You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

'ફેક ન્યૂઝ' સામેના સરકારના પ્રસ્તાવ પર એનબીડીએને શું વાંધો છે?

એનબીડીએ દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રસ્તાવમાં "કેન્દ્ર સરકાર અને તેના વિભાગ"ને સંબંધિત જે બાબતો લખવામાં આવી છે તેનાથી સરકાર અને તેમની નીતિઓની ટીકા અને વિશ્લેષણને દબાવી શકાશે.

લાઇવ કવરેજ

  1. એ મહિલા પોલીસ અધિકારી જેઓ મૉડલ બની ગયાં

  2. 'ફેક ન્યૂઝ' સામેના સરકારના પ્રસ્તાવ પર એનબીડીએને શું વાંધો છે?

    ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિજિટલ ઍસોસિયેશન (એનબીડીએ)એ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 'ફેક ન્યૂઝ સાથે કામ કરવા' માટે જારી કરાયેલા નવા પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવ્યો છે. એનબીડીએ દ્વારા આ પ્રસ્તાવને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કલમ 19(1) વિરુદ્ધ ગણાવ્યો છે.

    એનબીડીએ દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે નિયમોમાં સંશોધન "પીઆઈબીઅને કેન્દ્ર સરકારને તપાસ વિના જ ડિજિટલ સમાચાર સામગ્રીને નિયંત્રિત કરવાની સત્તા આપશે. પીઆઈબી અને 'કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય એજન્સીઓ'ને 'ફેક ન્યૂઝ' સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવા માટે નિર્દેશ આપવાની સત્તા આપવી એ ગંભીર ચિંતાનો વિષય છે.

    "એવું જોવામાં આવ્યું છે કે આવા ચેક અને બૅલેન્સ વિના સરકારને આટલી સત્તા આપવાથી લોકશાહીના ચોથા સ્તંભને દબાવી શકાય છે અને તેની મીડિયા પર ખૂબ જ ખરાબ અસર પડશે."

    એનબીડીએ દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રસ્તાવમાં "કેન્દ્ર સરકાર અને તેના વિભાગ"ને સંબંધિત જે બાબતો લખવામાં આવી છે તેનાથી સરકાર અને તેમની નીતિઓની ટીકા અને વિશ્લેષણને દબાવી શકાશે.

    દેશમાં સમાચાર માધ્યમોનું નિયમન કરવા માટે પૂરતા નિયમો, કાયદાઓ અને નિયમનકારી સંસ્થાઓ છે. એટલા માટે આ સુધારો કેન્દ્ર સરકારને નિયમનની વધારે પડતી સત્તા આપી દેશે, જેની ન તો જરૂર છે કે ન તો તે સ્વીકાર્ય હશે. બંધારણમાં આ પ્રકારની સેન્સરશીપનો ઉલ્લેખ નથી.

    અગાઉ, એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા સહિતના બૌદ્ધિકોએ આ પ્રસ્તાવ સામે પોતાનો વાંધો નોંધાવ્યો છે અને તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.

    પ્રસ્તાવમાં શું શું છે?

    પીઆઈબી દ્વારા કોઈપણ સમાચારને ફેક ગણાવાયા તો તે સમાચાર હઠાવવા પડશે.

    જો સરકાર સાથે સંબંધિત સંસ્થાએ કોઈ સામગ્રી ભ્રામક કહી તો તેને ઑનલાઈન પ્લેટફૉર્મ પરથી હઠાવી દેવાશે.

    પીઆઈબીએ ફેક ન્યૂઝ ગણાવ્યા તો ઈન્ટરનેટ પ્રોવાઈડર્સે પણ લિંક હઠાવવી પડશે

    ફેસબુક, ટ્વિટર, યૂટ્યુબ જેવા પ્લેટફોર્મ પર પણ આવા સમાચાર જોવા મળશે નહીં.

    નિષ્ણાતોના મતે, પીઆઈબીને જે સત્તા આપવામાં આવી રહી છે, તે આઈટી ઍક્ટ 2000ની કલમ 69A હેઠળ આવે છે.

    પ્રસ્તાવમાં કોઈ સ્પષ્ટતા નથી કે કોને ફેક ગણવામાં આવશે અને કોને નહીં?

  3. સ્વસ્થ રહેવા માટે કઈ ઉંમરમાં કેવું ભોજન લેવું જોઈએ?

  4. 'પૃથ્વીની બધી સમસ્યાઓ હલ થઈ જશે જો...' ગૌહત્યા પર તાપીની કોર્ટે શું કહ્યું?

    કાનૂની સમાચાર વેબસાઇટ લાઇવ લૉના એક અહેવાલ અનુસાર, ગુજરાતની કોર્ટે ગૌમાંસને ગેરકાયદે લઈ જવાના આરોપમાં એક વ્યક્તિને આજીવનકેદની સજા સંભળાવતા એક ટિપ્પણી કરી છે.

    કાનૂની સમાચાર વેબસાઇટ લાઇવ લૉએ તાપી જિલ્લા અદાલતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશે આપેલા આદેશના હવાલાથી કહ્યું કે "જો ગૌહત્યા બંધ કરી દેવાય તો પૃથ્વીની બધી સમસ્યાઓનો અંત આવી જશે."

    સમીર વિનોદચંદ્ર વ્યાસે એ પણ કહ્યું કે "ગાયના ગોબરથી બનેલાં ઘર પરમાણુ વિકિરણથી પ્રભાવિત થતાં નથી" અને ગૌમૂત્રનો ઉપયોગ "અનેક અસાધ્ય બીમારીનો ઈલાજ" છે.

    ન્યાયધીશે દાવો કર્યો કે "વિજ્ઞાને સાબિત કરી દીધું છે કે ગાયના ગોબરથી બનેલાં ઘર પરમાણુ વિકિરણથી પ્રભાવિત થતાં નથી."

    અહેવાલમાં કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    ચુકાદામાં લખવામાં આવ્યું કે "ગાય માત્ર એક પ્રાણી નથી, પણ એક માતા છે. એક ગાય 68 કરોડ પવિત્ર સ્થાન અને 33 કરોડ દેવતાઓનો હરતોફરતો વિગ્રહ છે. આખા બ્રહ્માંડમાં એક ગાયનું દાયિત્વ વર્ણનથી પરે છે. જે દિવસે ગાયના લોહીનું એક ટીપું પણ ધરતી પર નહીં પડે તે દિવસે તમામ સમસ્યાઓનો નિકાલ થઈ જશે અને વિશ્વનું કલ્યાણ થઈ જશે.

    કોર્ટે વિવિધ સંસ્કૃત શ્લોક ટાંકીને કહ્યું કે "જો ગાયને દુખી રાખવામાં આવે તો આપણું ધન અને સંપત્તિ ગાયબ થઈ જાય છે."

    "આજના યુગમાં રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારિત ખેતીનું ખૂબ ચલણ છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલા ધાન્ય અનેક રોગો સામે રક્ષણ આપે છે. તેથી આજના સમયમાં ગાયની તાતી જરૂરિયાત છે તેવા સમયે ગાયની ગેરકાયદેસર હેરાફેરી તથા કતલ થાય તે ખૂબ જ દુ:ખની વાત છે."

  5. રામચરિતમાનસ પર સપા નેતા સ્વામીપ્રસાદ મૌર્યે કહ્યું કે કેટલાક ભાગો પર પ્રતિબંધ મૂકવો જોઈએ

    છેલ્લા કેટલાક દિવસોથી રામચરિતમાનસની ચર્ચામાં વધુ એક નામ ઉમેરાયું છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યું છે કે રામચરિતમાનસ બકવાસ છે, તેના કેટલાક ભાગો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

    તેમણે કહ્યું કે આનાથી પછાત, દલિતવર્ગોની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે.

    એક ટેલિવિઝન ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વામીપ્રસાદ મૌર્યે કહ્યું, "અમે તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ. પરંતુ ધર્મના નામે કોઈ વર્ગને અપમાનિત કરવા માટે કંઈક કહેવામાં આવે તો તે વાંધાજનક છે."

    "રામચરિતમાનસના કેટલાક અંશો એવા છે જેના પર મને વાંધો હતો અને આજે હું ફરી કહું છું. કોઈ પણ ધર્મમાં કોઈને ગાળ દેવાનો હક નથી. તુલસીદાસના રામચરિતમાનસમાં એક ચોપાઈ- જે બરનાધામ તેલી કુમ્હારા, સ્વપચ કિરાત કોલ કલવારા- આમાં સીધેસીધું જાતિનું નામ લઈને તેને અધમ જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

    મૌર્યે કહ્યું કે "ધર્મનો ખરો અર્થ માનવતાનું કલ્યાણ અને તેની શક્તિથી છે. જો રામચરિતમાનસની કેટલીક પંક્તિના કારણે સમાજના એક વર્ગનું જાતિ, વર્ગ અને વર્ગના આધારે અપમાન થાય છે તો તે ચોક્કસપણે ધર્મ નહીં પણ અધર્મ છે."

    "તેનાથી આ જાતિઓના લાખો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. જો તુલસીદાસના રામચરિતમાનસ પર વાદવિવાદ કરવો કોઈ ધર્મનું અપમાન છે, તો પછી ધર્મગુરુઓને અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, અન્ય પછાતવર્ગો અને મહિલાઓની ચિંતા કેમ નથી થતી? શું આ વર્ગ હિંદુ નથી?

    તેમણે કહ્યું કે રામચરિતમાનસના જાતિ-વર્ગ અને વર્ણના આધારે સમાજના એક વર્ગનું અપમાન કરે છે તેવા વાંધાજનક ભાગો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

    અપર્ણા યાદવની પ્રતિક્રિયા

    સ્વામીપ્રસાદના નિવેદન પર ભાજપનાં નેતા અપર્ણા યાદવે પ્રતિક્રિયા આપી છે.

    અપર્ણા યાદવે કહ્યું કે "રામે શબરીનાં એઠાં બોર ખાઈને જાતિનાં બંધનો તોડી નાખ્યાં અને સતયુગમાં એક ઉત્તમ દાખલો બેસાડ્યો. રામ ભારતનું ચરિત્ર છે. રામ કોઈ એક ધર્મ કે સમાજના નથી. આજે પણ ભારતમાં એવું કહેવાય છે કે દીકરો હોય તો રામ જેવો. આવું નિવેદન પોતાની રાજનીતિને જમાવવા માટે જેણે પણ આપ્યું હોય તે પોતાનું ચરિત્ર બતાવે છે."

    ઉલ્લેખનીય છે કે બિહારના શિક્ષણમંત્રી ચંદ્રશેખરે તાજેતરમાં રામચરિતમાનસ વિશે કહ્યું હતું કે તે સમાજમાં નફરત ફેલાવે છે. તેમના આ નિવેદન બાદ વિવાદ થઈ રહ્યો છે.

  6. મોરબી પુલ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલ સામે વૉરન્ટ

    મોરબીમાં પુલ દુર્ઘટનામાં આશરે 140 લોકોનાં મૃત્યુના મહિનાઓ બાદ ગુજરાત પોલીસે ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલ સામે ધરપકડનું વૉરન્ટ બહાર પાડ્યું છે.

    ધ હિંદુ અખબાર લખે છે કે જયસુખ પટેલ ઓરેવા ગ્રૂપના પ્રમોટર છે. દુર્ઘટનાગ્રસ્ત થયેલો પુલ સમારકામ અને રખરખાવ માટે મોરબીના ઓરેવા ગ્રૂપને સોંપવામાં આવ્યો હતો.

    રવિવારે પોલીસે જયસુખ પટેલ સામે વૉરન્ટ બહાર પાડ્યું હતું.

    પોલીસે તેમની સામે લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યો છે. 29 ઑક્ટોબર 2022ના પુલ દુર્ઘટના બાદ ઓરેવા ગ્રૂપના કર્મચારીઓ સહિત અન્યો સામે કેસ નોંધાયો હતો. પરંતુ જયસુખ પટેલ સામે કાર્યવાહી નહોતી થઈ.

    આ દરમિયાન જયસુખ પટેલે ધરપકડની આશંકાને જોતા સ્થાનિક અદાલયમાં આગોતરા જામીનની અરજી કરી હતી. અદાલતે તેની પર એક ફેબ્રુઆરીએ સુનાવણી કરવાનું નક્કી કર્યું હતું.

    વાંચો - ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની કહાણી

  7. પાકિસ્તાનમાં વીજળી ઠપ, સપ્લાયમાં મોટી ખરાબી

    પાકિસ્તાનમાં સોમવાર સવારથી વીજળી વ્યવસ્થા ઠપ છે.

    ઊર્જા મંત્રાલયનું કહેવું છે કે શરૂઆતના રિપોર્ટ અનુસાર આજ સવારે 7.34 વાગ્યે નેશનલ ગ્રિડની સિસ્ટમ ફ્રિક્વન્સી ઓછી થઈ ગઈ, જેમાં વીજવ્યવસ્થામાં વ્યાપક ખરાબી આવી છે.

    ઇસ્લામાબાદ ઇલેક્ટિક સપ્લાય કંપની એટલે ઇસ્કો અનુસાર 117 ગ્રિડ સ્ટેશનોમાં વીજઆપૂર્તિ રોકવામાં આવી છે.

    વીજળી આપૂર્તિ કંપનીએ ટ્વીટ કરીને કહ્યું કે રીજન કંટ્રોલ સેન્ટર તરફથી અત્યાર સુધી કોઈ સ્પષ્ટ કારણ નથી જણાવવામાં આવ્યું, ઇસ્કો પ્રબંધન સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ.

  8. દિલ્હીની પરેડમાં ગુજરાતની 'ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત' વિષય આધારિત ઝાંખી

    દિલ્હીમાં 26 જાન્યુઆરીએ યોજાનારા પરેડમાં કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમ દર્શાવતી ઝાંખી રજૂ કરાશે.

    ઝાંખીનાં મુખ્ય આકર્ષણોમાં કચ્છમાં આકાર લઈ રહેલા વિશ્વના સૌથી વિશાળ હાઈબ્રિડ રિન્યુએબલ ઍનર્જી પાર્ક, દેશનું સૌપ્રથમ 24x7 સૉલારઊર્જા મેળવતું મોઢેરા ગામ, PM-KUSUM યોજના થકી ખેડૂતોની ખુશહાલી અને કૅનાલ રૂફટૉપથી થતા સૌરઊર્જાનું ઉત્પાદન રહેશે.

    ગુજરાતની આ ઝાંખીને 'ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત' એવું નામ આપવામાં આવ્યું છે.

    આ ઝાંખીનો સંદેશ દેશ અને દુનિયાને પુનઃપ્રાપ્ય ઊર્જાસ્રોતોના પ્રયોગથી હરિત અને શુદ્ધ ઊર્જાનું નિર્માણ કરીને આત્મનનિર્ભર બનાવાનો છે.

    ઉલ્લેખનીય છે કે ભારત 15 ઑગસ્ટ, 1947માં આઝાદ થયું હતું અને 26 જાન્યુઆરી, 1950માં બંધારણને અપનાવાયું હતું, જે અંતર્ગત ભારતને એક લોકતાંત્રિક, સંપ્રભુ અને ગણતંત્ર દેશ ઘોષિત કરાયો હતો.

    આથી દર વર્ષે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાતા પ્રજાસત્તાક દિવસે પરેડ પણ યોજાય છે. આ દિવસે દેશનાં અલગઅલગ રાજ્યો પોતાની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને દર્શાવતી ઝાંખીઓ રજૂ કરે છે.

  9. અમેરિકામાં ગોળીબારમાં 10 લોકોનાં મૃત્યુ, શંકાસ્પદના મોતની પુષ્ટિ

    અમેરિકાના કૅલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં વેપારના સ્થળે થયેલી ગોળીબારની ઘટનામાં 10 લોકોનાં મૃત્યુ થયાં છે અને પોલીસે શંકાસ્પદ બંદૂકધારીના મોતની પુષ્ટિ કરી છે.

    લૉસ એન્જલસ કાઉન્ટી શેરિફના વિભાગે જણાવ્યું છે કે આ ગોળીબારના શકમંદ પુરુષ હતા, જેમની ઉંમર 72 વર્ષની હતા.

    પોલીસનું કહેવું છે કે થોડા કલાકો પહેલાં જ્યારે ટોરેન્સ પોલીસ અધિકારીઓએ સફેદ વાન ઘેરી લીધી હતી, એ સમયે તેમણે (શંકાસ્પદ પુરુષ) જાતે ગોળી મારીને પોતાનો જીવ લઈ લીધો છે.

    એરિયલ ફૂટેજમાં જોઈ શકાય છે કે સફેદ વાનને ત્રણ સશસ્ત્ર વાહનોએ ઘેરી લીધી હતી.

    દસ ભારે સશસ્ત્ર અધિકારીઓ કાર પાસે પહોંચ્યા હતા અને કારનો દરવાજો તોડી નાખ્યો હતો.

    નોંધનીય છે કે મોન્ટેરી પાર્ક લ્યુનાર ન્યૂ યર ફેસ્ટિવલ માટે શહેરમાં અગાઉ હજારો લોકો એકત્રિત થયા હતા.

    આ શહેર લૉસ એન્જલસના પૂર્વમાં 13 કિલોમીટરના અંતરે આવેલું છે.

  10. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    22 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.