વર્લ્ડકપ 2023: અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહેલી જ મૅચમાં ખાલી કેમ રહ્યું?

ક્રિકેટ સ્ટેડિયમ

ઇમેજ સ્રોત, Empics

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ વચ્ચે વર્લ્ડકપની પ્રથમ મૅચ રમાઈ હતી.

ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડના મૅચથી થઈ ગઈ છે.

વર્લ્ડકપની પ્રથમ મૅચમાં વર્ષ 2019ના વિશ્વકપની બંને ફાઇનલિસ્ટ ટીમોના આ મુકાબલામાં ન્યૂઝીલૅન્ડની ટીમે આક્રમક શરૂઆત સાથે ભવ્ય જીત નોંધાવી હતી.

જોકે ચર્ચા વધુ એ વાતની થઈ રહી છે કે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપની પ્રથમ મૅચ રમાતી હતી છતાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાલી કેમ દેખાતું હતું.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે જેમાં એક લાખથી વધુ લોકોના બેસવાની વ્યવસ્થા છે. પરંતુ ગુરુવારે ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડની મૅચ દરમિયાન સ્ટેડિયમમાં તેની ક્ષમતા કરતા ખૂબ જ ઓછા પ્રેક્ષકો હાજર રહ્યા હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

જોકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેટલા પ્રક્ષકો મૅચ જોવા આવ્યા એ સંખ્યા અત્યાર સુધી નથી ખબર પડી પરંતુ મૅચ દરમિયાન સ્ટેડિયમના ખાલી સ્ટૅન્ડ દેખાઈ રહ્યાં હતાં.

કેટલાક લોકોનો મત છે કે પાંચ ઑક્ટોબરના અઠવાડિયાના મધ્યમાં આવતો દિવસ હતો. કેટલાકના મતે પ્રથમ મૅચમાં મેજબાન દેશ ભારત ન રમ્યું તેના કારણે ઓછા પ્રેક્ષકો આવ્યા હતા.

એવા પણ લોકો છે જેમના અનુસાર મૅચ અમદાવાદની જગ્યાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાડવી જોઈતી હતી, તો આવી પરિસ્થિતિ ન ઊભી થઈ હોત.

કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે ખરાબ વહીવટ માટે બીસીસીઆઈના સચિવ જય શાહને નિશાના પર લીધા હતા.

સોશિયલ મીડિયામાં કોણે ઉઠાવ્યો મુદ્દો?

પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે મૅચ શરૂ થયા પછી થોડીવારમાં જ ટ્વીટ કરીને લખ્યું હતું કે, "આશા છે કે ઑફિસના કલાકો પૂર્ણ થયા બાદ વધુ લોકો ક્રિકેટ મૅચ જોવા આવશે. જો ભારત નથી રમી રહ્યું તો શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓને મફત ટિકિટ આપવી જોઈતી હતી. 50 ઓવરની રમતમાં લોકોનો રસ ઘટી રહ્યો છે. તેનાથી યુવાનોને વર્લ્ડકપ જોવાનો અનુભવ મળશે અને ક્રિકેટરો પણ પ્રેક્ષકો ભરેલા સ્ટેડિયમમાં રમશે."

અમદાવાદ ક્રિકેટ વર્લ્ડકપ 2023

ઇમેજ સ્રોત, Virendar Sehwag/X

કમેન્ટેટર ઍડમ કૉલિન્સે ખાલી સ્ટેડિયમનો ફોટો પોસ્ટ કરતા વ્યંંગ કરતા કહ્યું હતું કે, "મૅચ શરૂ થયા પહેલાંની પાંચ મિનિટ અગાઉ ટિકિટો વેચવાનો નિર્ણય સારો કામ આવ્યો હોય એવું લાગે છે."

મૅચ વચ્ચે વરિષ્ઠ પત્રકાર પુણ્ય પ્રસૂન વાજપેયીએ લખ્યું કે, "ક્રિકેટ વર્લ્ડકપ શરૂ, સ્ટેડિયમ ખાલી...નાના શહેરમાં યોજાઈ હોત તો કદાચ સારું રહેત."

ઍક્સ (ટ્વિટર) પર ઇંગ્લૅન્ડનાં મહિલા ક્રિકેટર ડેનિયલ વેટે લખ્યું છે કે, "ભીડ (પ્રેક્ષકો) ક્યાં છે?"

તેનો જવાબ આપતા જેમિમા રૉડ્રિગ્સ નામના ટ્વિટર હૅન્ડલ પરથી લખવામાં આવ્યું છે કે "ભારત-પાકિસ્તાન મૅચની રાહ જુઓ."

માનવામાં આવી રહ્યું છે કે ભારત પાકિસ્તાનની 14 ઑક્ટોબરે રમાનાર મૅચમાં સ્ટેડિયમ ભરેલું હશે.

જોકે પાકિસ્તાનથી પણ લોકોએ સોશિયલ મીડિયા પર આ મુદ્દે કૉમેન્ટ કરી હતી.

પાકિસ્તાની ક્રિકેટના જાણકાર ફરીદ ખાને લખ્યું કે, "આટલું ઠંડું તો મારું ફ્રિજ પણ નથી, જેટલી ઠંડી આ વર્લ્ડકપની શરૂઆત છે."

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓછા પ્રેક્ષકો

ખાલી સ્ટેડિયમ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય કહે છે કે મૅચ બે વાગ્યે શરૂ થઈ હતી અને અમે ત્યાં સાડા ચાર વાગ્યા સુધી હતા અને લોકો આવતા હતા પરંતુ સ્ટેડિયમ એટલું નહોતું ભરેલું જેટલું ભરેલું હોઈ શકતું હતું.

તાપમાન 33-34 ડિગ્રી હતું અને અમદાવાદમાં ગરમી પણ ખૂબ હતી, સ્ટેડિયમની બહાર જ કેટલાક લોકો રોકાયા હતા અને જ્યારે ગરમી ઘટે ત્યારે સ્ટેડિયમમાં પ્રવેશ કરતા હતા.

જોકે ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે અમદાવાદમાં આશરે 30થી 40 હજાર મહિલાઓને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની પ્રથમ મૅચ જોવા માટે મફત ટિકિટ આપવામાં આવી હતી.

અમદાવાદમાં બોડકદેવના ભાજપના ઉપાધ્યક્ષ લલિત વઢવાણે ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે મહિલા અનામત બિલ પસાર થયું તેનાથી પ્રેરણા લઈને મહિલાઓને સ્ટેડિયમમાં બોલાવવામાં આવી છે.

તેમણે અખબારને જણાવ્યું કે, "અમદાવાદથી આશરે 30થી 40 હજાર મહિલાઓને સ્ટેડિયમમાં મૅચ જોવા બોલાવવામાં આવી છે. અમારા કાર્યકરોને નામ મોકલવાનું કહેવામાં આવ્યું હતું અને તેમને આજે( બુધવારે) ટિકિટ આપવામાં આવી હતી. ટિકિટ ઉપરથી આવી છે. 33 ટકા મહિલા અનામત બિલ પસાર થયું છે તેના ઉપલક્ષ્યમાં મહિલાઓને મૅચ બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મહિલાઓ જાતે જ સ્ટેડિયમમાં આવશે અને તેમને ચા અને ફૂડ કૂપન્સ આપવામાં આવશે."

બીજી તરફ ઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે, "અમે પાર્ટી સ્તરેથી કંઈ પ્રયાસ નથી કર્યા. જો મહિલાઓ મોટી સંખ્યામાં આવે તો સારું. પરંતુ આ માટે પાર્ટી કોઈ ખાસ પ્રયાસ નથી કરી રહી.

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય અનુસાર આવા પાસ માત્ર 11થી 11.30 વચ્ચે અપાયા હતા. એટલે લોકોમાં ઉત્સાહ ઘટે એ સ્વાભાવિક છે.

"ઉપરાંત, તમે સ્ટેડિયમમાં મોબાઇલ અને ઘડિયાળ સિવાય કંઈ ન લઈ જઈ શકો. કેટલાક લોકોનું કહેવું હતું કે ભાજપે માત્ર જેમને પાસ આપ્યા હતા તેમને ચા અને ફૂડ કૂપન્સ આપ્યાં હતાં. પરંતુ ટિકિટ મફત હોય તો પણ પાણીની બૉટલ ખરીદવી પડે જે મોંઘી હોય છે.

તેજસ વૈદ્યનું કહેવું છે કે કેટલાક ક્રિકેટચાહકોને આશા હતી કે ઉદ્ઘાટન સમારોહ હશે પરંતુ એવું કંઈ હતું નહીં. કેટલાક પ્રેક્ષકો મહારાષ્ટ્ર સહિત અલગઅલગ રાજ્યોથી આવ્યા હતા તો કેટલાક ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડથી આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડુલકર નામના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે "વર્લ્ડકપની પ્રથમ મૅચ માટે અમદાવાદમાં ટિકિટ હજુ ઑનલાઇન ઉપલબ્ધ છે. પરંતુ 80 ટકાથી વધુ બેઠકો ઉપલબ્ધ નથી દેખાતી અથવા વેચાઈ ગઈ છે. આ શું થઈ રહ્યું છે."

અમદાવાદ ક્રિકેટ વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, TRENDULKAR/X

જ્યારે વિપુલ જેઠવા નામના યુઝરે આ પરિસ્થિતિ માટે બીસીસીઆઈના ખરાબ વ્યવસ્થાપનને જવાબદાર ઠેરવ્યું હતું.

બચાવમાં લોકોએ શું કહ્યું

મૅચ દરમિયાન કૉમેન્ટેટર અને ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન માઇકલ એથર્ટને પોતાની સાથે કૉમેન્ટરી કરી રહેલા રવિ શાસ્ત્રીને પૂછ્યું કે શું મેજબાન ભારતે પ્રથમ મૅચ રમી હોત તો મેદાનમાં વધુ ભીડ હોત.

તેની પર રવિ શાસ્ત્રીએ કહ્યું, "બેશક. ખાસ કરીને આવાં મેદાનોમાં જ્યાં એક લાખ લોકોની ક્ષમતા છે. હું સમજું છું કે ગત ટુર્નામેન્ટના એક ફાઇનલિસ્ટ મુકાબલામાં હોવા જોઈતા હતા પરંતુ કોઈ પણ કિંમતે મેજબાને મૅચ રમવી જોઈતી હતી. જો આ ઇંગ્લૅન્ડ બનામ ભારત મૅચ હોત તો તમારું મેદાન ખીચોખીચ ભરેલું હોત. અઠવાડિયાના વચ્ચેના દિવસે પણ ઓછામાં ઓછા 70-80 હજાર લોકો આવ્યા હોત. આનાથી માહોલ ઊભા થયો હોત."

એક રિપોર્ટ અનુસાર, વર્ષ 1999ના વર્લ્ડકપને લઈને અત્યાર સુધી દરેક ટુર્નામેન્ટની પહેલી મૅચમાં મેજબાન ટીમ રમી છે.

ઓછી ભીડ પર થઈ રહેલી ટીકા પર પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે પાકિસ્તાનીઓની ટીકાનો જવાબ આપ્યો.

તેમણે કોઈનું નામ લખ્યા વગર કહ્યું એ લોકોને લાગે છે કે તેઓ અળગા પડી ગયા છે, એટલે બેકારની વાતો ટ્વીટ કરી રહ્યા છે. તેની પર પ્રતિક્રિયા ન આપો. રીચના ચક્કરમાં તેઓ પોતાના ટ્વીટને રિટ્વીટ કરનારી જનતા છે. વર્લ્ડકપ ભારતમાં છે. દુનિયાના સૌથી સારાં સ્ટેડિયમમાંથી એકમાં યોજાઈ રહ્યો છે. આની મજા માણો, તેમને રડવા દો."

તો બીજી તરફ રિતેશ નામના ઍક્સ યૂઝરે દાવો કર્યો હતો કે લગભગ 50 હજારથી વધુ લોકો આ મૅચ જોવા માટે પહોંચ્યા હતા.

અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમ વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, RITESHLOCK/X

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ખાસ વાતો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2021માં સ્ટેડિયમનું નામ બદલી નાખવામાં આવ્યું.
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટનું સ્ટેડિયમ છે.
  • આ સ્ટેડિયમમાં ક્રિકેટ માટે 11 પ્રકારની પીચો છે.
  • સ્ટેડિયમમાં એક લાખ 32 હજાર ક્રિકેટ પ્રેક્ષકો બેસી શકે છે.
  • વર્ષ 1994-1995માં આ સ્ટેડિયમ સાથે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ જોડવામાં આવ્યું હતું.
  • 2021માં સ્ટેડિયમનું નામ ત્રીજી વખત બદલી નાખવામાં આવ્યું.
  • સચીન તેંડુલકરે પ્રથમ ડબલ સેન્ચ્યુરી આ મેદાનમાં જ ફટકારી હતી
  • અનિલ કુંબલેએ પોતાની 100મી ટેસ્ટ મૅચ પણ અહીંયા જ રમી હતી.

શું બીજી મૅચમાં પણ આવીજ પરિસ્થિતિ થશે

સ્ટેડિયમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શ્રીલંકા અને ન્યૂઝીલૅન્ડની 2011 વર્લ્ડકપની મૅચની આ તસવીરથી આ વાત સમજી શકાય છે.

બીબીસી સંવાદદાતા જાનહ્વી મૂળે અનુસાર મુંબઈના ક્રિકેટચાહકોએ પણ આ મામલે સોશિયલ મીડિયામાં કૉમેન્ટ કરી છે કે આ મૅચ અમદાવાદ કરતાં મુંબઈમાં રમાડવી જોઈતી હતી, તો સ્ટેડિયમ આટલું ખાલી ન રહ્યું હોત. કારણ કે વાનખેડે સ્ટેડિયમમાં 32 હજાર લોકોની બેસવાની વ્યવસ્થા છે અને મુંબઈમાં ક્રિકેટ વધુ લોકપ્રિય હોવાનું માનવામાં આવે છે.

શ્રીલંકા અને ન્યૂઝીલૅન્ડની 2011 વર્લ્ડકપની મૅચની ઉપરની તસવીરથી આ વાત સમજી શકાય છે.

જોકે વરિષ્ઠ પત્રકાર અને સ્પોર્ટ્સસ્ટાર સાથે સંકળાયેલા વિજય લોકપલ્લીએ બીબીસી સંવાદદાતા જાનહ્વી મૂળેને કહ્યું છે કે વાનખેડે સ્ટેડિયમમાં પણ આવી પરિસ્થિતિ થાય તો નવા નથી.

તેમનું માનવું છે કે એ શહેરો જ્યાં ક્રિકેટની પરંપરા રહી છે અને રમતનાં મૂળિયાં ઊંડાં છે, પરિસ્થિતિ થોડી સારી હોઈ શકે છે પરંતુ બહુ વધુ આશા ન રાખી શકાય.

તેઓ કહે છે, " જે મૅચમાં ભારત નથી રમતું ત્યાં આવી જ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. બીસીસીઆઈ અથવા સ્થાનિક સરકાર કંઈ પગલાં નહીં લે તો કંઈ નહીં બદલાય. ઝિમ્બાબવેમાં ક્રાઉડફંડિંગ અથવા શાળાઓના વિદ્યાર્થીઓને મૅચ બતાવવા જેવાં પગલાં નહી લઈએ તો ખુરશીઓ ખાલી જ રહેશે."

વિરેન્દ્ર સહેવાગે ટ્વીટ કર્યું હતું કે, "50 ઓવરના ક્રિકેટ ફૉર્મેટમાં ઘટતા રસને જોતાં યુવાન પેઢીને વર્લ્ડકપ જોવાનો અનુભવ આપવો એ લાભદાયક હશે, અને ક્રિકેટરોએ પણ વર્લ્ડકપમાં ભરેલા સ્ટેડિયમ રમવા મળશે."

અમદાવાદમાં સ્ટેડિયમ ખાલી રહેવાને લોકો વનડે ક્રિકેટમાં લોકોના ઘટતા રસનું સૂચક માને છે.

મોદી સ્ટેડિયમના સ્ટેડિયમમાં જ્યાં વનડે વર્લ્ડકપમાં સ્ટૅન્ડ ખાલી જોવા મળ્યા ત્યાં આઈપીએલની આ વખતની સીઝનમાં પ્રથમ મૅચમાં ભારે ભીડ હતી અને ફાઇનલમાં પણ સ્ટેડિયમમાં ભારે સંખ્યામાં પ્રેક્ષકો ઊમટ્યા હતા.

મૅચમાં શું થયું

વર્લ્ડકપની પ્રથમ જ મૅચમાં બબ્બે આક્રમક સદી ફટકારી મૅચ જીતનાર ન્યૂઝીલૅન્ડની ટીમે જાણે વર્લ્ડકપનું મોમેન્ટમ સેટ કરી દીધું. મૅચમાં ન્યૂઝીલૅન્ડની આક્રમકતા જોઈ એવું લાગી રહ્યું હતું કે જાણે ટીમ ઇંગ્લૅન્ડ સામે વર્ષ 2019ની વર્લ્ડકપ ફાઇનલનો હિસાબ બરાબર કરવા ઊતરી છે.

ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કરનાર ન્યૂઝીલૅન્ડની ટીમે ઇંગ્લૅન્ડની ટીમે આપેલા 283 રનના ટાર્ગેટને ખૂબ જ સરળતાથી પાર કરી લીધો હતો.

માત્ર 36.1 ઓવરમાં એક વિકેટના નુકસાને ન્યૂઝીલૅન્ડની ટીમે જીત માટે જરૂરી 283 રન નોંધાવી દીધા. ઇંગ્લૅન્ડની ટીમે નવ વિકેટના નુકસાને પૂરી 50 ઓવર રમીને 282 રન કર્યા હતા.