You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીએ અદાણી અને પીએમ મોદી વિશે હવે શું કહ્યું?
રાહુલ ગાંધી કેરળમાં તેમના સંસદીય મત વિસ્તાર વાયનાડ પહોંચ્યા છે, જ્યાં તેમણે એક જાહેર સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અદાણી વિશે નિવેદન આપ્યું છે
લાઇવ કવરેજ
જ્યારે પ્રેમનો પુરાવો આપવા રાજકુંવરીએ આગમાં કૂદી જીવ આપ્યો
અદાણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે રાહુલ ગાંધીએ હવે શું કહ્યું?
રાહુલ ગાંધી કેરળમાં તેમના સંસદીય મત વિસ્તાર વાયનાડ પહોંચ્યા છે, જ્યાં તેમણે એક જાહેર સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અદાણી વિશે નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મોઢેથી અદાણીનું નામ નથી લેતા.
રાહુલ ગાંધીએ કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભા અને લોકસભામાં પોતાની વાત રજૂ કરે છે, પરંતુ એક વખત પણ તેમના મોઢેથી અદાણીનું નામ નથી લેતા. એનો અર્થ એ છે કે સરકાર આ કાદવમાં ખરાબ રીતે ફસાઈ ગયેલી છે. તપાસથી સરકાર કેમ ભાગી રહી છે."
રાહુલ ગાંધીએ બીજું શું કહ્યું, અહીં વાંચો...
- થોડા દિવસો પહેલાં મેં સંસદમાં અમારા વડા પ્રધાન અને અદાણીના સંબંધ વિશે ભાષણ આપ્યું હતું. મેં અત્યંત વિનમ્ર અને સમ્માનજનક રીતે મારી વાત મૂકી. મેં કોઈ પણ પ્રકારની ખરાબ ભાષાનો ઉપયોગ નહોતો કર્યો, કોઈને અપશબ્દો નહોતા કહ્યા, મેં માત્ર કેટલાક તથ્યોને રજૂ કર્યા.
- મેં માત્ર એ કહ્યું કે અદાણી કેવી રીતે વડા પ્રધાન સાથે વિદેશ યાત્રાઓ કરે છે અને ત્યારબાદ તરત જ આ દેશોમાં તેમને કૉન્ટ્રેક્ટ મળી જાય છે.
- મેં એ દેખાડ્યું કે કેવી રીતે ઍરપૉર્ટ પર આવનારો 30 ટકા ટ્રાફિક અદાણીના નિયંત્રણમાં છે, કારણ કે તેમના વડા પ્રધાન સાથે સંબંધો છે.
- મેં એ કહ્યું કે કેવી રીતે નિયમોને બદલવામાં આવ્યા જેથી અદાણીને એ ઍરપૉર્ટ મળી શકે. પહેલાં જે લોકો પાસે ઍરપૉર્ટના સંચાલનનો અનુભવ નહોતો, તેઓ અરજી નહોતા કરી શકતા. પરંતુ અદાણીને પ્રક્રિયામાં સામેલ કરવા માટે નિયમો બદલવામાં આવ્યા.
- નીતી આયોગ અને અન્ય સંસ્થાઓએ આ બાબતે ટિપ્પણી કરી અને કહ્યું કે તેમને મંજૂરી ન આપવી જોઈએ પરંતુ તેમ છતાં તેમને મંજૂરી આપવામાં આવી.
- શ્રીલંકામાં એક સાર્વજનિક સુનાવણી દરમિયાન એક અધિકારીએ એમ કહ્યું કે વડા પ્રધાન મોદીએ અદાણીને બંદરનો કૉન્ટ્રેક્ટ આપવા માટે દબાણ કર્યું હતું.
- વડા પ્રધાન બાંગ્લાદેશ ગયા તેના થોડા દિવસો બાદ અદાણીને બાંગ્લાદેશમાં વીજળી પૂરી પાડવાનો કૉન્ટ્રેક્ટ મળી જાય છે.
- અદાણી અને વડા પ્રધાન ઑસ્ટ્રેલિયા જાય છે અને ભારતીય સ્ટેટ બૅંક અદાણીને ખાણના પ્રોજેક્ટ માટે એક અબજ ડૉલરની લોન આપી દે છે.
- મારા ભાષણ બાદ મારા ભાષણના મોટાભાગના અંશોને ઍડિટ કરી દેવામાં આ્યા અને તેને સંસદના રેકર્ડમાં નોંધવામાં નથી આવ્યા.
- દરઅસલ અદાણી અને અંબાણીના નામો એક સાથે લેવું વડા પ્રધાનના અપમાન માની લેવામાં આવે છે. પરંતુ તમે વડા પ્રધાન અને તેમની સાથેની તસવીરો ઇંટરનેટ પર જોઈ શકો છો. વડા પ્રધાન અદાણીના વિમાનમાં હસી રહ્યા છે. જ્યારે વડા પ્રધાન કોઈ દેશમાં હોય છે, તો અદાણી કોઈ જાદુથી ત્યાં પહોંચી જાય છે.
- મેં જે કંઈ પણ કહ્યું હતું તે બધું જ ઇંટરનેટ પર ઉપલબ્ધ છે. તમે આ પ્રશ્નો પૂછો અને ગૂગલ પાસેથી તમને બધું જ મળી જશે.
બ્રેકિંગ, હિંડનબર્ગ-અદાણી મામલે તપાસ માટેની સમિતિ પર કેન્દ્રની સહમતી
સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ-અદાણી મામલે સુપ્રીમ કોર્ટની સમિતિની દેખરેખમાં તપાસ કરવા માટે સમહતી આપી દીધી છે.કેન્દ્ર સરકાર આ સમિતિ માટે વિશેષજ્ઞોનાં નામે સૂચવશે.
કેન્દ્ર સરકારે પણ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીના શૅરોની કિંમતમાં થયેલા ધોવાણનાં કારણોની તપાસ અને નિયામકોની ભૂમિકા તપાસવા માટે સમિતિની રચના માટે સહમતી આપી છે.
જોકે, સરકાર તરફથી સૂચવેલાં નામોમાંથી જ સુપ્રીમ કોર્ટ સમિતિની રચના કરે એ અંગે કેન્દ્ર સરકારે ભાર મૂક્યો છે.
સેબી તરફથી રજૂ થતાં ઍડ્વોકેટ જનરલ તુષાર મહેતાએ કહ્યું છે કે સેબી હિંડનબર્ગ રિપોર્ટ બાદની અસરોને પહોંચી વળવા માટે સક્ષમ છે.
બીજી તરફ, કેન્દ્ર સરકારે એ વાત પર સહમતી વ્યક્ત કરી છે કે સુપ્રીમ કોર્ટ રોકાણકારોનાં હિતોની રક્ષા માટે સમિતિની રચના કરી શકે.
ચીફ જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડની બેન્ચે કેન્દ્ર સરકાર સમક્ષ બુધવાર સુધીજવાબ માગ્યો છે અને સુનાવણીની આગામી તારીખ શુક્રવારે નક્કી કરી છે.
બ્રેકિંગ, વિમૅન પ્રિમિયર લીગની હરાજી : કોને મળી કેટલી રકમ?
આ વર્ષથી યોજાઈ રહેલી વિમૅન પ્રિમિયર લીગની હરાજીમાં અત્યાર સુધી ભારતીય મહિલા બૅટર સ્મૃતિ મંધાનાને સૌથી વધુ 3.4 કરોડ રૂપિયાની રકમ મળી છે.એ બાદ દીપ્તી શર્માને 2.6 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યાં છે.
જ્યારે હરમનપ્રિતકોરને મુંબઈ ઇન્ડિયન્સે 1.9 કરોડ રૂપિયામાં અને રેણુકાસિંહને આરસીબીએ 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યાં છે.
તો ઑસ્ટ્રેલિયાનાં ઍલિસ પેરીને આરસીબીએ 1.7 કરોડ રૂપિયામાં ખરીદ્યાં છે. તો ઇંગ્લૅન્ડનાં સોફી ઍક્લેસ્ટોનને UPWએ 1.8 કરોડ રૂપિયા આપ્યા છે.
મહિલા પ્રિમિયર લીગની હરાજી શરૂ, રૂપિયા 3.4 કરોડમાં સ્મૃતિ મંધાના આરસીબીમાં
મહિલા પ્રિમિયર લીગની હરાજી શરૂ થઈ ચૂકી છે. રૂપિયા 3.4 કરોડમાં સ્મૃતિ મંધાના આરસીબી દ્વારા ખરીદવામાં આવ્યાં છે.
ન્યૂઝીલૅન્ડનાં ઑલ રાઉન્ડર સોફી ડેવીનને પણ આરસીબીએ ખરીદ્યાં છે.
મહિલા પ્રિમિયર લીગમાં રમશે આ ટીમ
WPLએટલે મહિલા પ્રિમિયર લીગમાં પાંચ અલગઅલગ ફ્રૅન્ચાઇઝીએ કૂલ 4669 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. અદાણી સ્પોર્ટ્સલાઇન પ્રાઇવેટ લિમિટેડે સૌથી મોંઘી ટીમ અમદાવાદને 1289 રૂપિયામાં ખરીદી છે.
આ સિવાય ઇન્ડિયાવિન સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે મુંબઈને 912.99 કરોડ રૂપિયામાં ખરીદી છે. અને રૉયલ ચૅલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે બેંગલુરુને 901 કરોડ રૂપિયામાં ખરીદી છે
અમદાવાદ, સુરત સહિત 22 સ્માર્ટ સિટી માર્ચમાં તૈયાર થશે, આ શહેરોમાં શું હશે ખાસ?
છેલ્લાં કેટલાક વર્ષોમાં અવારનવાર ચર્ચામાં રહેતો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હવે તેના અંતિમ તબક્કામાં છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ભારતના પ્રથમ 22 સ્માર્ટ સિટી આવતા મહિને એટલે કે માર્ચમાં તૈયાર થઈ જશે.
6 ફેબ્રુઆરીએ, સરકારે સંસદમાં જણાવ્યું હતું કે 7804 પ્રોજેક્ટ્સમાંથી 5246 પ્રોજેક્ટ્સ 27 જાન્યુઆરી સુધી પૂર્ણ થઈ ગયા છે.
આ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવામાં લગભગ 98 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
22 સ્માર્ટ સિટીમાં કયા શહેરો છે?
ભોપાલ
ઈન્દોર
આગ્રા
વારાણસી
ભુવનેશ્વર
ચેન્નાઈ
કોઈમ્બતુર
ઇરોડ
રાંચી
સાલેમ
સુરત
ઉદયપુર
વિશાખાપટ્ટનમ
અમદાવાદ
કાકીનાડ
પુણે
વેલ્લોર
પીંપરી
મદુરાઈ
અમરાવતી
તિરુચિરાપલ્લી
તંજાવૂર
'સ્માર્ટ સિટી' શું છે?
મોદી સરકારે 2014ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન શહેરોને સ્માર્ટ બનાવવા માટે રોકાણની જાહેરાત કરી હતી.
ત્યારબાદ 2015માં 'સ્માર્ટ સિટી સ્કીમ' શરૂ કરવામાં આવી હતી. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે સ્માર્ટ સિટીની કોઈ નિશ્ચિત વ્યાખ્યા નથી. પરંતુ તેમણે પસંદ કરેલા 100 શહેરોમાં રહેતા લોકોના જીવનને સુધારવા માટે ભંડોળ પૂરું પાડવાનું વચન આપ્યું હતું.
સરકારે શહેરોને સ્માર્ટ બનાવવા માટે આધુનિક ટેકનૉલૉજી અને પદ્ધતિઓનો ઉપયોગ કરવાની વાત કરી હતી.
સરકારે દાવો કર્યો હતો કે આ 100 શહેરોમાં માત્ર વીજળી અને ઊર્જા કાર્યક્ષમ ઇમારતો જ નહીં, પરંતુ ગટર, પાણી, કચરા અને ટ્રાફિક જેવી પાયાની સમસ્યાઓનો સામનો કરવા માટે નવી તકનીકનો ઉપયોગ કરવામાં આવશે.
અદાણીએ એફપીઓ કેમ રદ કર્યો? નિર્મલા સીતારમણને માહિતી આપી
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ થોડા દિવસો પહેલાં તેમનો રૂ. 20,000 કરોડનો એફપીઓ રદ કર્યો હતો.
હવે સિક્યોરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા એટલે કે સેબી આ મામલે તેની તપાસ વિશે માહિતી આપશે.
આ મામલાને લગતા બે સૂત્રોએ ન્યૂઝ એજન્સી રૉયટર્સને આ વાત જણાવી છે.
એક સૂત્રએ નામ ન આપવાની શરતે રૉયટર્સને જણાવ્યું હતું કે સેબી બોર્ડ 15 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણને મળશે.
સેબી બોર્ડ સીતારમણને અદાણી સાથે સંબંધિત તાજેતરના ઘટનાક્રમ વિશે પણ જાણ કરશે.
ગૌતમ અદાણી 24 જાન્યુઆરીથી સતત ચર્ચામાં છે.
24 જાન્યુઆરીએ અમેરિકન રિસર્ચ કંપની હિંડનબર્ગે અદાણી પર એક રિપોર્ટ પ્રકાશિત કરીને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા.
અદાણી જૂથે આ આરોપોને ફગાવી દીધા હતા. પરંતુ રિપોર્ટ આવ્યા બાદ અદાણીને માર્કેટમાંથી અનેક આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે અદાણી ગ્રૂપે અચાનક જ તેનો એફપીઓ રદ કરી દીધો હતો.
પાકિસ્તાન હાર્યું પણ ભારતનાં શફાલી વર્માને આઉટ કરનાર બાઉન્ડ્રી પરની એ છલાંગે દિલ જીતી લીધાં
અમેરિકાએ ફરી તોડી પાડ્યું ફ્લાઇંગ ઑબ્જેક્ટ, એક મહિનામાં ચોથી ઘટના
અમેરિકાએ ફરી એક ઊડતા ફ્લાઇંગ ઑબ્જેક્ટને તોડી પાડ્યું અમેરિકન ફાઈટર જેટ્સે તેમના દેશની સીમામાં બીજી ફ્લાઇંગ ઑબ્જેક્ટ એટલે કે ઊડતી વસ્તુને તોડી પાડી છે.
છેલ્લા અઠવાડિયામાં આવું ચોથી વખત બન્યું છે કે અમેરિકાએ દેશના આકાશમાં દેખાતી ઊડતી વસ્તુને તોડી પાડી હોય.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને આ આદેશ આપ્યો હતો, ત્યારબાદ ફાઇટર જેટ્સે સોમવારે વહેલી સવારે કૅનેડાની સરહદ પાસે લેક હયૂરનમાં આ ઊડતી વસ્તુને તોડી પાડી હતી.
અમેરિકાએ કહ્યું કે 20,000 ફૂટની ઊંચાઈ પર આ ઑબ્જેક્ટને કૉમર્શિયલ હવાઈ ટ્રાફિકમાં અવરોધ પેદા કરી શકે તેમ હતું.
આવું જ એક ફ્લાઇંગ ઑબ્જેક્ટ શનિવારે મોન્ટાના નજીક પણ જોવા મળ્યો હતો. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વસ્તુ માનવરહિત હતી અને તેનાથી કોઈ સૈન્ય ખતરો ન હતો. આ ઑબ્જેક્ટને F-16 ફાઈટર જેટ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે.
આ પહેલાં 4 ફેબ્રુઆરીએ અમેરિકાના આકાશમાં એક બલૂન જોવા મળ્યું હતું, જેને અમેરિકી સરકારે ચીનનું જાસૂસી બલૂન ગણાવ્યું હતું. આ બલૂન અંગે ચીને કહ્યું હતું કે આ બલૂન હવામાનની માહિતી એકત્ર કરવા માટે મોકલવામાં આવ્યું હતું, જે તેના માર્ગ પરથી ભટકી ગયું હતું.
બલૂન મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી ગયો હતો અને યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને ચીનની મુલાકાત પણ રદ કરી દીધી હતી. પ્રારંભિક નિરીક્ષણ બાદ અમેરિકાએ આ બલૂનને પણ નિશાન બનાવીને તોડી પાડ્યું હતું.
આ ઘટના સામે આવ્યા બાદ પણ આવા ત્રણ વધુ પ્રસંગો બન્યા જેમાં આકાશમાં દેખાતા ઑબ્જેક્ટને અમેરિકાએ તેના જ દેશમાં તોડી પાડ્યું. જોકે અધિકારીઓએ હજુ સુધી એ નથી જણાવ્યું કે આ ઑબ્જેક્ટ ક્યાંથી આવ્યું અને તેનો હેતુ શું હતો? આ જાણવા માટે અમેરિકા અને કૅનેડા બંને કામ કરી રહ્યા છે.
નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
12 ફેબ્રુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.