બ્રેકિંગ, કરાચીના પોલીસ વડા મથક પર બંદૂકધારીઓનો હુમલો

પાકિસ્તાનના કરાચીમાં પોલીસ વડા મથક પર કેટલાય બંદૂકધારીઓએ હુમલો કર્યો છે. પોલીસ અને હુમલાખોરો વચ્ચે ભારે ગોળીબાર ચાલી રહ્યો છે.
હુમલાખોરોએ હેન્ડ ગ્રૅનેડ પણ ફેંક્યા છે. વડા મથકની અંદર હાજર રહેલા પોલીસ સ્ટાફે ઇમારતની વીજળી બંધ કરી દીધી છે અને પ્રવેશદ્વાર બ્લૉક કરી દીધા છે. શહેરના બીજા વિસ્તારોમાંથી પણ પોલીસકર્મીઓને વડા મથક તરફ મોકલવામાં આવી રહ્યા છે.
સિંધ સરકારના પ્રવક્તા મુર્તઝા વહાબે રૉયટર્સને જણાવ્યું છે કે હાલમાં તેમની પાસે આ ઘટનાની વધારે જાણકારી નથી. સ્થાનિક મીડિયા અનુસાર આઠથી દસ હુમલાખોર ગોળીઓ ચલાવી રહ્યા છે.
પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ હુમલા પર ટ્વીટ કર્યું છે.
તેમણે લખ્યું, "કરાચી પોલીસ પર થયેલા આતંકવાદી હુમલાની હું નિંદા કરું છું. ભૂતકાળમાં પણ સિંધ પોલીસે આતંકવાદીઓનો બહાદુરીથી સામનો કર્યો છે અને એમને હરાવ્યા છે.અમને એમના પર પૂરો ભરોસો છે કે તેઓ ફરીથી આવું જ કરશે. આવા કાયરતાપૂર્ણ હુમલાઓ અમને નહીં રોકી શકે."
સિંધમાં બિલાવલની પાર્ટી 'પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી'ની જ સરકાર છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહને આઈજી સિંધે જણાવ્યું છે કે પોલીસ વડા મથકમાં છથી સાત હુમલાખોરો ઘૂસ્યા છે.
એક સ્થાનિક ટીવી ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સિંધની સરકારના સંપર્કમાં છે અને તમામ પ્રકારની મદદ કરવા માટે તત્પર છે.
રાણા સનાઉલ્લાહે કહ્યું છે, "વર્તમાન ઇમારતના ત્રીજા માળે હુમલાખોરો વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે."
સમાચાર એજન્સી એએફપી અનુસાર પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ટીવી સાથે વાત કરતાં સિંધ પ્રાંતના પ્રસારણમંત્રી શરજીલ ઇમામ મેનને કહ્યું છે કે "હુમલાખોરોની સંખ્યાની જાણકારી હજુ સુધી અમારી પાસે નથી."
નોંધનીય છે કે તાજેતરમાં જ પેશાવરની મસ્જિદ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 100 લોકોનાં મૃત્યુ થયાં હતાં.




