પિંક બૉલથી રમવું અઘરું કેમ છે, ઍડિલેડ ટેસ્ટ ભારતીય બૅટ્સમૅનો માટે કેટલી પડકારજનક છે?

પિંક બૉલ, ઍડિલેડ ટેસ્ટ, ભારતીય બૅટ્સમૅન્સ, ભારતીય ટીમ, ઑસ્ટ્રેલિયન ટીમ, ક્રિકેટ ટેસ્ટ મૅચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મૅચ પિંક બૉલથી રમાશે
    • લેેખક, જસવિંદર સિદ્ધૂ
    • પદ, વરિષ્ઠ રમતગમત પત્રકાર, બીબીસી માટે

ક્રિકેટ બૉક્સ-ઑફિસ જેવી છે. સુપરહિટ આપનારા કોઈ પણ ડાયરેક્ટર કે હીરોની આગામી ફિલ્મ ફ્લૉપ પણ જઈ શકે.

ભારત અને ઑસ્ટ્રેલિયા બૉર્ડર–ગાવસ્કર ટ્રૉફીની બીજી ટેસ્ટ મૅચ રમવા માટે 6 ડિસેમ્બરે ઍડિલેડના ગ્રાઉન્ડ પર ઊતરશે. પર્થમાં મળેલી જોરદાર જીત બાદ ભારત આ મૅચ રમવાનું છે.

પરંતુ, પિંક બૉલથી રમાનારી આ ડે-નાઇટ ટેસ્ટ મૅચમાં પર્થમાં મળેલી ઐતિહાસિક જીતનું વધારે મહત્ત્વ નહીં હોય. ઑસ્ટ્રેલિયાએ પર્થમાં આત્મસમર્પણ ભલે કરેલું, પરંતુ, ઘાયલ વાઘની જેમ તેની પાસે વળતો હુમલો કરવાની આવડત છે.

હકીકતમાં, ફ્લડલાઇટ્સ નીચે રમાનારી આ ટેસ્ટ મૅચ બંને ટીમ માટે બિલકુલ નવો અનુભવ હશે; ખાસ કરીને ભારત માટે.

જોકે, ક્રિકેટ પત્રકાર અને લેખક પ્રદીપ મૅગઝીન કહે છે, "મારું માનવું છે કે પર્થની હાર બાદ ઑસ્ટ્રેલિયન ટીમ સાઇકૉલોજિકલ પ્રેશર સાથે મેદાનમાં ઊતરશે."

"પહેલી મૅચમાં તેમની બેટિંગ ફેઇલ રહી અને બીજી ઇનિંગમાં બૉલર્સ વિકેટ ખેરવવામાં નિષ્ફળ રહ્યા. જો ઍડિલેડમાં યજમાન ટીમ જીતી ન શકી, તો તેના માટે સિરીઝમાં ટકી રહેવું સરળ નહીં રહે."

તેમણે કહ્યું, "મારું માનવું છે કે જસપ્રીત બુમરાહ ઑસ્ટ્રેલિયા માટે સૌથી મોટું જોખમ છે. જો કોઈ કારણે તે રમે નહીં, તો ઑસ્ટ્રેલિયા પાસે ચાન્સ છે. ભારત માટે બુમરાહ વિના જીતની આશા રાખવી નકામી છે."

બૅટ્સમૅન્સ માટે અલગઅલગ પડકારો

પિંક બૉલ, ઍડિલેડ ટેસ્ટ, ભારતીય બૅટ્સમૅન્સ, ભારતીય ટીમ, ઑસ્ટ્રેલિયન ટીમ, ક્રિકેટ ટેસ્ટ મૅચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વિવિધ પ્રકારની ટીકાઓ વચ્ચે કેએલ રાહુલે ગઈ ટેસ્ટ મૅચમાં પોતાના પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું છે

કૅપ્ટન રોહિત શર્મા સીધા જ પિંક બૉલથી રમવા ઊતરશે. કેએલ રાહુલ પર્થમાં સારું પ્રદર્શન કરી ચૂક્યા છે. તેને જોતાં એવો સવાલ ઊભો થાય કે રોહિતને બેટિંગમાં કયા ક્રમે મોકલવામાં આવશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

છેલ્લા થોડા સમયથી તેમની બેટિંગમાં પરિવર્તન જોવા મળ્યું છે. પહેલાં તેઓ ઘડાયેલા ટેસ્ટ ઓપનરની જેમ કોઈ પણ પ્રકારનાં જોખમ વગર રમતા હતા.

પરંતુ, હવે તેઓ થોડું ઝડપી રમવાની કોશિશ કરી રહ્યા છે. ઑસ્ટ્રેલિયન પિચો પર આ પ્રકારની કોશિશ તેમના ફૉર્મને અસર કરી શકે છે.

શુભમન ગિલ પણ ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં પોતાની પહેલી મૅચ રમશે. રોહિતની જેમ, પિંક બૉલ અને બે પ્રકારની લાઇટ્સ વચ્ચે સામંજસ્ય જાળવવું તેમના માટે પણ પડકારજનક રહેશે.

ક્રિકેટ-લેખક આનંદ બાસુ કહે છે, "જ્યારથી પિંક બૉલનો ઉપયોગ શરૂ થયો છે, તેનો કોડ કોઈ તોડી નથી શક્યું. સૂર્યપ્રકાશમાં તેનો વ્યવહાર અલગ હોય છે, અને ફ્લડલાઇટ્સમાં કંઈક જુદો જ."

પરંતુ, બધાની નજર યશસ્વી જયસ્વાલ પર રહેશે. પર્થમાં પહેલી ઇનિંગમાં તેઓ ઝીરો પર આઉટ થયેલા.

બીજી ઇનિંગમાં તેમની જોરદાર વાપસી એ દર્શાવે છે કે આટલી નાની ઉંમરે તેમનામાં આ રમત માટેનાં જરૂરી અનુભવ અને પરિપક્વતા છે.

આ ઓપનર દરેક પ્રકારના શૉટ મારી શકી છે. તેમનું બૅટ ફીલ્ડિંગ સાથે રમત કરી જાણે છે. ક્રીઝ પર તેઓ દેખાય છે શાંત, પરંતુ, તેમનું બૅટ આક્રમક છે.

દેખીતી રીતે, ઑસ્ટ્રેલિયા માટે તેમની વિકેટ સૌથી વધારે કીમતી રહેશે.

જોકે, જયસ્વાલ માટે પણ આ મૅચ નવો અનુભવ બની રહેશે, કેમ કે, આની પહેલાં તેઓ પિંક બૉલથી બે પ્રકારની લાઇટ્સમાં નથી રમ્યા. ઑસ્ટ્રેલિયન મીડિયાએ તેમને ભારતીય ટીમના 'નવા કિંગ'ની ઉપાધિ આપી છે.

આ મૅચમાં ફરી એક વાર મોટો સ્કોર તેમને વિશ્વના ખૂબ સારા બૅટ્સમૅન્સમાં સ્થાન અપાવી શકે છે.

પર્થમાં ભારતીય ટીમ માટે બીજી એક સારી બાબત એ રહી કે, વિરાટ કોહલીએ રન કર્યા. ઉંમરને જોતાં, ઑસ્ટ્રેલિયાનો આ તેમનો છેલ્લો પ્રવાસ બની શકે છે.

તેમણે પર્થમાં સદી ચોક્કસ ફટકારી, પરંતુ, પચાસ રન કરી લીધા પછી તેમના બૅટે ઇનસાઇડ-આઉટસાઇડ કટ જ માર્યા છે.

વિરાટનું બેટિંગ હમેશાં ક્લીન રહ્યું છે, પરંતુ, આ સદીમાં બૉલ ઘણી બધી વાર બૅટને અડીને વિકેટની પાસેથી નીકળી ગયો હતો.

આ સારો સંકેત નથી, પરંતુ, વિરાટ જેવા બૅટ્સમૅન તેને સરખું કરવાનું જાણે છે. ઍડિલેડમાં ટીમને તેમની પાસેથી મહત્ત્વપૂર્ણ ભૂમિકાની આશા રહેશે.

બૉલરો માટે ફરી એક વાર પરચો દેખાડવાની તક

પિંક બૉલ, ઍડિલેડ ટેસ્ટ, ભારતીય બૅટ્સમૅન્સ, ભારતીય ટીમ, ઑસ્ટ્રેલિયન ટીમ, ક્રિકેટ ટેસ્ટ મૅચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, શુભમન ગિલ આ ટેસ્ટ મૅચમાં પહેલી વાર પિંક બૉલનો સામનો કરશે, જે તેમના માટે પડકારરૂપ હશે

એ પણ યાદ રાખવું પડશે કે પર્થમાં પહેલી ઇનિંગમાં ભારતીય બેટિંગની સ્થિતિ પણ ખરાબ હતી. ઑસ્ટ્રેલિયાની બેટિંગ બિલકુલ નબળી રહી હતી, પરંતુ, તેમની ઝડપી બૉલિંગે પોતાની ક્ષમતાને પૂરો ન્યાય આપ્યો.

જો ભારત આ મૅચ જીતી જાય, તો બાકીની સિરીઝ શાનદાર રહેવાની છે. પરંતુ, જો સ્કોર 2–0 થઈ ગયો, તો યજમાન માટે વાપસી કરવું ખૂબ મુશ્કેલ બની જશે.

ઍડિલેડ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની જીત આ સિરીઝને વધારે રોમાંચક બનાવવામાં મદદ કરશે.

ઉત્તમ ઝડપી બૉલિંગ જોનારાઓ માટે આ મૅચ યાદગાર બની શકે છે. આખી મૅચમાં ચાર સ્લિપ અને એક ગલી સાથેની બૉલિંગ મુકાબલાને રસપ્રદ બનાવી દે છે.

પર્થમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ અને હર્ષિત રાણાએ શાનદાર બૉલિંગ કરીને મૅચને ઑસ્ટ્રેલિયાની પહોંચ બહાર કરી દીધી હતી.

પિંક બૉલ સાથેની રમતમાં પણ તેમની પાસેથી જબરજસ્ત આશા રાખવી ખોટી નથી. ખાસ કરીને, બુમરાહનો સામનો કરવો ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનો માટે આસાન નહીં રહે.

બુમરાહે પર્થમાં સાબિત કર્યું કે તેઓ મૅચ જિતાડનારા વિશ્વના શ્રેષ્ઠ ઝડપી બૉલર છે. તેમની સામે રમવું તે, ઉપરના ક્રમના બૅટ્સમૅન્સ માટે કરિયરની સૌથી મોટી પરીક્ષા સાબિત થઈ રહ્યું છે.

જોકે, તેઓ પિંક બૉલથી કઈ રીતે રમે છે તે જોવા માટે શુક્રવાર સુધી રાહ જોવી રહી.

પૅટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કે પણ ઑસ્ટ્રેલિયા માટે પોતાના સંપૂર્ણ અનુભવને કામે લગાડ્યો હતો. ઍડિલેડમાં પણ આ બંને, ટીમ ઇન્ડિયાના ઉપરના ક્રમના ખેલાડીઓ માટે પડકારરૂપ સાબિત થશે.

ઍડિલેડમાં રમાયેલી સાત મૅચોની 13 ઇનિંગમાં મિચેલ સ્ટાર્કે 39 વિકેટ લીધી છે, જ્યારે ત્રણ મૅચમાં પૅટ કમિન્સ 13 બૅટ્સમૅન્સને પૅવલિયન ભેગા કરી ચૂક્યા છે.

પરંતુ, સૌથી મોટો સવાલ એ છે કે શું આ વખતે તેમના બૅટ્સમેન તેમને સાથ આપી શકશે?

પિંક બૉલમાં ઑસ્ટ્રેલિયાનો રેકૉર્ડ કેવો છે?

પિંક બૉલ, ઍડિલેડ ટેસ્ટ, ભારતીય બૅટ્સમૅન્સ, ભારતીય ટીમ, ઑસ્ટ્રેલિયન ટીમ, ક્રિકેટ ટેસ્ટ મૅચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ગઈ ટેસ્ટ મૅચની જેમ આ વખતે પણ ભારતીય બૉલરો પાસેથી સારા પ્રદર્શનની આશા રાખવામાં આવશે

પિંક બૉલ ટેસ્ટ મૅચોમાં ઑસ્ટ્રેલિયાનો રેકૉર્ડ ખૂબ શાનદાર છે. તેણે પોતાની 12 ટેસ્ટ મૅચમાંથી 11 જીતી છે. તેમાંથી સાત મૅચ ઍડિલેડ ઓવલમાં જીત્યું છે.

જોકે, ઑસ્ટ્રેલિયા જે એકમાત્ર મૅચ હાર્યું તે, ડિસેમ્બર 2020માં, ભારત સામે હતી. તે જ સિરીઝમાં ટીમ ઇન્ડિયા 36 રને ઑલઆઉટ થઈ હતી.

અત્યાર સુધીના અનુભવોમાંથી જાણવા મળ્યું છે કે પિંક બૉલ, ચૅરી બૉલની સરખામણીએ વધારે સ્વિંગ થાય છે.

પિચ પર લીલું ઘાસ આ બૉલની ખાસ જરૂરિયાત છે. સાથે જ, અંધારું થયા બાદ આ બૉલથી વધારે વિકેટ પડવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે.

ઑસ્ટ્રેલિયન વિકેટકીપર એલેક્સ કૅરીએ કહ્યું છે, "ફ્લડલાઇટ્સ ઑન થયા બાદ પ્રકાશના કારણે આ બૉલથી રમતની પ્રકૃતિ બદલાઈ જાય છે."

"વિકેટની પાછળ બૉલની સિલાઈ કરતાં વધારે તેનો પડછાયો દેખાય છે. તેથી બૉલને વધુ સારી રીતે જોવો પણ જરૂરી બની જાય છે."

પિંક બૉલ, ઍડિલેડ ટેસ્ટ, ભારતીય બૅટ્સમૅન્સ, ભારતીય ટીમ, ઑસ્ટ્રેલિયન ટીમ, ક્રિકેટ ટેસ્ટ મૅચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પર્થ ટેસ્ટમાં હર્ષિત રાણાએ સારી બૉલિંગ કરી હતી. આ વખતે પણ તેમની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે

"ઘણી વાર તેને સમજવો મુશ્કેલ થઈ જાય છે, પરંતુ તે રમતનો ભાગ છે. મારું માનવું છે કે પિંક બૉલથી રમવું એક ખૂબ સારી તક છે."

33 વર્ષના કૅરી ઍડિલેડના છે અને તેઓ ચાર પિંક બૉલ ટેસ્ટ મૅચ રમી ચૂક્યા છે. આ મૅચોમાં તેમના નામે 20 કૅચ અને એક સ્ટમ્પિંગ નોંધાયાં છે.

ઑસ્ટ્રેલિયન ઝડપી બૉલર સ્કૉટ બોલૅંડનું માનવું છે કે પિંક બૉલથી એક જ મૅચ દરમિયાન બે પ્રકારની રમત જોવા મળે છે.

તેમણે કહ્યું, "દિવસના સમયે બૉલ વધારે કારીગરી નથી દેખાડતો, પરંતુ રાત પડતાં જ તે વધારે મૂવ કરવા લાગે છે."

ભારતીય ઝડપી બૉલર પ્રસિદ્ધ કૃષ્ણા પણ એ વાત સાથે સંમત છે કે પિંક બૉલ વડે રમવાથી એક અલગ જ અનુભવ થાય છે.

તેમણે કહ્યું, "પિંક બૉલ થોડો ભારે હોય છે અને તેની ધરી ઊપસેલી હોય છે, જેનાથી તે વધારે સ્વિંગ કરે છે; ખાસ કરીને લાઇટ ઑન થયા બાદ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.