આઈપીએલ 2026 : વિરાટ કોહલીને લઈને મોહમ્મદ કૈફની સોશિયલ મીડિયા પોસ્ટ કેમ ચર્ચામાં છે? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ માટે વિરાટ કોહલીની શનિવારે રમેલી પારીની ભરપૂર પ્રશંસા કરી છે.
મોહમ્મદ કૈફે ઍક્સ પર લખ્યું, "કલ્પના કરો, ઑસ્ટ્રેલિયામાં બે વાર શૂન્ય પર આઉટ થયા પછી એવું કહેવામાં આવ્યું કે વિરાટ કોહલીનો સમય પૂરો થઈ ગયો છે. પરંતુ તેમના છેલ્લા 10 સ્કોર સફેદ બૉલના ક્રિકેટમાં આ છે – 74, 135, 102, 65, 131, 77, 93, 23, 124 અને આ મૅચમાં 69 રન નૉટઆઉટ."
હકીકતમાં, વિરાટ કોહલીએ આઈપીએલ 2026ની પહેલી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સરળ જીત અપાવી.
કોહલીએ 38 બૉલમાં 69 રન બનાવ્યા, તેમણે પોતાની પારીમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા લગાવ્યા.
મૅચ પહેલાં પણ મોહમ્મદ કૈફે આરસિબી અને વિરાટ કોહલીને લઈને એક ઍક્સ પર પોસ્ટ કરી હતી.
તેમાં તેમણે લખ્યું, "આરસીબી અને વિરાટ કોહલીને 'ડિફેન્ડિંગ ચૅમ્પિયન્સ' કહેવાનો ગૌરવ મેળવવામાં 18 વર્ષ લાગ્યાં. આ સિઝનમાં જોવાનું રહેશે કે પહેલેથી જ શાનદાર ફૉર્મમાં ચાલી રહેલા વિરાટ વધુ સફળતા માટે કેટલા બેચેન છે."
કૈફે લખ્યું, "આરસીબી અને વિરાટ, કેટલી અદ્ભુત કહાણી છે. તેમણે ક્યારેય હાર માની નથી. તેઓ સતત પ્રયત્ન કરતા રહ્યા. જીવન એક મૅરાથૉન છે, ધીરજ રાખો, દોડતા રહો, તમે તમારી મંઝિલ સુધી જરૂર પહોંચશો."
આઈપીએલની આ સિઝનમાં બીજા દિવસે એટલે કે આજે, મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે મૅચ રમાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનનાં 20 જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની પરવાનગી મળી : ઇસહાક ડાર

ઇમેજ સ્રોત, SHAMIL ZHUMATOV/POOL/AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇસહાક ડારે જાણકારી આપી છે કે તેમના દેશનાં જહાજોને હોર્મુઝની સામુદ્રધુની પાર કરવાની મોટી છૂટ મળી છે.
ઇસહાક ડારે કહ્યું, "ઈરાને પાકિસ્તાની ધ્વજવાળાં વધુ 20 જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની પરવાનગી આપવા અંગે સંમતિ વ્યક્ત કરી છે."
તેમણે જણાવ્યું કે દરરોજ બે જહાજ હોર્મુઝની સામુદ્રધુની પાર કરશે. ઈરાને હજુ આ વાતની પુષ્ટિ નથી કરી.
હાલનો સંઘર્ષ શરૂ થયા બાદથી ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીને લગભગ બંધ કરી દીધી છે. એ વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ ક્રૂડઑઇલ ટ્રાન્સપૉર્ટેશન માર્ગો પૈકી એક છે.
વિશ્વનું લગભગ 20 ટકા ક્રૂડઑઇલ અને લિક્વિડ નૅચરલ ગૅસ (એલએનજી) સામાન્યપણે આ જ રસ્તેથી પસાર થાય છે, પરંતુ બીબીસી વેરિફાઈના વિશ્લેષણમાં જોવા મળ્યું છે કે રોજિંદી અવરજવરમાં લગભગ 95 ટકાનો ઘટાડો આવ્યો છે.
ઇસહાક ડારે કહ્યું કે ઈરાન સાથે આ સમાધાન 'શાંતિના સંકેત છે, જે ક્ષેત્રમાં સ્થિરતા લાવવામાં મદદ કરશે.'
નોંધનીય છે કે આ પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે માહિતી આપી હતી કે તેમણે શનિવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર 'વિસ્તારપૂર્વક' વાત કરી છે. તેમણે કહ્યું કે આ વાતચીત 'એક કલાકથી વધુ' ચાલી.
યમનના હૂતિ વિદ્રોહીઓએ ઇઝરાયલ પર વધુ એક મિસાઇલ છોડી

ઇમેજ સ્રોત, Wisam Hashlamoun/Anadolu via Getty Images)
યમનના હૂથી વિદ્રોહીઓએ ઇઝારયલ પર બીજી મિસાઇલ છોડી છે અને ડ્રૉન હુમલા કર્યા છે.
આ જાણકારી 'સીએનએન' અને 'ટાઇમ્સ ઑફ ઇઝરાયલ' બંનેએ જણાવી છે. જોકે, ઇઝરાયલે કહ્યું કે તેણે યમનમાંથી છોડાયેલી એક મિસાઇલને રોકી દીધી.
ઈરાન સમર્થિત આ સમૂહે ઇઝરાયલ પર એક ક્રૂઝ મિસાઇલ છોડી, જેને તોડી પડાઈ. આ પહેલાં હૂતિ વિદ્રોહી સમૂહે એક બૅલિસ્ટિક મિસાઇલ ઇઝરાયલ પર છોડી હતી.
ઇઝરાયલી મીડિયા 'ચૅનલ 12' અને 'ટાઇમ્સ ઑફ ઇઝરાયલે' એવું પણ જણાવ્યું કે દક્ષિણ ઇઝરાયલના ઇલાત શહેર પર ડ્રૉન હુમલો થયો, જે યમન તરફથી કરાયો હતો.
આ પહેલાં હૂતિ વિદ્રોહીઓએ કહ્યું હતું તેમણે ઘણી બૅલિસ્ટિક મિસાઇલો છોડી છે જે 'સંવેદનશીલ ઇઝરાયલી સૈન્ય ઠેકાણાં'ને નિશાન બનાવવા માટે હતી.
હૂતિ આને પલટવાર હુમલો ગણાવી રહ્યા છે, તેમનું કહેવું છે કે, "પહેલાં ઇઝરાયલે ઈરાન, લેબનોન, ઇરાક અને પેલેસ્ટાઇનિયન વિસ્તારોને નિશાન બનાવ્યા. તેના જવાબમાં હવે ઇઝરાયલ પર હુમલા થઈ રહ્યા છે."
ઈરાને કહ્યું, પાકિસ્તાનમાં વાતચીત પહેલાં તુર્કીએ સંઘર્ષ ખતમ કરવામાં મદદની પેશકશ કરી

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનના વિદેશ મંત્રાલય પ્રમાણે, તુર્કીના વિદેશમંત્રી હફાન ફિદાને ફરી વખત કહ્યું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને ઉકેલવામાં "સાર્થક ભૂમિકા" ભજવવા માટે તેમનો દેશ તૈયાર છે.
મંત્રાલયે કહ્યું કે તુર્કી અને ઈરાનના વિદેશમંત્રીઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ, જેમાં ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ યુદ્ધને ખતમ કરવાની કોશિશો માટે તુર્કીના વિદેશમંત્રીને ધન્યવાદ કર્યા.
તુર્કી એ દેશોમાં સામેલ રહ્યું છે જે આ સંઘર્ષને સમાપ્ત કરવા માટે કૂટનીતિક રસ્તા પર કામ કરી રહ્યા છે.
આ પહેલાં પાકિસ્તાને કહ્યું હતું સાઉદી અરેબિયા અને ઇજિપ્ત સાથે મળીને તુર્કી 29 અને 30 માર્ચના રોજ ઇસ્લામાબાદમાં તણાવ ઘટાડવા અંગે થનારી વાતચીતમાં સામેલ થશે.
આ સંઘર્ષમાં તુર્કી માટે સંતુલન જાળવી રાખવું એક પડકારજનક છે, કારણ કે એ એક તરફ નાટોનો સભ્ય દેશ છે અને બીજી ઈરાનનો પાડોશી પણ, જેની સાથે તેની 300 માઈલ કરતાં વધુ લાંબી બૉર્ડર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















