વર્લ્ડ ટી-20 : રોહિત શર્મા એ ટીમની હારનો ‘દોષનો ટોપલો’ કોના પર ઢોળ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
હાલ ભારતીય ક્રિકેટ ટીમની હારની ચારે તરફ ચર્ચા છે, ઇંગ્લૅન્ડે ટી-20 વર્લ્ડકપની બીજી સેમિફાઇનલમાં ભારત પર દસ વિકેટે શાનદાર જીત મેળવી અને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
ઇંગ્લૅન્ડ સામે ભારતની ખરાબ હાર બાદ ભારત ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયું છે. હવે 13 નવેમ્બરના રોજ મેલબર્નમાં ઇંગ્લૅન્ડ પાકિસ્તાન સામે ફાઇનલ મૅચ રમશે.
હાર બાદ ભારતના કૅપ્ટન રોહિત શર્માએ ભારતની હારનાં કારણો પણ જણાવ્યાં હતાં. તેમણે એ પણ જણાવ્યું હતું કે ભારતની હાર માટે કોણ જવાબદાર છે.
ભારત ટૉસ હાર્યું હતું અને પ્રથમ બૅટિંગ કરતાં ઇંગ્લૅન્ડને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઑપનર એલેક્સ હેલ્સ અને કૅપ્ટન જોસ બટલરે પ્રથમ વિકેટની ભાગીદારી દ્વારા આ ટાર્ગેટને મામૂલી બનાવી દીધો હતો.
ભારતનો એક પણ બૉલર ઇંગ્લૅન્ડના બૅટરને આઉટ કરી શક્યો ન હતો અને ઇંગ્લૅન્ડ એક પણ વિકેટ ગુમાવ્યા વિના જીતી ગયું હતું.
ઇંગ્લૅન્ડના કૅપ્ટન બટલરે 80 રન અને હેલ્સે 86 રન બનાવ્યા હતા. હેલ્સને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા. ભારતીય ટીમના કૅપ્ટન તરીકે રોહિત શર્મા અને ટીમ બંને માટે આ ખરાબ હાર હતી.
આ હાર બાદ સોશિયલ મીડિયામાં લોકો રોહિત શર્માની કૅપ્ટનશિપ પર પણ સવાલો ઉઠાવવા લાગ્યા છે.

રોહિત શર્માએ હારનો દોષ કોના પર ઢોળ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની હાર બાદ રોહિત શર્માએ ઇંગ્લૅન્ડ સામેની આ ખરાબ હારનો દોષ બૉલરો પર ઢોળ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોહિત શર્માએ કહ્યું, "આજે અમે જે રીતે રમ્યા એ ખૂબ જ નિરાશાજનક છે. મને લાગે છે કે અમે અંતમાં ખૂબ સારી બૅટિંગ કરી હતી જેથી અમે આ સ્કોર સુધી પહોંચી શક્યા. પરંતુ અમે સારી રીતે બૉલિંગ ના કરી શક્યા."
"આ ચોક્કસ રીતે એવી વિકેટ ન હતી કે કોઈ ટીમ આવે અને 16 ઓવરમાં લક્ષ્ય પ્રાપ્ત કરી લે. અમે બૉલિંગ સારી ના કરી શક્યા. જ્યારે નોકઆઉટ સ્ટેજમાં હોઈએ ત્યારે કેવી રીતે પ્રેશર હૅન્ડલ કરવું તેના પર જ બધો આધાર હોય છે. એ ખેલાડીઓ પર વ્યક્તિગત રીતે પણ નિર્ભર કરે છે. અમે ખેલાડીઓને એ અલગથી ના શીખવી શકીએ."
"જેવી રીતે અમે બૉલિંગથી શરૂઆત કરી તે યોગ્ય ન હતી. તેમના ઑપનરોએ ખૂબ સારી બૅટિંગ કરી. ભુવનેશ્વરને પ્રથમ ઓવરમાં વિકેટથી મદદ મળી રહી હતી. પરંતુ અમે સારી લાઇન લેન્થથી બૉલિંગ ના કરી. અમે તેને ખૂબ ટાઇટ રાખવા માગતા હતા. જરા પણ રૂમ આપવા માગતા ન હતા. જે અમે ના કરી શક્યા અને રન આવ્યા."
"બાંગ્લાદેશ સામેની મૅચમાં પણ મુશ્કેલી હતી પરંતુ અમે તે દિવસે તેને મૅનેજ કરી શક્યા. પરંતુ આજે ઘણી બાબતો અમારા પક્ષમાં ન હતી."


ભારતીય ટીમ ટૉસ હારી પ્રથમ બૅટિંગ કરવા ઊતરી

ઇમેજ સ્રોત, Getty Images
ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉસ બટલરે ઍડિલેડમાં રમાયેલી બીજી સેમિફાઇનલમાં ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ટીમે પ્રથમ બૅટિંગ કરી હતી.
પાકિસ્તાનની ટીમે બુધવારે રમાયેલી સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.
ભારતીય ટીમે ગ્રૂપ 2માં પ્રથમ નંબરે રહેતા સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. ઇંગ્લૅન્ડની ટીમ ગ્રૂપ 1માં બીજા નંબરે રહી હતી.
ઇંગ્લૅન્ડે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા હતા, માર્ક વુડ અને ડેવિડ મલાનની જગ્યાએ ફિલ સૉલ્ટ અને ક્રિસ જોર્ડનને જગ્યા આપવામાં આવી હતી. જ્યારે ભારતની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા ન હતા.
ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને કે. એલ. રાહુલ ફરી ફ્લૉપ રહ્યા હતા.














