You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કરાચીના પોલીસ વડા મથક પર બંદૂકધારીઓનો હુમલો

પાકિસ્તાનના કરાચીમાં પોલીસ વડા મથક પર કેટલાય બંદૂકધારીઓએ હુમલો કર્યો છે. પોલીસ અને હુમલાખોરો વચ્ચે ભારે ગોળીબાર ચાલી રહ્યો છે.

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, કરાચીના પોલીસ વડા મથક પર બંદૂકધારીઓનો હુમલો

    પાકિસ્તાનના કરાચીમાં પોલીસ વડા મથક પર કેટલાય બંદૂકધારીઓએ હુમલો કર્યો છે. પોલીસ અને હુમલાખોરો વચ્ચે ભારે ગોળીબાર ચાલી રહ્યો છે.

    હુમલાખોરોએ હેન્ડ ગ્રૅનેડ પણ ફેંક્યા છે. વડા મથકની અંદર હાજર રહેલા પોલીસ સ્ટાફે ઇમારતની વીજળી બંધ કરી દીધી છે અને પ્રવેશદ્વાર બ્લૉક કરી દીધા છે. શહેરના બીજા વિસ્તારોમાંથી પણ પોલીસકર્મીઓને વડા મથક તરફ મોકલવામાં આવી રહ્યા છે.

    સિંધ સરકારના પ્રવક્તા મુર્તઝા વહાબે રૉયટર્સને જણાવ્યું છે કે હાલમાં તેમની પાસે આ ઘટનાની વધારે જાણકારી નથી. સ્થાનિક મીડિયા અનુસાર આઠથી દસ હુમલાખોર ગોળીઓ ચલાવી રહ્યા છે.

    પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ હુમલા પર ટ્વીટ કર્યું છે.

    તેમણે લખ્યું, "કરાચી પોલીસ પર થયેલા આતંકવાદી હુમલાની હું નિંદા કરું છું. ભૂતકાળમાં પણ સિંધ પોલીસે આતંકવાદીઓનો બહાદુરીથી સામનો કર્યો છે અને એમને હરાવ્યા છે.અમને એમના પર પૂરો ભરોસો છે કે તેઓ ફરીથી આવું જ કરશે. આવા કાયરતાપૂર્ણ હુમલાઓ અમને નહીં રોકી શકે."

    સિંધમાં બિલાવલની પાર્ટી 'પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી'ની જ સરકાર છે.

    પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહને આઈજી સિંધે જણાવ્યું છે કે પોલીસ વડા મથકમાં છથી સાત હુમલાખોરો ઘૂસ્યા છે.

    એક સ્થાનિક ટીવી ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સિંધની સરકારના સંપર્કમાં છે અને તમામ પ્રકારની મદદ કરવા માટે તત્પર છે.

    રાણા સનાઉલ્લાહે કહ્યું છે, "વર્તમાન ઇમારતના ત્રીજા માળે હુમલાખોરો વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે."

    સમાચાર એજન્સી એએફપી અનુસાર પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ટીવી સાથે વાત કરતાં સિંધ પ્રાંતના પ્રસારણમંત્રી શરજીલ ઇમામ મેનને કહ્યું છે કે "હુમલાખોરોની સંખ્યાની જાણકારી હજુ સુધી અમારી પાસે નથી."

    નોંધનીય છે કે તાજેતરમાં જ પેશાવરની મસ્જિદ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 100 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

  2. 'પ્રમુખ આંતરરાષ્ટ્રીય મીડિયા કંપની' અંગે આવકવેરા વિભાગનું નિવેદન

    આવકવેરા વિભાગે એક નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે 'એક પ્રમુખ આંતરરાષ્ટ્રીય મીડિયા કંપનીનાં કાર્યાલયો'માં સર્વે બાદ કરની ચૂકવણીમાં અનિયમિતતા જોવા મળી છે.

    કેન્દ્રીય નાણામંત્રાલય હેઠળ કામ કરનારા 'સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સીસ' દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં બીબીસીનું નામ ક્યાંય લખવામાં આવ્યું નથી.

    આવકવેરા વિભાગના આ દાવાને કેન્દ્રીય પત્રસૂચના કાર્યાલય પીઆઈબીએ જાહેર કર્યો છે. આ નિવેદન અંગે માનવામાં આવે છે કે એ બીબીસીમાં થયેલી તપાસ અંગેનું છે.

    બીબીસીએ કહ્યું છે કે કોઈ પણ આધિકારિક સંદેશનો યોગ્ય જવાબ આપવામાં આવશે જે એને આવકવેરા વિભાગ દ્વારા પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થશે. આ પહેલાં બીબીસીએ કહ્યું હતું કે તપાસમાં પૂરેપૂરો સહકાર આપવામાં આવી રહ્યો છે.

    આવકવેરા વિભાગના અધિકારીઓએ ત્રણ દિવસ સુધી બીબીસીની દિલ્હી અને મુંબઈસ્થિત ઓફિસોમાં દસ્તાવેજોની તપાસ કરી હતી અને બીબીસીના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરી હતી.

    આવકવેરા વિભાગની આ કાર્યવાહીની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ટીકા થઈ હતી.ભારતમાં વિપક્ષી દળોના નેતાઓએ આ કાર્યવાહીને 'પ્રેસની સ્વતંત્રતા પર હુમલો' ગણાવ્યો હતો.

  3. IPL 2023 : 31 માર્ચે અમદાવાદમાં ચૅન્નઈ અને ગુજરાતની મૅચ સાથે શરૂ થશે ટૂર્નામેન્ટ

    ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023નું ટાઇમટેબલ જાહેર થઈ ગયું છે. 31 માર્ચે લીગની પ્રથમ મૅચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે યોજાશે.

    આઈપીએલ 2023નું સમગ્ર ટાઇમટેબલ વાંચવા માટે અહીં ક્લિક કરો

    ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે, ટૂર્નામેન્ટની પ્રથમ મૅચ (31 માર્ચ) અને ફાઇનલ (28 મે) અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.

    આ સિવાય અંદાજે બે મહિના સુધી ટૂર્નામેન્ટની કૂલ 70 મૅચો મોહાલી, લખનઉ, હૈદરાબાદ, બેંગ્લુરુ, ચેન્નઈ, દિલ્હી, કોલકાતા, જયપુર, મુંબઈ, ગુવાહાટી અને ધર્મશાલામાં યોજાશે.

    ઉલ્લેખનીય છે કે આ વખતે પ્રથમવાર મહિલા પ્રીમિયર લીગ પણ યોજાઈ રહી છે. 26 માર્ચે તે પૂર્ણ થયાનાં પાંચ દિવસ બાદ આ ટૂર્નામેન્ટ શરૂ થશે.

    આ વખતે ગ્રૂપ-એમાં મુંબઈ ઇન્ડિયન્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કૅપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ છે.

    જ્યારે ગ્રૂપ-બીમાં ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રોયલ ચૅલેન્જર્સ બૅંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ છે.

  4. અદાણી-હિંડનબર્ગ વિવાદ : સુપ્રીમ કોર્ટે કહ્યું, 'સરકાર પાસેથી સીલબંધ કવર'માં નામો નહીં લઈએ...

    હિંડનબર્ગ-અદાણી મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કેન્દ્ર સરકાર તરફથી કમિટીમાં સામેલ કરવા માટે લોકોના નામની યાદી સરકાર સીલબંધ કવરમાં પણ આપશે તો તેમને કમિટીમાં સામેલ કરાશે નહીં.

    ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બૅન્ચે કહ્યું કે તેઓ 'સંપૂર્ણ પારદર્શિતા' રાખવા માગે છે.

    સુપ્રીમ કોર્ટ અદાણી મામલે સામે આવેલી રિસર્ચ ફર્મના રિપોર્ટની તપાસ કરવા માટે બનાવવામાં આવી રહેલી કમિટી મામલે સુપ્રીમ કોર્ટે આજે પોતાના આદેશમાં કહ્યું કે તેઓ કેન્દ્ર સરકાર તરફથી સીલબંધ કવરમાં આપવામાં આવેલા નામોને કમિટીમાં સામેલ નહીં કરે.

    ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, "અમે તજજ્ઞોની પસંદગી કરીશું અને સંપૂર્ણ પારદર્શિતા રાખીશું. જો અમે સરકાર પારેશથી નામ લઈશું તો તે સરકાર દ્વારા બનાવેલી કમિટી લાગશે. સમિતિમાં તમામ લોકોને વિશ્વાસ હોવો જોઈએ."

    કોર્ટે કહ્યું, "જો અમે સરાકર પાસેથી કોઈ સૂચન લઈશું તો અમે તેની જાણકારી અન્ય પક્ષને પણ આપીશું જેથી પ્રક્રિયા પારદર્શી રહે. આ સમિતિનું ગઠન અમે કરીશું અને તેના સભ્યોની પસંદગી પણ."

    તાજેતરમાં જ અમેરિકન ફર્મ હિંડનબર્ગે અદાણી જૂથને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં અદાણી જૂથ પર શૅરને ઓવરવૅલ્યૂ કરવા સહિત વિવિધ આરોપો મૂકાયા હતા.

    આ રિપોર્ટ બાદથી જ અદાણી જૂથની ઘણી કંપનીઓના શૅર ઝડપભેર તૂટી પડ્યા હતા. જોકે, જૂથના માલિક ગૌતમ અદાણીએ આ રિપોર્ટને ફ્રૉડ ગણાવ્યો હતો.

  5. ચેતન શર્માનું ટીમ ઇન્ડિયાના સિલેક્ટરના પદ પરથી રાજીનામું

    ભારતીય ટીમના મુખ્ય સિલેક્ટર ચેતન શર્માએ શુક્રવાર સવારે ટીમ ઇન્ડિયાના સિલેક્ટરના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

    સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર, બીસીસીઆઈના સચિવ જય શાહે તેમનું રાજીનામું સ્વીકાર કરી લીધું છે.

    નોંધનીય છે કે ચેતન શર્મા હાલમાં જ એક સ્ટિંગ ઑપરેશનને કારણે વિવાદમાં હતા જેમાં તેમના તરફથી ટીમ ઇન્ડિયાના પૂર્વ કૅપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને લઈને આપવામાં આવેલા નિવેદન પર વિવાદ થયો હતો.

    ગયા જાન્યુઆરીમાં જ બીસીસીઆઈ દ્વારા તેમને સિલેક્ટર તરીકે લેવામાં આવ્યા હતા.

  6. ચેતેશ્વર પૂજારા : 8 વર્ષની ઉંમરે ઘરે બનાવેલા પૅડ અને નાનકડા બૅટથી જ્યારે ક્રિકેટની શરૂઆત કરી

  7. ચેતેશ્વર પૂજારા રમશે કૅરિયરની 100મી ટૅસ્ટ મૅચ, ભારત ઑસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટ મૅચ આજથી દિલ્હીમાં

    રાજકોટના બૅટ્સમૅન ચેતેશ્વર પૂજારા પોતાના કૅરિયરની 100મી ટેસ્ટ રમવા જઈ રહ્યા છે અને માત્ર 12 અન્ય ભારતીય ક્રિકેટરો અત્યાર સુધી આ સિધ્ધી મેળવી શક્યા છે. આ સિદ્ધિ તેઓ આજથી દિલ્હીમાં રમાઈ રહેલી ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં નોંધાવશે.

    અત્યાર સુધીમાં 99 ટેસ્ટમાં તેમણે 44.15ની ઍવરેજથી 7021 રન ફટકાર્યા છે.

    પૂજારાની કારકિર્દીની હાઈલાઇટ્સ જોઈએ તો, ચેતેશ્વર પૂજારાએ ઑક્ટોબર 2010માં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ બેંગલુરુ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત વીવીએસલક્ષ્મણની જગ્યાએ આવીને ટેસ્ટ ડેબ્યૂ કરી હતી.

    બીજા દાવમાં, તેમણે નંબર 3 પર આવીને શાનદાર 72 રન બનાવ્યા હતા અને ભારતે 207 રનનો પીછો કર્યો હતો.

    જોકે ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં તેમનું કંગાળ પ્રદર્શન રહ્યું અને તેઓ ત્રણ ઇનિંગ્સમાં માત્ર 19,10 અને 2 રનનો સ્કોર જ બનાવી શક્યા હતા.

    રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણની નિવૃત્તિ પછી 2012-13ની સિઝનમાં તેમણે ચમકવાનું શરૂ કર્યું. અને તેમણે હૈદરાબાદમાં ન્યૂઝીલૅન્ડ સામેની તેમની પ્રથમ ટેસ્ટમાં 100 અને 159 રન ફટકાર્યા હતા.

    ત્યારબાદ અમદાવાદમાં ઇંગ્લૅન્ડ સામે પ્રથમ ટેસ્ટ બેવડી સદી - 206* ફટકારી. હૈદરાબાદમાં ઑસ્ટ્રેલિયા સામે તેણે 204 રન ફટકાર્યા ત્યારે ચાર મહિના કરતાં ઓછા સમયમાં બીજી બેવડી સદી આવી.

    પૂજારાએ 2013-14માં દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે ઊભરી આવ્યા હતા, તેમણે 70 રનની સરેરાશથી 280 રન બનાવ્યા હતા.

    2014માં ઇંગ્લૅંન્ડનો પ્રવાસ પૂજારા કંગાળ પ્રદર્શનવાળો રહ્યો હતો, જેમાં તેમણે પાંચ ટેસ્ટમાં માત્ર 222 રન બનાવ્યા હતો.ઑસ્ટ્રેલિયા પ્રવાસ પણ કંગાળ પ્રદર્શનવાળો રહ્યો હતો અને તેમને પડતા મૂકવા પડ્યા હતા.

    મુરલી વિજય ઈજાગ્રસ્ત થતા પૂજારા 2015ના મધ્યમાં ફરી ટીમમાં પાછા ફર્યા અને કોલંબોમાં નિર્ણાયક મૅચમાં 145 રન બનાવીને ભારતને શ્રેણીમાં જીત અપાવી.

    પૂજારાએ 2016-17ની હોમ સીઝનમાં ઑસ્ટ્રેલિયા સામે મોટો સ્કોર કર્યો હતો. બેંગલુરુમાં બીજી ઈનિંગ્સમાં 92 રન બનાવ્યા અને ત્યારબાદ રાંચીમાં 202 રન બનાવ્યા. પૂજારાએ એ મેરેથોન ઈનિંગ્સમાં 595 બૉલનો સામનો કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય દ્વારા એ સૌથી લાંબી ઇનિંગ્સ છે.

    પૂજારાએ 2018માં ઑસ્ટ્રેલિયામાં ફરી એકવાર તેના શ્રેષ્ઠ દેખાવમાં કર્યો અને એક તબક્કે 41 રનમાં 4 વિકેટ ગુમાવી ચૂકેલા ભારતને 123 રન ફટકારીને જીત તરફ દોરી ગયા હતા.

    પૂજારાએ મેલબોર્નમાં બીજી સદી ફટકારી અને સિડનીમાં 193 રન ફટકાર્યા. એ શ્રેણીમાં 1258 બૉલનો સામનો કરીને તોતિંગ 521 રન બનાવ્યા હતા.

    છેલ્લે ચટ્ટગાંવમાં બાંગ્લાદેશ સામે તેમની 97મી ટેસ્ટમાં પૂજારાએ 1443 દિવસ પછી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી.

    અહીં વાંચો તેમની સફર વિશે

  8. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    16 ફેબ્રુઆરીના સમાચારવાંચવા માટે ક્લિક કરો.