથી તેમણે વીડિયો કૉન્ફરન્સિંગમાં કહ્યું કે ચોક્કસ આંકડો હજુ ખબર નથી. પૂરમાં લાપતા થયેલા લોકોની સંખ્યા 10 હજાર પાર કરી ગઈ છે.

લિબિયામાં બે સરકારોને કારણે મુશ્કેલી

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વમાં આવેલા વિસ્તારો સહિત મિસ્રાતા શહેરના પશ્ચિમી ભાગમાં પૂરનાં પાણી ભરાયાં છે.
લિબિયાના શાસક મુઅમ્મર ગદ્દાફીને સત્તામાંથી હટાવી દેવાયા બાદ 2011માં તેમનું મૃત્યુ થયું. ત્યારથી દેશ અરાજકતામાં ધકેલાઈ ગયો. લિબિયા ફંટાઈ ગયું અને રાજધાની ત્રિપોલીમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત અંતરિમ સરકાર ચાલે છે તો દેશના પૂર્વ ભાગમાં બીજી સરકાર ચાલે છે.
લિબિયન પત્રકાર અબ્દુલકાદેર અસદ અનુસાર આના કારણે દેશમાં રાહતકાર્યમાં અડચણ આવી રહી છે.
તેમણે બીબીસીને કહ્યું, " રાહત ટીમો નથી, લિબિયામાં રાહત અને બચાવ કાર્યો માટે પ્રશિક્ષિત ટીમો નથી. છેલ્લાં 12 વર્ષથી માત્ર યુદ્ધની જ વાત ચાલે છે."
"લિબિયામાં બે સરકારો છે .. અને તેના કારણે રાહતકાર્ય ઘણું ધીમું છે કારણ કે ઘણી અસમંજસ ઊભી થઈ રહી છે. લોકો મદદની વાત કરી રહ્યા છે પણ મદદ પહોંચી નથી રહી."
લિબિયા સરકારમાં મંત્રી ચિકૂટે કહ્યું કે મદદ પહોંચી રહી છે અને પૂર્વ લિબિયાની સરકાર ત્રિપોલીની સરકાર પાસેથી મદદ સ્વીકાર કરશે, જેણે 14 ટન મેડિકલ સામગ્રી, બૉડી બૅગ્સ અને 80થી વધુ ડૉક્ટર્સ અને પૅરામેડિક્સ સાથે એક વિમાન મોકલ્યું છે.





