બનાસકાંઠા : "પાક પલળી ગયો, પતરાં ઊડી ગયાં, સરકારને રાડો પાડી-પાડીને થાકી ગયા", ગોઠણસમા પાણીમાં રહેવા મજબૂર લોકોની હાલાકી
"અમારાં પતરાં ઊડી ગયાં, બારણાં તણાઈ ગયાં, જીરૂ-બાજરી પલળી ગઈ... અમારે ખાવું શું?"
"નુકસાનનું કહેવું કોને, સરકારને તો રાડ પાડી પાડીને થાક્યાં..."
બનાસકાંઠાનાં બનાસકાંઠાના વાવ, સુઈગામ અને થરાદનાં ગામડાંઓમાં રહેતા લોકોની આ વ્યથા છે.
આ વિસ્તારોનાં અમુક ગામડાંઓમાં હજુ પણ કેટલીય જગ્યાએ પાણી ઓસર્યાં નથી અને ગોઠણસમાં પાણી ભરાયેલાં છે.
અહીં ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં સતત 36 કલાક સુધી વરસેલા વરસાદે પાકિસ્તાન સાથે જોડાતી ગુજરાતની સરહદે આવેલા બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના સુઈગામ, વાવ, થરાદ અને ભાભર તાલુકાનાં ઘણાંય ગામડાંને જળમગ્ન બનાવી દીધાં હતાં.
અનેક ગ્રામજનોને ઘર છોડી દેવું પડ્યું હતું. હજારોની સંખ્યામાં તેમનાં પશુઓ ગામમાં જ રહી ગયાં હતાં, જ્યારે લોકો માત્ર પહેરેલાં કપડે જ બહાર આવી શક્યા હતા.

'છેલ્લા ચાર દાયકામાં આવો વરસાદ જોયો નથી'
અહીંના લોકો જણાવે છે કે પાછલા ચાર દાયકામાં ક્યારેય આવો વરસાદ તેમણે જોયો નહોતો.
2015 અને 2017માં પણ બનાસકાંઠા ભારે વરસાદનો માર વેઠી ચૂક્યું છે. એ સમયે પણ ઘણાં ગામડાં જળમગ્ન બની ગયાં હતાં.
જોકે, એ સમયે વરસાદના કેરને કારણે હજારોની સંખ્યામાં પશુઓ નહોતાં તણાયાં તેમજ હજારો હેક્ટર જમીન પરના ઊભા પાકનેય એ સમયે કોઈ નુકસાન નહોતું થયું. જેવું આ વખતે બન્યું છે.
બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લો દૂધ ઉત્પાદકો માટે જાણીતું છે, અહીંનાં ગામડાંનું અર્થતંત્ર દૂધના વેપાર પર નિર્ભર છે. અહીંથી દરરોજ લાખો લિટર દૂધ વિવિધ દૂધમંડળીઓ મારફતે ડેરીમાં પહોંચે છે.
પશુઓ તણાઈ જતાં લોકોની રોજગારીને પણ ફટકો પડ્યો છે.
બીબીસી ગુજરાતીએ આ વિસ્તારોની મુલાકાત લીધી હતી.
વધુ જુઓ આ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન



