ઈરાન પાસે જેટલું સંવર્ધિત યુરેનિયમ છે, તેટલાથી પરમાણુ બૉમ્બ બની જશે?

ઇમેજ સ્રોત, Getty Images/BBC
- લેેખક, લુઈસ બર્રુચો
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- વાંચવાનો સમય: 5 મિનિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે એમ કહ્યું કે ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે થયેલી એક સમજૂતી હેઠળ પોતાના સંવર્ધિત (એનરિચ્ડ) યુરેનિયમ ભંડારને સોંપવા અંગે સંમતિ દર્શાવી છે, ત્યારે આખી દુનિયાનું ધ્યાન ફરી તેના તરફ દોરાયું.
જોકે, સોમવારે ઈરાનના નાયબ વિદેશ મંત્રી સઈદ ખતીબઝાદેહે આ દાવાનું ખંડન કર્યું. તેમણે સમાચાર એજન્સી એપીને કહ્યું કે આવા વિચારની સાથે 'શરૂઆત જ અશક્ય' છે.
બંને પક્ષો દ્વારા ભવિષ્યની શાંતિ મંત્રણાઓનો માર્ગ શોધવાની સાથે જ, એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આ સામગ્રીનું ભવિષ્ય ચર્ચાનો એક મહત્ત્વનો વિષય હશે.
પરંતુ, આ સંવર્ધિત યુરેનિયમ શું હોય છે અને તે આટલું મહત્ત્વપૂર્ણ શા માટે છે?
સંવર્ધિત યુરેનિયમ શું હોય છે?
યુરેનિયમ એક પ્રાકૃતિક તત્ત્વ છે, જે પૃથ્વીની સપાટી પર જોવા મળે છે.
તે મોટા ભાગે બે આઇસોટોપના મિશ્રણથી બનેલું હોય છે: U‑238 અને U‑235
પ્રાકૃતિક યુરેનિયમનો 99 ટકા કરતાં પણ વધારે ભાગ U‑238 હોય છે, જે સરળતાથી પરમાણુ શ્રુંખલા પ્રતિક્રિયાને જાળવી રાખી શકતું નથી; જ્યારે માત્ર લગભગ 0.7 ટકા ભાગ U‑235 હોય છે, તે એવું આઇસોટોપ છે, જે આસાનીથી તૂટી જાય છે અને ઊર્જા ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયાને પરમાણુ વિખંડન (ન્યૂક્લિયર ફિશન) કહેવામાં આવે છે.
યુરેનિયમને ઉપયોગી બનાવવા માટે તેમાં U‑235નો ગુણોત્તર (રેશિયો) વધારવો જરૂરી હોય છે. તે કરવાની પ્રક્રિયાને 'સંવર્ધન' (એનરિચમેન્ટ) કહેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌથી પહેલાં યુરેનિયમને ગૅસમાં પરિવર્તિત કરવામાં આવે છે. પછી આ ગૅસને સેન્ટ્રીફ્યૂઝમાં નાખવામાં આવે છે – આ એવું મશીન છે, જે ખૂબ જ ઝડપથી ફરે છે.
ફરવા દરમિયાન ભારે U‑238 થોડો બહારની તરફ આવી જાય છે, જ્યારે થોડીક માત્રાનું U‑235 કેન્દ્રની પાસે જ રહે છે.
આ રીતે ધીમે-ધીમે કાર્ય કરીને યુરેનિયમ એટલે કે U‑235ને વધુ સામાન્ય U‑238થી છૂટું પાડવામાં આવે છે.
વધારે સંકેન્દ્રિત (કૉન્સન્ટ્રેટેડ) થઈ ચૂકેલા આ યુરેનિયમને સેન્ટ્રીફ્યૂઝના એક છેડેથી બહાર કાઢી લેવામાં આવે છે.
પરમાણુ રિઍક્ટર્સ અને શસ્ત્રોમાં ઉપયોગી યૂરેનિયમ વચ્ચે શો તફાવત છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુરેનિયમમાં સંવર્ધનના અલગ-અલગ સ્તર તેને અલગ-અલગ કામો માટે યોગ્ય બનાવે છે.
ઓછું સંવર્ધિત યુરેનિયમ જેમાં સામાન્ય રીતે 3-5 ટકા સુધી U-235 હોય છે, તેનો વાણિજ્યિક પરમાણુ વીજળીઘરોમાં ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે નિયંત્રિત પરમાણુ શૃંખલા પ્રતિક્રિયા (કન્ટ્રોલ્ડ ચેન રિઍક્શન) જાળવી રાખવા માટે પૂરતું છે, પરંતુ હથિયાર બનાવવા માટે જરૂરી સ્તરથી ઘણું ઓછું હોય છે.
ખૂબ વધારે સંવર્ધિત યુરેનિયમ, જેમાં 20 ટકા એટલે કે તેનાથી વધારે U-235 હોય છે, તેનો રિસર્ચ રિઍક્ટર્સમાં ઉપયોગ કરી શકાય છે. જ્યારે વેપન્સ (હથિયાર)-ગ્રેડ યુરેનિયમને સામાન્ય રીતે લગભગ 90 ટકા સુધી સંવર્ધિત કરવામાં આવે છે.
આ સ્તરે સ્થિતિ એવી બની જાય છે કે પરમાણુ પ્રતિક્રિયા ગમે ત્યારે અનિયંત્રિત થઈ શકે છે. જ્યારે આ પ્રકારના પદાર્થ ઘણી માત્રામાં સાથે લાવવામાં આવે છે ત્યારે પરમાણુ અતિઝડપથી તૂટવા લાગે છે અને પલકવારમાં જ ખૂબ જ મોટી માત્રામાં ઊર્જા ઉત્પન્ન થાય છે.
આ જ વાત યુરેનિયમના નાગરિક અને સૈન્ય ઉપયોગ વચ્ચેનો તફાવત ઊભો કરે છે.
કોઈ રિઍક્ટરમાં ઈંધણને માત્ર થોડુંક જ સંવર્ધિત કરવામાં આવે છે અને પ્રતિક્રિયાને જાણી જોઈને ધીમી રાખવામાં આવે છે. તેને સાવધાનીથી નિયંત્રિત કરવામાં આવે છે, જેથી મહિનાઓ કે વર્ષોમાં ધીરે-ધીરે ઊર્જા ઉત્પન્ન થતી રહે.
જ્યારે બૉમ્બ બનાવવામાં ઉદ્દેશ બિલકુલ વિપરીત હોય છે, એટલે કે, પ્રતિક્રિયાને એકસાથે અતિઝડપથી આગળ વધારી દેવામાં આવે છે.
2015માં છ વૈશ્વિક શક્તિઓ ચીન, ફ્રાંસ, જર્મની, રશિયા, અમેરિકા અને બ્રિટનની સાથે થયેલી એક સમજૂતી હેઠળ ઈરાનને યુરેનિયમને 3.67 ટકા કરતાં વધારે સંવર્ધિત કરવાની મંજૂરી નહોતી.
આ સમજૂતીમાં તેના યુરેનિયમ ભંડારની મર્યાદા પણ 300 કિલો નક્કી કરવામાં આવી હતી, ચલાવી શકવા યોગ્ય સેન્ટ્રીફ્યૂઝની સંખ્યા પર પણ પ્રતિબંધ હતો અને તેના ભૂગર્ભીય ફોર્ડો પ્લાન્ટમાં સંવર્ધન પર રોક લગાવી દેવાઈ હતી.
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન મે 2018માં અમેરિકા આ સમજૂતીમાંથી બહાર નીકળી ગયું હતું.
સંવર્ધનનું સ્તર આટલું મહત્ત્વપૂર્ણ કેમ હોય છે?

સંવર્ધનનું સ્તર જેટલું વધારે હોય છે, યુરેનિયમ એટલું જ પરમાણુ શસ્ત્રમાં ઉપયોગ કરી શકવાની નજીક પહોંચી જાય છે.
20 ટકા સંવર્ધન સુધી પહોંચવું એક મોટો પડાવ મનાય છે, કેમ કે, વેપન્સ-ગ્રેડ સામગ્રી બનાવવા માટે જેટલા તકનીકી પ્રયાસ જોઈએ, તેનો મોટો ભાગ ત્યાં સુધીમાં પૂરો થઈ ગયો હોય છે.
પ્રાકૃતિક યુરેનિયમને 20 ટકા સુધી સંવર્ધિત કરવામાં અલગ કરવાની પ્રક્રિયા હજારો વાર પુનરાવર્તિત કરવી પડે છે અને તેમાં ઘણો સમય અને ઊર્જા વપરાય છે.
તેની સરખામણીએ, 20 ટકાથી વધારીને લગભગ 90 ટકા સુધી લઈ જવામાં ઘણા ઓછા તબક્કા હોય છે.
આનો અર્થ એ છે કે વધારે સ્તર સુધી સંવર્ધિત યુરેનિયમને પ્રમાણમાં ઝડપથી વેપન્સ-ગ્રેડ સ્તરમાં બદલી શકાય છે.
ઈરાન પાસે કેટલું યુરેનિયમ છે?
વર્તમાન વાતચીતના કેન્દ્રમાં સવાલ એ છે કે ઈરાન પાસે પહેલાંથી ઉપલબ્ધ સંવર્ધિત યુરેનિયમ ભંડારનું છેવટે શું કરવું જોઈએ.
અમેરિકાના અધિકારીઓ અનુસાર, યુદ્ધની શરૂઆતમાં ઈરાનની પાસે લગભગ 440 કિલો યુરેનિયમ હતું, જેને 60 ટકા સુધી સંવર્ધિત કરી દેવાયું હતું. આ સામગ્રીને વેપન્સ-ગ્રેડ યુરેનિયમ માટે જરૂરી 90 ટકાના સ્તર સુધી પ્રમાણમાં ઝડપથી સંવર્ધિત કરી શકાય છે.
ઈરાન પાસે લગભગ 1,000 કિલો યુરેનિયમ 20 ટકા સુધી સંવર્ધિત રૂપમાં પણ છે અને લગભગ 8,500 કિલો યુરેનિયમ લગભગ 3.6 ટકા સંવર્ધિત છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે નાગરિક ઉદ્દેશો માટે થાય છે, જેવા કે, ઊર્જા ઉત્પાદન કે મેડિકલ રિસર્ચ.
એવું મનાય છે કે ખૂબ જ સંવર્ધિત યુરેનિયમ, જેનો પરમાણુ હથિયાર બનાવવાના કામમાં ઉપયોગ કરી શકાય છે, તેનો મોટો ભાગ ઇસ્ફહાનમાં રાખવામાં આવ્યો છે.
આ પ્લાન્ટ ઈરાનનાં ત્રણ ભૂગર્ભીય પરમાણુ મથકોમાંનો એક છે, જેને ગયા વર્ષે અમેરિકા અને ઇઝરાયલના હવાઈ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યો હતો.
જોકે એ સ્પષ્ટ નથી કે આ પ્રકારના ખૂબ જ સંવર્ધિત યુરેનિયમનો કેટલો જથ્થો અન્ય જગ્યાઓએ રાખવામાં આવ્યો છે.
સૂત્રોનું કહેવું છે કે તહેરાને પરમાણુ સંવર્ધન પર 20 વર્ષનો પ્રતિબંધ લાગુ કરવાની માગણીને નકારી કાઢી છે. તેના બદલે તેણે પાંચ વર્ષના વિરામનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે તેણે યુદ્ધ શરૂ થયા પહેલાં જ રજૂ કરી દીધો હતો.
ઈરાને પોતાના 440 કિલો ખૂબ જ સંવર્ધિત યુરેનિયમના ભંડારને સોંપવાની માગણીને પણ ખારિજ કરી દીધી છે અને પોતાના દ્વારા અગાઉ કરાયેલા પ્રસ્તાવ પર મક્કમ છે – એટલે કે 60 ટકા સુધી સંવર્ધિત યુરેનિયમને પાતળું (ડાયલ્યૂટ) કરવાની.
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (આઈએઈએ)ના પ્રમુખ રાફાએલ ગ્રૉસીએ ગયા વર્ષે ઑક્ટોબરમાં એપીને કહેલું કે જો આ માત્રાને વધારે સંવર્ધિત કરવામાં આવે, તો તે 10 પરમાણુ બૉમ્બ બનાવવા માટે પૂરતું હશે.
શું ઈરાન પરમાણુ શસ્ત્ર બનાવી રહ્યું છે?
ઈરાનનું કહેવું છે કે તેની બધી પરમાણુ સુવિધાઓ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે અને આઈએઈએનું પણ કહેવું છે કે તેને કોઈ સક્રિય પરમાણુ હથિયાર કાર્યક્રમના પુરાવા નથી મળ્યા.
વેપન્સ-ગ્રેડ યુરેનિયમ તૈયાર કરવું પરમાણુ હથિયાર બનાવવાની માત્ર એક કડી છે. એક કાર્યશીલ બૉમ્બ બનાવવા માટે બીજાં વધારે જટિલ કાર્ય કરવાં પડે છે, જેમ કે વૉરહેડની ડિઝાઇન અને એસેમ્બ્લી, તથા તેને પહોંચાડવા માટે ડિલિવરી સિસ્ટમ વિકસાવવી.
સ્વતંત્ર હથિયાર નિયંત્રણ નિષ્ણાત પૅટ્રિશિયા લુઈસ કહે છે, "ઈરાને 2003 સુધી વૉરહેડ ડિઝાઇન કરવાની કેટલીક ક્ષમતા વિકસાવી લીધી હતી, પરંતુ ત્યાર પછી એવું લાગ્યું કે તેણે આ કાર્યક્રમ અટકાવી દીધો."
જોકે, તેઓ એમ પણ ઉમેરે છે કે, "2015ની પરમાણુ સમજૂતીનો ભંગ અને નવી સમજૂતી માટેની વાટાઘાટ સતત નિષ્ફળ રહ્યા પછી, એવી શક્યતા છે કે ઈરાને ફરીથી વૉરહેડ બનાવવાની ક્ષમતા વિકસાવવાનો નિર્ણય કર્યો હોય."
યુએસ ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના મે 2025ના મૂલ્યાંકનમાં કહેવામાં આવ્યું હતું કે ઈરાન 'સંભવ છે કે એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં' એક પરમાણુ ઉપકરણ માટે પૂરતું વેપન્સ-ગ્રેડ યુરેનિયમ તૈયાર કરી શકે છે.
જોકે, એ જ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે ઈરાન "લગભગ ચોક્કસપણે આ સમયે પરમાણુ હથિયાર નથી બનાવતું", ભલે ને તેણે એવાં પગલાં ભર્યાં હોય. પરંતુ, તે એવું કરવા માગે તો કરી શકે છે.
ઇઝરાયલનું કહેવું છે કે તેની પાસે એક ગોપનીય માહિતી છે, જેનાથી જાણવા મળે છે કે ઈરાને પરમાણુ હથિયારના કેટલાક ભાગ વિકસાવવામાં 'નક્કર પ્રગતિ' કરી છે.
પૂરક રિપોર્ટિંગ: નાદિયા સુલેમાન અને માર્ક શે
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























