ભારતે ન્યૂઝીલૅન્ડને હરાવીને 3-0થી શ્રેણી જીતી લીધી, વનડે રૅન્કિંગમાં નંબર વન
ઈન્દોરમાં રમાયેલી ત્રીજી વનડેમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 90 રને હરાવી દીધું છે. આ સાથે જ ભારતે આ વનડે શ્રેણી 3-0થી કબજે કરી લીધી છે.
ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે નવ વિકેટે 385 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની આખી ટીમ 41.2 ઓવરમાં 295 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
ન્યૂઝીલૅન્ડ તરફથી ઓપનર ડેવોન કોનવેએ સૌથી વધુ 138 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે બે વિકેટ લીધી હતી.
આ મેચ પહેલા ભારતે બંને મેચ જીતી હતી.
ત્રીજી વનડે મૅચમાં ભારતના બંને ઓપનર રોહિત શર્મા અને શુભમન ગીલે સદી ફટકારી હતી.
ઈન્દોરના હૉલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી વનડેમાં ટૉસ જીતીને ન્યુઝીલૅન્ડે ફિલ્ડીંગ પસંદ કરી હતી.
ભારત તરફથી બૅટિંગ માટે ઉતરેલા રોહિત શર્મા અને શુભમન ગીલ બંનેએ સદી ફટકારી હતી. બંને વચ્ચે 212 રનની ભાગીદારી નોંધાઈ હતી.
26.1 ઓવર પર રોહિત શર્મા 85 બૉલમાં 101 રન બનાવીને આઉટ થયા હતા.
તેમણે તેમની ઝડપી ઈનિંગમાં 9 ચોગ્ગા અને 6 ચગ્ગા ફટકાર્યા હતા.
જ્યારે શુભમન ગીલે તેમના આક્રમક તેવરને જાળવી રાખતા 78 બૉલમાં 112 રન ફટકારીને આઉટ થયા હતા.
શુભમન ગીલે તેમની તોફાની ઈનિંગમાં 13 ચોગ્ગા અને 5 ચગ્ગા ફટકાર્યા હતા.
આ જીત સાથે ભારત આવતા સપ્તાહે જાહેર થનારા રૅન્કિંગમાં નંબર વન પર પહોંચી જશે. ઈંગ્લૅન્ડ હવે બીજા સ્થાને સરકી જશે. આ સાથે જ ઑસ્ટ્રેલિયા ત્રીજા નંબરે અને ન્યૂઝીલૅન્ડ ચોથા નંબર પર પહોંચી જશે.
ટી20માં ભારત પહેલાથી જ નંબર વન રૅન્ક પર છે.
આઈસીસી દ્વારા 21 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલા વનડે રૅન્કિંગમાં ઈંગ્લૅન્ડ 113 રેટિંગ સાથે નંબર વન પર હતું. જો કે, એટલા જ રેટિંગ સાથે ન્યૂઝીલૅન્ડ બીજા અને ભારત ત્રીજા સ્થાને છે.
આઈસીસી દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે ટ્વીટ કરાયું છે. તેમાં લખ્યું હતું, "પુરુષોની વનડે ટીમ રૅન્કિંગમાં નવી નંબર 1 ટીમ."