આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાના બંદૂક સાથેના AI વીડિયો પર કેમ વિવાદ થયો, ભાજપે આ પોસ્ટ કેમ હઠાવવી પડી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇલ્મા હસન
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 6 મિનિટ
આસામ ભાજપે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉપર પોસ્ટ કરેલો એક વીડિયો વિવાદ બાદ હઠાવી લેવાયો છે. આ વીડિયોમાં આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાને કાઉબૉયના અંદાજમાં હાથમાં રાઇફલ ઉઠાવતા જોઈ શકાય છે.
એમાં એઆઈની (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) મદદથી અમુક ભાગ ઉમેરવામાં આવ્યો હતો. જેમાં દાઢી અને ટોપી પહેરેલા કથિત પુરુષોની તસવીરો ઉપર ગોળી ચલાવવામાં આવી હોય, એવું દેખાડવામાં આવ્યું હતું.
આ સાથે જ 17 સેકંડના વીડિયોમાં સ્ક્રીન ઉપર 'ફોરેનર ફ્રી આસામ' (વિદેશીઓથી મુક્ત આસામ) તથા 'નૉ મર્સી' (કોઈ દયા નહીં) જેવાં લખાણ પણ સ્ક્રીન ઉપર મૂકવામાં આવ્યાં હતાં.
એક તસવીરમાં બે લોકોને દેખાડવામાં આવ્યા હતા, જેમાંથી એકની ઓળખ કૉંગ્રેસના સંસદસભ્ય ગૌરવ ગોગોઈ તરીકે કરવામાં આવી હતી. બંનેને સફેટ ટોપી પહેરેલા દર્શાવવામાં આવ્યા હતા.
આ વીડિયોને ગત શનિવારે (તા. સાતમી ફેબ્રુઆરી) આસામ ભાજપના ઍક્સ હૅન્ડલ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને વિવાદ બાદ બીજા દિવસે હઠાવી લેવાયો હતો.
આ વીડિયો ઉપર વિપક્ષી દળો, સામાજિક કાર્યકર્તાઓ તથા સોશિય મીડિયા યૂઝર્સે પ્રતિક્રિયા આપી અને તેને ઉશ્કેરણીજનક તથા ખતરનાક ગણાવ્યો.
ટીકાકારોનું કહેવું છે કે આ વીડિયો ચોક્કસ સમુદાય ઉપર નિશાન સાધે છે, જેના કારણે સમાજમાં તણાવ વકરી શકે છે.
વીડિયોમાં કેટલાક મૅસેજ પણ જોવા મળે છે, જેનો અર્થ હતો, "તમે પાકિસ્તાન કેમ જતા ન રહ્યા?" અને "બાંગ્લાદેશીઓ માટે કોઈ માફી નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આસામમાં બંગાળી મૂળના મુસલમાનો અંગે રાજકીય નિવેદનબાજી ચાલી રહી હતી, એવા સમયમાં આ વીડિયોને કારણે વિવાદ વકરી ગયો હતો.
હિમંત બિસ્વા સરમાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
આ અંગે વિવાદ વકરતા મુખ્ય મંત્રી સરમાએ એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું કે તેમણે આ વીડિયો નથી જોયો. તેઓ વ્યક્તિગત રીતે દરેક સોશિયલ મીડિયા પોસ્ટ નથી જોતા અને ઘણી વખત પાર્ટીનાં ડિજિટલ મીડિયા પ્લૅટફૉર્મ અલગ ટીમ સંભાળતી હોય છે.
સરમાએ ઉમેર્યું હતું કે તેઓ 'મિયાં' મુસલમાનો વિરૂદ્ધ બોલતા રહેશે.
દરમિયાન એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ ઍક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે આસામના મુખ્ય મંત્રી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરતી ફરિયાદ દાખલ કરાવી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં સરમાએ કહ્યું, "હું જેલ જવા તૈયાર છું, હું શું કરી શકું? મને કોઈ વીડિયો વિશે ખબર નથી. જો તેમણે મારી સામે કેસ દાખલ કરાવ્યો હોય, તો મારી ધરપકડ કરી લો. મને કોઈ વાંધો નથી, પરંતુ હું મારા શબ્દો ઉપર અફર છું. હું બાંગ્લાદેશી ઘૂસણખોરોની વિરુદ્ધ છું તથા ભવિષ્યમાં પણ તેમની વિરુદ્ધ રહીશ.
વિપક્ષે વીડિયોને વખોડ્યો
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૉંગ્રેસે આ વીડિયો અંગે સત્તાવાર ટિપ્પણી કરતા કહ્યું, "આસામ ભાજપના સત્તાવાર હૅન્ડલ ઉપરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો, જેમાં લઘુમતીઓની 'પૉઇન્ટ-બ્લૅન્ક' હત્યાનું મહિમામંડન થતું જણાય છે. આ ખૂબ જ ધૃણાસ્પદ અને વ્યથિત કરનાર છે તથા તેને કોઈ સામાન્ય ટ્રૉલ સામગ્રીની જેમ નકારી ન શકાય. તે મોટાપાયે હિંસા તથા નરસંહાર માટે ઉશ્કેરણી જેવો છે."
બીજી બાજુ કૉંગ્રેસના નેતા તથા વરિષ્ઠ વકીલ અમન વદ્દે આ વીડિયો અંગે કહ્યું, "વીડિયો સ્પષ્ટપણે હિંસા ઉશ્કેરવાના પ્રયાસરૂપ છે. તે નરસંહાર જેવી વિચારસરણીને પ્રોત્સાહન આપનારો છે."
અમન વદ્દે કહ્યું, "વીડિયોનો સંદેશ એટલો ભદ્દો અને સ્પષ્ટ હતો કે દરેક સ્થળે તેની ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયાથી લઈને મેઇનસ્ટ્રીમ મીડિયા સુધી ભાજપ ઉપર હુમલો થઈ રહ્યો છે. લગભગ બધા લોકો અદાલતો તથા સંસ્થાઓને પૂછી રહ્યા હતા કે આ મામલે કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરવામાં આવી રહી?"
અમન વદ્દે કહ્યું, "આસામમાં ભાજપ સંપૂર્ણપણે માર્ગ વિસરી ગયો છે. વિકાસના તેના દાવા કામ નથી કરી રહ્યા. ભાજપ નથી ઇચ્છતો કે લોકો આના વિશે વાત કરે. પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે 'મિયાં' સમુદાય ઉપર સતત હુમલા થઈ રહ્યા છે."
બીજી બાજુ, તૃણમુલ કૉંગ્રેસે કહ્યું, "કલ્પના કરો, એક ચૂંટાયેલા મુખ્ય મંત્રી પોતાની પાર્ટીના એક વીડિયોમાં મુસલમાનો ઉપર પૉઇન્ટ-બ્લૅન્ક ગોળી ચલાવવાનો અભિનય કરી રહ્યા હોય, તે એટલો વાંધાજનક હતો કે ભારે વિરોધ બાદ તેને હઠાવવો પડ્યો."
ટીએમસીએ તેને "સત્તાસમર્થિક કટ્ટરવાદીકરણ" ગણાવ્યું હતું.
વરિષ્ઠ પત્રકાર અફરીદા હુસૈનના કહેવા પ્રમાણે, આ પ્રકારના વીડિયો લોકશાહી વ્યવસ્થા માટે ચિંતાજનક છે. તેમણે કહ્યું, "મેં જ્યારે પહેલી વખત આ વીડિયો જોયો, ત્યારે મારાં મનમાં નકારાત્મક ભાવ આવ્યા. કોઈ સત્તારૂઢ દળ કે બંધારણીયપદ ઉપર બેઠેલી વ્યક્તિ પાસેથી આ પ્રકારના વીડિયોની અપેક્ષા કરવામાં નથી આવતી."
"કોઈ સમાજ સામે રાઇફલ તાંકતા દેખાડવાએ સ્વસ્થ લોકશાહી વ્યવસ્થાના સંકેત નથી. તે સાર્વજનિક વિમર્શમાં હિંસાને સ્વીકાર્ય બનાવવા જેવું છે. તેઓ ખૂનમારકીની માનસિકતાને પ્રોત્સાહન ન આપી શકે."
આસામમાં વિધાનસભા ચૂંટણીના અણસાર

પત્રકાર અફરીદા હુસૈને કહ્યું, "તેઓ ગૌરવને સફેદ ટોપીમાં દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે તેઓ કહી રહ્યા છે કે તેનો હેતુ ઘૂસણખોરોને દેખાડવાનો છે, પરંતુ કોઈ બંધારણીય પદ ઉપર બેઠેલી વ્યક્તિ આવો વીડિયો કેવી રીતે પોસ્ટ કરી શકે?"
તેમનું માનવું છે કે વીડિયોને હઠાવવો પૂરતો નથી. તેઓ કહે છે, "અગાઉથી આ વીડિયો લાખો લોકો સુધી ફેલાઈ ચૂક્યો છે. જો ભવિષ્યમાં તેના કારણે કોઈ હિંસા થાય, તો તેની જવાબદારીથી બચવું કપરું હશે."
જાણકારોનું કહેવું છે કે રાજ્યની ઓળખ, નાગરિકત્વ તથા ઘૂસણખોરી જેવા મુદ્દા લાંબા સમયથી ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહે છે. આસામમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, એવા સમયે આ વિવાદ થયો છે.
આસામનાં રાજકારણ ઉપર નજર રાખનારાઓનું કહેવું છે કે આ પ્રકારના સંવેદનશીલ વિષયો ઉપર જે સામગ્રી બનાવવામાં આવી હોય, તે ચૂંટણીદરમિયાન મતોનું ધ્રુવીકરણ વકરાવી શકે છે.
ગૌહાટી યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર અખિલ રંજન દત્તાનું કહેવું છે કે વર્તમાન રાજકીય વાતાવરણમાં ધ્રુવીકરણની વ્યૂહરચના વધી ગઈ છે.
તેઓ કહે છે, "તુષ્ટિકરણનું રાજકારણ કરવા છતાં સરકાર પોતાની લોકપ્રિયતા બાબતે સંપૂર્ણપણે આશ્વસ્ત નથી જણાતી. મને લાગે છે કે અસુરક્ષાની ભાવનાને કારણે જ સરકાર ધ્રુવીકરણના રાજકારણ તરફ આગળ વધી છે."
આસામમાં 'મિયાં' શબ્દ સામાન્ય રીતે બંગાળી મૂળના મુસલમાનો માટે વાપરવામાં આવે છે. નાગરિકત્વ તથા ઓળખને કારણે લાંબા સમયથી આ સમુદાય ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે.
સરમા 'મિયાં' મુસલમાનો વિરુદ્ધ કડક વલણની વાત કરતા રહ્યા છે. તેઓ પોતાનાં નિવેદનોમાં બંગાળી મૂળના મુસલમાનોનો મુદ્દો ઊઠાવતા રહ્યા છે.
તાજેતરના વિવાદને કારણે સરમાએ અગાઉ 'મિયાં' સમુદાય વિશે કરેલી ટિપ્પણીઓ તરફ પણ લોકોનું ધ્યાન ખેંચાયું છે.
આ પહેલાં એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમનું કામ "મિયાં લોકોની કનડગત કરવાનું" છે. તેમણે એવું સૂચન કર્યું હતું કે જો રીક્ષાચાલક મિયાં મુસલમાન હોય, તો તેને ભાડાંના ઓછા પૈસા આપવા.
સરમાએ કહ્યું હતું, "જે કોઈ વ્યક્તિ, જે કોઈ રીતે કનડગત કરી શકે, તેઓ કરે. તમે પણ કરો. રીક્ષામાં જો પાંચ રૂપિયા ભાડું હોય, તો તમે એમને ચાર રૂપિયા આપો. ત્યારે જ તેઓ ત્રાસશે આસામ છોડી દેશે."
સરકારનો ગભરાટ દેખાઈ રહ્યો છે
પ્રો. અખિલ રંજનનું કહેવું છે કે મુસલમાનો વિશેના રાજકીય સંદેશામાં સતત પરિવર્તન જોવા મળ્યું છે. તેમનું માનવું છે કે આ બધું હિંમત બિસ્વા સરમાની ગભરાટનાં લક્ષણો છે.
પ્રો. અખિલ રંજન કહે છે, "ક્યારેક તમામ મુસલમાનો ઉપર નિશાન સાધવામાં આવે છે, ક્યારેક બાંગ્લાદેશી મુસલમાનો તથા સ્થાનિક 'મિયાં' મુસલમાનો વચ્ચે ભેદ કરવામાં આવે તથા ક્યારેક તમામ 'મિયાં' લોકોને બહાર હાંકી કાઢવાની વાત કરવામાં આવે છે.આ રીતે સ્થાનિકોમાં નાગરિકઅધિકારો અંગે ભ્રમ ઊભો કરવામાં આવી રહ્યો છે. તે રાજકીય વ્યૂહરચનાના ભાગરૂપ છે."
કેટલાકનું માનવું છે કે માત્ર સોશિયલ મીડિયા ઉપરની પ્રતિક્રિયાને કારણે નહીં, પરંતુ રાજકીય અને કાયદાકીય પ્રત્યાઘાતોને કારણે પણ ચિંતા પ્રવર્તમાન હતી.
અખિલ રંજન કહે છે, "આ પ્રકારના વીડિયો ગંભીર પડકાર ઊભા કરી શકે છે. કોઈ કૉમ્યુનિટી તરફ રાયફલ તાંકતા દેખાડવું એ નિવેદન કરતાં અનેકગણું ગંભીર માની શકાય છે. આને કાયદેસર રીતે પણ પડકારી શકાયો હોત."
જાણકાર માને છે કે સરમાની રાજકીય વ્યૂહરચનાને સમજ્યા વગર આ વિવાદને સંપૂર્ણપણે સમજી ન શકાય.
અખિલ રંજન કહે, "તેઓ બે પ્રકારની રાજકીય છાપ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક તરફ તેઓ પોતાને કટ્ટર હિંદીવાદી નેતા તરીકે સ્થાપિત કરવા માંગે છે, તો બીજી તરફ તેઓ સ્થાનિક તથા મૂળનિવાસીઓના હિતરક્ષક તરીકે પોતાને રજૂ કરવા માંગે છે. તેઓ હિંદુત્વને સ્થાનિક ઓળખ સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે."
અફરીદા હુસૈનનું માનવું છે કે પાર્ટીમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે પણ સરમાએ આ વ્યૂહરચના અપાવી હોય શકે છે.
તેઓ કહે છે, "તેઓ પોતાને પાર્ટીના મહત્ત્વપૂર્ણ અને મજબૂત નેતા તરીકે સ્થાપિત કરવા માગે છે. તેમનું રાજકારણ તેમને રાષ્ટ્રીયસ્તરે વધુ આક્રમક તથા ધ્રુવીકરણ કરનારા નેતાઓની શ્રેણીમાં મૂકે છે."
વિધાનસભાની ચૂંટણી પહેલાં ઘૂસણખોરી સંબંધિત મુદ્દા વારંવાર ઊઠાવવામાં આવે તેવી શક્યતા છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આ વ્યૂહરચના ચૂંટણીમાં કેટલી સફળ થશે, તે સ્પષ્ટ નથી.
અફરીદા હુસૈન કહે છે, "દર વખતે ચૂંટણીમાં ધ્રુવીકરણથી રાજકીય લાભ થાય, એ નક્કી નથી. પરંતુ આ પ્રકારની નિવેદનબાજી સમાજમાં પ્રવર્તમાન તિરાડને ચોક્કસથી પહોળી કરી શકે છે."
તેઓ કહે છે કે આ પ્રકારની રણનીતિની ચૂંટણી ઉપર શું અસર થશે, તેના વિશે ચોક્કસપણે કંઈ કહી ન શકાય.
બીજી બાજુ, અખિલ રંજનનું માનવું છે, "આ ચૂંટણીમાં કેટલો લાભ થશે એના વિશે કહેવું કપરું છે, પરંતુ વર્તમાન રાજકીય પરિદૃશ્યમાં સરકારનો ગભરાટ તથા અસુરક્ષાની ઝલક દેખાય આવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













