You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ભારતે શ્રીલંકાને હરાવ્યું, પ્રથમ વનડેમાં કોહલીની શાનદાર સદી અને 67 રને વિજય

શ્રીલંકા વિરુદ્ધ ગૌહાટીમાં રમાઈ રહેલી પ્રથમ વડે મૅચ ભારતે જીતી લીધી છે. શ્રીલંકન ખેલાડી દસુન શનાકાની સદી એળે ગઈ, ભારતનો વિજય

લાઇવ કવરેજ

  1. વિરાટ કોહલીએ શ્રીલંકા સામે શાનદાર સદી ફટકાર્યા બાદ ખોરાકને લઈને શું વાત કરી?

    ગૌહાટીમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે મૅચમાં શાનદાર શતક ફટકારનારા ભારતીય બૅટર વિરાટ કોહલીએ ક્રિકેટની રમતમાં ભાગ્ય મહત્ત્વનો ભાગ ભજવતું હોવાની વાત કરી.

    સદી ફટકાર્યા બાદ કોહલીએ કહ્યું, "ભાગ્ય મોટો ભાગ ભજવે છે. આવી ઇનિંગો માટે તમારે ઈશ્વરનો આભાર વ્યક્ત કરવો પડે. આવી ઇનિંગો મહત્ત્વની હોય છે.મોટા ભાગના સદ્ભાગ્યનો હું ફાયદો ઉઠાવી શક્યો એ બદલ હું આભારી છું.મેં ટીમને 350 કરતાં વધારાના 20 રન અપાવવામાં મદદ કરી. એ પણ આ જ રીતે થયું."

    આ ઉંમરે પણ આટલી સ્ફૂર્તિ સાથે રમાયેલી સફળ ઇનિંગનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે 34 વર્ષના કોહલીએ ડાયટના મહત્ત્વની વાત કરી.

    વિરાટે કહ્યું "મેં એક વિરામ લીધો હતો અને આ રમત રમવા માટે કેટલાંક પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો હતો.એટલે બાંગ્લાદેશના પ્રવાસ બાદ હું તાજોમાજો હતો અને ઘરે રમવા માટે ઉત્સુક હતો.ઑપનરોએ મારી રમત મને રમવા દેવામાં મદદ કરી અને એને હું ચાલુ રાખી શક્યો એ બદલ ખુશ છું.હું જે પણ ખાઉં એને લઈને જાગૃત હોઉં છું. આ ઉમરે ખોરાક સૌથી મહત્ત્વની બાબત હોય છે. એ મને 'પ્રાઇમ શૅપ'માં રાખે છે. મને ટીમને 100 ટકા આપવવામાં એ મારી મદદ કરે છે."

  2. ભારત-શ્રીલંકા વનડે :વિરાટ કોહલીનું શાનદાર શતક, શ્રીલંકાને 374 રનનો ટાર્ગેટ

    શ્રીલંકા વિરુદ્ધ ગૌહાટીમાં રમાઈ રહેલી પ્રથમ વડે મૅચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે.

    વિરાટે પોતાની સદી માત્ર 80 બૉલમાં પૂરી કરી. કોહલી 113 રન બનાવીને આઉટ થયા. આ પહેલાં શુભમન ગિલે 60 બૉલમાં 70 રન બનાવ્યા હતા.

    ભારતે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને શ્રીલંકાને જીતવા માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  3. 'અગ્નિવીરો'ની પ્રથમ બેચની હૈદરાબાદના આર્ટિલરી સેન્ટર ખાતે તાલીમ શરૂ

    'અગ્નિવીરો'ની પ્રથમ બેચે હૈદરાબાદના આર્ટિલરી સેન્ટર ખાતે તાલીમ શરૂ કરી દીધી છે. અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર દેશભરના કુલ 40 હજાર અગ્નિવીરોમાંથી5,500 અગ્નિવીરોને અહીં તાલીમ આપવામા આવશે અને એ બાદ તેઓ ભારતીય સૈન્યમાં જોડાશે.

    આ અગ્નિવીરોને બે બેચમાં તાલિમ આપવામાં આવશે.તાલિમની શરૂઆતમાં આ તાલિમાર્થીઓને સૈન્યઅભિયાનોનું પાયાનું શિક્ષણ આપવામાં આવશે.આ ઉપરાંત સાઇબર સિક્યૉરિટી, ફાયરિંગ, કમ્યુનિકેશન્સ જેવા વિષયોને પણ આવરી લેવાશે.

    અખબારના જણાવ્યા અનુસાર અગ્નિવીરોની બીજી બેન્ચ ફેબ્રુઆરીમાં રિપોર્ટ કરશે અને 1 માર્ચે એમની તાલીમ શરૂ કરાશે.

    આ અગ્નિવીરોનું ચાર વર્ષ પછી સેવામાં કામગીરીના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને 25 ટકા લોકોને કાયમી કરવામાં આવશે.

    નોંધનીય છે કે ગત વર્ષે જૂન માસમાં ભારતીય સેનાના ત્રણેય વડાઓએ સૈન્યમાં ટૂંકા ગાળાની નિમણૂકોને લઈને 'અગ્નિપથ' નીતિની જાહેરાત કરી હતી. જે અનુસાર યુવાનોને ચાર વર્ષ સુધી સેનામાં કામ કરવાની તક મળશે. તેમાં જોડાનારા 25 ટકા યુવાનોને પછીથી કાયમી કરવામાં આવશે. એટલે કે 100માંથી 25 લોકોને પૂર્ણ સમય સેવા કરવાનો મોકો મળશે. ચાર વર્ષની સેવા બાદ સૈન્યમાં રાખવામાં આવેલા 25 ટકા સૈનિકો 'અગ્નિવીર' કહેવાશે.

    યોજના જાહેર કરાઈ ત્યારે એનો મોટા પાયે વિરોધ થયો હતો.'અગ્નિપથ'યોજનાના ટીકાકારોનું કહેવું છે કે સેનામાં ટ્રેનિંગ લીધેલા 21 વર્ષીય બેરોજગાર યુવાન ખોટા રસ્તે જઈને પોતાની ટ્રેનિંગનો ખોટો ઉપયોગ કરી શકે છે. આ યોજનાથી ભારતીય સેનામાં 'શિખાઉ' જવાનોની સંખ્યા વધી જવાની આશંકા વ્યક્ત કરાઈ છે.આ યોજનાના કારણે સશસ્ત્ર બળોની સદીઓ પુરાણી રૅજિમેન્ટલ સંરચનાને ખલેલ પહોંચી શકે એમ હોવાનું પણ જાણકારોનું માનવું છે.

  4. જોશીમઠ કેસમાં તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કૉર્ટે ઇનકાર કર્યો

    સુપ્રીમ કૉર્ટે મંગળવારે ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસવાના મામલામાં તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને તેને 16 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે.

    સુપ્રીમ કૉર્ટે કહ્યું છે કે, દરેક મહત્ત્વપૂર્ણ મુદ્દાને સુપ્રીમ કૉર્ટમાં લાવવા જરૂરી નથી. લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી એવી ઘણી સંસ્થાઓ છે, જે આના પર કામ કરી રહી છે.

    છેલ્લા કેટલાક દિવસોમાં જોશીમઠને ઘણા ઘરો અને રસ્તાઓમાં તિરાડો પડવાની અને સતત જમીન ધસી જવાના કારણે ‘સિકિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યું છે.

    જોશીમઠમાં જમીન ધસવાને લઈને ધાર્મિક નેતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આ કેસ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચ સમક્ષ સૂચીબદ્ધ કરાયો હતો.

    જાહેરનામામાં જોશીમઠને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની અને એનડીએમએને જોશીમઠના રહેવાસીઓને મદદ પૂરી પાડવા માટે નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે.

    અરજદાર માટે હાજર રહેલા વકીલે આ કેસમાં વહેલી તકે સુનાવણીની અપીલ કરી હતી અને બુધવારે આ બાબતની યાદી આપવા વિનંતી કરી હતી.

    આ અંગે સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું હતું કે, “દેશના દરેક મહત્ત્વપૂર્ણ મુદ્દાને સુપ્રીમ કૉર્ટમાં લાવવાની જરૂર નથી. આ સમસ્યાને જોવા માટે લોકતાંત્રિત રીતે ચૂંટાયેલી સંસ્થાઓ છે. તેઓ તેમના અધિકારક્ષેત્રમાં આવતા મુદ્દાઓ નિવારી શકે છે. અમે તે અંગે 16 જાન્યુઆરીએ સુનવણી કરીશું.”

  5. આંતરરાષ્ટ્રીય દબાણ બાદ તાલિબાને મહિલાઓ પરનો પ્રતિબંધ હટાવવાનો સંકેત આપ્યો

    મહિલાઓ પરના પ્રતિબંધને લઈને આંતરરાષ્ટ્રીય સમુદાયના વિરોધનો સામનો કરી રહેલા તાલિબાને કેટલાક હળવા સંકેતો આપ્યા છે.

    બીબીસી પશ્તોના અહેવાલ અનુસાર, અફઘાનિસ્તાનમાં કામ કરી રહેલી એક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સહાયતા એજન્સીનું કહેવું છે કે, તાલિબાનના ઓછામાં ઓછા ત્રણ મંત્રીઓએ માહિતી આપી છે કે મહિલાઓ પરના પ્રતિબંધને હટાવવા માટે ઉચ્ચ નેતૃત્વ કામ કરી રહ્યું છે.

    કાબુલની મૂલાકાતે આવેલા નૉર્વેના રૅફ્યૂજી કાઉન્સિલના પ્રમુખ જૅન એનલૅન્ડે બીબીસી પશ્તોને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જો તાલિબાન મહિલાઓના કામ અને છોકરીઓના શિક્ષણ પરના પ્રતિબંધો નહીં હટાવે, તો અફઘાનિસ્તાનને મળી રહેલી આંતરરાષ્ટ્રીય સહાયતા બંધ થવા લાગશે.

    તેઓએ જણાવ્યું હતું કે, “તાલિબાનના નેતાઓએ મને કહ્યું હતું કે, તેઓ બીજા ફરમાન પર કામ કરી રહ્યા છે. આ ફરમાન અનુસાર, મહિલાઓને ભણવાની છૂટ આપવામાં આવશે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, મહિલાઓ કામ પર ફરી જઈ શકશે.”

    “તેઓએ પોતાનું વચન પુરું કરવું જોઈએ, અમને વચન આપવામાં આવ્યું હતું કે, અમે મહિલાઓ સાથે કામ કરી શકીશું, તેઓને શિક્ષણ આપવામાં આવશે.”

  6. જામનગરમાં ફ્લાઇટના ઇમર્જન્સી લૅન્ડિંગ: એનએસજીને કોઈ શંકાસ્પદ ન સામાન મળ્યો, ફ્લાઇટ ગોવા માટે રવાના, દર્શન ઠક્કર, બીબીસી ગુજરાતી માટે

    બૉમ્બની માહિતી મળ્યા બાદ જામનગરમાં લૅન્ડ થયેલી મૉસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઇટમાં કોઈ પણ પ્રકારના બૉમ્બ અથવા શંકાસ્પદ વસ્તુ મળી નથી.

    જામનગરમાં ઇમર્જન્સી લૅન્ડિંગ બાદ એનએસજીની બે ટીમો વિમાનની તપાસ કરી રહી હતી. હવે એનએસજીની ટીમો ઍરપોર્ટ પર મુસાફરોના સામાનની તપાસ કરશે.

    ઍરપોર્ટ ઓથોરિટી અનુસાર, ફ્લાઇટ બપોરે 12:30 વાગ્યે ગોવા માટે રવાના થઈ હતી.

    જામનગરના કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, “રાત્રે 9.30 વાગ્યાની આસપાસ મૉસ્કોથી ગોવા જતી ફ્લાઇટનું ઇમર્જન્સી લૅન્ડિંગ જામનગર ખાતે કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરોને ફ્લાઇટમાંથી સુરક્ષિત બહાર કાઢીને તપાસ કરવામાં આવી હતી. પોલીસની સાથે અન્ય સર્ચ એજન્સી અને રાત્રે અમદાવાદ અને દિલ્હીથી એનએસજી કમાન્ડો પણ આવ્યા હતા.”

    “આખી રાત ફ્લાઈટની તપાસ કરવામાં આવી હતી. સવાર સુધી મુસાફરોના સામાનની તપાસ કામગીરી ચાલુ હતી, ત્યારે કોઈ પણ વસ્તુ શંકાસ્પદ ના મળતા તેને ક્લિયરન્સ આપવામાં આવ્યું છે. હવે ફ્લાઇટની આગળની કાર્યવાહી પુરી કરીને ગોવા માટે રવાના કરવામાં આવશે.”

    તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “આ રૅસ્ક્યૂ કામગીરીમાં સ્ટેટ પોલીસની ટીમ, ઍરફોર્સની ટીમ, ફાયર ટીમ, એનએસજી ટીમ હાજર રહી હતી. લગભગ 12 કલાકની કામગીરી બાદ હવે ફ્લાઇટ રવાના કરવામાં આવશે. ફ્લાઇટમાં મોટાભાગના મુસાફરો રશિયન છે.”

    સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યે જામનગર ઍરપોર્ટ પર ઇમર્જન્સી લૅન્ડિંગ કરવું પડ્યું હતું, કારણ કે વિમાનમાં બૉમ્બ હોવાની માહિતી મળી હતી.

    ફ્લાઇટમાં 236 મુસાફરો અને 8 ક્રૂના સભ્યો હતા, તેઓને રાત્રે જ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

  7. 'હું મારા બૅલે ડાન્સથી યુદ્ધનો વિરોધ કરુ છું' - યુક્રેનિયન બૅલેરિના

  8. રોહિત શર્મા: ‘મેં હજી ટી-20 ફૉર્મેટ છોડ્યું નથી’

    ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ અને વનડે ટીમના કપ્તાન રોહિત શર્માએ સોમવારે કહ્યું હતું કે, “ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટને છોડવા”નો મારો કોઈ પ્લાન નથી.

    આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે.

    રોહિત શર્મા, પૂર્વ કપ્તાન વિરાટ કોહલી અને તાજેતરમાં જ ઉપકપ્તાન પદ પરથી હટાવાયેલા કેએલ રાહુલ હાલ ટીમનો ભાગ નથી.

    શ્રીલંકા સિરીઝની શરૂઆતના એક દિવસ પહેલા રોહિત શર્માએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “સૌથી પહેલા તો એક પછી એક સતત મૅચ રમવી શક્ય નથી. તમારે તેમને (અલગ-અલગ ફૉર્મેટને) બ્રેક આપવો પડે છે. ન્યૂઝીલૅન્ડ સામે અમારે ત્રણ ટી-20 રમવાની છે. આઈપીએલ બાદ અમે જોઈશું કે શું થાય છે. મેં હજુ આ ફૉર્મેટ છોડવાનું વિચાર્યું નથી.”

  9. ગ્રાઉન્ડ રિપોર્ટ : ઉત્તરાખંડના જોશીમઠમાં કેમ ધસી રહી છે જમીન?

    દર વર્ષે લાખો લોકો ભારત-ચીન સરહદ નજીક આવેલા શહેર જોશીમઠમાં બદ્રીનાથ, ઑલી, વૅલી ઑફ ફ્લાવર, હેમકુંડ જેવા સ્થળોની મુલાકાત લેવા આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઉત્તરાખંડના જોશીમઠના લોકો ફરિયાદ કરી રહ્યા છે કે તેમના ઘર જમીનમાં ધસી રહ્યા છે, તેમાં તિરાડો પડી રહી છે.

    જોશીમઠ ભારતના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત વિસ્તાર ઝોન-5માં આવે છે. વર્ષ 2011ની વસતી ગણતરી અનુસાર, અહીં લગભગ 4 હજાર ઘરોમાં 17 હજાર લોકો રહેતા હતા, પરંતુ સમયની સાથે આ શહેર પર પણ મનુષ્યનો ભાર પણ વધી રહ્યો છે.

    જોશીમઠ ઉત્તરાખંડમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

    બીબીસી સંવાદદાતા વિનીત ખરેનો ઉત્તરાખંડથી ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

  10. જામનગરમાં ઇમર્જન્સી લૅન્ડ થયેલી ફ્લાઇટની સઘન તપાસ ચાલુ

    જામનગરના ઍરપોર્ટ પર સોમવારે એક ફ્લાઇટનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

    સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર, સુરક્ષા દળે મંગળવારે મૉસ્કો-ગોવા ફ્લાઇટના તમામ મુસાફરોની સઘન તપાસ ચાલું કરી છે.

    જિલ્લા કન્ટ્રોલ રૂમ સાથે કરેલી વાત અનુસાર, આ વાતની પુષ્ટિ કરાઈ હતી અને પોલીસ સહિતની વિવિધ ટીમો વિશેષ તપાસ અર્થે ઍરપોર્ટ જવા રવાના થઈ હતી અને તપાસ કરી રહી હતી.

    પ્રાપ્ત સમાચારો અનુસાર, આ ફ્લાઇટ મૉસ્કોથી ગોવા જઈ રહી હતી.

    જામનગરના કલેક્ટર ડૉ. સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, “9મી જાન્યુઆરીએ રાત્રે 11.20 વાગ્યે મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટમાં બૉમ્બ હોવાની જાણકારી મળતા જામનગર ઍરપોર્ટ ખાતે ડાઇવર્ટ કરવામાં આવી હતી.”

    તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “ફ્લાઇટમાં બેઠેલા 236 મુસાફરો અને 8 ક્રૂ સાથે 244 મુસાફરોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા.તમામ મુસાફરો ઍરપોર્ટ લોન્જમાં પ્રતિક્ષારત છે. બૉમ્બના ડિટેક્શન અને ડિસ્પોઝલની કામગીરી હાથ ધરાઈ હતી.”

    તેઓએ એએનઆઇ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, સુરક્ષા એજન્સીઓ મુસાફરોની વિગતો પણ તપાસી રહી છે. તમામ મુસાફરોનું સામાન્ય સ્કેનિંગ કરીને ચેકિંગ પણ કરવામાં આવે છે. નવ કલાકથી સતત તપાસ ચાલી રહી છે. મુસાફરોના સામાનનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

    ગોવાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “વિમાન ડૅબોલિમ ઍરપોર્ટ પર લૅન્ડ થવાનું હતું. સાવચેતીના પગલારૂપે આ ઍરપોર્ટ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.”

    ન્યુ દિલ્હીમાં રશિયા દૂતાવાસના એક અધિકારીએ કહ્યું હતું કે, “ભારતીય અધિકારીઓ દ્વારા એ સૂચિત કરવામાં આવ્યું હતું કે, મૉસ્કોથી ગોવા જઈ રહેલી અઝુર ઍરની ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળ્યાની માહિતી મળી હતી. એરક્રાફ્ટને જામનગરના ઍરફોર્સ ઍરબેઝ પર લૅન્ડ કરવામાં આવ્યું હતું અને તમામ મુસાફરો સુરક્ષિત છે.”

    સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ફ્લાઇટ મૉસ્કોથી ગોવા આવી રહી હતી, જેમાં બૉમ્બ હોવાની ધમકીને પગલે જામનગરમાં ડાઇવર્ટ કરવામાં આવી હતી. ગોવા ઍર ટ્રાફિક કંટ્રોલને ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળી હતી.

    હાલમાં વિમાન જામનગર ઍરપૉર્ટ પર છે અને એની તપાસ કરાઈ રહી છે.

    જામનગર ઍરપૉર્ટના ડિરેક્ટરને ટાંકીને એએનઆઈ જણાવ્યું હતું કે, વિમાનમાં સવાર તમામ 244 મુસાફરોને સુરક્ષિત ઉતારી લેવાયા છે. વિમાનનું 9:49 વાગ્યે ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું.

    જામનગરના એસ.પી.એ ન્યૂઝ ચેનલ 'આજતક' સાથે કરેલી વાતચીત અનુસાર, ડરનું કોઈ કારણ નથી. વિમાનમાં બૉમ્બ હોવાની સૂચના મળી હતી અને એટલે વિમાનનું ઇમરજન્સી લૅન્ડિંગ કરાવાયું હતું. તમામ મુસાફરો ઍરપૉર્ટ પર હાજર છે.

  11. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    9 જાન્યુઆરીનાસમાચાર વાંચવા માટે ક્લિક કરો.