છત્તીસગઢના રાયપુરમાં રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની બીજી વનડે મૅચના ટૉસ દરમિયાન કૅપ્ટન રોહિત શર્મા સાથે એવી ઘટના બની કે જેને લીધે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.
બન્યુ એવું કે ટૉસ માટે રવિ શાસ્ત્રી, જવાગલ શ્રીનાથ અને ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન ટૉમ લેથમની સાથે રોહિત શર્મા મેદાન પર હતા.
રોહિત શર્માએ સિક્કો ઉછાળ્યો અને તેઓ ટૉસ જીતી ગયા. પરંતુ તેઓ એ ભૂલી ગયા કે તેમને બેટિંગ લેશે કે બૉલિંગ. એટલે સુધી કે તેેમણે પોતાના માથા પર હાથ મૂકીને થોડી સૅકન્ડો માટે વિચાર્યું. થોડા અટક્યા અને પછી 'બૉલિંગ' પસંદ કરી.
આ ઘટના પર રવિ શાસ્ત્રી, જવાગલ શ્રીનાથ સાથે જ ટૉમ લેથમ પણ હસતા જોવા મળ્યા. બીસીસીઆઈએ આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર પણ કરી છે.
પરંતુ સોશિયલ મીડિયા પર કૅપ્ટન રોહિત શર્માના આ વીડિયો પર મીમનું પૂર આવી ગયું છે.
એક યુઝરે વિરાટ કોહલીનો જૂનો વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે રોહિત શર્મા સૌથી વધુ વસ્તુઓ ભૂલી જાય છે.
કેટલાક યુઝરે રોહિત શર્માની તુલના ગઝની ફિલ્મમાં આમિર ખાનના પાત્ર સાથે કરી રહ્યા છે, જેમને ભૂલી જવાની બીમારી હતી.
ન્યૂઝીલૅન્ડ સામેની બીજી વનડે મૅચમાં ભારતે ટૉસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં આ વખતે પણ ઉમરાન મલિકને સ્થાન નથી મળ્યું.
કૅપ્ટન રોહિત શર્મા ઉપરાંત ટીમમાં શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વૉશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાઝ છે.
પ્રથમ વનડે મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 12 રનથી હરાવ્યું હતું.
ન્યૂઝીલૅન્ડની પ્લેઇંગ ઇલેવન ટીમમાં ફિન ઍલન, ડેવન કૉનવે, એક નિકોલસ, ડેરેન મિચેલ, ટૉમ લેથમ (કૅપ્ટન અને વિકેટકીપર), ગ્લૅન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિશેલ સૅંટનર, હેનરી શિપલે, બ્લેયન ટિકનર, લૉકી ફર્ગ્યુસનનો સમાવેશ થયો છે.