જિયો પ્લૅટફૉર્મ્સનો IPO માત્ર 100 મિનિટમાં કેમ છલકાયો, અમેરિકાના વિદેશ મંત્રી જામનગર કેમ પહોંચ્યા?

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
મુકેશ અંબાણીનું રિલાયન્સ જૂથ આજે બે કારણોથી ચર્ચામાં છે. પહેલું કારણ, રિલાયન્સના જિયો પ્લૅટફૉર્મ્સનો આઈપીઓ 100 મિનિટની અંદર છલકાયો તે છે અને બીજું કારણ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો જામનગરની મુલાકાતે છે.
રિલાયન્સના જિયો પ્લૅટફૉર્મ્સનો મેગા આઇપીઓ આજે ખુલ્યા પછી માત્ર 100 મિનિટની અંદર સંપૂર્ણ છલકાઈ ગયો હતો. સંસ્થાકીય રોકાણકારો અને નાના રોકાણકારોએ આ ઇશ્યૂમાં ભારે રસ દેખાડ્યો છે જેના કારણે ₹30,213 કરોડનો આઇપીઓને છલકાવામાં બે કલાક કરતાં પણ ઓછો સમય લાગ્યો હતો.
બીજી તરફ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો આજે મુંબઈમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને મુકેશ અંબાણી સાથે મુલાકાત કર્યા પછી જામનગરમાં રિલાયન્સની ઑઇલ રિફાઇનરીની મુલાકાતે પહોંચ્યા છે.
મધ્યપૂર્વના યુદ્ધ અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે દુનિયાભરમાં ઍનર્જીના ભાવને અસર થઈ છે. તેવામાં જંગી રિફાઇનિંગ ક્ષમતા ધરાવતું રિલાયન્સ જૂથ ઍનર્જીનો પૂરવઠો વધારવામાં ભૂમિકા ભજવી શકે છે એવું માનવામાં આવે છે. તેના કારણે માર્કો રુબિયોની જામનગર મુલાકાતની દેશવિદેશનાં મીડિયામાં નોંધ લેવાઈ છે.
જિયોનો પબ્લિક ઇશ્યૂ ફટાફટ છલકાયો

ઇમેજ સ્રોત, LightRocket via Getty Images
પીટીઆઇના અહેવાલ પ્રમાણે જિયો પ્લૅટફૉર્મ્સનો પબ્લિક ઇશ્યૂ માત્ર 100 મિનિટની અંદર છલકાયો તે ભારતના તમામ મેગા ઇશ્યૂમાં એક રેકૉર્ડ છે. બપોરના 12.33 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે 19.75 કરોડ શૅર ઑફર માટે હતા તેની સામે 28.31 કરોડ શૅરની બિડ મળી હતી. આ આઇપીઓ 23 ઑક્ટોબર સુધી ખુલ્લો રહેશે.
ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે અનામત રખાયેલો હિસ્સો 4.13 ગણો છલકાયો હતો. તેમાં 4.90 કરોડ શૅરની ઑફર સામે 20.23 કરોડ શૅરની બિડ મળી હતી. બૅન્કો અને વીમા કંપનીઓ જેમાં આવે છે તે ડૉમેસ્ટિક ફાઇનાન્શિયલ સંસ્થાઓએ 13.40 કરોડ શૅર માટે બિડ કરી હતી.
અમદાવાદસ્થિત મોનાર્ક નેટવર્થના મૅનેજિંગ ડાયરેક્ટર વૈભવ શાહે જણાવ્યું કે, જિયો પ્લૅટફૉર્મ્સનો આશરે ₹30,213 કરોડનો આઇપીઓ રોકાણકારોને દેશના સૌથી મોટા ટેલિકૉમ અને ડિજિટલ વ્યવસાયમાં સીધી ભાગીદારીની તક આપશે.
તેઓ માને છે કે, આ આઈપીઓ નવા રોકાણકારો અને વિદેશી મૂડીને આકર્ષી શકે છે. જોકે, જિયોના શૅરની અરજી માટે મોટી રકમ રોકવાના કારણે અને અન્ય શેરોમાંથી રૂપિયા આ તરફ ડાઇવર્ટ થવાના કારણે ટૂંકા ગાળામાં બજારની લિક્વિડિટી અને શૅરોના ભાવમાં વધઘટ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિલાયન્સ જૂથ આ રૂપિયાનું શું કરશે? તેવા સવાલના જવાબમાં વૈભવ શાહ કહે છે કે, આ સંપૂર્ણપણે નવા શૅરોનો ઇશ્યૂ છે. તેમાંથી લગભગ 27,500 કરોડ રૂપિયાનો ઉપયોગ રિલાયન્સ જિયો ઇન્ફોકૉમનું દેવું ચુકવવા માટે થશે. બાકીની ચોખ્ખી રકમ સામાન્ય કૉર્પોરેટ હેતુઓ માટે કરવાની યોજના છે. જિયોનું દેવું ઘટવાથી વ્યાજનો બોજ હળવો થશે અને કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે છે.
ઇલોન મસ્ક સાથે સ્પર્ધા વધશે

ઇમેજ સ્રોત, Getty / Reuters
હૉંગકૉંગ સ્થિત અંગ્રેજી અખબાર સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ લખે છે કે, જિયો પ્લૅટફૉર્મ્સનો આઇપીઓ આ કંપનીમાં રોકાણકારોના ભરોસાની કસોટી કરશે.
તેઓ લખે છે કે "રિલાયન્સ જૂથના મુકેશ અંબાણી અને અમેરિકન ઉદ્યોગપતિ ઇલોન મસ્ક વચ્ચેના વિવાદ વચ્ચે આ આઇપીઓ આવ્યો છે. સ્પેસઍક્સના સ્થાપક ઇલોન મસ્ક મુકેશ અંબાણી પર ભારતમાં મૉનોપોલીનો ઉપયોગ કરીને સ્ટારલિંકના પ્રવેશને અટકાવવાનો આરોપ લગાવ્યો છે. રિલાયન્સ જૂથે આ આરોપ ફગાવીને કહ્યું છે કે, તેઓ ક્યારેય સ્પર્ધાથી ડરતા નથી."
અત્યાર સુધીની માહિતી પ્રમાણે જિયો પ્લૅટફૉર્મ્સના આઇપીઓમાં સિંગાપોરની જીઆઈસી, બ્લૅકરૉક અને ફિડેલિટી જેવા સંસ્થાકીય રોકાણકારોએ ભારે રસ દર્શાવ્યો છે અને એન્કર ઇન્વેસ્ટરો માટે અનામત રખાયેલા ક્વોટા કરતા 30 ગણી વધારે બિડ મળી છે.
ભારતીય શૅરબજારમાંથી તાજેતરમાં વિદેશી રોકાણકારોએ અબજો ડૉલરની મૂડી બહાર ખેંચી લીધી છે, ત્યારે જિયોના આઇપીઓના કારણે ભારતીય બજારમાં રસ વધશે એમ માનવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Secretary Marco Rubio/X
સ્ટૉક માર્કેટના ઍનાલિસ્ટ ગુંજન ચોક્સી કહે છે કે "વિદેશમાં ઉંચા વ્યાજદર, ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ ઝુકાવના કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારને છોડીને વિદેશમાં મૂડી લગાવી રહ્યા છે."
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલમાં પણ ઇન્ડિયા બ્લૉકચેઇન ઍલાયન્સના ચૅરમૅન રાજ કપૂરને ટાંકીને લખવામાં આવ્યું છે કે, "જિયો જે રકમ એકત્ર કરશે તેમાં દર 10માંથી નવ રૂપિયા દેવું ચુકવવા માટે વપરાશે. સેટેલાઇટ લૉન્ચ કરવા માટે માટે મૂડી નહીં વપરાય."
જિયોએ 2016માં પોતાની સર્વિસ શરૂ કરી ત્યારે ફ્રી વૉઇસ કૉલ અને સસ્તા દરે ડેટા ઑફર કરીને ઝડપથી માર્કેટ વિસ્તાર્યું હતું.
વિદેશ મંત્રી માર્કો રુબિયોની જામનગર મુલાકાત

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આજે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ઑઇલ રિફાઇનરીની મુલાકાત લીધી હતી. અગાઉ એક ઇન્ટરવ્યૂમાં તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે અમેરિકાના વિદેશ મંત્રી શા માટે એક રિફાઇનરીની મુલાકાતે જઈ રહ્યા છે. ત્યારે તેમણે આના માટે ઍનર્જીનું કારણ આપ્યું હતું.
રુબિયોએ કહ્યું કે "ઍનર્જીનો ઉપયોગ કરવા માટે તેને રિફાઇન કરવી પડે. આ કંપની પાસે રિફાઇનિંગની જંગી ક્ષમતા છે. બીજા દેશોમાંથી ઑઇલ મેળવવાની વાત હોય ત્યારે તેમની સાથે વાત કરવી જરૂરી છે."
રુબિયોને એવો સવાલ પણ પૂછવામાં આવ્યો હતો કે "શું ભારતીય કંપનીઓ વેનેઝુએલાના ઑઇલને રિફાઇન કરી શકે છે, ત્યારે તેમણે કહ્યું કે હા, કરી શકે છે. અમે આ વિશે રિલાયન્સ સાથે વાત કરીશું. તેમણે ભૂતકાળમાં આ કરેલું છે. તેઓ હેવી ક્રૂડને રિફાઇન કરવાની ક્ષમતા ધરાવે છે. મને લાગે છે કે વેનેઝુએલાનું વધુને વધુ ઑઇલ આવશે જેને તેઓ રિફાઇન કરી શકે છે. અત્યારે જે યુદ્ધ ચાલે છે તેમાં રિફાઇનિંગ ક્ષમતા એ સૌથી મહત્ત્વની ચીજ છે, અને ભારત એ રિફાઇનિંગમાં સુપરપાવર છે."
રુબિયોએ આ મુલાકાતમાં સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ "વેનેઝુએલામાં રિલાયન્સ પોતાનું ઑઇલ ઉત્પાદન વધારે તે માટે પ્રોત્સાહિત કરશે." તેમણે કહ્યું કે "આ કંપની ભૂતકાળમાં પણ વેનેઝુએલામાં રહી છે."
વેનેઝુએલાનું ઑઇલ મહત્ત્વની ભૂમિકા ભજવશે?

ઇમેજ સ્રોત, ANI
ભારત પહોંચ્યા પછી નેટવર્ક18ને આપેલી મુલાકાતમાં માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે વેનેઝુએલા પોતાનું ઊર્જા ઉત્પાદન વધારી રહ્યું છે અને ભારત તેને રિફાઇન કરવાનો ઇતિહાસ ધરાવે છે.
આ ઉપરાંત અમેરિકામાં રિફાઇનરી નાખી રહેલી કંપનીઓમાં રિલાયન્સનો સમાવેશ થાય છે. તેથી અમે તેમની (રિલાયન્સ) સાથે નિકટતાથી કામ કરવા માટે તેમની સાથે વાત કરવા માગીએ છીએ. તેમણે પશ્ચિમી ગોળાર્ધમાં ઍનર્જીની જરૂરિયાત પૂરી કરવા માટે ભારતમાં ઑઇલ રિફાઇનિંગ કરવાની વાત કરી હતી.
વિદેશ સંબંધોના નિષ્ણાતો કહે છે કે, અમેરિકાને ઍનર્જીની ચિંતા છે અને આગામી મિડ-ટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફાયદો થાય તે માટે પ્રયાસ થઈ રહ્યા છે.
વિદેશ બાબતોના નિષ્ણાત રોબિન્દર સચદેવે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે "થોડા મહિના અગાઉ ટ્રમ્પે રિલાયન્સના રોકાણ સાથે ટૅક્સાસમાં 300 અબજ ડૉલરના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ બહુ મોટી રકમ છે.
તેમણે કહ્યું કે અત્યારે અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. પાંચથી છ સેનેટ રેસમાં રિપબ્લિકનો બહુ મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. મને લાગે છે કે રુબિયો ત્રણથી ચાર દિવસમાં રિલાયન્સ સાથે ડીલ ફાઇનલ થાય તેવું ઇચ્છે છે જેથી ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી શકે કે અમે ટૅક્સાસમાં એક રોકાણ લાવી રહ્યા છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























