બીબીસીના પત્રકારત્વને સન્માન, WAN-IFRA ઍવૉર્ડ્સમાં ત્રણ પુરસ્કાર મળ્યા – ન્યૂઝ અપડેટ

બીબીસીના પત્રકારત્વને ફરી એક વખત વખાણવામાં આવ્યું છે. WAN-IFRA ડિજિટલ મીડિયા ઍવૉર્ડ્સ સાઉથ એશિયા 2026માં બીબીસી ન્યૂઝને ત્રણ પુરસ્કાર મળ્યા છે.
આ પુરસ્કાર ત્રણ કૅટેગરીમાં આપવામાં આવ્યા છે, જેમાં બે ગોલ્ડ અને એક સિલ્વર ઍવૉર્ડ્સ સામેલ છે. આ સ્ટોરીઝ બીબીસી ન્યૂઝ માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રોડ્યૂસ થઈ હતી.
આ ઍવૉર્ડ્સમાં 'બેસ્ટ ઇન કાઉન્ટરિંગ ડિસઇન્ફૉર્મેશન' કૅટેગરીમાં કુંભ નાસભાગ પર કરેલી સ્ટોરીને ગોલ્ડ ઍવૉર્ડ મળ્યો છે.
'બેસ્ટ ડેટા વિઝ્યુલાઇઝેશન' કૅટેગરીમાં દિલ્હીના વાયુ પ્રદૂષણ પર કરેલા બીબીસીની વિસ્તૃત રિપોર્ટને ગોલ્ડ ઍવૉર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યો છે.
'બેસ્ટ યુઝ ઑફ ઑડિયો' કૅટેગરીમાં બીબીસી ન્યૂઝ હિંદી પર પ્રસારિત 'ધ કિલિંગ કૉલ ડૉક્યૂમેન્ટ્રી'ને સિલ્વર ઍવૉર્ડ મળ્યો છે. આ ડૉક્યૂમેન્ટ્રી રૅપર-સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાની તપાસ પર હતી.
પશ્ચિમ બંગાળમાં બીજા ચરણ માટે 91.76 ટકા મતદાન

ઇમેજ સ્રોત, ANI
પશ્ચિમ બંગાળમાં બીજા ચરણનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ચૂંટણી પંચ પ્રમાણે પશ્ચિમ બંગાળ વિધાનસભા માટે બીજા ચરણ માટે 91.76 ટકા મતદાન થયું છે.
આ બેઠકો પર કુલ 3.21 કરોડ મતદારો રજિસ્ટર્ડ હતા. તે પૈકી 1.64 કરોડ પુરુષ, 1.57 કરોડ મહિલાઓ અને 792 થર્ડ જેન્ડર મતદાતા સામેલ છે.
41,001 કેન્દ્ર પર મતદાન કરવામાં આવ્યું અને તમામ પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે ચૂંટણી બાદ અહીં અર્ધસૈનિક દળોની સેંકડો બટાલિયન અને કંપનીઓ તહેનાત રહેશે.
લંડનમાં યહૂદી સમુદાયના બે લોકો પર ચાકુથી હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
નૉર્થ લંડનના ગોલ્ડર્સ ગ્રીન વિસ્તારમાં યહૂદી સમુદાયના બે લોકો પર ચાકુ વડે હુમલો કરાયો હોવાના સમાચાર મળી રહ્યા છે.
બીબીસી ન્યૂઝે પુષ્ટિ કરી છે કે આ હુમલામાં બે યહૂદી પુરુષોને ચાકુ મારવામાં આવ્યું છે અને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ બંનેની સારવાર ચાલી રહી છે.
લંડનમાં એક વ્યક્તિને હાઈ સ્ટ્રીટ પર દોડતી જોવામાં આવી, સંદિગ્ધ હુમલાખોર આ વિસ્તારમાં યહૂદી લોકો પર હુમલા કરવાની કોશિશ કરી રહ્યો હતો.
યહૂદી સમુદાયની સુરક્ષા સંસ્થા શૉમ્રિમે કહ્યું છે કે તેમણે એક સંદિગ્ધને પકડી લીધો છે. તેનું કહેવું છે કે ત્યાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેને વીજળીનો ઝટકો આપનારા હથિયાર (ટેઝર)થી કાબૂમાં લેવામાં આવ્યો. પછી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહેલાં પોતાનાં જહાજો વિશે જાપાને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આજે બુધવારે, જાપાનનું એક જહાજ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થયું.
તેને અગાઉ પર્સિયન ગલ્ફમાં રોકવામાં આવ્યું હતું. આ જહાજમાં ત્રણ જાપાની ક્રૂ સભ્યો છે અને હાલમાં તે જાપાન તરફ આગળ વધી રહ્યું છે.
જાપાનના વિદેશ મંત્રાલયે ઍક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી.
જાપાન દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "જાપાને અનેકવાર આંતરરાષ્ટ્રીય બેઠકોમાં માંગ કરી છે કે ઈરાન તમામ દેશોનાં જહાજો, ખાસ કરીને જાપાનનાં જહાજો માટે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત અને અવરોધ વિના પસાર થાય તે સુનિશ્ચિત કરે."
"જાપાન સરકાર આને એક સકારાત્મક પગલાં તરીકે જુએ છે, ખાસ કરીને જાપાની નાગરિકોની સલામતીના દૃષ્ટિકોણથી."
મંત્રાલયે ઉમેર્યું હતું કે, "જાપાન ઈરાનને આગ્રહ કરતું રહેશે કે, હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતાં તમામ જહાજો, જેમાં જાપાનનાં જહાજોનો પણ સમાવેશ થાય છે, સલામત અને મુક્ત માર્ગ સુનિશ્ચિત થાય."
વિશ્વનું લગભગ 20 ટકા ઑઇલ સામાન્ય રીતે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે, જેને ઈરાને યુએસ-ઇઝરાયલ સંઘર્ષ શરૂ થયા પછી બંધ કરી દીધું હતું, અને તે હજુ સુધી સંપૂર્ણપણે ફરીથી ખોલવામાં આવ્યું નથી.
ઈરાને અમેરિકાના કબજાવાળાં પોતાનાં જહાજોને છોડાવવા માટે કોને અપીલ કરી

ઇમેજ સ્રોત, Michael M. Santiago/Getty Images
ઈરાને સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ને અપીલ કરીને અમેરિકાએ જપ્ત કરેલાં તેનાં જહાજોને છોડાવવાની માગ કરી છે. આ સંબંધમાં ઈરાનના સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત અમીર સઈદ ઇરવાનીએ મંગળવારે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને પત્ર લખ્યો છે.
ઇરવાનીએ પોતાના પત્રમાં અપીલ કરી છે કે તેઓ અમેરિકન કાર્યવાહીની કઠોર નિંદા કરે. સાથે જ અમેરિકાએ ઈરાનનાં જે વેપારી જહાજો અને ટૅન્કર જપ્ત કર્યાં છે, તેને તરત મુક્ત કરવામાં આવે.
ઇરવાની એ ઈરાની જહાજોની જપ્તીને 'સમુદ્રી લૂંટ' ગણાવી.
પત્રમાં ઇરવાનીએ એવું પણ કહ્યું કે, "આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત ઈરાનને સરાજાહેર કરાયેલી આ કાર્યવાહીનો જવાબ આપવાનો પૂરો અધિકાર છે."
આ દરમિયાન, અમેરિકન નાણામંત્રીએ પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે જો અમેરિકન નાકાબંધી ચાલુ રહી તો ઈરાનની ક્રૂડઑઇલની સંગ્રહક્ષમતા સંપૂર્ણપણે ખતમ થઈ જશે. તેનાથી ઈરાનના ક્રૂડઑઇલના પુરવઠાતંત્રને નુકસાન થશે અને પેટ્રોલની કમી સર્જાશે.
અમેરિકાએ ઈરાન સાથે સંકળાયેલાં 35 લોકો અને કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો

ઇમેજ સ્રોત, Tasos Katopodis/Getty Images
અમેરિકાએ ઈરાન સાથે સંકળાયેલા 35 લોકો અને કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યા છે. તેમના પર આરોપ છે કે એ લોકો ઈરાનની 'છૂપી બૅન્કિંગ વ્યવસ્થા'નો ભાગ છે.
અમેરિકના નાણા વિભાગની ઑફિસ ઑફ ફોરેન એસેટ્સ કંટ્રોલનું કહેવું છે કે એ લોકો 'અબજો ડૉલરની લેવડદેવડમાં સામેલ હતા' અને 'ઈરાનની આતંકવાદને મદદ કરનારી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા' છે.
રિપોર્ટ પ્રમાણે, "આ નેટવર્કે ગેરકાયેદેસર રીતે ક્રૂડઑઇલના વેચાણ વડે પૈસા કમાયા, મિસાઇલ અને હથિયારો માટે જરૂરી સ્પૅરપાર્ટ્સ ખરીદ્યાં અને ઈરાન સાથે સંકળાયેલા લડવૈયાઓને પૈસા મોકલ્યા."
અમેરિકાનો આરોપ છે કે આ નેટવર્ક ઈરાનના સૈન્ય અને રિવોલ્યૂશનરી ગાર્ડને વિશ્વની નાણા વ્યવસ્થા સુધી પહોંચ અપાવે છે.
નોંધનીય છે કે આ પહેલાં પણ અમેરિકાએ એવાં પગલાં ઉઠાવ્યાં છે, જેનાથી ઈરાન પર આર્થિક રીતે દબાણ બનાવી શકાય.
મેઘાલયે અંગ્રેજી, ખાસી અને ગારોને પોતાની આધિકારિક ભાષા તરીકે જાહેર કરી

ઇમેજ સ્રોત, ANI
મેઘાલયમાં અંગ્રેજીની સાથોસાથ ખાસી અને ગારો રાજ્યની આધિકારિક ભાષા જાહેર કરાઈ છે.
સંસદ ટીવી પ્રમાણે, મેઘાલયના રાજ્યપાલ ચંદ્રશેખર એચ. વિજયશંકરે 'મેઘાલય આધિકારિક વટહુકમ 2026'ને મંજૂરી આપી દીધી છે.
સરકારની તરફથી જાહેર કરાયેલા ગૅઝેટમાં કહેવાયું છે કે અંગ્રેજી, ખાસી અને ગારો મેઘાલયની આધિકારિક ભાષાઓ હશે અને એ પૈકી કોઈ પણનો ઉપયોગ મેઘાલય રાજ્યનાં આધિકારિક કામોમાં કરી શકાય છે.
ગૅઝેટ પ્રમાણે, ખાસી અને જયંતિયા હિલ ડિવિઝનમાં સરકારી કામોમાં અંગ્રેજી અને ખાસીનો ઉપયોગ કરાશે, જ્યારે ગારો હિલ ડિવિઝનમાં અંગ્રેજી અને ગારોનો ઉપયોગ કરાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























