ગુજરાતથી 'નવે રસ્તે' ગેરકાયદેસર અમેરિકા જવા માટે નીકળેલા બે લોકોનું અપહરણ, કેવી રીતે પાછા લવાયા?

ઇમેજ સ્રોત, Nachiketa
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 4 મિનિટ
ગુજરાતના આણંદ જિલ્લાના બે લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડવાના વાયદા સાથે અઝરબૈજાન લઈ જવામાં આવ્યા બાદ તેમના અપહરણની ઘટના સામે આવી છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે આ કેસ 'માનવતસ્કરીના મોટા નેટવર્ક' તરફ ઇશારો કરી શકે છે.
ભારતના વિદેશ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના પ્રયત્નોથી આ બંને લોકોને હેમખેમ પાછા ભારતમાં લાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસે આ ઘટના પછી ફરિયાદ નોંધીને ત્રણ લોકોની ધરપકડ કરી છે.
આણંદના સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે, "આ બંને લોકોનો આબાદ બચાવ કરીને તેમને પાછા ભારતમાં લાવવામાં આવ્યા છે."
ધ્રુવ અને દીપિકા રવિવારે રાત્રે વડોદરા ઍરપૉર્ટથી પાછા પોતાના ઘરે પહોંચી ગયા છે. જોકે, બીજી તરફ પોલીસની તપાસ ચાલુ છે.
પોલીસને શંકા છે કે આ પ્રકારે માત્ર આ બે જ લોકો નહીં પરંતુ બીજા ઘણા લોકો ફસાયેલા હશે, જેઓ ભારતના એજન્ટો તેમજ અઝરબૈજાનના અમુક સંદિગ્ધ લોકોના શિકાર બન્યા હશે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ નેટવર્કમાં ભારતમાં કેટલા એજન્ટો કામ કરે છે.
ગુજરાતથી અઝરબૈજાન કેમ લઈ જવાયા

ઇમેજ સ્રોત, Nachiketa
આણંદ જિલ્લાના ઝકારિયા ગામના વતની ધ્રુવ પટેલ તેમજ કંથારિયા ગામનાં વતની દીપિકા પટેલ વૉટ્સઍપ મૅસેજ મારફતે મહારાષ્ટ્રના એજન્ટના સંપર્કમાં આવ્યા હતા.
તેમણે તેમની પાસેથી 35-35 લાખ રૂપિયા લઈને તેમને અમેરિકામાં ગેરકાયદેસર રીતે પહોંચાડવાનો વાયદો કર્યો હતો.
ફેબ્રુઆરી 1, 2026
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધ્રુવ પટેલ અને દીપિકા પટેલ બંને એકબીજાને પ્રથમ વખત આ પ્રવાસ દરમિયાન મળ્યાં હતાં. આણંદથી તેમને દિલ્હી લઈ જવામાં આવ્યાં હતાં અને ત્યાંથી તેઓ પહેલી ફેબ્રુઆરીએ દિલ્હીથી અઝરબૈજાનની ફ્લાઇટમાં બેસીને ત્યાં પહોંચ્યાં હતાં. તેઓ ત્યાંથી તુર્કી અને ત્યાર બાદ દક્ષિણ અમેરિકા થઈને અમેરિકામાં પહોંચવાનાં હતાં.

ઇમેજ સ્રોત, Nachiket
ફેબ્રુઆરી 3, 2026
આ કેસના તપાસ અધિકારી અને આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એસસીબી)ના પોલીસ ઇન્સ્પેક્ટર હિતેશ બ્રહ્મભટ્ટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "અમુક લોકોએ તેમનું ત્યાં અપહરણ કરી લીધું હતું. ત્રીજી ફેબ્રુઆરીથી પરિવારજનોને ફોન આવવા શરૂ થઈ ગયા હતા કે આ બંનેને પકડી લીધા છે અને તેમને છોડાવવા માટે પૈસાની માગણી કરવામાં આવી હતી. આ માટે તેમને યાતના આપતાં વીડિયો પણ પરિવારજનોને મોકલવામાં આવ્યા હતા."
ફેબ્રુઆરી 15, 2026
રવિવારે આ બન્નેને હેમખેમ વડોદરા ઍરપૉર્ટ પર લાવવામાં આવ્યા હતા. બંનેએ ત્યાં પોતાના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. તેઓ અહીંથી ગયા અને પાછા આવ્યા તે દરમિયાન એક તરફ ધ્રુવના પિતાએ આ માટે 50 લાખ રૂપિયા, જ્યારે દીપિકાના પિતાએ 15 લાખ રૂપિયા અપહરણકર્તાઓને પહોંચાડી દીધા હતા.
કેવી રીતે પકડાયા ત્રણ એજન્ટો?

ઇમેજ સ્રોત, Nachiketa
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ અંગે પોલીસે મુંબઈના રહેવાસી મમતા ગોવિત, કેતન સોની તેમજ ડેનિયલ મૉન્ટેરોની ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે આ ત્રણ સિવાય હજી બીજા ઘણા એજન્ટો છે, જે આવી રીતે લોકોને ફસાવીને તેમની પાસેથી પૈસા લઈ લેવાનું કામ કરે છે.
આ અંગે આણંદ પોલીસના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ જી.જી. જસાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "હજી સુધી આરોપીઓએ બીજા કોઈ એજન્ટોની માહિતી આપી નથી. પરંતુ તેમ છતાં અમને આશા છે કે આ એજન્ટોથી પરેશાન થયેલા બીજા લોકો સામે આવશે અને એક મોટા રૅકેટનો પર્દાફાશ થઈ શકશે."
તેમણે ઉમેર્યું કે, "અમારી તપાસ દરેક દિશામાં ચાલી રહી છે. આ એક મોટું રૅકેટ છે, જેમાં અલગ-અલગ સ્થળેથી એજન્ટોનું નેટવર્ક કામ કરતું હોવાની શંકા છે."
પરિવારને જ્યારે ફોન આવ્યા ત્યારબાદ ધ્રુવ પટેલના પિતા મુકેશ પટેલે આણંદના સાંસદ મિતેશ પટેલનો સંપર્ક કર્યો હતો. પત્રકારો સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "તે સમયે હું દિલ્હીમાં હતો. મેં વીડિયો જોયા, જેમાં આ બન્ને ઉપર શારીરિક યાતનાઓ કરવામાં આવી રહી હતી."
"આ વિશેની રજૂઆત વિદેશ મંત્રાલયને જ્યારે કરવામાં આવી તો અઝરબૈજાનમાં ભારતના દૂતાવાસને આ વિશે જાણ કરવામાં આવી અને 24 કલાકની અંદર આ બંને લોકોને છોડી દેવામાં આવ્યા."
તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે જે રકમ ભરીને યુવાનો વિદેશની ધરતી પર કામ કરવા જાય છે, તેટલી જ રકમના રોકાણમાં ભારતમાં ખૂબ સારું કામ કરી શકાય છે, માટે લોકોએ આવી રીતે ખોટા એજન્ટોનો શિકાર ન બનવું જોઈએ.
પત્રકારો સાથે વાત કરતાં ધ્રુવ પટેલના પિતા મુકેશ પટેલે કહ્યું હતું કે, "તેમના પર જ્યારે ફોન આવ્યા તો તેમને પૈસા આપી દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાયો નહોતો. ત્યારબાદ મિતેશભાઈનો સંપર્ક કર્યો અને અમને મદદ મળી."
અમદાવાદ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ વિધિ ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "અઝરબૈજાનથી ગેરકાયદેસર રીતે અમેરિકા લઈ જવાની ઘટના એકંદરે નવી છે. આ પહેલાં આવી રીતે કોઈ મોટો કિસ્સો બહાર આવ્યો નથી."
"આ બે લોકો જે રીતે એજન્ટ અને ત્યારબાદ અઝરબૈજાનના અમુક લોકોના શિકાર બન્યા હતા, તે જોતા પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ પ્રકારના બીજા કેટલા લોકોને આવી રીતે પરેશાન કરવામાં આવ્યા છે."
ડંકી રૂટના આ પહેલાના અમુક બનાવો

આશરે એક વર્ષ અગાઉ અમેરિકી સૈન્ય વિમાનો દ્વારા મોટી સંખ્યામાં ગુજરાતના વતની પરંતુ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા એવા અનેક લોકોને પાછા મોકલવામાં આવ્યા હતા. પાછા મોકલાયેલા લોકોમાં મુખ્યત્વે ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના વતની હતા.
ડીંગુચા પરિવાર (જાન્યુઆરી 2022):
ગાંધીનગરના ડીંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યો — જગદીશ પટેલ (39), વૈશાલીબહેન (37) અને તેમનાં બાળકો — કૅનેડાના મેનિટોબામાં થીજી જવાથી મૃત્યુ પામ્યા હતા. તેઓ માઇનસ 38 ડિગ્રી તાપમાન અને હિમવર્ષા વચ્ચે અમેરિકાની સરહદથી માત્ર 12 મીટર દૂર હતા.
સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જવાથી મૃત્યુ (માર્ચ 2023):
મહેસાણાના માણેકપુરા ગામના એક જ પરિવારના ચાર સભ્યો — પ્રવીણ ચૌધરી (50), તેમનાં પત્ની દક્ષા (45), પુત્ર મિત (20) અને પુત્રી વિધિ (23) — કૅનેડાથી ન્યૂયૉર્કમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે નાવડી પલટી જતાં સેન્ટ લૉરેન્સ નદીમાં ડૂબી ગયા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












