પીએમ નરેન્દ્ર મોદીએ સંસદમાં ગાંધી
પરિવારની નહેરુ અટકનો ઉપયોગ ન કરવા પર સવાલ ઉઠાવ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું હતું કે, "જો કોઈ કાર્યક્રમમાં નેહરુનું નામ કાઢી નાખવામાં આવે તો કેટલાક
લોકોનું લોહી ગરમ થઈ જાય છે. અમારાથી નહેરુજીનું નામ ચૂકી જવાતું હશે. અમે તેને
સુધારી પણ લઈશું, કારણ કે તેઓ દેશના પહેલા વડા પ્રધાન
હતા. પણ મને એ સમજાતું નથી કે તેમની પેઢીની વ્યક્તિ નહેરુ અટક રાખવાથી કેમ ડરે છે.
નહેરુ અટક રાખવામાં શરમ શું આવે છે?"
પીએમ મોદીના આ નિવેદન બાદ
ભાજપ-કૉંગ્રેસ સામસામે આવી ગયા હતા. આ અંગે બંને પક્ષો તરફથી પ્રતિક્રિયાઓ આવી
હતી.
હવે પીએમ મોદીએ જે કહ્યું તેના પર
રાહુલ ગાંધીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
રાહુલ ગાંધીએ કહ્યું, “નિયમો અનુસાર, જો તમે કોઈ પુરાવા વિના કંઈક બોલો અથવા
કોઈનું અપમાન કરો તો ભાષણના ભાગોને રેકૉર્ડમાંથી હટાવી શકાય છે. મેં જે કહ્યું,
મેં શાલીનતા અને પુરાવાના આધારે કહ્યું. મને
પુરાવા બતાવવા માટે કહેવામાં આવ્યું છે. આ અંગે મેં સ્પીકરને પુરાવા સાથે જવાબ પણ
લખ્યો છે. પરંતુ મને એવી આશા નથી કે તેઓ મારા શબ્દોને રેકૉર્ડમાં રાખશે."
રાહુલ ગાંધીએ કહ્યું, "સાથે વડા પ્રધાન સીધું મારું અપમાન કરે છે. તેઓ કહે છે કે તમારું નામ
ગાંધી કેમ છે, નહેરુ કેમ નથી. તો દેશના વડા પ્રધાન
સીધું મારું અપમાન કરે છે, પરંતુ સંસદના રેકૉર્ડમાંથી તેમના શબ્દો
હટાવવામાં આવતા નથી. પરંતુ આ બધાથી કોઈ ફરક પડતો નથી કારણ કે સત્ય હંમેશા બહાર આવી
જ જાય છે."
રાહુલ ગાંધી કેરળના પોતાના સંસદીય
ક્ષેત્ર વાયનાડમાં બોલી રહ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, "તમારે બસ એટલું જ કરવાનું છે કે જ્યારે હું બોલતો હતો ત્યારે મારો
ચહેરો જુઓ અને જ્યારે પીએમ બોલતા હતા ત્યારે તેમનો ચહેરો જુઓ. તમે જોશો કે ભાષણ
કરતી વખતે તેઓ કેટલીવાર પાણી પીતા હતા અને જ્યારે પણ તે પાણી પીતા હતા ત્યારે
તેમના હાથ કેવા ધ્રૂજતા હતા. તેઓ એ નથી સમજી રહ્યા કે નરેન્દ્ર મોદી એ છેલ્લી વ્યક્તિ હશે જેનાથી હું ડરીશ."
રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ગૌતમ અદાણી
વચ્ચેના સંબંધો પર સંસદમાં કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. આ પ્રશ્નો અને ભાષણનો આ ભાગ
સંસદના રેકૉર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો.
આ સાથે લોકસભા સચિવાલય તરફથી રાહુલ
ગાંધીને નોટિસ પણ ફટકારવામાં આવી છે.