You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હૉકી વર્લ્ડકપ : રોમાંચક મુકાબલા બાદ ભારત ન્યૂઝીલૅન્ડ સામે હાર્યું
હૉકી વર્લ્ડકપની ક્રૉસ ઓવર મૅચમાં ભારત ન્યૂઝીલૅન્ડ સામે રોમાંચક મુકાબલામાં હારીને બહાર થઈ ગયું છે.
લાઇવ કવરેજ
હૉકી વર્લ્ડકપ : રોમાંચક મુકાબલા બાદ ભારત ન્યૂઝીલૅન્ડ સામે હાર્યું, વાત્સલ્ય રાય, બીબીસી સંવાદદાતા, ભુવનેશ્વરથી
હૉકી વર્લ્ડકપની ક્રૉસ ઓવર મૅચમાં ભારત ન્યૂઝીલૅન્ડ સામે રોમાંચક મુકાબલામાં હારીને બહાર થઈ ગયું છે.
ત્યાર બાદ સડન ડેથ શરૂ થઈ, જેમાં ન્યૂઝીલૅન્ડે ભારતને 5-4થી હરાવી દીધું છે.
ચોથા ક્વાર્ટર બાદ બંને ટીમો 3-3 ગોલ પર બરાબર રહી હતી. બાદમાં મૅચનો નિર્ણય પેનાલ્ટી શૂટઆઉટથી થયો હતો.
ભારત તરફથી પહેલો ગોલ લલિત ઉપાધ્યાય, બીજો ગોલ સુખજિત અને ત્રીજો ગોલ વરુણકુમારે કર્યો હતો.
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 44 મૅચ રમાઈ છે, જેમાં ભારતે 24 જીતી છે, તો ન્યૂઝીલૅન્ડે 15 મૅચ જીતી છે.
શાકાહારી ભોજન શું દુનિયાને બચાવી શકે છે?
તુર્કીના દૂતાવાસ બહાર કુરાન સળગાવવા મુદ્દે સ્વીડનના વડા પ્રધાન શું બોલ્યા?
સ્ટૉકહોમમાં તુર્કીના દૂતાવાસની બહાર કુરાન સળગાવવાની ઘટના પર સ્વીડનના વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને પ્રતિક્રિયા આપી છે.
પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક નિવેદનમાં તેમણે આ ઘટનાને 'શરમજનક' ગણાવી અને કહ્યું કે તેઓ આ ઘટનાથી દુઃખી થયેલા મુસ્લિમોની સાથે છે.
તેમણે કહ્યું, "અભિવ્યક્તિની આઝાદી એ લોકશાહીનો મૂળભૂત ભાગ છે. પરંતુ કોઈ બાબત કાયદેસર હોય તો એને અર્થ એ પણ નથી કે તે ન્યાયી હોય. અનેક લોકો માટે પવિત્ર હોય એવા પુસ્તકનું સળગાવવું એ એક અપમાનજનક બાબત છે."
"સ્ટૉકહોમમાં જે થયું એનાથી દુખી થયેલા તમામ મુસ્લિમો પ્રત્યે મારી સંવેદના છે."
તુર્કીએ શુક્રવારે સ્વીડનના સંરક્ષણમંત્રી પોલ જૉન્સનની પ્રસ્તાવિત મુલાકાત પણ રદ કરી દીધી છે. તુર્કીમાં એ વાતથી પણ લોકોમાં ગુસ્સો છે કે સ્વીડને આ ઘટનાને બનતી રોકવાનો પ્રયાસ ન કર્યો.
બીજી તરફ સ્વીડને કહ્યું છે કે તે તુર્કી સાથેના પોતાના સંબંધોને મહત્ત્વ આપે છે. વિદેશમંત્રીની અંકારાયાત્રા સ્ટૉકહોમમાં મુસ્લિમવિરોધી વિરોધને જોતા રદ કરવામાં આવી છે. તુર્કી અને સ્વીડન બંનેની સરકારો કુરાન સળગાવવાની બાબતની સખત નિંદા કરે છે.
સ્વીડનના સંરક્ષણમંત્રી પોલ જોન્સને કહ્યું છે કે તેઓ સુરક્ષા સહયોગના મુદ્દે તુર્કી સાથે વાતચીત કરવા આતુર છે.
સવારે વહેલા ઊઠવાથી ખરેખર લાભ થાય છે કે ઊલટાનું નુકસાન? તમારે શું કરવું જોઈએ?
બ્રેકિંગ, લોસ એન્જલસમાં ગોળીબારમાં નવનાં મૃત્યુ, એશિયન બહુમતીવાળા વિસ્તારમાં બની ઘટના
પોલીસે જણાવ્યું હતું કે અમેરિકાના કૅલિફોર્નિયા શહેરના મોન્ટેરી પાર્કમાં વેપારના સ્થળે થયેલ ગોળીબારની ઘટનામાં નવ લોકોનાં મૃત્યુ થયાં છે.
રવિવારે સવારે 11 વાગ્યે 50 મિનિટે (ભારતીય સમયાનુસાર) આ ઘટના બની હતી.
નોંધનીય છે કે મોન્ટેરી પાર્ક લ્યુનાર ન્યૂ યર ફેસ્ટિવલ માટે શહેરમાં અગાઉ હજારો લોકો એકત્રિત થયા હતા.
હજુ સુધી ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તે અંગે પોલીસે કંઈ કહ્યું નથી. આ સિવાય આ ઘટના સંદર્ભે કોઈ ધરપકડ થઈ હોવાની વાત અંગે પણ પોલીસે કંઈ જણાવ્યું નથી.
લોસ એન્જલસ કાઉન્ટી શેરિફના વિભાગે જણાવ્યું છે કે આ ગોળીબારના શકમંદ પુરુષ છે.
સોશિયલ મીડિયા પર જોવા મળી રહેલા વીડિયોમાં શહેરમાં પોલીસની ભારે સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે, નોંધનીય છે કે આ શહેર લોસ એન્જલસના પૂર્વમાં 13 કિલોમીટરના અંતરે આવેલું છે.
આ ઘટનાના સાક્ષીએ લોસ એન્જલસ ટાઇમ્સને જણાવ્યું હતું કે ત્રણ લોકો તેમના રેસ્ટોરાંમાં દોડી આવ્યા અને તેમને દરવાજો બંધ કરવા કહ્યું કારણ કે વિસ્તારમાં મશીનગનવાળી એક વ્યક્તિ હતી.
મોન્ટેરી પાર્કની વસતિ 60 હજારની છે, ત્યાં મોટા ભાગે એશિયન લોકો રહે છે.
વાર્ષિક લ્યુનાર ન્યૂ યર ફેસ્ટિવલ એ સપ્તાહના અંતે યોજાતો એક ઉત્સવ છે જ્યાં અગાઉ એક લાખ કરતાં વધુ મુલાકાતીઓ આવ્યા હતા.
યુએસના સમય અનુસાર શનિવારે રાત્રે ઉત્સવનો આ કાર્યક્રમ સ્થાનિક સમય અનુસાર નવ વાગ્યે પૂરો થવાનો હતો.
આ એક બ્રેકિંગ ન્યૂઝ છે જે સતત અપડેટ થતા રહેશે.
બ્રેકિંગ, શાહરુખ ખાને આસામના મુખ્ય મંત્રીને રાત્રે બે વાગ્યે કેમ ફોન કર્યો?
આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાને તેમની ફિલ્મ ‘પઠાન’ની રિલીઝને લઈને તેમને ફોન કર્યો હતો.
તેમણે ટ્વિટર પર જણાવ્યું છે કે બોલીવૂડના કિંગ ખાન કહેવાતા શાહરુખે તેમને રાત્રે બે વાગ્યે ફોન કર્યો હતો.
હિમંત બિસ્વા સરમાએ ટ્વિટર પર લખ્યું છે કે, “બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાને મને ફોન કર્યો હતો અને અમારી આજે સવારે બે વાગ્યે વાતચીત થઈ. તેમણે ગુવાહાટીમાં ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન થયેલ એક ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી. મેં તેમને ભરોસો અપાવ્યો કે કાયદા અને વ્યવસ્થાની જાળવણી એ રાજ્ય સરકારની જવાબદારી છે. અમે આ ઘટનાની તપાસ કરીશું અને સુનિશ્ચિત કરીશું કે આવી અપ્રિય ઘટનાઓ ફરી વાર ન થાય.”
શનિવારે ગુવાહાટીમાં પત્રકારોએ જ્યારે મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાને પૂછ્યું કે બજરંગ દળના કાર્યકર્તા ફિલ્મને લઈને હિંસક વિરોધપ્રદર્શન કરી રહ્યા છે તો તેમણે કહ્યું, “શાહરુખ ખાન કોણ છે? હું ના તેમના વિશે કે ના તેમની ફિલ્મ પઠાન વિશે કંઈ જાણું છું.”
શુક્રવારે ગુવાહાટીમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ ફિલ્મ ‘પઠાન’ના વિરોધમાં નારંગી થિયેટરમાં તોડફોડ કરી, જ્યાં ફિલ્મનો શો યોજાવાનો હતો. કાર્યકર્તાઓએ ફિલ્મનાં પોસ્ટર ફાડીને બાળી નાખ્યાં.
મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે, “ખઆને મને ફોન નથી કર્યો, જોકે બોલીવૂડના ઘણો લોકો સમસ્યા સંદર્ભે આવું કરે છે. જો તેઓ (શાહરુખ ખાન) ફોન કરે તો હું આ મામલાને જોઈશ. જો કાયદા અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરાયું છે તો મામલો દાખલ કરવાની કાર્યવાહી કરાશે.”
સુરેન્દ્રનગરની વઢવાણી બાંધણી આટલી ખાસ કેમ છે?
યૂટ્યૂબ અને ટ્વિટરને બીબીસી ડૉક્યૂમૅન્ટરી બ્લૉક કરવાનો નિર્દેશ
ઇન્ડિયન એક્સ્પ્રેસના એક સમાચાર અનુસાર કેન્દ્ર સરકારે યૂટ્યૂબ અને ટ્વિટરને બીબીસીની ડૉક્યૂમૅન્ટરી ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ શૅર કરનારી લિંકને હઠાવી લેવાનો નિર્દેશ આપ્યો છે.
અખબારે અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે, આ ડૉક્યૂમૅન્ટરીથી ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાને નીચી દેખાડવાની કોશિશ કરવામાં આવી છે અને તેનો વિપરીત પ્રભાવ જોવા મળી શકે છે.
અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે, આ ‘ડૉક્યૂમૅન્ટરીથી દુનિયાના અન્ય દેશો સાથેના મિત્રતાભર્યા સંબંધો પ્રભાવિત’ થઈ શકે છે.
ઇન્ડિયન એક્સ્પ્રેસ અનુસાર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓએ શુક્રવારે યૂટ્યૂબને ડૉક્યૂમૅન્ટરીના પ્રથમ એપિસોડની લિંકને બ્લૉક કરવા જણાવ્યું છે. જ્યારે ટ્વિટરને આ એપિસોડના લિંકને શૅર કરનારા 50 થી વધુ ટ્વિટ હઠાવવા જણાવ્યું છે.
સરકારના આ નિર્ણયને વિપક્ષના રાજકીય દળોએ સેંસરશિપ ગણાવ્યો છે. કૉંગ્રેસ પાર્ટીના કૉમ્યુનિકેશન પ્રભારી જયરામ રમેશે ટ્વીટ કર્યું છે કે આ સેંસરશિપ છે. તૃણમૂલ કૉંગ્રેસના સંસદ સભ્ય ડેરેક ઓબ્રાયને પણ આ બાબતે ટ્વીટ કર્યું છે, જ્યારે મહુઆ મોઇત્રાએ ટ્વીટ કર્યું છે કે, સરકાર કોઈપણ રીતે એ સુનિશ્ચિત કરવા માગે છે કે એક પણ માણસ આ ડૉક્યૂમૅન્ટરીને ન જુએ.
બીબીસીએ બે એપિસોડની એક ડૉક્યુમૅન્ટરી બનાવી છે, જેનું નામ છે – ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન.
તેનો પ્રથમ એપિસોડ 17 જાન્યુઆરીએ બ્રિટનમાં પ્રસારિત થઈ ચૂક્યો છે. આગામી એપિસોડ 24 જાન્યુઆરીએ પ્રસારિત થવાનો છે.
પ્રથમ એપિસોડમાં નરેન્દ્ર મોદીની પ્રારંભિક રાજકીય કારકિર્દીને દર્શાવવામાં આવી છે જેમાં તેઓ ભારતીય જનતા પક્ષમાં આગળ વધીને, ગુજરાતના મુખ્યમંત્રીના પદ પર પહોંચે છે.
નીલ આર્મસ્ટ્રોંગ સાથે ચંદ્ર પર પહોંચનારા બઝ એલ્ડ્રિને 93 વર્ષની ઉંમરે ચોથા લગ્ન કર્યાં
ચંદ્ર પર પગ મૂકનાર બીજા વ્યક્તિએ 93 વર્ષની ઉંમરે ચોથા લગ્ન કર્યાં નીલ આર્મસ્ટૉંગની સાથે ચંદ્ર પર જનારા અંતરિક્ષયાત્રી બઝ એલ્ડ્રિને ચોથી વખત લગ્ન કર્યા છે.
બઝ એલ્ડ્રિને આ લગ્ન 93 વર્ષની ઉંમરે લૉસ એન્જલસમાં કર્યાં છે.
તેમણે લગ્ન બાદ કહ્યું કે તે અને તેમની નવી પત્ની એનકા ફૉર નવયુવાનની જેમ ઉત્સુક છે.
ડૉ. એનકા 63 વર્ષનાં છે અને તે કૅમિકલ ઇજનેરીમાં પીએચડી થયાં છે.
હાલ તેઓ બઝ એલ્ડ્રીનની કંપનીમાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ છે.
બઝ ચંદ્ર પર પહોંચેલા એ ચાર લોકોમાંથી એક છે, જે હાલ પણ જીવિત છે.
બઝ એલ્ડ્રિને ટ્વીટ કર્યું, 'મારા 93મા જન્મદિવસ પર મને એ જણાવતા આનંદ થાય છે કે લાંબા સમય સુધી મારી પ્રેમિકા રહેલી ડૉ. એનકા સાથે મેં લગ્ન કરી લીધા છે.'
1969માં જ્યારે નીલની સાથે બઝ એલ્ડ્રિન ચંદ્ર પર ચાલ્યા, ત્યારે 60 કરોડ લોકોએ ટીવી પર આ ઐતિહાસિક ક્ષણને જોઈ હતી.
મોરબી પુલ દુર્ઘટના : ઓરેવાના ગૃપ એમડી જયસુખ પટેલ વિરુધ ધરપકડ વૉરંટ ઇસ્યૂ, જયસુખ પટેલે પોતાની સામે ઇસ્યૂ થયેલા ધરપકડના વૉરંટથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી છે.
દેશ અને દુનિયાને આઘાતમાં નાખી દેનારી મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં ઓરેવા ગૃપના મૅનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલે પોતાની સામે ઇસ્યૂ થયેલા ધરપકડના વૉરંટથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી છે.
શનિવારે કોર્ટે આ અરજી પરની વધુ સુનાવણી માટે 1 ફેબ્રુઆરીનો દિવસ નક્કી કરી મુદત પાડી છે.
ઇન્ડિયન એક્સ્પ્રેસમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ (ઓરેવા ગૃપ)ના મૅનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલે મોરબીના ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં પોતાની ધરપકડ સામે રક્ષણ મેળવવા માટે આગોતરા જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી કરી છે.
મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ પીસી જોષીની કોર્ટે, પાંચ દિવસ અગાઉ આપવામાં આવેલી જયસુખ પટેલની આગોતરા જામીન અરજી પર શનિવારે સુનાવણી હાથ ધરી હતી.
જોકે, ફરિયાદ પક્ષ દ્વારા આ અરજી પર પોતાનો પ્રત્યુત્તર રજૂ કરવા માટે સમયની માંગણી કરતાં કોર્ટે આ કેસમાં વધુ સુનાવણી 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે.
પોલીસના સૂત્રોને ટાંકતા ઇન્ડિયન એક્સ્પ્રેસના આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીની મેજિસ્ટરિયલ કોર્ટે જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડનું વૉરન્ટ ઇસ્યૂ કર્યું છે અને તેમને દેશ છોડીને જતા અટકાવવા માટે તેમના વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ પણ ઇસ્યૂ કરવામાં આવી છે.
ગત 30 ઑક્ટોબરના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
મોરબી નગરપાલિકા દ્વારા આ પુલનું મેન્ટેનન્સ અને સંચાલન ઓરેવા ગૃપને આપવામાં આવ્યું હતું.
યોગ્ય મરામત કર્યા વિના જ આ પુલને જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો, જેને કારણે આ દુર્ઘટના થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
આ દુર્ઘટના બાદ જયસુખ પટેલનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
પોલીસ સૂત્રોએ ઇન્ડિયન એક્સ્પ્રેસને જણાવ્યું હતું કે, પોલીસ જયસુખ પટેલ સામે પુરાવા એકઠા કરી રહી હતી.
જ્યારે તેમની પાસે પૂરતા પુરાવા એકઠા થયા ત્યારે તેમણે જયસુખ પટેલને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ પટેલ પોલીસ સમક્ષ હાજર થયા નહોતા.
પોલીસે તેમના સરનામા પર તપાસ કરી હતી, જ્યાં તે ન મળી આવતા, પોલીસે છેવટે કોર્ટમાં તેમની ધરપકડ માટેનું વૉરન્ટ અને લૂકઆઉટ નોટિસ ઇસ્યૂ મેળવવા માટે અરજી કરી હતી.
અફઘાનિસ્તાનમાં શીતલહેર : ઠંડીથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 104 થઈ
અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી શીતલહેરમાં ઠંડીને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 104 થઈ છે.
તાલિબાન સરકારે કહ્યું કે દેશના અલગ અલગ પ્રાંતોમાં ઠંડીને કારણે મૃત્યુ થવાના સમાચારો મળી રહ્યા છે. લોકોએ આર્થિક નુકસાન પણ સહન કરવું પડી રહ્યું છે.
સરકારે કહ્યું કે શીતલહેરને કારણે લગભગ 70 હજાર પશુઓના પણ મૃત્યુ થયા છે.
આ ઘટનાઓ અગાઉ તાલિબાન સરકારને આવી સ્થિતિ સર્જાવાનો અંદાજ હતો કે નહીં અને લોકોની મદદ માટે શું કરવામાં આવી રહ્યું છે?
આ પ્રશ્નના જવાબમાં તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે સરકારી એજન્સીઓની મદદથી તેમણે એક મહિનામાં લગભગ 40 હજાર પરિવારોને ભોજન સામગ્રી પૂરી પાડી છે અને વધુ મદદ ચાલુ છે.
સંયુક્ત રાષ્ટ્રે પણ અફઘાનિસ્તાનમાં કડકડતી ઠંડીને કારણે સર્જાયેલા માનવીય સંકટ બાબતે ચિંતા જાહેર કરી છે.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
21 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.