તાલિબાનના કબજા પછી 80 હજાર કરતાં વધુ અફઘાનોને દેશમાંથી બહાર કઢાયા
ભારતના સ્વતંત્રતાદિવસે જ તાલિબાન અફઘાનિસ્તાનના પાટનગર કાબુલના દરવાજા સુધી પહોંચી ગયું હતું.
કાબુલ પર તાલિબાને કબજો જમાવ્યા બાદથી અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને અન્ય દેશોની સેનાઓ દ્વારા 80 હજાર કરતાં વધુ અફઘાનોને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરાઈ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને એપ્રિલ 2021માં અમેરિકન સુરક્ષાદળો દ્વારા અફઘાનિસ્તાન ખાલી કરાશે તેવી જાહેરાત કરી હતી.
31 ઑગસ્ટ સુધી અમેરિકનદળોએ અફઘાનિસ્તાનની ધરતી છોડી દેવાની ડેડલાઇન પણ નક્કી કરાઈ છે.
જોકે, ઘણા લોકોનું માનવું છે કે આ ડેડલાઇનના કારણે ઘણા લોકો, જેઓ તાલિબાનના શાસનમાં અફઘાનિસ્તાનમાં નથી રહેવા માગતા, તેઓ પાછળ છૂટી જશે.
અમેરિકાના પ્રેસ સેક્રેટરીએ અફઘાનિસ્તાનમાંથી જરૂરિયાતમંદ લોકોને બહાર કાઢવાના પોતાના અભિયાન વિશે વાત કરતાં કહ્યું કે,“અમે અંતિમ દિવસો સુધી જરૂરિયાતમંદોને બહાર કાઢીશું. પરંતુ છેલ્લા બે દિવસમાં અમારી પ્રાથમિકતા હશે.”
તેમણે કહ્યું હતું કે જ્યારે અમેરિકાના સૈનિકો ઍરપૉર્ટ છોડી દેશે, તે અમેરિકાની જવાબદારી નહીં રહે.
નોંધનીય છે કે હાલ કાબુલ ઍરપૉર્ટ પર દસ હજાર કરતાં વધુ લોકો અફઘાનિસ્તાનમાંથી બહાર જવા માટે આતુરતાપૂર્વક ફ્લાઇટની વ્યવસ્થા થાય તેની રાહ જોઈ રહ્યા છે.
અમેરિકાએ જ્યારથી પોતાનાં દળોને પાછા ખેંચવાનું શરૂ કર્યું છે ત્યારથી અમેરિકન સૈન્ય અને અન્ય આંતરરાષ્ટ્રીય સૈન્યોને અફઘાનિસ્તાનમાં મદદરૂપ થનારા લોકો અને તેમના પરિવારજનો તાલિબાનની બીકથી દેશ છોડીને ભાગી રહ્યા છે.
નોંધનીય છે કે ભારતીય સૈન્યે પણ પોતાના કેટલાક નાગરિકો સહિત સ્થાનિક અફઘાનો અને શીખોને ભારત લાવવામાં મદદ કરી છે.