You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

શાહરૂખ ખાનની 'પઠાન' ફિલ્મે નોંધાવી ઐતિહાસિક કમાણી

યશરાજ ફિલ્મ્સના જણાવ્યા અનુસાર, 'પઠાન' હવે હિંદી સિનેમાના ઇતિહાસમાં દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે

લાઇવ કવરેજ

  1. શાહરૂખ ખાનની 'પઠાન' ફિલ્મે નોંધાવી ઐતિહાસિક કમાણી, મધુ પાલ, બીબીસી માટે

    શાહરૂખ ખાનની 'પઠાન' ફિલ્મ સતત નવા રેકર્ડ બનાવી રહી છે.યશરાજ ફિલ્મ્સ અનુસાર અત્યાર સુધીમાં 'પઠાન' ફિલ્મે સમગ્ર વિશ્વમાંથી 970 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

    આ ફિલ્મે ભારતમાં લગભગ 605 કરોડ રૂપિયા અને ભારત બહારથી રૂપિયા 365 કરોડની કમાણી કરી છે.

    યશરાજ ફિલ્મ્સના જણાવ્યા અનુસાર, 'પઠાન' હવે હિંદી સિનેમાના ઇતિહાસમાં દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

    શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાન' 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા શાહરૂખ ખાને ચાર વર્ષના અંતરાલ બાદ સિલ્વર સ્ક્રીન પર પુનરાગમન કર્યું છે. ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત દીપિકા પાદુકોણ, જૉન અબ્રાહમ પણ છે.

  2. કૅન્સરના દર્દીઓને રૂ. 15 લાખની સહાય માટેની આ યોજના વિશે જાણો છો?

  3. પીએમ મોદીએ કહ્યું, "દાયકાઓ સુધી વીર-વિરાંગનાઓના બલિદાન પર પડદો નાખવાના પ્રયત્નો થયા"

    પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આદિ મહોત્સવનું ગુરુવારે ઉદ્ઘાટન કર્યું છે.

    આ કાર્યક્રમ 16થી 27 ફેબ્રુઆરી સુધી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં યોજાશે.

    દિલ્હીમાં 16થી 27 ફેબ્રુઆરી સુધી યોજાનારા આદિ મહોત્સવનું ગુરુવારે પીએમ નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું.

    મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં યોજાનારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતી વખતે પીએમ મોદીએ બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, "પહેલી વખત દેશમાં ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ પર જનજાતીય ગૌરવ દિવસ ઊજવવાની શરૂઆત કરવામાં આવી છે. પહેલી વખત અલગ-અલગ રાજ્યોમાં આદિવાસી સ્વતંત્રતાસેનાની મ્યુઝિયમ ખોલવામાં આવી રહ્યાં છે."

    પીએમ મોદીની કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો

    • દેશની આઝાદીની લડાઈમાં આપણા જનજાતીય સમાજની મહત્ત્વપૂર્ણ ભાગીદારી હતી.
    • દાયકાઓ સુધી ઇતિહાસ એ સ્વર્ણિમ અધ્યાયો પર, વીર-વિરાંગનાઓના એ બલિદાનો પર પડદો પાડવાનો પ્રયત્ન થતો આવ્યો હતો.
    • હવે અમૃત મહોત્સવમાં દેશના ઇતિહાસમાં ભૂલાયેલા વિસરાયેલા અધ્યાયોને દેશની સામે લાવવામાં આવી રહ્યા છે.
    • દેશ જ્યારે અંતિમ હરોળના વ્યક્તિને પ્રાથમિકતા આપે છે ત્યારે વિકાસનો માર્ગ આપોઆપ ખૂલી જાય છે.
  4. હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વૉરન્ટ જાહેર

    વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ પાટીદાર અનામત આંદોલન સમયના એક કેસને લઈને ધરપકડ વૉરન્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    બીબીસીના સહયોગી પત્રકાર સચીન પીઠવાના જણાવ્યા અનુસાર, વર્ષ 2018માં ધ્રાંગધ્રાના હરીપર ગામે પાટીદાર અનામત આંદોલન સમયે યોજાયેલી એક સભામાં હાર્દિક પટેલે ભાષણ આપતી વખતે આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી.

    આ કેસ છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહ્યો હતો. જોકે, ધ્રાંગધ્રા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટમાં કેસની મુદ્દત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે ધરપકડ વૉરન્ટ જાહેર કર્યું છે.

  5. અદાણી જૂથને 15 દિવસમાં બીજો ફટકો, વધુ એક ડીલ નિષ્ફળ

    ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી જૂથ બુધવારે ઊર્જા ક્ષેત્રની કંપની ડીબી પાવરને રૂપિયા7,017 કરોડમાં ખરીદવામાં સફળ થઈ શક્યું ન હતું.

    અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, અદાણી ગ્રૂપની કંપની અદાણી પાવરે ગત વર્ષે 18 ઓગસ્ટે આ કંપનીની ખરીદી સાથે સંબંધિત દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા.

    અદાણી અને ડીબી પાવર વચ્ચેના સોદાને ભારતીય પ્રતિસ્પર્ધા નિયામક તરફથી ગત 29 સપ્ટેમ્બરે મંજૂરી મળી ગઈ હતી અને અદાણી ગ્રૂપે 31 ઑક્ટોબર 2022 સુધી પૈસાની ચૂકવણી કરવાની હતી.

    આ સમયસીમાને ચાર વખત વધારવામાં આવી હતી. ચૂકવણીની અંતિમ ડેડલાઇન 15 ફેબ્રુઆરી 2023 હતી. જે બુધવારે ખતમ થશે. અદાણી ગ્રૂપે આ ડીલને પૂરી ન થઈ હોવાની જાણકારી સ્ટૉક એક્સચેન્જને આપી દીધી છે.

    અદાણીનું ઊર્જા સામ્રાજ્ય

    ડીબી પાવર પાસે છત્તીસગઢના જાંજગીર ચાપામાં 1200 મેગાવૉટનો કોલસા આધારિત પાવરપ્લાન્ટ છે.

    અખબાર પ્રમાણે, ડીબી પાવરને ખરીદવામાં નિષ્ફળતા અદાણી ગ્રૂપ માટે એક મોટો ઝટકો હશે. કારણ કે એ કંપની ખરીદ્યા બાદ અદાણી પાવર ભારતના ઊર્જા ક્ષેત્રમાં સૌથી મોટી ખાનગી થર્મલ ઊર્જા ઉત્પાદક બની ગયું હોત.

    અદાણી પાવર પાસે પાંચ રાજ્યોમાં 13.6 ગીગાવૉટની કુલ ક્ષમતા ધરાવતા થર્મલ પાવરપ્લાન્ટ છે અને 40 મેગાવૉટનો સોલાર પ્લાન્ટ છે. પણ આ કંપની પર 30 સપ્ટેમ્બર 2022 સુધી 36,031 કરોડ રૂપિયાનું દેવું છે.

  6. ધીરેન્દ્ર શાસ્ત્રીની હિંદુ રાષ્ટ્ર બનાવવાની વાત પર યોગી આદિત્યનાથે શું કહ્યું?

    મધ્ય પ્રદેશમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ થોડા દિવસ પહેલાં હિંદુ રાષ્ટ્ર બનાવવાની વાત કહી હતી.

    તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યું હતું.

    ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું, "તમે અમારો સાથ આપો, આપણે હિંદુ રાષ્ટ્ર બનાવીશું."

    તાજેતરમાં એક ખાનગી ન્યૂઝ ચૅનલના કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે આ નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

    યોગીએ કહ્યું, "ભારત હિંદુ રાષ્ટ્ર હતું, છે અને આગળ પણ રહેશે."

    તેમણે કહ્યું, "સૌથી પહેલી વાત એ છે કે આપણે હિંદુ રાષ્ટ્રનો અર્થ શું કાઢીએ છીએ. તે કોઈ પંથ, ધર્મ કે સંપ્રદાય નથી. તે એક સાંસ્કૃતિક શબ્દાવલી છે, જે ભારતના દરેક નાગરિક માટે ફિટ બેસે છે."

    યોગીએ આગળ કહ્યું, "જો ભારતનો કોઈ વ્યક્તિ હજ કરવા જાય છે તો ત્યાં તેને કોઈ હાજી સ્વરૂપે જાણતું નથી. ત્યાં તેને કોઈ ઇસ્લામના રૂપ તરીકે માનતું નથી. ત્યાં તેને હિંદુ નામથી સંબોધિત કરવામાં આવે છે. ત્યારે કોઈને તકલીફ પડતી નથી."

    યોગીએ બીજું શું કહ્યું?

    • જો એ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ભારત હિંદુ રાષ્ટ્ર છે કારણ કે ભારતના તમામ નાગરિક હિંદુ છે. આ કોઈ જાતિસૂચક, મત સૂચક શબ્દ નથી.
    • આ આપણી સાંસ્કૃતિક એકતા છે કે હિમાલયથી લઈને સમુદ્ર સુધીના વિસ્તૃત ભૂમિભાગમાં જન્મેલા લોકો હિંદુ કહેવાય છે. એ રીતે જોઈએ તો હિંદુ રાષ્ટ્રથી કોઈને વાંધો હોવો ન જોઈએ.
    • જો તમે તેને પંથ, ધર્મ કે સંપ્રદાય સાથે જોડીને જોઈ રહ્યા છો, તો એનો અર્થ છે કે તમે હિંદુને સમજવાની ભૂલ કરી રહ્યા છો.
  7. ત્રિપુરા વિધાનસભા ચૂંટણી : 60 બેઠકો પર આજે મતદાન

    ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં આજે એટલે કે ગુરુવારે 60 બેઠકો માટે મતદાન યોજાશે.

    આ મતદાન સવારે સાતથી સાંજે ચાર વાગ્યા વાગ્યા સુધી યોજાશે. પરિણામ બીજી માર્ચે જાહેર થશે.

    ચૂંટણીપંચે મતદાન માટે 3337 મતદાનમથકો તૈયાર કર્યા છે. તેમાંથી 1100 સંવેદનશીલ અને 28 અતિસંવેદનશીલ મતદાનમથકો છે.

    ત્રિપુરા ચૂંટણીમાં મુખ્ય જંગભાજપ-આઈપીએફટી ગઠબંધન અને સીપીઆઈ એમ, કૉંગ્રેસ અને તિપરા મોથા વચ્ચે છે.

    તિપરા મોથા ત્રિપુરાના રૉયલ પ્રિન્સ પ્રદ્યોત બ્રિક્રમ માણિક્ય દેવબર્માની પાર્ટી છે.

    આ પાર્ટી ત્રિપુરાની 31 ટકા વસતી માટે એક અલગ રાજ્ય 'ગ્રેટર ત્રિપુરા લૅન્ડ' બનાવવાની વાત કરી રહી છે.

    વર્ષ 2018માં યોજાયેલી ચૂંટણીમાં ડાબેરી પાર્ટીઓએ 16 અને ભાજપે 36 બેઠકો જીતી હતી. બંને દળો વચ્ચે વોટશૅરમાં એક ટકાથી પણ ઓછું અંતર હતું.

    ભાજપને 43.59 ટકા મત મળ્યા હતા. જ્યારે ડાબેરી પાર્ટીઓનો વોટશૅર 43.35 ટકા હતો. જ્યારે કૉંગ્રેસનો વોટશૅર 35.5 ટકાથી ઘટીને 1.7 ટકા થઈ ગયો હતો.

    2018માં 36 બેઠકો જીતીને ભાજપે ઇન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા એટલે કે આઈપીએફટી સાથે મળીને સરકાર બનાવી હતી.

    આ પહેલાં ત્રિપુરામાં 25 વર્ષથી ડાબેરી પાર્ટીઓનું શાસન હતું અને માણિક સરકાર લાંબા સમય સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા.

  8. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    15 ફેબ્રુઆરીના સમાચારવાંચવા માટે ક્લિક કરો.