બંગાળની ખાડી, અરબી સમુદ્રમાં સર્જાઈ સિસ્ટમ, ગુજરાતમાં વરસાદ વધશે કે ઘટશે?
બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ બની છે અને તેના કારણે આગામી દિવસોમાં દેશના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે.
બંગાળની ખાડીમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું હતું અને તે મજબૂત બનીને લૉ-પ્રેશર એરિયા બની ગયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ હજી પણ વધારે મજબૂત બને તેવી સંભાવના છે.
આગામી બેથી ત્રણ દિવસોમાં આ સિસ્ટમ આગળ વધીને પશ્ચિમ બંગાળ અને ઝારખંડ પર પહોંચે તેવી શક્યતા છે, જે બાદ તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે.
બીજી તરફ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે અને હાલ કેરળની આસપાસ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બન્યું છે, જે આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે.
ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે અને ઑગસ્ટ મહિનાની શરૂઆત બાદથી રાજ્યમાં વરસાદ ધીમો પડી ગયો છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ સાવ ઓછો થઈ ગયો છે.
હવે એક સાથે સર્જાઈ રહેલી બે સિસ્ટમોને કારણે ગુજરાતમાં વરસાદની સ્થિતિ બદલાવાની શક્યતા દેખાઈ રહી છે અને ઘણા વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં ફેરફાર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
ગુજરાત પર હાલ સાયક્લૉનિક સર્ક્યુલેશન એટલે કે સિસ્ટમ બની છે અને તેના કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા દેખાઈ રહી છે.
હાલની સ્થિતિ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડી રહ્યો છે જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ હવે ઓછું થઈ ગયું છે.
સાયક્લૉનિક સર્ક્યુલેશન બન્યા બાદ રાજ્યમાં હવે વરસાદનું પ્રમાણ ઝડપથી ઘટવાનું હતું તેમાં ફેરફાર થવાની શક્યતા દેખાઈ રહી છે.
હાલ મૉન્સૂન ટ્રફ તેની સામાન્ય સ્થિતિમાં છે એટલે કે તે ઉત્તર ભારત પર છે અને ત્યાં હાલ વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ રહ્યો છે.
હાલની સ્થિતિ પ્રમાણે મૉન્સૂન ટ્રફ આખું અઠવાડિયું ઉત્તર ભારત પર જ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે, એટલે કે તેમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા નથી.
વીડિયો: દીપક ચુડાસમા
ઍડિટ: સુમીત વૈદ

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



