You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

જામનગર : મૉસ્કોથી ગોવા આવી રહેલી ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકીને પગલે ઇમર્જન્સી લૅન્ડિંગ

જામનગરમાં એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરાયું છે. આ અંગે વધુ માહિતી મેળવાઈ રહી છે.

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, જામનગર ઍરપોર્ટ પર ફ્લાઇટનું ઇમર્જન્સી લૅન્ડિંગ

    જામનગરના ઍરપોર્ટ પર એક ફ્લાઇટનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવામાં આવ્યું છે.

    જિલ્લા કન્ટ્રોલ રૂમ સાથે કરેલી વાત અનુસાર, આ વાતની પુષ્ટિ કરાઈ છે અને પોલીસ સહિતની વિવિધ ટીમો વિશેષ તપાસ અર્થે ઍરપોર્ટ જવા રવાના થઈ છે અને તપાસ કરી રહી છે.

    પ્રાપ્ત સમાચારો અનુસાર, આ ફ્લાઇટ મૉસ્કોથી ગોવા જઈ રહી હતી.

    સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ફ્લાઇટ મૉસ્કોથી ગોવા આવી રહી હતી, જેમાં બૉમ્બ હોવાની ધમકીને પગલે જામનગરમાં ડાઇવર્ટ કરવામાં આવી હતી. ગોવા ઍર ટ્રાફિક કંટ્રોલને ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળી હતી.

    હાલમાં વિમાન જામનગર ઍરપૉર્ટ પર છે અને એની તપાસ કરાઈ રહી છે.

    જામનગર ઍરપૉર્ટના ડિરેક્ટરને ટાંકીને એએનઆઈ જણાવે છે કે વિમાનમાં સવાર તમામ 244 મુસાફરોને સુરક્ષિત ઉતારી લેવાયા છે. વિમાનનું 9:49 વાગ્યે ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું.

    જામનગરના એસ.પી.એ ન્યૂઝ ચેનલ 'આજતક' સાથે કરેલી વાતચીત અનુસાર ડરનું કોઈ કારણ નથી. વિમાનમાં બૉમ્બ હોવાની સૂચના મળી હતી અને એટલે વિમાનનું ઇમરજન્સી લૅન્ડિંગ કરાવાયું હતું. તમામ મુસાફરો ઍરપૉર્ટ પર હાજર છે.

  2. આર.એસ. સોઢીએ અમૂલના એમડીના પદ પરથી રાજીનામું આપ્યું

    છેલ્લા ચાર દાયકાથી અમૂલ સાથે જોડાયેલા અને છેલ્લા એક દાયકાથી અમૂલના એમડીના પદે રહેલા આર.એસ. સોઢીએ રાજીનામું આપી દીધું છે.

    ગુજરાત કૉ-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફૅડરેશન (જીસીએમએમએફ)ના સીઈઓ જયેન મહેતાને એમડીનો હવાલો સોંપાયો છે.

    બીબીસી સાથેની વાતચીતમાં સોઢીએ જણાવ્યું, "આજે ફેડરેશનની બૉર્ડ મિટિંગ હતી. મેં મને જવાબદારીમાંથી મુક્ત કરવાની બૉર્ડને વિનંતી કરી હતી. બૉર્ડે મને થોડો સમય ચાર્જ સંભાળી રાખવાનું અને વિકલ્પ મળી જાય પછી રાજીનામું આપવાનું કહ્યું હતું. આજે મને ખુશી છે કે બૉર્ડે મારી વિનંતી સ્વીકારી અને મને મુક્ત કર્યો."

    જયેન મહેતાની નિમણૂક અંગે તેમણે કહ્યું, "મેં રાજીનામું આપ્યું અને મને છૂટો કરવામાં આવ્યો તો પ્રક્રિયાના ભાગ રૂપે જે સૌથી સિનિયર હોય તેમને સંસ્થામાં ચાર્જ સોંપવામાં આવે છે. જયેન મહેતા સંસ્થામાં 32 વર્ષથી કામ કરે છે એટલે તેમને ચાર્જ સોંપવામાં આવ્યો છે. હું અને મારો પરિવાર ગુજરાતના ખેડૂતના ઋણી રહેશે."

    ભવિષ્યના આયોજન અંગે તેમણે કહ્યું, "ભારતની ડૅરીઉદ્યોગની શિર્ષ સંસ્થા ‘ઇન્ડિયન ડેરી ઍસોસિયેશન’ની જવાબદારી મને સોંપવામાં આવી છે. હું તેનો પ્રમુખ છું. હું ડેરીઉદ્યોગને, ગુજરાતના ખેડૂતોને, ભારતના ખેડૂતોની મારી સેવા આપતો રહીશ."

    તેમણે ઉમેર્યું, "હવે મોટાપાયે કંઈક કરીશ. કોઈ નિયમિત જોબ નહીં કરૂ."

    પદ પરથી હટાવવાના અહેવાલોનો રદિયો આપતાં તેમણે કહ્યું, કે "તે ખોટી અફવાઓ છે, તેમાં કોઈ સત્ય નથી."

    સોઢી છેલ્લાં 10 વર્ષથી એમડીના પદે હતા. એ પહેલાં તેઓ માર્કેટિંગ વિભાગ સંભાળતા હતા.

  3. સુરત: આરબ સોદાગરોથી લઈ 21મી સદીમાં ડાયમંડ અને સિલ્ક સિટી બનેલા શહેરની દાસ્તાન

  4. દિલ્હીથી પટના જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટના બે મુસાફરોની ધરપકડ, ખરાબ વર્તનનો આરોપ, ચંદનકુમાર જજવાડે, બીબીસી સંવાદદાતા, બિહારથી

    દિલ્હીથી પટના જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બે મુસાફરોના ખરાબ વર્તનના કારણે પટના પોલીસે ધરપકડ કરી છે.

    વિમાનનાં લૅન્ડિંગ પહેલાં તેમને માહિતી આપવામાં આવી હતી કે, ફ્લાઇટમાં બે મુસાફરો ગેરવર્તન કરી રહ્યા હતા.

    ત્યારબાદ સ્થાનિક પોલીસને આ માહિતી આપવામાં આવી હતી.

    ફ્લાઇટ લૅન્ડ થયા બાદ બંને મુસાફરોને પોલીસે તેમની કસ્ટડીમાં લીધા છે.

    ઍરપોર્ટ ડિરેક્ટર અનુસાર, આ કેસમાં આગળની કાર્યવાહી ફ્લાઇટ ઑપરેટર અને સ્થાનિક પોલીસ કરશે.

    ઍરપોર્ટ પોલીસે બીબીસીને જણાવ્યું છે કે, “ફ્લાઇટ મૅનેજરે લેખિત ફરિયાદ કરી હતી કે ફ્લાઇટમાં બે લોકો નશામાં છે, ત્યારબાદ તેઓની ધરપકડ કરવામાં આવી છે.”

    આ બંને યુવાનો છે અને હાજીપુર બિહારના રહેવાસી છે.

    ઍરપોર્ટ પોલીસ અનુસાર, હાલ તેઓને ઍરપોર્ટ પોલીસસ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.

    હવે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ તેઓને એક્સસાઇઝ કૉર્ટમાં મોકલવમાં આવશે અને ત્યાંથી એક્સસાઇઝ ઍક્ટ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

    બિહારમાં દારૂ પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

  5. જોશીમઠ જમીનમાં ગરકાવ થઈ જવાનો ખતરો

  6. મુસ્લિમ મહિલાઓ ખતનાની પરંપરા સામે કેમ સવાલ ઉઠાવી રહ્યાં છે?

  7. અમેરિકાના કેલિફોર્નિયામાં સતત વાવાઝોડાના કારણે પૂરની સ્થિતિ, એકનું મોત

    અમેરિકાના કેલિફોર્નિયામાં ભારે વરસાદ, હિમવર્ષા અને ભારે પવનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

    કેલિફોર્નિયામાં લાખો ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને લોકોને ભારે મૂશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

    હવામાન વિભાગના વૈજ્ઞાનિકો તેને ‘સતત ચાલુ રહેનારું વાવાઝોડું’ ગણાવી રહ્યા છે.

    નેશનલ વેધર પ્રિડિક્શન સેન્ટરે વધુ વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. વાવાઝોડાની સૌથી વધુ અસર પ્રાંતના ઉત્તર ભાગમાં અને સૅન ફ્રાન્સિસ્કોના ખાડી વિસ્તારમાં જોવા મળી છે, જોકે દક્ષિણ વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ રહી છે.

    રાજ્યની રાજધાની સૅક્રામેન્ટોમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને ભૂસ્ખલનની આશંકાથી સૅન ફ્રાન્સિસ્કોમાંથી એક વ્યક્તિને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.

    ડિસેમ્બરથી અહીં શરૂ થયેલા વાવાઝોડાના કારણે આ વિસ્તારોમાં મોટાપાયે પૂર આવવાની શક્યતા છે.

  8. બ્રાઝિલમાં સંસદ, SC અને રાષ્ટ્રપતિ ભવન પરના હુમલા અંગે વડા પ્રધાન મોદીએ કરી ચિંતા વ્યક્ત

    બ્રાઝિલના સંસદ, રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટ પર પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના સમર્થકો દ્વારા કરાયેલા હુમલા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે.

    વડા પ્રધાન મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્વાને ટેગ કરીને કહ્યું હતું કે, “બ્રાઝિલમાં દેશની સંસ્થાઓમાં રમખાણો અને તોડફોડના સમાચારથી હું ચિંતિત છું. લોકતાંત્રિક પરંપરાઓનું બધાએ સન્માન કરવું જોઈએ. અમે બ્રાઝિલની સરકારને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.”

    આ હિંસક હુમલા પર દુનિયાના અન્ય ટોચના નેતાઓ તરફથી પ્રતિક્રિયા પણ આવવા લાગી છે.

    થોડા દિવસ પહેલા બ્રાઝિલમાં લૂલા દા સિલ્વાએ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે.

    સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બ્રાઝિલની લોકતાંત્રિક સંસ્થાઓ પરના આ હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે, “બ્રાઝિલના લોકો અને તેમની સંસ્થાઓનું સન્માન કરવું જોઈએ.”

    કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યું છે કે, “બ્રાઝિલ સહિત કોઈ પણ લોકશાહીમાં લોકોની લોકતાંત્રિક પસંદનું સન્માન કરવું સર્વોપરી છે.”

    બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં રવિવારે પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના હજારો સમર્થકોએ સંસદ, રાષ્ટ્રપતિ મહેલ અને સુપ્રીમ કોર્ટમાં હુમલો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ આ ઈમારતોની બારીઓ તોડી નાખી અને બ્રાઝિલના મંત્રીના દાવા મુજબ પ્રદર્શનકારીઓ હથિયાર લઈને ભાગી ગયા હતા.

    બ્રાઝિલ પોલીસે અત્યાર સુધીમાં 200થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે.

    બોલ્સોનારો ગયા વર્ષે ઑક્ટોબરમાં બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર સ્વીકારવાનો ઇનકાર કરતા આવ્યા છે. બોલ્સોનારો ગયા અઠવાડિયે સત્તા હસ્તાંતરણના સમારોહમાં પણ હાજર ન હતા અને હાલમાં અમેરિકામાં છે.

  9. રાજ ઠાકરેએ વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું, "તેઓ ગુજરાતના છે એનો અર્થ એ નથી કે..."

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે - એમએનએસ) ના પ્રમુખરાજ ઠાકરેએ રવિવારે કહ્યું હતું કે, “મહારાષ્ટ્રમાંથી પ્રોજેક્ટ તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં ખસેડવામાં આવે તે તેમના પદને અનુરૂપ નથી.

    એમએનેસના પ્રમુખની આ ટિપ્પણી ગયા વર્ષની એ ઘટના તરફ ઈશારો કરતી હતી, જ્યારે ભારતીય ખાણઉદ્યોગમાં કાર્યરત જૂથ વેદાંતા અને તાઇવાનની મેન્યુફેક્ચરિંગ કંપની ફોક્સકોનના સંયુક્ત સાહસ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય દોષારોપણનો ખેલ શરૂ થઈ ગયો હતો, જેમણે ગુજરાત સરકાર સાથે રાજ્યમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટની નવી સ્થાપના કરવા માટે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.

    વડા પ્રધાન મોદીએ એમઓયુને “ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ મહત્ત્વાકાંક્ષાઓને વેગ આપવાનું એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. 1.54 લાખ કરોડનું રોકાણ અર્થતંત્ર અને નોકરીઓને વેગ આપવા માટે નોંધપાત્ર અસર કરશે. આ આનુષંગિક ઉદ્યોગો માટે એક વિશાળ ઇકોસિસ્ટમ પણ બનાવશે અને અમારા MSME ને મદદ કરશે.”

    જોકે, સંયુક્ત સાહસની જાહેરાત પછી અધિકારીઓએ જણાવ્યું હતું કે, “મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથેની બેઠકમાં મહારાષ્ટ્રમાં પ્લાન્ટ માટેની યોજનાને “લગભગ” અંતિમ રૂપ આપવાના બે મહિનાની અંદર આ નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે વિરોધ પક્ષોએ ભાજપ અને વડા પ્રધાન પર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ પ્રોજેક્ટને મહારાષ્ટ્ર બહાર લઈ જવાનો આરોપ લગાવ્યો હતો.

    પિંપરીમાં ડૉ ડીવાય પાટીલ યુનિવર્સિટી અને જાગતિક મરાઠી એકેડેમી દ્વારા આયોજિત 18માં જાગતિક મરાઠી સંમેલનમાં ઠાકરેએ કહ્યું હતું કે, “વડા પ્રધાને તમામ રાજ્યો સાથે તેમના બાળકોની જેમ વર્તન કરવું જોઈએ અને તેમને સમાન રાખવા જોઈએ. તેઓ ગુજરાતના છે એનો અર્થ એ નથી કે, તેમણે ગુજરાતનો પક્ષ લેવો જોઈએ, આ તેમના પદને અનુરૂપ નથી.”

  10. બ્રાઝિલના જમણેરી પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના હજારો સમર્થકોએ કોંગ્રેસ પર હુમલો કર્યો

    બ્રાઝિલના જમણેરી પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના હજારો સમર્થકોએ બ્રાઝિલિયામાં કોંગ્રેસ પર હુમલો કર્યો છે.

    રાષ્ટ્રીય ધ્વજના રંગોવાળા કપડાં પહેરેલા અને બ્રાઝિલના ધ્વજમાં લપેટાયેલા ટોળાએ કરેલા આ તોફાનોએ બે વર્ષ પહેલાં અમેરિકાના કેપિટોલમાં થયેલા તોફાનોની યાદ અપાવી દિધી છે.

    કેટલાક લોકો નિર્જન સેનેટ ચેમ્બરમાં પહોંચ્યા હતા, કેટલાક રાષ્ટ્રપતિ મહેલમાં, કેટલાકસુપ્રીમ કોર્ટમાં અને અન્ય સરકારી ઇમારતોમાં પ્રવેશ્યાહતા.

    સુરક્ષા દળોનું કહેવું છે કે, હવે તેઓએ કોંગ્રેસ ભવન પર ફરીથી કબજો કરી લીધો છે.

    જેમણે એક અઠવાડિયા અગાઉ શપથ લીધા હતા, બોલ્સોનારો ગયા વર્ષે ઑક્ટોબરમાં બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર સ્વીકારવાનો ઇનકાર કરતા આવ્યા છે.

    બોલ્સોનારોજે હાલમાં ફ્લોરિડામાં છે, તેઓએ કોંગ્રેસમાં ધમાલ મચાવ્યાના ઘણા કલાકો પછી ટ્વીટ કર્યું હતું. તેમણે વિરોધની નિંદા કરી અને લુલાના આરોપને નકારી કાઢ્યો હતો કે, અશાંતિને વેગ આપવામાં તેમની ભૂમિકા હતી.

  11. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    8 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.