You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટી20 વિમેન્સ વર્લ્ડ કપ : વેસ્ટ ઇન્ડિઝના 119 રનના લક્ષ્યાંકની સામે ભારતની ઝડપી શરૂઆત
મૅચની શરૂઆતમાં જ બીજી ઓવરમાં જ પૂજા વસ્ત્રાકરે ભારત માટે પહેલી વિકેટ લીધી. તેમણે હેઇલી મેથ્યૂઝને આઉટ કર્યાં
લાઇવ કવરેજ
ટી20 વિમેન્સ વર્લ્ડ કપ : ભારત સામે વેસ્ટ ઇંડિઝે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, પહેલી વિકેટ પડી
રવિવારે પાકિસ્તાન સામેની મૅચમાં સાત વિકેટે વિજય મેળવ્યા બાદ આજે વિમેન્સ ટી20 વર્લ્ડ કપમાં ભારતનો સામનો વેસ્ટ ઇંડિઝ સામે કેપ ટાઉનમાં થઈ રહ્યો છે.
વેસ્ટ ઇંડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
મૅચની શરૂઆતમાં જ બીજી ઓવરમાં જ પૂજા વસ્ત્રાકરે ભારત માટે પહેલી વિકેટ લીધી. તેમણે હેઇલી મેથ્યૂઝને આઉટ કર્યાં, એ સમયે વેસ્ટ ઇંડિઝનો સ્કોર 4 રન હતો.
ભારત ગ્રૂપ-2 માં છે અને હાલ આ ગ્રૂપમાં પોઈન્ટ્સની યાદીમાં ભારતીય ટીમ બીજા ક્રમે છે.
ભારતીય ટીમ
સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, જેમિમા રૉડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટ કીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા ઠાકુર સિંઘ
વેસ્ટ ઇંડિઝ ટીમ
હેઇલી મેથ્યૂઝ (કૅપ્ટન), સ્ટેફની ટેલર, શેમેઇન કૅમ્પબેલ, શબિકા ગજ્નબી, ચિનેલ હેન્રી, ચેડીન નેશન, એફી ફ્લૅચર, શમિલિયા કોનેલ, રશાદા વેિલિયમ્સ (વિકેટ કીપર), કરિશ્મા રામહરક, શકેરા સેલ્માન
ભારતીયો સાથે લગ્ન કરનાર ભુતાનવાસીઓના પ્રેમમાં સરહદની દીવાલ આડે કેમ આવી રહી છે?
પાટણ : જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત, 6 લોકોનાં મૃત્યુ
પાટણ જિલ્લાના રાધનપુર-વરાહી હાઈવે પર જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં છ લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચી છે.
પાટણથી બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયારના જણાવ્યા અનુસાર રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામના પાટિયા પાસે કમાન્ડર જીપ અને ટ્રક વચ્ચેઆ અકસ્માત સર્જાયો હતો.
જીપનું ટાયર ફાટતાં જીપ રોડની બાજુમાં ઊભેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
કૅનેડામાં વધુ એક હિંદુ મંદિરમાં તોડફોડ
કૅનેડામાં 13 ફેબ્રુઆરીએ વધુ એક હિંદુ મંદિરમાં તોડફોડની ઘટના ઘટી છે. કૅનેડાસ્થિત ભારતીય ઉચ્ચાયોગનું કહેવું છે કે મિસિસૉગાના રામમંદિરની દીવાલો પર ભારતવિરોધી સૂત્રો પણ લખવામાં આવ્યાં છે.
ભારતીય ઉચ્ચાયોગે મંગળવારે ટ્વિટ કરીને કહ્યું છે, “મિસિસૉગાના રામમંદિરને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. મંદિરની દીવાલો પર ભારતવિરોધી નારાઓ લખવામાં આવ્યા છે. અમે કૅનેડિયન અધિકારીઓ સમક્ષ આ ઘટનાની તપાસ કરવાની અને આ મામલે તત્કાલ પગલાં લેવાની માગ કરી છે.”
મંદિરના ફેસબુક પેજ પર કહેવાયું છે, “ઓટાંરિયોના મિસિસૉગાના શ્રીરામમંદિરમાં ગત રાતે (13 ફેબ્રુઆરી) તોડફોડ કરાઈ હતી. અમે આ ઘટનાને લઈ ભારે ચિંતામાં છીએ. આ મામલે પોલીસ સાથે વાત કરી રહ્યા છીએ.”
નોંધનીય છે કે ગત મહિને કૅનેડાના જ બ્રૅપટૉનમાં જ એક હિંદુમંદિરની દીવાલ પર ભારતવિરોધી સૂત્રો લખવામાં આવ્યાં હતાં.
બળાત્કારી પુત્રને બચાવવા પિતાએ નકલી ચિતાને આગ ચાંપી, કેવી રીતે ભાંડો ફૂટ્યો?
'યુવતીનો મૃતદેહ ફ્રિજમાં છુપાવ્યો, બીજા દિવસે કોઈ અન્ય સાથે લગ્ન કર્યાં' : દિલ્હી પોલીસ
કેટલાક દિવસો પહેલાં દિલ્હીમાં શ્રદ્ધા વાલકરની હત્યા અને ફ્રિજમાં મૃતદેહના ટુકડા છુપાવાના સમાચાર ચર્ચામાં હતા.
હવે દિલ્હીમાં આવો જ એક અન્ય કેસ સામે આવ્યો છે.
દિલ્હીમાં 24 વર્ષના એક યુવક પર પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કરવા અને મૃતદેહને ફ્રિજમાં છુપાવવાનો આક્ષેપ છે.
આરોપીનું નામ સાહિલ ગહેલોત છે અને યુવતીનું નામ નિક્કી યાદવ છે.
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સતીશ કુમારે ન્યૂઝ ચૅનલોને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વિશે વાત કરી છે.
સતીશ કુમારે કહ્યું કે, ''નવ ફેબ્રુઆરીના સાહિલની સગાઈ હતી, જે કોઈ બીજા સાથે નક્કી કરવામાં આવી હતી. 10 ફેબ્રુઆરીના લગ્ન હતા. આ વાત જ્યારે નિક્કી યાદવને ખબર પડી તો તેમણે સાહિલને મળવા બોલાવ્યા. 9-10 ફેબ્રુઆરીના સાહિલની ગાડીમાં બંનેની મુલાકાત થઈ. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ. બોલાચાલી દરમિયાન સાહિલે પોતાના મોબાઇલ ફોનના કેબલથી નિક્કી યાદવનું ગળું દાબીને હત્યા કરી નાખી. ત્યાર બાદ તેમના શરીરને છુપાવવાના ઇરાદાથી તેમના મૃતદેહને તેમના ખેતરમાં જે નાનકડો ઢાબો હતો તેના ફ્રિજમાં છુપાવી દીધો.''
પોલીસે જણાવ્યું કે, ''સાહિલ ગહેલોતની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી છે. આ પૂછપરછમાં અમને જાણવા મળ્યું કે આ લોકો 2018થી એકબીજાને ઓળખતા હતા.''
દિલ્હી પોલીસે જણાવ્યું કે મહિલા દિલ્હીના ઉત્તમનગરનાં હતાં અને તેમનો મૃતદેહ નઝફગઢથી મળ્યો.
આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર, નિક્કી યાદવના પિતા સુનીલ યાદવે કહ્યું, ''આરોપીને ફાંસી આપવી જોઈએ. અમને નિક્કીના મોત વિશે કાલે જ ખબર પડી. નિક્કી દોઢ મહિના પહેલાં ઘરે આવી હતી.''
દિલ્હી પોલીસે તે કાર કબજામાં લીધી છે, જેમાં સાહિલે કથિત રીતે નિક્કીની હત્યા કરી હતી. આ કારથી તે નિક્કીના મૃતદેહને ઢાબા સુધી લાવ્યા હતા.
ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર, સાહિલ ફાર્મા સ્ટુડન્ટ છે, જેમનો પરિવાર ઢાબાનું સંચાલન કરે છે. નિક્કી અને સાહિલ 2018થી સાથે રહેતા હતા.
પોલીસ અધિકારીએ કહ્યું, '' અમને એક વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે તેણે કેટલાય દિવસથી નિક્કીને જોઈ નથી. તેને શંકા થઈ કારણ કે આરોપી ઘરે જતો રહ્યો અને બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાં.''
નિક્કી યાદવનો પરિવાર હરિયાણાના ઝઝ્ઝરનો છે. પોલીસે જણાવ્યું કે કેસની તપાસ ચાલુ છે.
ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં સાયબર ક્રાઇમમાં 368 ટકાનો વધારો
મોબાઇલ ફોન અને ઇન્ટરનેટના વધતા જતા ઉપયોગ સાથે સાયબર ક્રાઇમમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં સાયબર ક્રાઇમમાં 368 ટકાનો વધારો નોંધાયો છે.
અહેવાલ મુજબ, કોરોના મહામારી બાદ વર્ષ 2021 અને 2022માં સાયબર ક્રાઇમની નોંધાયેલી ફરિયાદોમાં આ વધારો જોવા મળ્યો છે.વર્ષ 2021માં 17,237 ફરિયાદો હતી. જે 2022માં વધીને 80,681 થઈ છે.
આ ફરિયાદો પૈકી સૌથી વધુ ફરિયાદો નાણાકીય છેતરપિંડીની છે. વર્ષ 2021માં તેની 11,131 ફરિયાદ નોંધાઈ હતી. જે 2022માં વધીને 70,183 થઈ છે. ઑનલાઇન નાણાકીય છેતરપિંડીની ફરિયાદોમાં 530 ટકાનો વધારો નોંધાયો છે.
ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમ વિભાગના અધિક્ષક સુબોધ ઓડેદરાને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે "મોટા ભાગના લોકો ઇન્ટરનેટ પર શોધવામાં આવતા કસ્ટમર કૅર નંબરના કારણે ઑનલાઇન છેતરપિંડીનો ભોગ બને છે. લોકોએ નંબર પર ફોન કરતાં પહેલાં ચકાસવું જોઈએ કે તેમણે જે સાઇટ પરથી નંબર મેળવ્યો છે તે વિશ્વસનીય છે કે નહીં."
તુર્કી : "હું જીવતી છું?", ભૂકંપના કાટમાળ તળેથી જ્યારે બે બહેનોને જીવતી કાઢવામાં આવી
વડા પ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડન વચ્ચે ફોન પર શું વાત થઈ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ફોન પર વાત કરી છે.
બંને નેતાઓએ ઍર ઇન્ડિયા અને બૉઇંગ વચ્ચેની ઐતિહાસિક સમજૂતીનું સ્વાગત કર્યું.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે આ સોદાથી અમેરિકાના 44 રાજ્યોમાં 10 લાખથી વધુ નોકરીઓ પેદા થશે.
વ્હાઇટ હાઉસ તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ઍર ઇન્ડિયા અને બૉઇંગ વચ્ચે થયેલા સોદા અંતર્ગત 220 વિમાન ખરીદવામાં આવશે. જેની કિંમત 44 બિલિયન ડૉલર્સ હશે.
સાથે જ ઍરલાઇન પાસે વિકલ્પ હશે કે તેઓ વધુ 70 વિમાન ખરીદી શકે.
વડા પ્રધાન મોદીના કાર્યાલાયે પણ બાઇડન સાથે થયેલી વાતચીતને સદભાવપૂર્ણ અને સકારાત્મક ગણાવી હતી.
વડા પ્રધાન મોદીએ બૉઇંગ અને અન્ય અમેરિકન કંપનીઓને આમંત્રણ આપ્યું કે તેઓ ભારતના વધી રહેલા સિવિલ ઍવિયેશન ક્ષેત્રમાં આવે અને અહીં વધી રહેલી તકોનો ફાયદો ઉઠાવે.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
14 ફેબ્રુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.