Aral sagar : સમુદ્ર જેટલું મોટું મીઠા પાણીનું એક સરોવર કેવી રીતે સુકાઈ ગયું?

Aral sagar : સમુદ્ર જેટલું મોટું મીઠા પાણીનું એક સરોવર કેવી રીતે સુકાઈ ગયું?

સમુદ્ર ક્યારેય સુકાઈ ગયો હોય એવું સાંભળ્યું છે તમે? કદાચ નહીં સાંભળ્યું હોય...

પરંતુ આ કહાણી એક એવા સમુદ્રની છે જે ધીરેધીરે સુકાઈ રહ્યો છે.

આ સમુદ્રનો મોટો ભાગ સુકાઈ ગયો છે, જ્યાં મોજાં ઊછળતાં હતાં ત્યાં હવે રણ જેવી સૂકીભઠ્ઠ રેતી છે.

તેમાં ચાલતા કે તેના કિનારે લાંગરેલાં વહાણો હવે જમીન પર ભંગાર બનીને પડ્યાં છે.

એવું શું થયું કે આખે આખો સમુદ્ર સુકાવા લાગ્યો.

આ કહાણી ભારતથી 3500 કિલોમીટર દૂર આવેલા અરાલ સમુદ્રની છે. મધ્ય એશિયાના વિશાળ પટ પર ફેલાયેલા કઝાખસ્તાન અને ઉઝબેકિસ્તાનની વચ્ચે અરલ સમુદ્ર આવેલો છે. ખરેખર તો અરલ 67 હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું વિશ્વનું ચોથું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર હતું. તેના આ વિશાળ કદના કારણે જ તેને સમુદ્ર કહેવામાં આવે છે.

અરાલ સમુદ્ર સૂકાયો કઈ રીતે?

વિશાળ જમીનના પટ વચ્ચે આવેલું આ મોટા સરોવરને અમુ દરિયા અને સીર દરિયા નામની બે નદીઓ ભરેલું રાખતી હતી. તેમાંથી આવતા પાણીના કારણે હજારો કિલોમીટરનું આ સરોવરમાં વહાણો ચાલતાં, માછીમારી થતી.

1950માં તે સમયના સોવિયેત યુનિયને આ બંને નદીઓનું પાણી અરલમાં પહોંચે તેના બદલે તેને કપાસની ખેતીમાં વાળવાનું નક્કી કર્યું.

એ સમયે કઝાખસ્તાન અને ઉઝબેકિસ્તાન આ બંને દેશો સોવિયત યુનિયનનો ભાગ હતા.

સોવિયેત યુનિયનની નવી નીતિને પ્રમાણે કપાસનો પાક અને ઉત્પાદન વધારવાનું નક્કી કરાયું. જેથી આ બંને નદીઓનું પાણી ડાયવર્ટ કરાયું. પાણી ઘટતાં ધીરેધીરે આ અરલ સમુદ્ર સુકાવા લાગ્યો.

વિશ્વનું ધ્યાન 1990ના દાયકામાં આ વિશાળ સમુદ્ર પર ગયું, ત્યાં સુધીમાં તેનો હજારો કિલોમીટરનો વિસ્તાર સુકાઈ ગયો હતો.

જ્યાં એક સમયે પાણીનાં મોજાં ઊછળતાં હતાં, ત્યાં ધૂળ ઊડવા લાગી હતી. જે વહાણો એક સમયે આ સમુદ્રમાં જતાં તે જમીન પર પડીને કાટ ખાતાં ખાતાં ભંગાર બની રહ્યાં હતાં.

કેટલો સૂકાયો આ સમુદ્ર?

1960માં અરાલ સમુદ્રની ઊંડાઈ 68 મીટર હતી જે હવે ફક્ત 10 મીટર જેટલી રહી ગઈ છે. નાસાના અહેવાલ પ્રમાણે વર્ષ 2000 સુધીમાં મોટો દરિયાનો એક નાનો ભાગ રહ્યો. અંતે એના બે ભાગ થયા. જેમાં ઉત્તરમાં અરાલ સમુદ્ર નાનો અને દક્ષિણમાં અરાલ સમુદ્ર મોટો ભાગ છે.

પાણીની આવક ઘટતાં તે છીછરો થયો અને તેનું બાષ્પીભવન પણ ઝડપથી થવા લાગ્યું. જેને કારણે તે વધારે ઝડપથી સુકાવા લાગ્યો.

એક અહેવાલ પ્રમાણે 2017માં અરાલ સમુદ્ર તેના મૂળ કદના 25 ટકા જેટલો જ રહ્યો એટલે કે લગભગ 75 ટકા સમુદ્ર સૂકાઈ ગયો. આશરે 90 ટકા જેટલો મીઠા પાણીનો જથ્થો નાશ પામ્યો.

અરલ સમુદ્ર સૂકાઈ જવાની કેવી અસર થઈ?

અરલ એક એવું વિશાળ સરોવર છે જે ચારે તરફથી જમીનની સીમાઓમાં કેદ છે તેની પાણી ક્યાંય બહાર જતું નથી. આ ઉપરાંત અહીં આ વિસ્તારમાં ખૂબ ઓછો વરસાદ પડે છે અને પાણીના બાષ્પીભવનનો દર વધારે છે. જેથી તે ઝડપથી સુકાઈ રહ્યો છે. આ પાણી પર આધારિત જીવો નાશ પામ્યા, તેની સંખ્યા ઘટી ગઈ.

અરલ પર આધારિત અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ. આ સમુદ્ર અનેક માછલીઓનું ઘર હતું, પાણી ઘટતાં માછલીઓ પણ ગાયબ થવાની શરૂ થઈ.

માછીમારી કરતા અને તેના કાંઠે આવેલાં અનેક ગામો જે એક સમયે સમૃદ્ધ હતાં તે ઉજ્જડ થઈ ગયાં અથવા તેની સમૃદ્ધિ ઝાંખી પડવા લાગી.

જો કે 90ના દાયકામાં અરાલ સમુદ્રને સૂકાતો અટકાવવા માટે પ્રયાસો શરૂ થયા. વિશ્વ બૅન્કે કઝાખસ્તાનમાં 87 મિલિયન ડૉલરના પ્રોજેક્ટ માટે ધિરાણ કર્યું જેને કારણે અરલ સમુદ્રમાં ફરી પાણી લાવવામાં મદદ મળી.

આ પ્રોજેક્ટ પ્રમાણે કઝાખસ્તાને ઉત્તર અરાલ સાગર અને દક્ષિણ અરલ સાગરને જોડતો 12 કિલોમીટર લાંબો ડૅમ બાંધવાની શરૂઆત થઈ.

જેનો હેતુ દક્ષિણ અરાલ સમુદ્રનું પાણી ઉત્તર અરાલમાં જતું અટકાવવાનો હતો.

15 વર્ષમાં આ બંધ બનીને તૈયાર થયો જેને કોકરાલ બંધ કહેવામાં આવે છે જેના કારણે સાત મહિનામાં અરાલના પાણીના સ્તરમાં 3.3 મીટરનો વધારો થયો.

જોકે તેનો ઘણો મોટો વિસ્તાર હજુ પણ સૂકાયલો જ છે અને 2010 પછીના ગાળામાં પણ અરલ સમુદ્રનો હજારો ચોરસ કિલોમીટરનો વિસ્તાર ઘટવાની પ્રક્રિયા ચાલતી જ રહી છે.

અરલ સમુદ્ર સુકાવાની આ ઘટનાને અત્યાર સુધીની પર્યાવરણની સૌથી મોટી દુર્ઘટનાઓમાં એક ગણવામાં આવે છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.