દુનિયાનું સૌથી વધુ દુર્ગંધ ધરાવતું ફળ, જે કૉફીને દિવસે ને દિવસે મોંઘી બનાવે છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જેક લાફામ
- પદ, બીબીસી ન્યૂઝ
- વાંચવાનો સમય: 5 મિનિટ
કૉફીનો સ્વાદ માણવા માટે કેટલી રકમ ચૂકવવી વધારે પડતી કહેવાય?
કૉફીના એક કપ માટે લંડનમાં પાંચ પાઉન્ડ અથવા ન્યૂયૉર્કમાં સાત યુરોનો ભાવ કેટલાક લોકોને વધારે પડતો લાગી શકે છે. પરંતુ દુનિયામાં કૉફીનું સૌથી વધુ ઉત્પાદન કરતા પ્રદેશોમાં આર્થિક અને પર્યાવરણીય કારણોથી શક્ય છે કે થોડા જ સમયમાં ભાવ આટલી હદે વધી જશે.
નિષ્ણાત જ્યુડી ગેન્સ કહે છે કે વૈશ્વિક બજારોમાં શેક્યા વગરનાં બીન્સનો ભાવ અત્યારે 'ઐતિહાસિક રીતે સૌથી ઊંચા સ્તરે' પહોંચી ગયો છે.
નિષ્ણાતો માને છે કે કૉફીની પેદાશમાં ઘટાડો, બજારનાં પરિબળો, ઘટતો જથ્થો અને વિશ્વના એક સૌથી દુર્ગંધ ફેલાવતા ફળના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
તો આવી સ્થિતિ કેમ પેદા થઈ અને તેના કારણે તમે સવારે કૉફી માણતા હોવ તેના પર કેટલી અસર પડશે?
વર્ષ 2021માં અરેબિકા બીન્સના સૌથી મોટા ઉત્પાદક દેશ બ્રાઝીલમાં ભયંકર ઠંડી પડી જેણે કૉફીના પાકને નષ્ટ કરી નાખ્યો. અરેબિકા બીન્સનો ઉપયોગ સામાન્ય રીતે બરિસ્તા નિર્મિત કૉફીમાં થતો હોય છે.
બીન્સની અછત સર્જવાના કારણે ખરીદદારો રોબસ્ટા બીન્સના મુખ્ય ઉત્પાદક વિયેતનામ જેવા દેશો તરફ વળ્યા. રોબસ્ટા બીન્સનો ઉપયોગ ઇન્સ્ટન્ટ બ્લૅન્ડમાં થાય છે.
પરંતુ વિયેતનામના ખેડૂતોએ છેલ્લા એક દાયકાના સૌથી ભયંકર દુષ્કાળનો સામનો કરવો પડ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હો ચી મિન્હ સિટી સ્થિત કૉફી કન્સલ્ટન્ટ વિલ ફ્રિથના જણાવ્યા પ્રમાણે આબોહવામાં થયેલું પરિવર્તન કૉફીના છોડના વિકાસને અસર કરે છે. તેના કારણે બીન્સની ઊપજ ઘટી ગઈ છે.
ખેડૂતોએ દુર્ગંધવાળું ફળ ઉગાડવાનું શરૂ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ત્યાર પછી વિયેતનામના ખેડૂતોએ એક દુર્ગંધ ફેલાવતા પીળા રંગના ફળ ડ્યુરિયન ઉગાડવાનું શરૂ કર્યું.
આ ફળ એટલી દુર્ગંધ ફેલાવે છે કે થાઇલૅન્ડ, જાપાન, સિંગાપોર અને હૉંગકૉંગમાં તેને જાહેર પરિવહનમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ ચીનમાં તે લોકપ્રિય બની રહ્યું છે.
વિયેતનામના ખેડૂતો પણ આ ઊભરતા બજારનો ફાયદો લેવા માટે કૉફીનો પાક લેવાના બદલે ડુરિયનનું વાવેતર કરી રહ્યા છે.
ચીનમાં વિયેતનામના ડુરિયનની એટલી ડિમાન્ડ છે કે 2023થી 2024 વચ્ચે તેનો બજાર હિસ્સો લગભગ બમણો થઈ ગયો છે. કેટલાક નિષ્ણાતોનો અંદાજ છે કે કૉફીની સરખામણીમાં આ ફળનું વાવેતર પાંચ ગણું વધારે ફાયદાકારક હોય છે.
ફ્રિથ કહે છે કે, "વિયેતનામના ખેડૂતો બજારભાવમાં ફેરફાર, વધુ પડતી પ્રતિબદ્ધતા અને પછી બજારોને પોતાનાં નવાં ઉત્પાદનોથી છલકાવી દેવા માટે જાણીતા છે."
વિયેતનામના ખેડૂતોએ ચીનમાં ડુરિયનના પાકનો ઢગલો કરી દીધો. તેના કારણે જૂન મહિનામાં રોબસ્ટા કૉફીની નિકાસ ગયા વર્ષના જૂનની તુલનામાં 50 ટકા ઘટી ગઈ હતી. આંતરરાષ્ટ્રીય કૉફી સંગઠનના જણાવ્યા પ્રમાણે હવે કૉફીનો જથ્થો 'લગભગ ખતમ થવાના આરે' છે.
કોલંબિયા, ઇથિયોપિયા, પેરુ અને યુગાન્ડાના નિકાસકારોએ પોતાની નિકાસ વધારી છે, પરંતુ તેમનું ઉત્પાદન એટલું વધારે નથી કે બજારની માગને પહોંચી શકે.
ગેન્સ જણાવે છે કે, "જે સમયે રોબસ્ટાની માગ વધવા લાગી હતી, બરાબર તે જ સમયે દુનિયામાં તેના વધુનો વધુ પુરવઠાની જરૂર પડવા લાગી."
તેનો અર્થ એ થયો કે રોબસ્ટા અને અરેબિકા બીન્સના ભાવ હવે કૉમૉડિટી બજારમાં લગભગ વિક્રમજનક ઊંચી સપાટીએ પહોંચી ગયા છે.
બજારમાં તોફાન સર્જાયું
શું બદલાતા જતા કૉફીમાર્કેટમાં હાઈ સ્ટ્રીટમાં તમારી કૉફીનો ભાવ પણ વધી જશે? ટૂંકમાં કહીએ તો તેની સંભાવના છે.
જથ્થાબંધ વિક્રેતા પૉલ આર્મસ્ટ્રૉન્ગ માને છે કે કૉફી પીનારાઓએ થોડા જ દિવસોમાં યુકેમાં કૉફી માટે પાંચ પાઉન્ડથી વધારે ચૂકવવાની તૈયારી રાખવી પડે તેવી શક્યતા છે.
"અત્યારે ભાવમાં જોરદાર ભડકો થયો છે."
આર્મસ્ટ્રોંગ ઈસ્ટ મિડલૅન્ડ્સમાં કેરારા કૉફી સ્ટોર્સ ચલાવે છે. તેઓ સાઉથ અમેરિકા અને એશિયાથી બીન્સની આયાત કરે છે, તેને શેકવામાં આવે છે અને સમગ્ર યુકેના કૅફેમાં મોકલવામાં આવે છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને તેમણે પણ કૉફીની કિંમત વધારી દીધી હતી. પરંતુ ત્યાર પછી તો ખર્ચ 'વધારે વધી ગયો' છે.
તેઓ કહે છે કે આગામી મહિનાઓમાં તેમના કેટલાક કૉન્ટ્રાક્ટ સમાપ્ત થવાના છે. તેઓ જે કાફેમાં સર્વ કરે છે તેણે થોડા જ સમયમાં નિર્ણય લેવો પડશે કે ભાવવધારો ગ્રાહકો પર નાખવો કે નહીં.
જોકે, તેઓ કહે છે કે આ ઉદ્યોગના કેટલાક ભાગોને વધારે ફટકો પડી શકે છે.
તેઓ કહે છે કે, "કૉમર્શિયલ જથ્થામાં કૉફીમાં સૌથી મોટી ઊથલપાથલ જોવા મળશે. ઇન્સ્ટન્ટ કૉફી, સુપરમાર્કેટ કૉફી, ગૅસ સ્ટેશને વેચાતો માલ - આ બધાનો ભાવ વધતો જાય છે."
ઉદ્યોગના આંકડા ચેતવે છે કે કૉફીનો બજારભાવ વધે તેનો અર્થ એવો નથી કે રિટેલ ભાવ પણ વધી જશે.

ઇમેજ સ્રોત, Getty Images
બ્રાઝીલમાં એફએએફકોફીઝના સીઈઓ ફિલિપ બેરેટો ક્રોસ એ વાતે સહમત છે કે ગ્રાહક માટે કૉફીનો ભાવ વધી ગયો હોવાના કારણે ગ્રાહકોને તકલીફ પડે છે.
પરંતુ તેમનું માનવું છે કે આમ થવાનું મુખ્ય કારણ બીન્સના વધતા ભાવ નહીં, પણ ફુગાવો છે. કારણ કે ભાડું, મજૂરીખર્ચ વગેરે બધું વધી ગયું છે. કન્સલ્ટન્સી એલેગ્રા સ્ટ્રેટેજિસના અંદાજ પ્રમાણે કૉફીના એક કપનો જે ભાવ હોય તેમાં બીન્સની કિંમત તો 10 ટકા કરતા પણ ઓછું યોગદાન આપે છે.
તેઓ કહે છે કે, "લક્ઝરી ગૂડ તરીકે કૉફીને તમે ઘરે બનાવો તો તે હજુ પણ બહુ સસ્તી છે."
તેઓ એમ પણ કહે છે કે નબળી ક્વૉલિટીનાં બીન્સનો ભાવ વધી ગયો તેનો અર્થ એવો થયો કે ઉચ્ચ ગુણવત્તાની કૉફી માટે હવે વધુ સારું મૂલ્ય મળી શકે છે.
તેઓ જણાવે છે કે, "તમે લંડનમાં કોઈ સ્પેશિયાલિટી કૉફી શૉપમાં જાવ અને ત્યાં તમે કૉફી તથા કોસ્ટા કૉફી ખરીદો તો તે કપ અને સ્પેશિયાલિટી કૉફીના ભાવ વચ્ચે તફાવત ઓછો રહી ગયો છે."
પરંતુ હવે ભાવમાં રાહત મળશે તેવી આશા છે.
ભવિષ્યનું નુકસાન

ઇમેજ સ્રોત, Getty Images
ક્રોસના જણાવ્યા પ્રમાણે બ્રાઝીલમાં હવે વસંતનો નવો પાક ઊતરશે જે બહુ મહત્ત્વનો સાબિત થશે. બ્રાઝીલ એ વિશ્વમાં ત્રીજા ક્રમે સૌથી મોટો કૉફી ઉત્પાદક દેશ છે.
તેઓ કહે છે, ''બધાની નજર હવે વરસાદ ક્યારે પડે છે તેના પર છે.''
"જો વેળાસર વરસાદ આવશે તો કૉફીના છોડ તંદુરસ્ત હશે અને તેના પર ફૂલ પણ સારાં આવશે."
લાંબા ગાળે જોવામાં આવે તો જળવાયુ પરિવર્તન વૈશ્વિક કૉફી ઉદ્યોગ માટે ગંભીર પડકાર પેદા કરી શકે છે.
2022ના એક અભ્યાસ મુજબ ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન ઘટી જાય તો પણ કૉફી ઉગાડવા માટે માફક આવે તેવો વિસ્તાર 2050 સુધીમાં 50 ટકા સુધી ઘટી શકે છે.
ક્રોસ જેની સાથે સંકળાયેલા છે તે ઉદ્યોગને ભવિષ્ય માટે સક્ષમ બનાવવાનો એક રસ્તો 'ગ્રીન પ્રીમિયમ'નો છે. એટલે કે કૉફી પર એક નાનકડો ટૅક્સ નાખીને તેની રકમ ખેડૂતોને આપવામાં આવે જેથી તેઓ ખેતીની એવી પદ્ધતિમાં રોકાણ કરે જેનાથી કૃષિની જમીનનું સંરક્ષણ પણ થાય અને તે ટકી પણ રહે.
તેથી દુર્ગંધ ફેલાવતું એક ફળ અત્યારે કૉફીના ભાવમાં વધારા માટે આંશિક રીતે જવાબદાર છે. પરંતુ હવામાનની બદલાતી જતી પૅટર્ન આગામી વર્ષોમાં કૉફીના પાક પર દબાણ પેદા કરી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












