You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

દિલ્હી વિધાનસભામાં 27 વર્ષ બાદ ભાજપનું પુનરાગમન, ભાજપે 48 બેઠક જીતી, આપ 22 પર સમેટાઈ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે મતગણતરી થઈ રહી છે. ભાજપ સતત આગળ ચાલી રહ્યો છે અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની હાર થઈ છે.

સારાંશ

  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 70 બેઠકો પર આપ, ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જંગ
  • આમ આદમી પાર્ટીને 2015 અને 2020ની વિધાનસભાની ચૂંટણીમાં એકતરફી રેકૉર્ડતોડ જીત મળી હતી
  • ભાજપ 26 વર્ષ પછી દિલ્હીની સત્તામાં કરી રહ્યો છે પુનરાગમન
  • આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની થઈ હાર, પાર્ટીના ભવિષ્ય પર સવાલ

લાઇવ કવરેજ

આર્જવ પારેખ

  1. દિલ્હી વિધાનસભામાં 27 વર્ષ બાદ ભાજપનું પુનરાગમન, કેજરીવાલ-સિસોદિયા હાર્યા

    શનિવારે દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામ આવ્યાં અને 27 વર્ષ બાદ ભાજપનું સત્તા પર પુનરાગમન થયું છે.

    ભારતના ચૂંટણીપંચના આંકડા મુજબ, 70 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપને 48 તથા આમ આદમી પાર્ટીને 22 બેઠક મળી છે.

    સતત ત્રીજી વખત કૉંગ્રેસ એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી છે. ગત ત્રણ વિધાનસભા તથા ગત ત્રણ લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટી એક પણ બેઠક જીતવામાં અસફળ રહી છે.

    ભાજપને 45.56 તથા આપને 43. 57 ટકા મત મળ્યા હતા. આમ માત્ર બે ટકા મતને કારણે સમગ્ર ચિત્ર પલટાઈ ગયું હતું અને આપને 40 બેઠકનું નુકસાન થયું હતું.

    કૉંગ્રેસને 6.34 ટકા મત મળ્યા હતા, જે તેના ગત વખતના પ્રદર્શન કરતાં 50 ટકા જેટલા વધુ હતા. ગત વખતે પાર્ટીને સવા ચાર ટકા જેટલા મત મળ્યા હતા.

    લગભગ નવ મહિના પહેલાં આપ અને કૉંગ્રેસ દિલ્હીમાં લોકસભાની ચૂંટણી મળીને લડ્યા હતા, પરંતુ આ વખતે અલગ-અલગ ચૂંટણીજંગમાં ઊતર્યા હતા.

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં આપને 28 બેઠક મળી હતી અને તેણે કૉંગ્રેસના ટેકાથી સરકાર બનાવી હતી. અરવિંદ કેજરીવાલ પહેલી વખત મુખ્ય મંત્રી બન્યા હતા, પરંતુ 49 દિવસ બાદ રાજીનામું આપી દીધું હતું.

    વર્ષ 2015માં આપને 67 બેઠક મળી હતી અને ભાજપ વિપક્ષના નેતાનો દરજ્જો પણ નહોતો મેળવી શક્યો.

    દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ (નવી દિલ્હી), દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા (જંગપુરા), આરોગ્યમંત્રી સૌરભ ભારદ્વાજ (ગ્રેટર કૈલાશ) અને સત્યેન્દ્ર જૈન (શકૂરબસ્તી) જેવા નેતાઓનો પરાજય થયો છે.

    જોકે, મુખ્ય મંત્રી આતિશી (કાલકાજી) અને ગોપાલ રાય (બાબરપુર) અને અમાનતુલ્લાહ ખાન (ઓખલા) જેવા નેતાઓ પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા હતા.

    ભાજપના નેતા પરવેશ વર્મા (નવી દિલ્હી), વીજેન્દ્ર ગુપ્તા (રોહિણી), હરીશ ખુરાના (મોતીનગર), મનિન્દરસિંહ સિરસા (રાજૌરી ગાર્ડન), કૈલાશ ગેહલોત (બિજસવાન), તરવિન્દરસિંહ મારવાહ (જંગપુરા), શીખા રૉય (ગ્રૅટર કૈલાશ), રવિન્દરસિંહ નેગી (પટપટગંજ), અરવિંદરસિંહ લવલી (ગાંધીનગર), મોહનસિંહ બિસ્ટ (મુસ્તફાબાદ) અને કપિલ મિશ્રા (કરવલ નગર) વિજયી થયા છે.

    ભાજપે આપ ઉપરના ભ્રષ્ટાચારના આરોપો તથા કેજરીવાલના નિવાસસ્થાન 'શીશમહેલ' ઉપર પ્રચારને કેન્દ્રિત રાખ્યો હતો.

    બીજી બાજુ, આમ આદમી પાર્ટીએ ભાજપ ઉપર ધનબળ અને બાહુબળના ઉપયોગનો આરોપ મૂક્યો હતો. આપે ચૂંટણીપંચની તટસ્થતા ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા.

    દિલ્હીના મુખ્યાલયે એકઠા થયેલા કાર્યકરોને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભાના પહેલા સત્રમાં જ કૅગનો રિપોર્ટ રજૂ કરવાની, યમુના નદીને શુદ્ધ કરવાની, દિલ્હીનો માળખાકીય વિકાસ કરવાની તથા ડબલ એન્જિનની સરકારથી દિલ્હીનો વિકાસ કરવાની વાત કરી હતી.

    અરવિંદ કેજરીવાલે નિવેદન બહાર પાડીને હારનો સ્વીકાર કર્યો છે. તેમણે ભાજપને શુભકામનાઓ પાઠવી છે અને પાર્ટીએ દિલ્હીની જનતાને જે કોઈ વચન આપ્યા છે, તેને પૂર્ણ કરે તેવી માગ કરી છે.

    કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઍક્સ પોસ્ટમાં લખ્યું કે દિલ્હીની પ્રજાના જનાદેશનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરીએ છીએ. મોંઘવારી, પ્રદૂષણ અને ભ્રષ્ટાચાર સામે અમારી લડાઈ ચાલુ રહેશે.

  2. હજાર કરતાં ઓછા મતે ભાજપનો વિજય થયો હોય એવી બેઠકો

    દિલ્હીની સંગમ વિહાર બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચંદનકુમાર ચૌધરીનો આપના ઉમેદવાર દિનેશ મોહનિયા સામે 344 મતે વિજય થયો છે.

    ચૌધરીને 54 હજાર 34 તથા મોહનિયાને 53 હજાર 705 મત મળ્યા ; જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર હર્ષ ચૌધરીને 15 હજાર 863 મત મળ્યા, તેઓ ત્રીજાક્રમે રહ્યા હતા.

    ત્રિલોકપુરીની બેઠક પર ભાજપના ઉમેદવાર રવિકાન્તનો 392 મતે વિજય થયો હતો. રવિકાન્તને 58 હજાર 217 મત મળ્યા, જ્યારે આપનાં ઉમેદવાર અંજના પરચાને 57 હજાર 825 મત મળ્યાં હતાં. કૉંગ્રેસના અમરદીપ છ હજાર 147 મત સાથે ત્રીજાક્રમે રહ્યા હતા.

    દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાનો જંગપુરાની બેઠક પરથી પરાજય થયો છે. તેમના હરીફ અને ભાજપના ઉમેદવાર તરવિંદરસિંહને 38 હજાર 859 મત મળ્યા, જ્યારે સિસોદિયાને 38 હજાર 184 વોટ મળ્યા હતા. કૉંગ્રેસના ફરહાદ સૂરીને સાત હજાર 350 મત મળ્યા હતા.

  3. મનીષ સિસોદિયાએ કહ્યું, “શિક્ષણ વ્યવસ્થામાં રાજકારણથી જ સુધાર આવશે, હું કામ કરતો રહીશ”

    દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલી હાર પછી દિલ્હીના પૂર્વ ઉપ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ પણ નિવેદન આપ્યું છે.

    તેમણે કહ્યું હતું કે, “હું દિલ્હીની પ્રજાનો આભાર માનું છું, જેમણે મને 12 વર્ષ સુધી તેમની સેવા કરવાની અને બાળકોનું ભવિષ્ય સુધારવાની તક આપી.”

    મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, “જો શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરવો હોય તો રાજકારણ જ તેનો રસ્તો છે. એટલે મેં મારું જીવન શિક્ષણને સમર્પિત કર્યું છે અને આગળ પણ તેના માટે કામ કરતો રહીશ.”

    અહીં ઉલ્લેખનીય છે કે મનીષ સિસોદિયાની જંગપુરા બેઠક પરથી 675 મતે હાર થઈ છે.

  4. રાહુલ ગાંધીએ દિલ્હી વિધાનસભામાં કૉંગ્રેસના પરાજય અંગે શું કહ્યું?

    કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પરાજય અંગે પ્રતિક્રિયા આપતા, હારનો સ્વીકાર કર્યો છે.

    પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ (અગાઉ ટ્વિટર) પર લખ્યું, "દિલ્હી જનાદેશનો અમે વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરીએ છીએ."

    "પ્રદેશના તમામ કાર્યકર્તાઓના સમર્પણ અને તમામ મતદારોનો સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર. પ્રદૂષણ, મોંઘવારી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ દિલ્હીની પ્રગતિ અને દિલ્હીવાસીઓના અધિકારો માટેની લડાઈ ચાલુ રહેશે."

    ઉલ્લેખનીય છે કે વર્ષ 1998થી 2013 સુધી દિલ્હી વિધાનસભામાં કૉંગ્રેસની સરકાર હતી, પરંતુ ગત ત્રણ વખતથી (વર્ષ 2015, 2020 તથા 2025) પાર્ટી ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી છે.

    આ સિવાય ગત ત્રણ સામાન્ય ચૂંટણી દરમિયાન તમામ સાત બેઠક પર ભાજપનો વિજય થયો છે, જેણે આમ આદમી પાર્ટી તથા કૉંગ્રેસને પરાજય આપ્યો છે.

    27 વર્ષ બાદ દિલ્હીની વિધાનસભામાં ભાજપનું પુનરાગમન થયું છે.

  5. દિલ્હી: જીત પછી મોદીએ કહ્યું, “દિલ્હીને એક દાયકાની ‘આપદા’થી મુક્તિ મળી”

    ભાજપને દિલ્હીમાં મળેલી જીત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના કાર્યાલયે પહોંચ્યા હતા અને તેમણે ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.

    તેમણે ભાષણની શરૂઆત “યમુનામૈયા કી જય...” સાથે કરી હતી.

    વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, “દિલ્હીને એક દાયકાની ‘આપદા’થી મુક્તિ મળી છે. દિલ્હીમાં આડંબર, અરાજકતા, ઘમંડની હાર થઈ છે અને વિકાસની જીત થઈ છે. આ જીત ભાજપના કાર્યકર્તાઓની દિવસ-રાતની મહેનતનું પરિણામ છે.”

    તેમણે વધુમાં કહ્યું હતું કે, “દિલ્હીની અસલી માલિક માત્રને માત્ર દિલ્હીની જનતા જ છે એ પ્રજાએ સાબિત કર્યું છે. દિલ્હીના પરિણામોથી એ સ્પષ્ટ છે કે રાજકારણમાં કોઈ શોર્ટકટ હોતો નથી."

    તેમણે કહ્યું હતું કે, " દેશભરના ભાજપના કાર્યકર્તાઓને એવું લાગતું હતું કે દિલ્હીની સેવા કરવાની અમને તક મળી નથી અને એક કસક હતી. હવે 21મી સદીમાં જન્મેલી પેઢી પહેલી વાર દિલ્હીમાં ભાજપના શાસનનો અનુભવ કરશે.”

    પીએમ મોદીએ આમ આદમી પાર્ટી પર પણ પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, “જે પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચારમાંથી થયો હતો તે જ ભ્રષ્ટાચારમાં સંડોવાઈ ગઈ. જે પોતાને ઈમાનદારીનું સર્ટિફિકેટ આપતા હતા તે જ બેઈમાન નીકળ્યા. સ્કૂલ અને હૉસ્પિટલોમાં પણ ગોટાળા થયા અને ઉપરથી તેમનો ઘમંડ પણ વધારે હતો. જ્યારે દુનિયા કોરોના સામે લડી રહી હતી ત્યારે તેઓ શીશમહેલ બનાવી રહ્યા હતા.”

    આ પહેલાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વીડિયો નિવેદન બહાર પાડીને ભાજપને વિજય બદલ શુભેચ્છા પાઠવી અને અપેક્ષા કરી હતી કે તેઓ દિલ્હીની જનતાને આપેલા વાયદા પૂર્ણ કરશે.

    અહીં ઉલ્લેખનીય છે કે ભાજપનું દિલ્હીની સત્તામાં 26 વર્ષ પછી પુનરાગમન થયું છે.

    મોદીના ભાષણમાં ગુજરાતનો ઉલ્લેખ

    મોદીએ ઉમેર્યું, "હું ગૅરન્ટી આપું છું કે (દિલ્હી વિધાનસભાના) પહેલા સત્રમાં જ કૅગનો (કમ્પ્ટ્રૉલર ઍન્ડ ઑડિટર જનરલ) રિપોર્ટ ટેબલ કરવામાં આવશે."

    "ભ્રષ્ટાચારની તપાસ થશે અને જેમણે પણ લૂંટ્યું છે, એમણે પરત કરવું પડશે. આ મોદીની ગૅરન્ટી છે."

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસનો ઉલ્લેખ કરતા કહ્યું, "જનતાએ કૉંગ્રેસને સજ્જડ સંદેશ આપ્યો છે. કૉંગ્રેસે દિલ્હીની ચૂંટણીઓમાં શૂન્યની ડબલ હૅટ્રિક ફટકારી છે. દેશની રાજધાની દિલ્હીમાં છ વખતથી (વિધાનસભાની ત્રણ તથા લોકસભાની ત્રણ) કૉંગ્રેસ ખાતું નથી ખોલી શકી. તેઓ પોતાને જ પરાજયનો ગોલ્ડ મેડલ આપી રહ્યા છે."

    "વાસ્તવમાં લોકોને કૉંગ્રેસ ઉપર ભરોસો નથી. તે પોતે તો ડૂબે છે, પરંતુ સાથે જ પોતાના સાથી પક્ષને પણ લઈ ડૂબે છે."

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ત્યાં વારંવાર દુકાળ પડતો હતો, પરંતુ ભાજપની સરકારના આગમન બાદ જળસંચયના પ્રયાસોને કારણે ખેડૂતોએ આગેકૂચ કરી છે.

    મોદીએ પોતાનું પ્રાસંગિક ઉદ્ધોધન શરૂ કરતી વખતે અને સમાપ્તિ વેળાએ ભારત માતાની સાથે 'યમુનામૈયા'નો જયકારો બોલાવ્યો હતો.

    હિમાલયમાંથી નીકળતી નદીના કિનારે દિલ્હી શહેર વસેલું છે અને તેનું પ્રદૂષણ સ્થાનિકોમાં મહત્ત્વપૂર્ણ મુદ્દો છે.

  6. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર: આજનું કાર્ટૂન

  7. દિલ્હીની આ બેઠકો પર આમ આદમી પાર્ટીનો ખેલ કૉંગ્રેસે બગાડ્યો?

    દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. પાર્ટીની હાર તો થઈ જ, પરંતુ સાથેસાથે મોટા નેતાઓની પણ હાર થઈ છે.

    દિલ્હીની કુલ 13 બેઠકો એવી છે જેના પર આમ આદમી પાર્ટીની હારના અંતર કરતાં કૉંગ્રેસને વધુ મત મળ્યા છે.

    નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલની 4089 મતે હાર, કૉંગ્રેસના સંદીપ દીક્ષિતને મળ્યા 4568 મત

    જંગપુરા: મનીષ સિસોદિયાની 675 મતે હાર, કૉંગ્રેસના ફરહદ સુરીને 7350 મત મળ્યા

    ગ્રેટર કૈલાશ: સૌરભ ભારદ્વાજની 3188 મતે હાર, કૉંગ્રેસના ગર્વિત સિંઘવીને મળ્યા 6711 મત

    માલવીય નગર: સોમનાથ ભારતીની 2131 મતે હાર, કૉંગ્રેસના જિતેન્દર કુમાર કોચરને મળ્યા 6770 મત

    રાજિન્દર નગર: દુર્ગેશ પાઠકની 1231 મતે હાર, કૉંગ્રેસના વિનીત યાદવને 4015 મત મળ્યા

    માદીપુર: રાખી બિડલાની 10899 મતે હાર, કૉંગ્રેસના જે.પી.પનવરને 17958 મત મળ્યા

    સંગમવિહાર: દિનેશ મોહનિયાની 344 મતે હાર, કૉંગ્રેસના હર્ષ ચૌધરીને 15863 મત મળ્યા

    બાદલી: અજેશ યાદવની 15163 મતે હાર, કૉંગ્રેસના દેવેન્દર યાદવને મળ્યા 41071 મત

    તિમારપુર: સુરિન્દરપાલસિંહની 1168 મતે હાર, કૉંગ્રેસના લોકેન્દ્રકલ્યાણસિંહને 8361 મત

    મેહરૌલી: મહેન્દર ચૌધરીની 1782 મતે હાર, કૉંગ્રેસના પુષ્પાસિંહને મળ્યા 9338 મત

    ત્રિલોકપુરી: અંજના પાર્ચાની 392 મતે હાર, કૉંગ્રેસના અમરદીપને 6147 મત મળ્યા

    છત્તરપુર: બ્રહ્મસિંહ તંવરની 6239 મતે હાર, કૉંગ્રેસના રાજિન્દરસિંહ તંવરને 6601 મત મળ્યા

    નાંગલોઈ જાટ: રઘુવિંદર શૌકીનની 26251 મતે હાર, કૉંગ્રેસના રોહિત ચૌધરીને મળ્યા 32028 મત

    મુસ્તફાબાદની બેઠક પર આમ આદમી પાર્ટીને મળેલી હારના અંતર કરતાં એઆઈએમઆઈએમના ઉમેદવારને વધુ મત મળ્યા છે.

    આમ આદમી પાર્ટીના આદિલ અહમદ ખાનની 17578 મતે હાર થઈ છે. જ્યારે ઔવૈસીની પાર્ટી તરફથી લડી રહેલા તાહિર હુસૈનને 33474 મત મળ્યા છે.

    તમે આ લેખ પણ વાંચી શકો છો:

  8. દિલ્હીમાં ભાજપની ઉજવણી: તસવીરોમાં જુઓ

    દિલ્હીમાં ભાજપના કાર્યકર્તાઓએ જીતની ઉજવણી શરૂ કરી દીધી છે.

    ભાજપ દિલ્હીની સત્તામાં અઢી દાયકા પછી પુનરાગમન કરી રહ્યો છે.

  9. અરવિંદ કેજરીવાલ: જે બેઠક પર શીલા દીક્ષિતને હરાવી ઇતિહાસ રચ્યો, તે જ બેઠક પર હાર સુધીની સફર

    દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ તેમની પરંપરાગત નવી દિલ્હી બેઠક પરથી હારી ગયા છે. આ એ જ બેઠક છે જ્યાંથી આજથી 12 વર્ષ પહેલાં તેમણે શીલા દીક્ષિતને હરાવ્યાં હતાં.

    હવે જાણે કે પરિવર્તનની લહેરનું 12 વર્ષ બાદ પુનરાવર્તન થયું છે.

    અહીં ઉલ્લેખનીય છે કે સમાજસેવક તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા કેજરીવાલ ગણતરીનાં વર્ષોમાં દિલ્હીના મુખ્ય મંત્રી અને ભારતના મહત્ત્વના નેતાઓ પૈકી એક બની ગયા.

    એક આંદોલનકારી નેતાથી મુખ્ય મંત્રી અને ફરી ચૂંટણીમાં હાર સુધીની તેમની સફર પર એક નજર...

  10. આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ કેટલા અંતરથી ચૂંટણી હાર્યા?

    આમ આદમી પાર્ટીના મોટા ભાગના ટોચના નેતાઓની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હાર થઈ છે.

    અરવિંદ કેજરીવાલ: નવી દિલ્હીથી 4089 મતે હાર

    મનીષ સિસોદિયા: જંગપુરાથી 675 મતે હાર

    સત્યેન્દર જૈન: શકૂરબસ્તીથી 20998 મતે હાર

    સૌરભ ભારદ્વાજ: ગ્રેટર કૈલાશથી 3188 મતે હાર

    તો બીજી તરફ આમ આદમી પાર્ટીના અમુક ટોચના નેતાઓ પોતાની બેઠક બચાવવામાં સફળ થયા છે.

    આતિશી: કાલકાજીથી 3521 મતે જીત

    ગોપાલ રાય: બાબરપુરથી 18994 મતે જીત

    ઈમરાન હુસૈન: બલ્લીમારાનથી 29823 મતે જીત

  11. ભાજપ અને આમ આદમી પાર્ટીના મોટા ઉમેદવારોનું શું થયું?

    દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 41 બેઠકોનાં પરિણામ જાહેર થઈ ગયાં છે.

    આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયાની હાર થઈ છે જ્યારે આતિશીની જીત થઈ છે.

    ભાજપના પરવેશ વર્મા અને કપિલ મિશ્રાની પણ જીત થઈ છે.

    આમ આદમી પાર્ટીના સત્યેન્દર જૈન અને સૌરભ ભારદ્વાજની પણ હાર થઈ છે.

    ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અવધ ઓઝાની પણ હાર થઈ છે.

    ભાજપ નેતા રમેશ બિધૂડીની પણ હાર થઈ છે.

    અહીં ક્લિક કરીને વાંચો:એક સમયે નવી દિલ્હી બેઠક પરથી શીલા દીક્ષિતને હરાવનાર કેજરીવાલની નવી દિલ્હીથી જ હાર સુધીની અત્યાર સુધીની સફર

  12. પીએમ મોદી દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પર શું બોલ્યા?

    દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને બઢત મળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ તેને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે.

    પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “દિલ્હીનાં મારાં તમામ ભાઈઓ-બહેનોને ભાજપની ઐતિહાસિક જીત અપાવવા બદલ વંદન અને અભિનંદન. તમે ભરપૂર આશીર્વાદ અને સ્નેહ આપ્યો છે. તે માટે હ્રદયપૂર્વક સૌનો આભાર.”

    પીએમ મોદીએ લખ્યું, “દિલ્હીના વિકાસ અને અહીંના લોકોનું જીવન ઉત્તમ બનાવવા માટે અમારી ગૅરંટી છે. તે માટે અમે કોઈ કસર છોડીશું નહીં. સાથે અમે સુનિશ્ચિત કરીશું કે વિકસિત ભારતના નિર્માણમાં દિલ્હીની ભૂમિકા મહત્ત્વની હોય.”

  13. અરવિંદ કેજરીવાલે હાર સ્વીકારતા કહ્યું, “પ્રજાના નિર્ણયનો સ્વીકાર કરું છું...”

    દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીનાં પરિણામો પછી પ્રતિક્રિયા આપી છે.

    તેમણે હાર સ્વીકારતા કહ્યું હતું કે, “પ્રજાના નિર્ણયને અમે સંપૂર્ણ વિનમ્રતાથી સ્વીકાર કરીએ છીએ. પ્રજાનો નિર્ણય માથે ચઢાવીએ છીએ.”

    અરવિંદ કેજરીવાલે કહ્યું છે, “હું ભારતીય જનતા પાર્ટીને જીત બદલ શુભકામનાઓ પાઠવું છું. દિલ્હીની પ્રજાએ જે આશા સાથે તેમને મત આપ્યા છે તેમને ભાજપ પૂર્ણ કરશે. છેલ્લાં દસ વર્ષમાં અમે શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, પાણીનાં ક્ષેત્રોમાં ખૂબ કામ કર્યું છે.”

    તેમણે વધુમાં કહ્યું હતું કે, “અમે રાજકારણમાં સત્તા માટે આવ્યા નહોતા, અમે રાજકારણમાં પ્રજાની સેવા માટે જ આવ્યા હતા અને આગળ પણ પ્રજાના સુખ-દુ:ખમાં કામ કરતા રહીશું.”

  14. દિલ્હીનાં પરિણામો પછી ગોપાલ ઇટાલિયાએ કહ્યું, “સંઘર્ષનો અંત ક્યારેય નથી હોતો…”

    દિલ્હીનાં ચૂંટણીપરિણામો પછી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પ્રતિક્રિયા આપી છે.

    તેમણે લખ્યું છે કે, “દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીને દસ વર્ષ સુધી સેવા કરવાની તક આપી તેના માટે લોકોનો આભાર. પ્રજાના આ નિર્ણયને વિનમ્રતા પૂર્વક સ્વીકાર કરીને દિલ્હીની નવી ચૂંટાયેલી સરકારને અભિનંદન આપીએ છીએ.”

    “આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી લડી અને ભાજપનું આખું તંત્ર સામે હતું, પણ આમ આદમી પાર્ટી ઇમાનદારીથી લડી. ગુજરાત હોય કે દિલ્હી, આમ આદમી પાર્ટી સરકારમાં હોય કે ન હોય, અમે લોકોનો અવાજ બનીને રહીશું અને તેમના માટે કામ કરતા રહીશું.”

    તેમણે વધુમાં કહ્યું હતું કે, “આ માત્ર ચૂંટણી નહોતી, એક આંદોલન હતું - પહેલી વાર કોઈ પક્ષ ભાજપ સામે મજબૂત રીતે ઊભો રહ્યો અને લોકો માટે લડ્યો. આપણે હાર માનનારા લોકોમાંથી નથી, આ લડાઈ લાંબી ચાલશે. આમ આદમી પાર્ટી વિરુદ્ધ ઈડી, ચૂંટણીપંચ, સીબીઆઈ, આઈટી, દિલ્હી પોલીસ સહિતની તમામ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો, તમામ પ્રકારનાં કાવતરાં રચવામાં આવ્યાં, પરંતુ આમ આદમી પાર્ટીએ પ્રામાણિકપણે ચૂંટણી લડી.”

    ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, “આ ચોક્કસપણે અંત નથી. સંઘર્ષ ક્યારેય સમાપ્ત થતો નથી, તે એક નવી શરૂઆત છે. ચૂંટણીમાં જીત અને હાર થતી રહે છે, પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો લોકોના અધિકારો માટેની લડાઈને બંધ થવા દેશે નહીં. અમે વધુ મજબૂતીથી પાછા આવીશું.”

  15. દિલ્હીનાં પરિણામો પછી અમિત શાહે કહ્યું, “દિલ્હીની પ્રજાને ખોટા વાયદાઓથી વારંવાર ગેરમાર્ગે ન દોરી શકાય”

    દિલ્હીનાં ચૂંટણી પરિણામોમાં ભાજપને મળેલી સફળતા પછી ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર નિવેદન આપ્યું છે.

    તેમણે લખ્યું છે કે, “દિલ્હીવાસીઓએ જણાવી દીધું છે કે પ્રજાને વારંવાર ખોટા વાયદાઓથી ગેરમાર્ગે ન દોરી શકાય. પ્રજાએ તેમના મતોથી ગંદી યમુના, પીવાનું ગંદું પાણી, તૂટેલા રસ્તાઓ, ઑવરફ્લો થયેલી ગટરો અને દરેક ગલીમાં ખુલેલી દારૂની દુકાનોનો જવાબ આપ્યો છે.”

    તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં મળેલી ભવ્ય જીત માટે પોતાના દિવસ-રાત એક કરનાર ભાજપના તમામ કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું.

    “મહિલા સન્માન હોય, અનધિકૃત કૉલોનીમાં રહેતા લોકોનું સ્વાભિમાન હોય કે પછી સ્વરોજગારની અપાર સંભાવનાઓ હોય, મોદીજીના નેતૃત્ત્વમાં દિલ્હી હવે એક આદર્શ રાજધાની બનશે.”

  16. અત્યાર સુધીમાં સાત બેઠકોનાં અંતિમ પરિણામ જાહેર થયાં, કોની થઈ જીત?

    ચૂંટણીપંચની વેબસાઈટ પ્રમાણે અત્યાર સુધીમાં દિલ્હીમાં સાત બેઠકોનાં પરિણામો જાહેર થઈ ગયાં છે.

    જેમાં શાલીમાર બાગ, ત્રિનગર, રાજૌરી ગાર્ડન અને સંગમવિહાર બેઠકો પર ભાજપે જીત મેળવી છે.

    સંગમવિહારથી ભાજપે માત્ર 344 મતે જીત મેળવી છે.

    જ્યારે આમ આદમી પાર્ટીએ સુલ્તાનપુર માજરા, દિલ્હી કૅન્ટ અને કોંડલી બેઠકો પર વિજય મેળવ્યો છે.

    સુલ્તાનપુર માજરાથી આપના મુકેશકુમાર અહલાવતે 17126 મતોથી જીત મેળવી છે.

  17. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની પડતીને લઈને કુમાર વિશ્વાસે શું કહ્યું?

    દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર હવે નિશ્ચિત જણાઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસે નિવેદન આપ્યું છે.

    સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, “હું ભાજપને તેમની જીત માટે અભિનંદન પાઠવું છું. મારે એ વ્યક્તિ માટે કોઈ લાગણી નથી કે જેણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સ્વપ્નોને કચડ્યાં છે. દિલ્હીને હવે તેમનાથી છૂટકારો મળ્યો છે.”

    જોકે, તેમણે કહ્યું હતું કે મારા માટે આ કોઈ ખુશી કે દુ:ખની વાત નથી.

    “જ્યારે મનીષ સિસોદિયાની હારના સમાચાર મળ્યા ત્યારે મારાં પત્ની રડી પડ્યાં હતાં. હું ઇચ્છું છું કે આ પ્રકારનો ઘમંડ હવે અન્ય કોઈ લોકો નહીં કરે. ”

    તેમણે અરવિંદ કેજરીવાલને ‘દૂર્યોધન’ તરીકે પણ સંબોધ્યા અને અત્યંત કઠોર ભાષામાં તેમની ટીકા કરી હતી.

  18. મનીષ સિસોદિયાએ કહ્યું, “અમે 600 મતથી હારી ગયા...”

    જંગપુરા વિધાનસભાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ નિવેદન આપ્યું છે.

    મતગણતરીકેન્દ્રની બહારથી સિસોદિયાએ કહ્યું છે, “પક્ષના નેતાઓએ ખૂબ મહેનત કરી છે અને અમે લડ્યા છીએ. પરંતુ અમે માત્ર 600 મતથી પાછળ રહી ગયા. હું જે ઉમેદવાર જીત્યા છે તેને શુભકામનાઓ પાઠવું છું. મને આશા છે કે તેઓ જંગપુરાના વિકાસ માટે કામ કરશે.”

    જોકે, ચૂંટણીપંચની વેબસાઈટ પર તેમની હારની હજુ સુધી અધિકૃત રીતે જાહેરાત થઈ નથી.

  19. દિલ્હી: મતગણતરીમાં આપના મોટા નેતાઓ હાર ભણી, જુઓ કોણ પાછળ?

    ફેસબુક LIVE: દિલ્હીમાં કેજરીવાલ, આતિશી સહિત આપના મોટા નેતાઓ પાછળ, ભાજપનું સત્તામાં પુનરાગમન?

  20. દિલ્હી વિધાનસભા ચૂંટણી: 12 વાગ્યા સુધીના વલણોમાં ભાજપને બહુમત, આપ સતત પાછળ

    બપોરે 12 વાગ્યા સુધીના વલણોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

    અત્યાર સુધીમાં ભાજપ 46 બેઠકો પર આગળ છે અને આમ આદમી પાર્ટી 24 બેઠકો પર આગળ છે.

    જ્યારે કૉંગ્રેસ એકપણ બેઠક પર આગળ ચાલી રહી નથી.