બીબીસીના નામે વાઇરલ ચૂંટણીનાં પરિણામોના સર્વેની હકીકત શું છે?

બીબીસી, ફેક ન્યૂઝ, ચૂંટણી સર્વેક્ષણો, બીબીસી ગુજરાતી

છેલ્લા કેટલાક દિવસોથી ટ્વિટર, વ્હૉટ્સઍપ અને યુટ્યૂબ પર અનેક હૅન્ડલ પરથી એક ફેક ન્યૂઝ વાઇરલ થઈ રહ્યા છે.

આ ફેક ન્યૂઝમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બીબીસીના સર્વે પ્રમાણે લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ને જીત મળી રહી છે.

સત્ય હકીકત એ છે કે બીબીસીએ આવો કોઈ સર્વે કર્યો નથી.

પરંતુ આ પહેલી વાર નથી કે બીબીસીના નામે આ પ્રકારના ફેક ન્યૂઝ વાઇરલ થઈ રહ્યા છે.

એ પહેલાં વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં પણ બીબીસીના નામે આવા ખોટા સમાચાર વાઇરલ થયા હતા.

પરંતુ બીબીસીએ દરેક વખતે એ સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ ચૂંટણી પૂર્વેના સર્વેક્ષણો, ઓપિનિયન પૉલ કે ઍક્ઝિટ પૉલ કરતું નથી અને આ વખતે પણ તેણે આવો કોઈ સર્વે કર્યો નથી.

સામાન્ય રીતે ચૂંટણી પૂર્વે આ પ્રકારનો દુષ્પ્રચાર કરવામાં આવતો હોય છે કે બીબીસીએ ચૂંટણીપરિણામો અંગે સર્વે કર્યો છે અને ફલાણી પાર્ટી જીતી રહી છે.

બીબીસી ફરી એક વાર સ્પષ્ટ કરવા માંગે છે કે તે ન તો કોઈ ચૂંટણી સર્વે કરે છે કે ન તો કોઈ અન્ય એજન્સી કે પક્ષ દ્વારા કરવામાં આવેલો ચૂંટણી અંગેનો સર્વે પ્રકાશિત કરે છે.

આ પહેલાં પણ બીબીસીએ તેના નામે થયેલા ચૂંટણી સર્વેક્ષણોની વિશ્વસનીયતાનું હંમેશા ખંડન કર્યું છે.

તેમ છતાં પણ કેટલાક લોકો બીબીસીની વિશ્વસનીયતાનો ફાયદો ઉઠાવવા માટે તૈયાર રહે છે.

આવું પહેલાં પણ બની ચૂક્યું છે કે જ્યારે રાજ્યની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી દરમિયાન બીબીસીના નામે આવા સર્વે ચલાવવામાં આવ્યા હોય.

પરંતુ હકીકત એ છે કે બીબીસીએ ક્યારેય આવું કોઈ સર્વેક્ષણ કર્યું નથી કારણ કે કોઈપણ પ્રકારની ચૂંટણી પરિણામોની ભવિષ્યવાણી કરવી એ બીબીસીની ઍડિટોરિયલ ગાઇડલાઇન્સને અનુકૂળ નથી.