મહારાજા રણજિતસિંહનો પેશાવર પર વિજય, જેના પછી અફઘાનોના હુમલા બંધ થઈ ગયા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વકાર મુસ્તફા
- પદ, પત્રકાર, સંશોધક
- વાંચવાનો સમય: 6 મિનિટ
માર્ચ 1823માં વસંતઋતુનો વરસાદ મોડો પડ્યો અને સિંધુ નદીમાં પાણીનું સ્તર ઓછું થઈ ગયું હતું.
તેથી મહારાજા રણજિતસિંહે હુંડ ગામની પાસે એ જ ઐતિહાસિક ઘાટ પરથી નદી પાર કરવાનો નિર્ણય કર્યો જ્યાંથી તેમની પહેલાં ઘણા વિજેતાઓ પસાર થઈ ચૂક્યા હતા.
ઓલાફ કારોએ તેમના પુસ્તક 'ધ પઠાન્સ'માં જણાવ્યું છે કે 18મી સદીના મધ્યથી શાસન કરનાર દુર્રાની અફઘાનોએ 1818માં મુલતાન અને પછીના વર્ષે કાશ્મીરની સાથે જ સિંધુ નદીના પૂર્વમાં પોતાનું સમગ્ર નિયંત્રણ ગુમાવી દીધું હતું અને લાહોરથી શાસન કરનાર શીખ શાસક રણજિતસિંહે નદીના અફઘાનિસ્તાનવાળા ભાગ પર મજબૂત પકડ જમાવી લીધી હતી.
ત્યાર પછીનાં બે વર્ષમાં રણજિતસિંહે પોતાની સ્થિતિને વધુ મજબૂત કરી. તેમણે ડેરા ગાઝી ખાન અને ડેરા ઇસ્માઈલ ખાનને પણ પોતાના રાજ્યમાં સામેલ કરી લીધાં અને હસન અબ્દાલની ઉત્તરમાં રહેલી હજારા જનજાતિઓને—જેમણે કાશ્મીર જતા રસ્તામાંના એક પર કબજો જમાવી રાખ્યો હતો—પોતાને અધીન કરી લીધી.
દુર્રાની સત્તા માટે આ પડકારનો જવાબ આપવો જરૂરી હતો.
ઓલાફ કારો અનુસાર 1822માં અફઘાન ગવર્નર અઝીમ ખાન બરાકઝઈ ભાગેડુ શીખ સરદાર જયસિંહ અટારીવાલાની સાથે ખૈરાબાદ પર હુમલો કરવા અને રણજિતસિંહને સિંધુ નદીની પેલે પાર પાછા ધકેલવા માટે પેશાવર આવ્યા હતા, પરંતુ આંતરિક સમસ્યાઓના કારણે અભિયાન શરૂ થતાં પહેલાં જ તેમણે પાછા ફરવું પડ્યું.
જ્યારે મહારાજા રણજિતસિંહે ચઢાઈ કરી
કારોએ લખ્યું છે, "રણજિતસિંહે અઝીમ ખાન યાર મોહમ્મદ ખાન પાસેથી ટૅક્સની માગણી કરી. યાર મોહમ્મદે તેમને કીમતી ઘોડા ભેટ આપીને તેમની નારાજગીને તત્પૂરતી ટાળી દીધી. પછીથી રણજિતસિંહને સમાચાર મળ્યા કે અઝીમ ખાન પેશાવર પાછા જઈ રહ્યા છે, જ્યારે યાર મોહમ્મદે મહારાજાના ગુસ્સાથી બચવા માટે સ્વાતમાં યુસુફઝઈ લોકોની પાસે શરણ લીધું છે."
આ કારણે રણજિતસિંહે માર્ચ 1823માં અઝીમખાન પર ફરીથી ચઢાઈ કરી દીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કારો લખે છે કે કબીલા (આદિવાસી)ઓના સમૂહ સિંધુ નદીના યુસુફઝઈ કિનારે ભેગા થયા અને શીખ ઘોડેસવારોને પડકાર ફેંકતાં સૂત્રો પોકાર્યાં.
આ સાંભળીને શીખ સૈનિક ક્રોધિત થઈ ગયા અને તેમણે પોતાના ઘોડાને નદીમાં ઉતારી દીધા. તેમણે અડધા તરીને અને અડધા ચાલીને નદી પાર કરી. જોકે, ઘણા સૈનિક અને પ્રાણી પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયાં.
"ત્યાર પછી રણજિતસિંહ પોતાની મુખ્ય સેનાની સાથે સંગઠિત રીતે આગળ વધ્યા. તેમણે હોડીઓ એકઠી કરી અને તોપોને હાથીઓ દ્વારા નદી પાર કરાવી. તે દરમિયાન યુસુફઝઈ અને ખટ્ટક સેનાઓ પણ લગભગ 20 હજારની સંખ્યામાં ભેગી થઈ ગઈ. તેનું નેતૃત્વ સૈયદ અકબરશાહ કરતા હતા, જે બનિરમાં પીરબાબાના વંશજ હતા."
ઐતિહાસિક યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કારો લખે છે કે અઝીમ ખાન બરાકઝઈ કાબુલથી પોતાના સૈનિકોની સાથે પેશાવરથી મુખ્ય માર્ગે આગળ વધી ગયા હતા. પરંતુ નદી પાર કરવાના બદલે તેમણે મુખ્ય માર્ગ પર લગભગ પાંચ કિલોમીટર પૂર્વમાં એ સ્થળે ધામા નાખ્યા જ્યાં અત્યારે નૌશેરા છાવણી છે.
"આ યુદ્ધનું નામ વર્તમાન નૌશેરા છાવણીના નામ પરથી રાખવામાં નહોતું આવ્યું, કેમ કે તે સમયે ત્યાં કોઈ છાવણી નહોતી, પરંતુ લાંદઈ નદીના ઉત્તર તરફના કિનારે આવેલા નૌખર નામના પ્રાચીન ગામ કે કસ્બાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. જોકે, આ યુદ્ધની સૌથી ભીષણ અથડામણ પીરસાબની પહાડીની આસપાસ થઈ હતી, તેથી તેને ક્યારેક ક્યારેક એ નામથી પણ યાદ કરવામાં આવે છે."
અલેક્ઝાન્ડર ગાર્ડનરે તેમના પુસ્તક 'સોલ્જર ઍન્ડ ટ્રાવેલર: મેમૉયર્સ ઑફ અલેક્ઝાન્ડર ગાર્ડનર, કર્નલ ઑફ આર્ટિલરી ઇન ધ સર્વિસ ઑફ મહારાજા રણજિતસિંહ'માં લખ્યું છે કે ભયંકર હુમલા છતાં રણજિતસિંહની સેના સિંધુ નદીને પાર કરવામાં સફળ રહી.
ત્યાર પછી કબીલાની સેનાએ પીરસાબ પહાડી પર પીછેહટ કરી, જ્યાં તેમણે પોતાની શક્તિ એકઠી કરી. તેમને આશા હતી કે અઝીમ ખાનની દુર્રાની સેના અને તોપખાનું મદદ માટે પહોંચી જશે. પરંતુ અજ્ઞાત કારણોના લીધે અઝીમ ખાને તરત કાબુલ નદી પાર કરીને કબીલાના લોકોને મળવાનો પ્રયાસ ન કર્યો.
તેઓ આગળ લખે છે કે, "રણજિતસિંહે પોતાની તોપો અને પગપાળા સેનાને કબીલાની સેના વિરુદ્ધ કેન્દ્રિત કરી અને એક નાની ટુકડીને નદીના જમણા (દક્ષિણ) કિનારે અઝીમ ખાનને અટકાવવા માટે મોકલી.
જ્યારે રણજિતસિંહ પોતે યુદ્ધના મેદાનમાં ઊતર્યા

ઇમેજ સ્રોત, Getty Images
કારો લખે છે કે કબીલા અને શીખ અકાલીઓ વચ્ચે ભયંકર યુદ્ધની શરૂઆત થઈ. અમૃતસરના ધાર્મિક સમૂહના નેતા ફૂલાસિંહ મૃત્યુ પામ્યા અને શીખ ઘોડેસવાર સેના કબીલાની પગપાળા સેના પર વધુ પ્રભાવ ન પાડી શકી, કેમ કે તેઓ મેદાનમાં ફેલાયેલી પથરાળ ટેકરીઓની વચ્ચે યોગ્ય રીતે તહેનાત હતા.
"યુદ્ધનું પરિણામ શીખો વિરુદ્ધ જવા લાગ્યું. યુસુફઝઈ અને તેમના યોદ્ધાઓના સમૂહોએ અસામાન્ય વીરતાનો પરિચય કરાવીને તાલીમબદ્ધ શીખ પગપાળા સેનાને પાછી ધકેલી દીધી."
તેઓ લખે છે કે, "કબીલાની સેનાએ જુસ્સાપૂર્વક આગળ વધવાનું શરૂ કર્યું, પરંતુ મહારાજાની સેનાની ગુરખા બટાલિયને તેમને એક તરફ અટકાવી દીધા. આ બટાલિયને સ્ક્વેર ફૉર્મેશન બનાવીને આગળ વધી રહેલા કબીલા સમૂહો પર સતત ગોળીબાર કર્યા. બીજી બાજુ, શીખ તોપખાનાએ પણ નદીની સામે પારથી અસરકારક રીતે ગોળા છોડ્યા, જેનાથી કબીલાની સેનાનું આગળ વધવાનું અટકી ગયું."
કબીલાના લોકો આ પથરાળ પહાડો વચ્ચે પાછા હટી ગયા અને શીખોએ ફરીથી સંગઠિત થઈને પીરસાબના મહત્ત્વપૂર્ણ શિખર પર કબજો કરવાના ત્રણ પ્રયાસ કર્યા, પરંતુ દરેક વખતે તેમને પાછા ધકેલી દેવાયા.
કારો લખે છે કે, "ચોથા પ્રયાસમાં પહાડી પર વિજય પ્રાપ્ત થયો અને તે પણ માત્ર એટલા માટે, કેમ કે મહારાજા રણજિતસિંહ પોતે બાકી બચેલા ગુરખા સૈનિકો અને પોતાના ઘોડેસવાર અંગરક્ષકોનું નેતૃત્વ કરતા મેદાનમાં ઊતર્યા અને તેમનો જુસ્સો વધાર્યો."
તેઓ લખે છે કે નૌશેરાની નજીક આવેલાં વિશાળ કબ્રસ્તાનોને જોઈને આ ઘટનામાં કબીલાઓને થયેલા નુકસાનનું અનુમાન કરી શકાય છે.
રણજિતસિંહનો પેશાવર પર કબજો

ઇમેજ સ્રોત, Getty Images
કારો અનુસાર, આ દરમિયાન નદીના સામા કિનારે રહેલા અઝીમ ખાને નદી પાર કરવાનો પ્રયાસ ન કર્યો અને શીખ તોપખાનાના પ્રભાવને ઘટાડવા માટે કોઈ નક્કર પગલાં પણ ન ભર્યાં. જોકે, તેની સેના દક્ષિણ તટ પર હતી. એ જ સાંજે અઝીમ ખાન પાછા હટી ગયા. તેઓ મહાપ્રયત્ને યુદ્ધમાં સામેલ થયા અને એ વાતનું કોઈ નક્કર સ્પષ્ટીકરણ પણ આપવામાં ન આવ્યું.
જોનાથન એલ લી તેમના પુસ્તક 'અફઘાનિસ્તાન: 1260 સે વર્તમાન તક કા ઇતિહાસ'માં લખે છે કે કેટલાક લોકોનું માનવું છે કે અઝીમ ખાનને વિશ્વાસ હતો કે તેમનો ભાઈ શીખોના કહેવાથી પેશાવર પર ફરી કબજો કરવા આવી રહ્યો હતો, જ્યારે અન્ય લોકો આને કાયરતા કે શીખ હુમલાથી ઘેરાઈ જવાનો ડર ગણાવે છે.
કારોએ લખ્યું, "નવ વર્ષ પછી અલેક્ઝાન્ડર બર્ન્સને પેશાવરમાં જણાવવામાં આવ્યું કે અઝીમ ખાનને પોતાના ખજાનાની લૂટનો ભય હતો અથવા તો ઉત્તર તટ પર અકાલી દળના સભ્યોની ચીસોથી તેમના સૈનિકો સાવધ થઈ ગયા હતા. તેમણે આ ચીસોને નવી સેનાનું આક્રમણ માની."
અઝીમ ખાન યુદ્ધના થોડા સમય પછી, પરંતુ કોઈ પણ ઈજા વગર મૃત્યુ પામ્યા.
કારો લખે છે કે આ મૃત્યુની સાથે જ વીસ જીવતા ભાઈઓ વચ્ચે બચેલું એકતાનું છેલ્લું સૂત્ર પણ તૂટી ગયું.
અઝીમના સાવકા ભાઈ યાર મોહમ્મદે કાબુલમાં અઝીમનું સ્થાન લીધું અને પછી 1826માં અફઘાનિસ્તાનના અને પેશાવરના શાસક બન્યા.
અલેક્ઝાન્ડર ગાર્ડનર પોતાના પુસ્તક 'સોલ્જર ઍન્ડ ટ્રાવેલર: મેમૉયર્સ ઑફ અલેક્ઝાન્ડર ગાર્ડનર, કર્નલ ઑફ આર્ટિલરી ઇન ધ સર્વિસ ઑફ મહારાજા રણજિતસિંહ'માં લખે છે કે, "રણજિતસિંહે દુર્રાની સત્તાના રહ્યાસહ્યા અવશેષોને નષ્ટ કરીને પેશાવરને તારાજ કરી નાખ્યું અને ખૈબર ઘાટ પર પણ નિયંત્રણ મેળવી લીધું, જેથી એ રસ્તેથી દુર્રાની સેનાની કોઈ મદદ ન આવી શકે."
કારો લખે છે કે બાલા હિસારના કિલ્લા પર ગોળા ફેંકાયા અને તેની અંદર રહેલા સુંદર મહેલને લૂટી લેવામાં આવ્યો. કિલ્લાની નીચે આવેલા બગીચામાં ઊગેલાં વૃક્ષોને કાપી નાખવામાં આવ્યાં અને કુંડોનું પાણી ગંદું કરી દેવાયું, અને તેમની ઘોડેસવાર સેનાએ પેશાવરની ચારેબાજુ માઈલો સુધી ફેલાયેલા રાસબેરી, પીચ, જરદાલુ, જમરૂખના મોટા બાગોને નષ્ટ કરી દીધા.
અંગ્રેજોનું આગમન

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, વી. નાલવાએ તેમના પુસ્તક 'હરિ સિંહ નાલવા'માં લખ્યું છે કે શીખ સેનાના કમાન્ડર હરિસિંહ નાલવાએ ઝડપથી કિલ્લાનું પુનર્નિર્માણ શરૂ કરી દીધું હતું.
રણજિતસિંહનો આ વિજય તેમના વિજયોની પરાકાષ્ઠા સાબિત થયો. તેમનું સામ્રાજ્ય હવે પશ્ચિમમાં ખૈબર ઘાટથી લઈને ઉત્તરમાં કાશ્મીર અને દક્ષિણમાં મુલતાન સુધી ફેલાયેલું હતું.
કારો અનુસાર, રણજિતસિંહ ત્યાં વધારે સમય ન રોકાયા. તેમણે યાર મુહમ્મદની પોતાના પક્ષમાં કરાયેલી આત્મસમર્પણની અરજી સ્વીકારી લીધી અને દક્ષિણ તરફ પાછા ફર્યા.
"મહારાજા રણજિતસિંહ હવે પેશાવરની સાથોસાથ કોહાટ, બન્નૂ અને ડેરા જાટને નામમાત્ર માટે નિયંત્રણમાં લેવામાં સફળ થઈ ગયા હતા, પરંતુ તેમની સેનાઓ સતત કબીલા (આદિવાસી)ઓની સામે ભયંકર યુદ્ધમાં વ્યસ્ત રહેતી હતી, એટલે સુધી કે એવાં ક્ષેત્રોમાં પણ જ્યાં દુર્રાની ગવર્નરોએ તેમની અધીનતા સ્વીકારી લીધી હતી."
રાજમોહન ગાંધીના પુસ્તક 'પશ્તૂનો કે અહિંસક રાજા' દ્વારા જાણવા મળે છે કે ત્યાર પછી ઉત્તર ભારતના ધાર્મિક નેતા સૈયદ અહમદ આવ્યા. તેઓ 1827માં પેશાવર પહોંચ્યા. તેમના આંદોલનનું કેન્દ્ર ચારસદ્દા હતું.
તેમના પુસ્તકમાં લખ્યું છે કે, "સૈયદ અહમદે પેશાવરના ગવર્નર પર તેમને ઝેર આપવાની કોશિશ કર્યાનો આરોપ કર્યો અને પોતે પેશાવર પર હુમલો કરી દીધો. આ હુમલામાં યાર મુહમ્મદ ખાં મૃત્યુ પામ્યા. જો ફ્રૅન્ચ જનરલ વેન્ચુરાના નેતૃત્વમાં શીખોની ટુકડી ત્યાં હાજર ન હોત, તો યાર મુહમ્મદના નાના ભાઈ સુલતાન મુહમ્મદ ખાન માટે પેશાવરને બચાવવું શક્ય ન હોત."
સૈયદ અહમદે એક વાર ફરી પેશાવર પર હુમલો કર્યો. બરાકઝઈ પરાજિત થયા અને સૈયદ અહમદે 1830ના ઉનાળાના અંતમાં બે મહિના સુધી પેશાવર પર કબજો જાળવી રાખ્યો, પરંતુ 1831માં બાલાકોટમાં શીખોના હુમલામાં તેમનું મૃત્યુ થઈ ગયું.
1849માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ શીખોને હરાવી દીધા અને પેશાવર સહિત પંજાબ પર કબજો કરી લીધો, જે પહેલાં રણજિતસિંહના નિયંત્રણમાં હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















