સોના-ચાંદીમાં ફરી મોટી ઊથલપાથલ, અત્યારે રોકાણ કરવું કેટલું જોખમી?

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 4 મિનિટ
સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ચાર દિવસથી ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. ત્રણ દિવસ સુધી બંને કિંમતી ધાતુઓમાં સતત મોટો ઘટાડો થયા પછી મંગળવારે બંને મેટલના ભાવ વધ્યા છે.
સોનામાં મંગળવારે ત્રણ ટકાનો વધારો થયો છે જ્યારે ચાંદીમાં આશરે છ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા ત્યારથી સોનું સતત વધતું જાય છે અને હવે ચાંદીએ પણ નવા રેકૉર્ડ બનાવ્યા છે.
મંગળવારે સોના અને ચાંદીના ભાવોમાં ફરીથી ઉછાળો આવ્યો હતો. અમેરિકામાં આગામી શટડાઉન અને ગ્લોબલ અનિશ્ચિતતાને તેના માટે કારણભૂત માનવામાં આવે છે.
સોમવારે અમેરિકા અને ભારતે એક ટ્રેડ ડીલની જાહેરાત કરી છે જેના કારણે ભારતીય માલસામાન પર અમેરિકાના ટેરિફનો દર 50 ટકાથી ઘટીને 18 ટકા થઈ જશે. તેની સામે ભારત રશિયાના ઑઇલની ખરીદી બંધ કરશે અને અમેરિકન માલનો ભારતમાં પ્રવેશ વધુ સરળ બનાવશે. આ કારણથી શૅરબજારમાં ઉછાળો આવ્યો છે અને સેન્સેક્સ લગભગ 2500 પૉઇન્ટ વધ્યો છે.
હજુ સોમવારે જ ચાંદીમાં કિલો દીઠ 17 ટકા એટલે કે 52 હજાર રૂપિયાનો કડાકો આવ્યો હતો અને ચાંદીનો ભાવ 2.60 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. તેનાથી અગાઉ શનિવારે ચાંદી 19 ટકા ઘટી હતી અને ભાવ 3.12 લાખ રૂપિયા થયો હતો, પરંતુ હવે તેમાં ફરીથી ખરીદી જોવા મળી રહી છે.
સોના-ચાંદીમાં ભાવમાં વધઘટ કેમ થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Renisha Chenani/FB
બુલિયન ટ્રેડિંગ કંપની ઓગમોન્ટના રિસર્ચ હેડ ડૉ. રેનિશા ચૈનાનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "કિંમતી ધાતુઓનું માર્કેટ હાલમાં અત્યંત અસ્થિર છે. માત્ર ત્રણ દિવસના ગાળામાં સોનાના ભાવમાં 20 ટકા અને ચાંદીમાં 45 ટકાનો ઘટાડો થયો. તેના કારણે વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં જે વધારો થયો હતો, તેમાંથી મોટા ભાગને વધારો ધોવાઈ ગયો."
સોના અને ચાંદીમાં થયેલા તીવ્ર ઘટાડા માટે રેનિશા ચેનાનીએ ત્રણ કારણ આપ્યાં હતાં. તેઓ કહે છે કે "મોટા પ્રમાણમાં બજારમાં સટ્ટાકીય પૉઝિશન લેવામાં આવી રહી છે, ગોલ્ડ ઇટીએફ (ઍક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ) દ્વારા ભારે ખરીદી થઈ રહી છે અને નાના ખરીદદારોની ભાગીદારી વધી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વના ભૂતપૂર્વ ગવર્નર કોવિન વોર્શને હાલના ગવર્નર જેરેમી પોવેલનું સ્થાન લેવા માટે નૉમિનેટ કર્યા છે, જેઓ ફુગાવાને નિયંત્રણમાં લાવવા પર ફોકસ ધરાવે છે.
સોના-ચાંદીમાં રોકાણ કરવું રોકાણકારો માટે કેટલું જોખમ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કિંમતી ધાતુઓમાં ભારે ઉતારચઢાવ છે ત્યારે નિષ્ણાતો માને છે કે ધીરજ રાખી શકે તેવા રોકાણકારોએ ઘટાડા સમયે ખરીદી ચાલુ રાખવી જોઈએ.
અમદાવાદ જ્વેલર્સ ઍસોસિયેશનના પ્રમુખ જિગર સોનીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "સોના અને ચાંદીમાં જ્યારે પણ મોટો ઘટાડો આવે ત્યારે ખરીદી કરી શકાય. જેમ કે સોમવારે ભાવમાં મોટું કરેક્શન આવ્યું ત્યારે ખરીદીની તક હતી."
તેઓ માને છે કે "સોનામાં સમયાંતરે ઘડાટો આવશે, પરંતુ 2025ની જેમ 2026માં પણ સોનું સારું વળતર આપી શકે છે. જે રોકાણકારો પાસે ધીરજ હોય અને લાંબો સમય રાહ જોવાની ક્ષમતા હોય, તેમણે દરેક ઘટાડે ખરીદી કરવી જોઈએ."
તાજેતરમાં બંને મેટલમાં જે ઘટાડો આવ્યો તેના વિશે જિગર સોનીએ કહ્યું કે, "કેટલાક વૈશ્વિક પ્રશ્નો શાંતિ તરફ જઈ રહ્યા છે જેનાથી સોના અને ચાંદીમાં નરમાઈ જોવા મળી હતી. જેમ કે ઈરાને અમેરિકા સાથે વાતચીતની તૈયારી દર્શાવી છે, આ ઉપરાંત રશિયા અને યુક્રેન મામલે મંત્રણાઓ થઈ રહી છે. ગ્રીનલૅન્ડના મામલે પણ ટ્રમ્પનું વલણ નરમ પડ્યું છે. આ બધાં કારણોથી ત્રણ દિવસ સુધી સોના અને ચાંદીમાં મોટો ઘટાડો થયો હતો."
તેઓ કહે છે કે, "તાજેતરમાં બંને ધાતુના ભાવ એટલા વધી ગયા હતા કે કેટલાક રોકાણકારોએ તેમાં નફો બૂક કર્યો છે જેથી ભાવ નીચા આવ્યા હતા, પરંતુ ત્યાર બાદ ફરી ભાવ વધવા લાગ્યા છે."
રેનિશા ચેનાની માને છે કે "સોનાના ભાવમાં હજુ ત્રણથી ચાર ટકાનો ઘટાડો શક્ય છે અને ત્યાર પછી તેમાં સ્થિરતા જોવા મળશે. આવા સમયે રોકાણકારો જે રોકાણ કરવા માગતા હોય તેમાંથી લગભગ અડધી રકમની ખરીદી કરવી જોઈએ અને ત્યાર પછી વધુ ઘટાડો આવે તો ફરી ખરીદી કરી શકાય છે."
અનિશ્ચિતતા વચ્ચે બુકિંગ ઠપ

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદમાં મંગળવારે બપોરના સમયે સોનાનો ભાવ 1.58 લાખ રૂપિયાની આસપાસ ચાલતો હતો, જ્યારે ચાંદીનો ભાવ કિલો દીઠ 2.58થી 2.62 લાખ રૂપિયા સુધી હતો.
સોના અને ચાંદીના બજારમાં ભારે ઉતારચઢાવના કારણે ઝવેરીઓએ બુલિયનનું ઍડવાન્સ બુકિંગ પણ અટકાવી દીધું છે.
અમદાવાદના માણેકચોક ચોકસી મહાજનના સભ્ય અને બુલિયન વેપારી હેમંત ચોકસીએ બીબીસીને જણાવ્યું કે "સોના-ચાંદીમાં એટલી અનિશ્ચિતતા છે કે લગભગ એક અઠવાડિયાથી મેટલમાં બુકિંગ બંધ રાખવું પડ્યું હતું. જેમને ખરીદી કરવી હોય તેમણે હાજરમાં ખરીદી કરવી પડતી હતી."
તેઓ કહે છે કે "બુકિંગ કર્યા પછી ભાવ અચાનક વધી જાય અથવા ઘટી જાય તો ગ્રાહક અને વેપારીને ભારે નુકસાન થઈ શકે છે તેથી બુકિંગ અટકાવી દેવાયું હતું."
હેમંત ચોકસીએ એમ પણ જણાવ્યું કે આટલા ઊંચા ભાવે સોનું ખરીદવું મોટા ભાગના લોકોને પોસાય તેમ નથી. તેથી ઘણા ગ્રાહકો 22 કૅરેટના બદલે 9થી 18 કૅરેટ સુધીના દાગીના તરફ વળ્યા છે.
(સ્પષ્ટતાઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુસર છે, નાણાકીય સલાહ નથી. વાચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ રોકાણના કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારની મદદ લે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












