ગુજરાતમાં હજી કેટલા દિવસ અને ક્યાં વરસાદ પડશે?
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હજુ પણ રોજ થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે. તેની સાથે ઉત્તર ગુજરાતમાં પણ અમુક જગ્યાએ વરસાદ નોંધાયો છે.
છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડા જોવામાં આવે તો ભાવનગરના મહુવામાં 81 મિમી વરસાદ નોંધાયો છે જ્યારે તળાજામાં 77 મિમી, ભરૂચના હાંસોટમાં 72 મિમી, ગાંધીનગરના દહેગામમાં 71 મિમી, છોટા ઉદેપુરના ક્વાંટમાં 62 મિમી, ડાંગમાં 59 મિમી, સુરતના મહુવામાં 56 મિમી, ગાંધીનગરમાં 56 મિમી, પંચમહાલના જાંબુઘોડામાં 52 મિમી, છોટા ઉદેપુરના બોડેલીમાં 46 મિમી, ભાવનગરના ઘોઘામાં 45 મિમી, કલોકમાં 45 અને કડીમાં પણ 45 મિમી વરસાદ પડ્યો છે.
તેવી જ રીતે સંખેડા, વાગરા, ધંધુકા, શિહોર, ઓલપાડ, વડોદરા, પાલીતાણા, તિલકવાડા, નસવાડીમાં પણ સવા ઇંચથી દોઢ ઇંચ સુધી વરસાદ પડ્યો છે.
અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સર્જાયું હતું છે હજુ પણ ત્યાં જ સ્થિત છે. હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે હાલમાં આ ડિપ્રેશન વેરાવળના દરિયાકિનારાથી 400 કિમી, મુંબઈના તટથી 510 કિમી, પણજીના દરિયાકિનારાથી 660 કિમીના અંતરે છે. આગામી 36 કલાકમાં તે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પાર કરે તેવી શક્યતા છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



