ગુજરાત સહિત ભારતમાં મહત્તમ તાપમાન કેવી રીતે વધ્યું અને ગરમીનાં પ્રચંડ મોજાં કેમ આવી રહ્યાં છે?

ભારતમાં હીટવેવ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પ્રાચી કુલકર્ણી
    • પદ, બીબીસી માટે
  • વાંચવાનો સમય: 7 મિનિટ

છેલ્લા કેટલાક દિવસોથી વધતા તાપમાનની અસર દરેકને થઈ રહી છે. હિટવેવ બાબતે દરેક સ્થળે ચેતવણી બહાર પાડવામાં આવી રહી છે, પરંતુ આ હિટવેવ કંઈ આજકાલની ઘટના નથી.

જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વૉર્મિંગ વિશે વારંવાર વાતો કરવામાં આવે છે. તેના નિરાકરણ માટે શું કરવું તેની ચર્ચા થઈ રહી છે.

જોકે, જળવાયુ પરિવર્તનની સીધી અસર હવે દેખાવા લાગી છે. તેના પરિણામે દેશભરમાં હિટવેવનાં હૉટસ્પૉટ્સ બની રહ્યાં છે.

પૂણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મેટ્રોલૉજી (આઈઆઈટીએમ)ના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં આ વાત બહાર આવી છે.

હિટવેવ શું છે?

હિટવેવ એ અસામાન્ય રીતે ગરમ હવામાનનો સમયગાળો હોય છે, જે સામાન્ય રીતે બે કે તેથી વધુ દિવસ સુધી ચાલે છે.

એ સમયગાળાને હિટવેવ તરીકે વ્યાખ્યાયિત કરવા માટે તે ચોક્કસ વિસ્તારમાં તાપમાન ઐતિહાસિક સરેરાશ કરતાં વધારે હોવું જોઈએ.

સંશોધનમાં શું સામે આવ્યું?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આઈઆઈટીએમનાં વૈજ્ઞાનિક બી. પદ્માકુમારી, શ્રાવણી બેનરજી અને એમ. વી. રમણાએ આ સંશોધન કર્યું છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે 1981થી 2020 સુધી તાપમાનમાં થયેલા વધારા અને ગરમીના તરંગોનો અભ્યાસ કર્યો છે.

સંશોધનના તારણ મુજબ, ભારતમાં મહત્તમ તાપમાનમાં લગભગ 1.0±0.12 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે.

આ વધારો આબોહવા પરિવર્તનનું પરિણામ હોવાનું જણાય છે, પરંતુ વૈજ્ઞાનિકો નોંધે છે કે પ્રસ્તુત આંકડો એક ડિગ્રી હોવા છતાં, તેની અસર મોટી દેખાય છે.

તેમાં સામાન્ય રીતે દાયકા દીઠ 0.26 ± 0.03 °Cનો વધારો થયો છે. જોકે, 21મી સદીની શરૂઆતમાં કુલ 0.5 °C નો વધારો થયો હતો.

1981 ની તુલનામાં 2020 માં 1.0 °C (1.04 ± 0.12 °C) નો વધારો થયો હતો. વૈજ્ઞાનિકો નોંધે છે કે આ વધારો શહેરીકરણ અને વનનાબૂદી જેવાં માનવજન્ય પરિબળોને આભારી છે.

સંશોધનમાં નોંધવામાં આવ્યું છે કે મહત્તમ તાપમાનમાં મહત્તમ ફેરફાર ચોમાસા પહેલાંના સમયગાળા દરમિયાન જોવા મળે છે.

બીબીસી મરાઠી સાથે વાત કરતાં વૈજ્ઞાનિક પદ્માકુમારીએ કહ્યું હતું કે "એક ડિગ્રીનો વધારો ભલે ઓછો હોય, પરંતુ હિટવેવ પર તેની અસર દેખાય છે."

"આ વધારાને કારણે ગરમીનાં મોજાં વારંવાર અનુભવાઈ રહ્યા છે તથા તે લાંબા સમયગાળાનાં અને વધુ તીવ્ર બની રહ્યાં છે."

"તેની અસર આરોગ્યથી માંડીને પાણીની માંગમાં વધારાથી પાક પર સર્જાતી તાણ સુધીની ઘણી બાબતો પર પડી રહી છે."

હિટવેવની અસર ક્યાં જોવા મળી રહી છે?

1981-2000ના ગાળામાં અને 2001-2020ના ગાળામાં મહત્તમ તાપમાનમાં ઊનાળા દરમિયાન જોવા મળેલો ફેરફાર
ઇમેજ કૅપ્શન, 1981-2000ના ગાળામાં અને 2001-2020ના ગાળામાં મહત્તમ તાપમાનમાં ઉનાળા દરમિયાન જોવા મળેલો ફેરફાર

ગરમીનાં મોજાંમાં તાપમાનની આ સમસ્યા અગાઉ મુખ્યત્વે ઉત્તર ભારતમાં અનુભવાતી હતી, પરંતુ હવે દેશના અન્ય ભાગોમાં પણ તેની અસર થવા લાગી હોવાનું સંશોધન નોંધે છે. ડેટા દર્શાવે છે કે જમ્મુ અને કાશ્મીરના મહત્તમ તાપમાનમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.

અલબત, ત્યાંના મૂળભૂત રીતે નીચા તાપમાનને કારણે માનવ વસ્તી પર કોઈ ખતરો જોવા મળતો ન હોવાનું સંશોધનમાં જણાવવામાં આવ્યું છે.

તેનો અર્થ એ થાય કે માનવો પર નહીં, પરંતુ અહીંની પર્વતીય ઇકોસિસ્ટમ પર તેની માઠી અસર થઈ રહી છે.

સંશોધનના તારણ મુજબ, ગરમીનાં મોજાં હવે ઉત્તર ભારત તેમજ મધ્ય ભારતમાં પણ જોવા મળી રહ્યાં છે. ઉત્તર પશ્ચિમી રાજ્યોની સાથે દ્વીપકલ્પીય પ્રદેશમાં પણ મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે.

હવે તેમાં દક્ષિણનાં રાજ્યો ઉમેરાયાં છે. આંકડા દર્શાવે છે કે છેલ્લાં કેટલાક વર્ષોમાં દક્ષિણનાં રાજ્યોના મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

હિટવેવની અસર મુખ્યત્વે મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં દર વર્ષે સરેરાશ અઢીથી પાંચ દિવસ સુધી હિટવેવનો અનુભવ થાય છે. તેના પરિણામે મહત્તમ તાપમાનમાં વધારો થાય છે.

પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના મોટા ભાગમાં મહત્તમ તાપમાનની સૌથી વધુ અસર થાય છે.

તેનું કારણ એ છે કે આ વિસ્તારોમાં શહેરીકરણની ગતિ વધારે છે અને 2050 સુધીમાં દેશની લગભગ 50 ટકા વસ્તી શહેરોમાં રહેતી હશે, એવો અંદાજ છે.

તેની મોટી અસર થશે, તેવું જણાવતાં સંશોધન સૂચવે છે કે વધતા તાપમાનનો પ્રભાવ વરિષ્ઠ નાગરિકો અને પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકો પર વધુ જોવા મળશે.

પ્રચંડ ગરમીના સમયગાળામાં પણ વધારો કેમ થયો છે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, BBC/Surabhi Shirpurkar

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સંશોધનમાં જણાવ્યા અનુસાર, 1981થી 1990 દરમિયાન ગરમીનાં મોજાંનો સમયગાળો લગભગ એકથી ચાર દિવસનો હતો અને તેની અસર મુખ્યત્વે મધ્ય તથા ઉત્તર ભારતમાં જોવા મળતી હતી.

એ સમયગાળા દરમિયાન ઉક્ત પ્રદેશોમાં તાપમાન પણ લગભગ 47 ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું હોવાનું નોંધાયું હતું.

2001થી 2010 દરમિયાન ગરમીનાં મોજાંથી પ્રભાવિત વિસ્તારોનો વ્યાપ વધ્યો છે એટલું જ નહીં, પરંતુ તેનો સમયગાળો બે-ચાર દિવસથી વધીને ચારથી છ દિવસનો થયો હતો.

દ્વીપકલ્પીય વિસ્તારોમાં હિટવેવ ક્યારેક છથી આઠ દિવસ સુધી ચાલુ રહેતી હતી, એવું પણ સંશોધનના આંકડા દર્શાવે છે.

તેમાં 2011થી 2020ના દાયકામાં વધુ વધારો થયો હતો. હાલ હિટવેવની અસર વર્ષમાં ચારથી દસ દિવસ સુધી અનુભવાઈ રહી છે.

તેનું પ્રમાણ વધ્યું છે અને તેની અસર મહારાષ્ટ્ર તથા આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ જોવા મળતી હોવાનું સંશોધનમાં નોંધવામાં આવ્યું છે. અહીં વર્ષમાં આઠથી દસ દિવસ ગરમીનાં મોજાંની અસર અનુભવાય છે.

તાપમાનમાં પણ વધારો નોંધાયો છે અને મહત્તમ તાપમાન 47 ડિગ્રીથી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતું જોવા મળ્યું છે.

અલ નીનોની અસર

હવામાન વિભાગે જાહેર કર્યું છે કે આ વર્ષે ચોમાસા પર અલ નીનોની અસર જોવા મળશે.

આ અભ્યાસ દર્શાવે છે કે જે વર્ષોમાં અલ નીનોની અસર જોવા મળી હતી તે વર્ષોમાં તાપમાનમાં લગભગ 1.03±0.44 °સેલ્સિયસનો વધારો થયો હતો.

આ દર્શાવે છે કે ગ્લોબલ વૉર્મિંગને કારણે હિટવેવની તીવ્રતામાં એકંદરે વધારો થયો છે, પરંતુ તાજેતરના દાયકાઓ (2001થી 2020) દરમિયાન અલ નીનો ઘટનાની અસર ગરમીમાં વધારા પર થઈ છે. તેથી તીવ્ર ગરમીની સ્થિતિમાં વૃદ્ધિ થઈ છે.

આમાંનો મોટાભાગનો ફેરફાર છેલ્લા બે દાયકામાં થયો છે. એટલે કે 2001 અને 2020 વચ્ચે તાપમાનમાં વૃદ્ધિનો વેગ વધ્યો છે.

1970થી 2019 વચ્ચે ભારતમાં કુલ 706 હિટવેવ સર્જાઈ હતી. 1970ના દાયકા દરમિયાન વર્ષે સરેરાશ ત્રણ વખત હિટવેવ અનુભવાઈ હતી, જે પ્રમાણ 2020 સુધીમાં વધીને વર્ષે લગભગ 25નું થયું હતું.

ભારતમાં હિટવેવના આવર્તન, કુલ સમયગાળો અને મહત્તમ સમયગાળો ત્રણેય વધ્યા છે.

તેમના ભૌગોલિક ક્ષેત્રમાં પણ નોંધપાત્ર ફેરફારો થયા છે. ભારતમાં ભવિષ્યમાં હિટવેવના આવર્તન અને તીવ્રતા વધવાની ધારણા છે.

મહત્ત્વની વાત એ છે કે 2015થી 2025 સુધીના દરેક વર્ષને 10 સૌથી વધુ ઉષ્ણ વર્ષો ગણવામાં આવે છે.

આ અભ્યાસના તારણ મુજબ, 1960થી દક્ષિણ એશિયામાં, ખાસ કરીને ભારતમાં, ગરમ દિવસો અને ગરમ રાતના પ્રમાણમાં વધારો થયો છે.

ભારતના હૉટસ્પૉટ્સમાં ગરમીમાં વધારો

નકશામાં હીટવેવની રિસ્ક, હ્યુમન ઍક્સપોઝર લેવલ, વલ્નરેબિલિટી લેવલ, રિસ્ક લેવલ દર્શાવવામાં આવી છે
ઇમેજ કૅપ્શન, નકશામાં હિટવેવની રિસ્ક, હ્યુમન ઍક્સપોઝર લેવલ, વલ્નરેબિલિટી લેવલ, રિસ્ક લેવલ દર્શાવવામાં આવી છે

આવાં સ્થળોની ઓળખ માટે સંશોધન દરમિયાન એક હૉટસ્પૉટ ઇન્ડેક્સ બનાવવામાં આવ્યો છે. તેમાં ભારતમાં ગરમીનાં મોજાંથી પ્રભાવિત હૉટસ્પૉટના ક્ષેત્રોની નોંધ કરવામાં આવે છે.

આ હૉટસ્પૉટ્સમાંથી મધ્ય ભારત ગરમીનાં મોજાંથી સતત પ્રભાવિત છે.

આ અસર પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ તથા તેલંગાણા સહિતના દક્ષિણ દ્વીપકલ્પનાં રાજ્યોમાં જોવા મળી હોવાનું પણ નોંધાયું છે.

આ ઉપરાંત ઇન્ડો-ગેંજેટિક મેદાની પ્રદેશ સહિતનો ઉત્તર ભારતનો મોટો ભાગ પણ હૉટસ્પૉટ હોવાનું નોંધવામાં આવ્યું છે.

ડેટા દર્શાવે છે કે દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગ્લોબલ વૉર્મિંગનો બોજ દોઢ ગણો વધ્યો છે. ગરમીના હૉટસ્પૉટ્સનો ભૌગોલિક વિસ્તાર 1981-2000ના 11,90,000 ચોરસ કિલોમીટરથી વધીને 2001-2020 સુધીમાં 18,10,000 ચોરસ કિલોમીટર થઈ ગયો હતો.

કારણો શું છે?

સંશોધકો જણાવે છે કે વનનાબૂદી, જંગલ નષ્ટ થવાં અને શહેરીકરણ જેવી બાબતો તાપમાનમાં વધારામાં ફાળો આપી રહી છે. 2050 સુધીમાં આ પ્રમાણ બમણાથી ત્રણ ગણું થવાની સંભાવના હોવાની આગાહી પણ તેમણે કરી છે.

હૉટસ્પૉટ ઇન્ડેક્સ

હીટવેવ

ઇમેજ સ્રોત, Getty Images

ગરમીનાં મોજાંથી ક્યા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત છે, તે શોધવા માટે આ અભ્યાસમાં હિટવેવ હૉટસ્પૉટ ઇન્ડેક્સ બનાવવામાં આવ્યો છે.

હિટવેવ હૉટસ્પૉટ ઇન્ડેક્સ એટલે કે એચએચઆઈ કાળાંતરે હિટવેવ ક્યાં સર્જાઈ રહ્યા છે તે ઓળખવાનો એક સરળ માર્ગ છે.

ફક્ત એક જ પરિબળને ધ્યાનમાં લેવાને બદલે એચએચઆઈમાં તે કેટલી વાર થાય છે, તે કેટલો સમય ચાલે છે, તે કેટલો તીવ્ર છે અને તે કેટલા મોટા વિસ્તારને અસર કરે છે તેવા હિટવેવના ઘણાં મહત્ત્વપૂર્ણ પાસાંને ધ્યાનમાં લેવામાં આવે છે.

આ બધી માહિતીને એક જ ઇન્ડેક્સમાં એકત્રિત કરવાથી, જે વિસ્તારમાં હિટવેવની સ્થિતિ સૌથી વધારે ગંભીર તથા વણસતી હોય તેને સચોટ રીતે ઓળખવાનું સરળ બને છે. નીતિનિર્ધારકો માટે એચએચઆઈ સહાયક સાધન તરીકે સેવા આપી શકે છે.

ઉષ્ણતા નિવારણ યોજના, આરોગ્યસંભાળની તૈયારી અને શહેરી શીતકરણ જેવા નીતિ વિષયક પગલાંની જરૂર હોય તેવા ઉચ્ચ જોખમવાળા પ્રદેશોને ઓળખવામાં એચએચઆઈ મદદરૂપ થાય છે.

હિટવેવ પર અભ્યાસનાં પરિણામ અને નિરાકરણ

હીટવેવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

લાંબા સમય સુધી ચાલતા અને વારંવાર આવતા ગરમીનાં મોજાંથી આરોગ્ય સંબંધી જોખમોમાં વધારો થાય છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બહાર કામ કરતા કામદારોને તેની સૌથી માઠી અસર થઈ શકે છે.

પદ્માકુમારીએ કહ્યું હતું કે "અમે અમારા અભ્યાસમાં બહાર કામ કરતા મજૂરોનો પણ સમાવેશ કર્યો હતો, કારણ કે તેમને સૌથી વધુ અસર થતી હોય છે. દીર્ધકાલીન ઉષ્ણતાથી ઉત્પાદકતામાં ઘટાડો થઈ શકે છે, આરોગ્ય સંબંધી જોખમ વધી શકે છે અને કામના કલાકો મર્યાદિત થઈ શકે છે."

તેમના કહેવા મુજબ, "વધતા તાપમાનથી ખેતીમાં પાક પર દબાણ સર્જાઈ શકે છે તેમજ ઉપજ ઘટી શકે છે."

"શહેરી વિસ્તારોમાં ગરમીનાં મોજાંથી ઊર્જા માંગમાં, પાણીની અછતમાં વધારો થતો હોય છે અને માળખાગત સુવિધાઓ પર દબાણ વધતું હોય છે."

આ બાબતોને ધ્યાનમાં રાખીને સરકારે જરૂરી આયોજન કરવું જોઈએ, તેવું પદ્માકુમારીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, "હિટવેવ હૉટસ્પૉટ્સ નવા પ્રદેશોમાં અને ખાસ કરીને દ્વીપકલ્પીય ભારતમાં ફેલાઈ રહ્યા હોવાનું પણ અમારો અભ્યાસ દર્શાવે છે."

"તેનો અર્થ એવો થાય કે માત્ર અગાઉ અસરગ્રસ્ત વિસ્તારોને ધ્યાનમાં લેવાને બદલે હિટવેવ ઍક્શન પ્લાનને અપડેટ કરીને વધારે પ્રદેશનિષ્ઠ તથા વધારે સક્રીય બનાવવો જરૂરી છે."

"મહત્ત્વની વાત એ છે કે આ પ્લાનમાં બહાર કામ કરતા લોકોને સામેલ કરવા જ જોઈએ અને તેમનું રક્ષણ કરવું જોઈએ. લાંબા સમય સુધી ગરમીમાં કામ કરવાને કારણે આવા લોકો સૌથી વધારે અસલામત હોય છે."

"આ બધાની સાથે, તાપમાન ઘટાડવા માટે શું કરી શકાય એ પણ નીતિ નિર્ધારકોએ વિચારવું જોઈએ," એવું પદ્માકુમારીએ ઉમેર્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન